હું તારી છું !
હું તારી છું !
તારામાં છેક ઊંડે સુધી હું મને વિસ્તરતી જોઉં છું,
પણ ક્યારેક હું મને જ તરછોડાયેલી પણ જોઉં છું...
એવું કેમ?
હું તારા સ્મરણે ,
હું તારા શ્વાસે,
હું તારા રોમેરોમે,
હું તારામાં...
તો પછી તું મને અળગી કેમ કરે?
મને કેમ તારી સામે લાવીને મૂકે?
હું તારામાં નહિ તો ક્યાંય નથી,
શું તને એ ખ્યાલ નથી?
તો તારા સવાલો કોને છે?
મને છે કે તારી જાતને જ તું પૂછે છે કે હું કોણ છું?
મને તો બસ તારામાં રહેતા જ આવડ્યું છે,
મને તારી અંદર પામીને હું કેટલી ઊંડે ઊતરી છું!
તારી અંદર સમાઈ જવું એ જ મારો ધર્મ રહ્યો છે,
તારી નાભિના પ્રત્યેક શ્વાસે ને દરેક ઉચ્છ્શ્વાસે ,
તારી હૃદયગતિએ હું મને અનુભવું છું અને તું?
મને પ્રશ્ન કરે છે કે હું ક્યાં છું? આવું કેમ?
મારુ સર્વત્ર તે તું છે,
મારું વિશ્વ,
મારું ઐક્ય,
મારું મૌન,
મારા આકાશ ને પાતાળ,
મારી હું ક્યાંય નથી, હું તો તારી છું...
તારી અંદર જ રહેવા દે મને, આમ અળગી ના કર,
હું શ્વસું છું તને, ને તારી અંદર સાંગોપાંગ રહેવા માગું છું.
દરિયાના ઉછળતાં મોજાંએ હું,
પણ એની લહેરોને સંભાળી લેતો એ તું-
જ્યાં બે લહેરો ઉછાળા મારતી એકબીજામાં પરોવાય છે ત્યાં.
સાંજ અને રાતની વચ્ચેનું એ ગુલાબી આકાશ એ તું,
ને તને પામી લેવા થનગનતી ચાંદનીનો પ્રકાશ એ હું.
બતાવ મને, ક્યાં છું હું?
સહેજ આપ મને તારામાં રહેવાને જગ્યા,
બદલામાં મારી જાત સોંપું તને,
સહેજ અડકવા દે મને તને,
બદલામાં મારો શ્વાસ આપું તને,
મને તરછોડ નહિ,
મને મૂંઝવ નહિ,
મને મુરઝાવું નથી,
ખીલવું છે તારી સાથે,
કહી દે મને કે "હું તારી છું !"
બસ રાહ છે મને તારી...