થાય એ!
થાય એ!
1 min
13.7K
ક્યાં જરુરી હોય છે કે ધારીએ જે, થાય એ;
આપણે સ્વીકારવાનું, હોય એ - દેખાય એ.
અર્થની ખોટી પળોજણમાં પડી શું પામવું?
તારવી લેવાનું જાતે જેટલું સમજાય એ.
આપણું જે હોય છે એ ક્યાંય પણ જાતું નથી,
આપણું હોતું નથી, જે હાથમાંથી જાય એ.
સંબંધના પહેરણમહીં એકાદ ખાંપો અવગણો,
એ જુઓ, સાંધી લીધું મેં જેટલું સંધાય એ.
વહી જવા દેવાનું, જેને રોકવું મુશ્કેલ છે,
સાચવી લેવાનું ભીતર, જે કશું સચવાય એ.
ખૂબ સ્હેલી રીતથી મેં કહી દીધું, કહેવું હતું,
મૂક માથાકૂટ, ગઝલ આ થાય કે ના થાય એ!