થયું છે
થયું છે
1 min
13.1K
કબૂતર ઉડ્યા છે તો સાબિત થયું છે,
જગત ક્યાંકથી રક્તરંજિત થયું છે.
બગીચેથી એવું પ્રસારિત થયું છે,
આ ઝાકળ ફૂલોથી વિવાહિત થયું છે.
આ પડછાયો મારો બને છાંયડો બસ,
મને સ્વપ્ન એવું અપેક્ષિત થયું છે.
બધા યે દીવો પોતપોતાનો કીધો,
શું અજવાળું સાચ્ચે ઉપસ્થિત થયું છે?
વિરહ તો હતો ને ઉપેક્ષા ઉમેરાઈ,
આ ખંડિત હતું મન, વિભાજીત થયું છે.
બધી ડાળ પર સાંભળ્યો જ્યારે કલરવ,
પછી ઝાડનું મન પ્રફુલ્લિત થયું છે.
મેં મારામાં માણસપણું જ્યારે શોધ્યું,
પછી જે લખ્યું તે સુભાષિત થયું છે.