લીલી-લીલી લ્હાણી !
લીલી-લીલી લ્હાણી !
1 min
13K
નહિ દાણા, નહિ પાણી !
તોય ખીચડી પાકી જાતી, થાતી રોજ ઉજાણી !
શ્વાસનગરની ગલી-ગલીમાં મુંજારાના ડેરા,
સમય ચોકની સાવ વચોવચ ફરતો ફોગટ ફેરાં !
ફટાક-ફટાક ફૂટયે રાખે ભીતર એવી ધાણી !
ઉજાગરાના ઊંબર પર આંખોને વાગી ઠેસ,
રાત ડાકણી ડોળા કાઢે, ખુલ્લાં રાખી કેશ !
આ તે કેવું રાજ કે જેમાં નહિ રાજા, નહિ રાણી !
નાડ-નાડમાં નર્તન કરતી ઈચ્છાઓની દાસી,
જીવ કહે કે ચાલો સાધુ, જઈએ સીધા કાશી !
આતમને અવસરિયે થાતી લીલી-લીલી લ્હાણી !