ઝળહળતી લાગે છે
ઝળહળતી લાગે છે
1 min
7.1K
મને તો જિંદગી દુઃખમાં બહુ ઝળહળતી લાગે છે,
નિરાશાઓ બધી રસ્તા મહીં ટળવળતી લાગે છે.
નિશાના ઘોર અંધારે અને આ ભાંગતી રાતે,
હજી અવનિ ઉપર આશાની શમા બળતી લાગે છે.
સુણાવ્યું તે મને જે કાંઈ કથન એ નથી મારું.
મને એમાં બીજી કોઈ કહાણી ભળતી લાગે છે.
કલા જીવવાની જો ના આવડે તો જિંદગી આખી,
શીતળતા સુખની પણ બપોર એક બળબળતી લાગે છે.
તમે જે કાઈ જુઓ છો બધુ સાચુ નથી હોતું,
ઘણી વેળા નજર ખુદની જ ખુદને છળતી લાગે છે.
કબર ખોદી ફરી એક વાર મારી જોઈ લ્યો મિત્રો,
કે એમાં જિંદગી થોડી હજુ સળવળતી લાગે છે.