લીલું વન
લીલું વન
જાત ઈર્ષાની અમારે બાળતાં વર્ષો થયાં,
મેલ દિલમાંથી અમારે કાઢતાં વર્ષો થયાં,
રાગ દ્વેષોથી ભરેલાં આજના સંબંધ છે,
એક નાની વાતને પણ પામતાં વર્ષો થયાં,
રોજ મારી જાતમાં કચરો ભરાતો હોય છે,
આયખાનો આજ કચરો વાળતાં વર્ષો થયાં,
એક દેવું લઇ અમે જીવી ગયા આ જિંદગી,
વ્યાજમાંથી જાત પાછી લાવતાં વર્ષો થયાં,
ખૂબ રાખ્યો જાત પર કાબૂ અમે એ વાતનો,
કરકસરથી જિંદગીને જીવતાં વર્ષો થયાં,
લોક શાને પ્રેમ નામે ભોગવીને ભાગતાં,
આજ એવા પ્રેમને પણ જાણતાં વર્ષો થયાં,
એક આખું રણ અહીં તપતું હતું આ જાતમાં,
એ જગાએ ખાસ લીલું વન થતાં વર્ષો થયાં.