ત્રિવેણી સંગમ
ત્રિવેણી સંગમ
લગાવના ઘાવને, મસ્તીથી પચાવું છું,
ઘાવને ખોતરનારી દુનિયાથી, ખુદને બચાવું છું,
ત્રિવેણી સંગમ છે શાહી, કાગળ અને આત્માનો,
જિંદગી મને નચાવે, હું શબ્દોને નચાવું છું.
જજબાતોને જબાન આપે છે, કાગળ અને શાહી,
દબાવી રાખેલ લાગણીઓ સર્જી શકે છે તબાહી,
ત્રિવેણી સંગમ છે શાહી, કાગળ અને આત્માનો,
શાયરના દુઃખ-દર્દ પણ અપાવી શકે છે વાહવાહી.
કલમ જો તૂટી જાય, તો શાહી આડેધડ વિખરી જાય,
શાહી જો કલમથી ટપકે, તો કાગળ નીખરી જાય,
ત્રિવેણી સંગમ છે શાહી, કાગળ અને આત્માનો,
બધુ છે નશ્ર્વર, શબ્દો પણ પાનખરની જેમ ખરી જાય.
શાયરના હાથે ચઢેલ શાહીનો અનેરો ઠાઠ હોય છે,
ગુરુના હાથે ચઢેલ શાહી, ભણાવે જીંદગીના પાઠ છે,
ત્રિવેણી સંગમ છે શાહી, કાગળ અને આત્માનો,
શબ્દો સાથે રહીશ બંધાયેલો, બાંધી એવી ગાંઠ છે.