દિલમાં દર્દનો દાવાનળ દબાવી બેઠો છું
દિલમાં દર્દનો દાવાનળ દબાવી બેઠો છું
દિલમાં દર્દનો દાવાનળ દબાવી બેઠો છું,
નયનમાં આખો સમુંદર સમાવી બેઠો છું.
કો'ક દિ' તો સાંભળશોને, પ્રભુ મારી પ્રાર્થના?
ચરણોમાં તમારા મસ્તક નમાવી બેઠો છું.
મૃગજળ સરીખી તુજ મિલનની આશમાં,
પાંપણે ઝાકળનાં તોરણ સજાવી બેઠો છું.
સાચવવા જતા બરછટસમ સંબંધોને,
મખમલી સુંવાળો સમય ગુમાવી બેઠો છું.
'નરેન' દોષિત નથી ઠેરવતો મિત્રોને હું,
ખુદનાં હાથે ખુદનું હૈયું કપાવી બેઠો છું.