મા..
મા..
મા વગર ઘરબાર,કેવળ હોય છે કૈં પણ કશું હોતું નથી.
ત્યાં દીવાલો, દ્રાર,કેવળ હોય છે કૈં પણ કશું હોતું નથી.
કોઇ અંદર-બ્હાર અનરાધાર વરસી જાય છે ત્યારે પછી,
કંઠમાં ટહુકાર,કેવળ હોય છે કૈં પણ કશું હોતું નથી.
આ કળી,ફૂલો,વસંતી વાયરા છે બાગની મિલ્કત અહીં,
ખુશ્બૂ વારસદાર,કેવળ હોય છે કૈં પણ કશું હોતું નથી.
હું મને,તમને વળી ઇશ્વર ને મળવા જ્યાં ગયો ત્યાં ત્યાં બધે,
વાર કેવળ વાર,કેવળ હોય છે કૈં પણ કશું હોતું નથી.
જે અહીંયા એકલા જીવી રહ્યાં છે એ બધા પાસે ફકત,
આંખ પાણીદાર,કેવળ હોય છે કૈં પણ કશું હોતું નથી.
સાફ શબ્દોમાં અહીં મૃગજળનું માંગુ આપ ઠુકરાવો પ્રથમ,
બાદ જયજયકાર,કેવળ હોય છે કૈં પણ કશું હોતું નથી.
જિંદગી જેને ગણો એ વાત અફવા થઇ શકે છે દોસ્ત, પણ
મોત સત્તાવાર , કેવળ હોય છે કૈં પણ કશું હોતું નથી.