Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

યાત્રા યાઃ ફલમ

યાત્રા યાઃ ફલમ

5 mins
274


"તમે આજનું છાપુ વાંચ્યું ?"સમતાએ પતિને પૂછ્યું. ઘડિયાળમાં બાર વાગ્યા હતાં. સમતાના પતિને સવારે પાંચ વાગે છાપુ આવે કે તરત વાંચવીની ટેવ. સ્નાન અને પૂજાપાઠ કરી ફરીથી છાપુ વાંચવા બેસી જતાં. સમતા પણ જાણતી હતી કે આ સમયે પતિએ છાપુ વાંચી લીધું હોય. એના પતિએ પણ હસીને કહ્યું,"છાપામાં બધા ચિત્રો સવારથી જોતો હતો. એમનો જવાબ સાંભળી બંને હસી પડયા.

સમતાએ પતિને કહ્યું,"મને ખબર છે પરંતુ તમે આજની જાહેરાત વાંચી ? શ્રાવણ મહિનામાં જયોતિર્લીંગના દર્શન માટે ટૂર ઉપડે છે. દસ દિવસની ટૂર છે. મેં માનેલું કે અમીરાના લગ્ન થશે તો હું દર્શન કરવા જઈશ. આપણું નસીબ ખરાબ કે અમીરાને સારા માણસો ના મળ્યા. જુઓને બે જ મહિનામાં દીકરી સાસરેથી પાછી આવી."

"ભગવાનની બાધા રાખી બંધનમાં રાખવાનું પરિણામ છે. દીકરી ભણેલી-ગણેલી છે. એકની એક છે, પછી ભગવાનને તકલીફ કેમ આપી ? આવું તો ભગવાનને પણ ના ગમે. "

"દીકરીની માને ચિંતા તો થાય ને ! હવે જે થયું એ થયું પણ દેવનું દેવુ ના રખાય. ટૂરમાં તો સંગાથ મળી જ રહે અને અમે સ્ત્રીઓ તો જલદીથી એકબીજા સાથે હળીમળી જઈએ. તમને ઓફિસમાંથી રજા મળશે નહીં. પરંતુ અમીરા હવે ઘરે જ છે તમને કોઈ તકલીફ નહીં પડે અને મને તમારી ચિંતા પણ નહીં રહે. તમે પૈસા ભરી આવજો. કારણ કે આવતા અઠવાડિયે જ ઉપડે છે. દસ દિવસની યાત્રા દરમ્યાન ભગવાનનું નામ દેવાશે અને હું પણ અમીરાની ચિંતામાંથી એટલા દિવસ મુક્ત થઈશ."

સમતાએ જવાની તૈયારી કરવા માંડી. એ તો ચિંતામુક્ત હતી. જવાના દિવસે સમતાના પતિ બસમાં મૂકવા પણ આવ્યા. બસ ઉપડતાં સુધી એ પતિને સૂચનાઓ આપતી રહી. "સવાર સાંજ નિયમીત દવાઓ લેતાં રહેજો. મારી ચિંતા કરતાં નહીં. મોડે સુધી ટી. વી. જોતાં નહીં. તમારે તો કોઈ સારી ચોપડી હાથમાં આવી તો તમે આખી રાત ઊંઘો પણ નહીં.  તમને તો પછી ખાવાપીવાનું યાદ પણ ના આવે. તબિયત સાચવજો." એટલું કહેતાં એની આંખો ભીની થઈ ગઈ.

બસ ઉપડવાના સમયે સમતાએ જોયું કે એનો જમાઈ એની મમ્મીને મૂકવા આવ્યો છે. એ પણ આ જ બસમાં હતાં. સમતા મનમાં બબડી મારી યાત્રાની શરૂઆત જ ખરાબ થઈ મને ખબર હોત કે અમીરાની સાસુ વેદાંતી આવવાની છે, તો હું આ ટૂરમાં આવત જ નહીં. બસમાં ઉતાવળમાં ચઢતી વખતે જ વેદાંતીનું ધ્યાન સમતા પર જતાં જ એ બોલી ઊઠી,"સમતાબેન,"જય ભોલે". કહેતાં મો પર સ્મિત સાથે કહ્યું,"સારૂ હવે આપણને સંગાથ રહેશે. હું તો એકલી જ છું મને હતું કે કોઈ પરિચિત મળે તો સારૂ. અને ભોલેનાથે મારી પ્રાર્થના સાંભળી. જુઓને આપણી સીટો પણ જોડે જોડે જ આવી."

સમતાને થયું કે ભલે પૈસા જાય પણ બસમાંથી ઉતરી જાય. એવો વિચાર કરતાંની સાથે જ બસ ઉપડી. આખરે મન મનાવી લીધું કે જેવી ભોલેનાથની ઈચ્છા.

વેદાંતી તો આજુબાજુવાળા જોડે વાતો એ વળગી. એ તો ખુશ જ હતી. ધાર્મિક ટુર હોવાને કારણે બસ જાણીતા શિવાલયોના દર્શન કરાવવા ઊભી રાખતાં. સમતાને ચઢતાં ઉતરતાં તકલીફ પડતી હતી તેથી સમતાની ના હોવા છતાં પણ વેદાંતી એમને હાથ પકડીને ઉતારતી. વેદાંતીનું વર્તન એવું હતું કે જાણે કંઈ બન્યું જ નથી. પણ સમતા વિચારતી કે મારી દીકરીની જિંદગી બગડી. એને તો જાણે કે કંઈ અસર જ નથી.

બસમાં બધાને વેદાંતી તો બહુ જ પ્રિય થઈ પડી હતી. એના સંસ્કૃતના શુધ્ધ ઉચ્ચારણ અને મીઠા અવાજને કારણે આખુ વાતાવરણ જાણે કે પવિત્ર થઈ જતું.

શિવમહિમ્નસ્તોત્ર, શિવતાંડવસ્તોત્ર હોય કે અગિયાર શ્લોકની રૂદ્રી હોય. પણ વેદાંતી ગાતી હોય તો બધા સાંભળ્યા જ કરે. વેદાંતી ગાતી ત્યારે બસના સભ્યો કહેતાં કે તમે ગાવ છો ત્યારે લાગે કે ભગવાન પણ આ સ્તુતિ સાંભળવા ધરતી પર ઊતરી આવશે. બસમાં પણ કહેતી કે આપણે યાત્રા કરવા નીકળ્યા છીએ તો ભગવાનનું ભજન કરવું જોઈએ.

બસમાં વેદાંતીએ લોકપ્રિયતા મેળવી લીધી હતી. અરે એક બહેનની તબિયત બગડી અને એમને તાવ આવતો હતો તો વેદાંતીએ આખીરાત જાગી મીઠાના પાણીના પોતા મૂક્યા. તે દિવસે એ મંદિર પણ ના ગયા જોકે બિમાર બેને પણ કહ્યું, "તમે જાવ હું સૂઈ રહીશ." પરંતુ વેદાંતી ના જ ગઈ. બધા એના વખાણ કરતાં હતાં એટલે સુધી કે એક દિવસ રસોઈયાની તબિયત બગડી તો વેદાંતી જાતે પુરીઓ કરવા બેસી ગઈ. એનો હસતો ચહેરો બીજાને સતત મદદરૂપ થવાની ભાવનાથી બધા એના વખાણ કરતાં થાકતાં ન હતાં. હવે તો સમતાને પણ એની સારાશ દેખાવા લાગી હતી.

એવામાં જ એના દીકરાનો ફોન આવ્યો કે,

"મમ્મી, મોટાભાભીના મમ્મી બિમાર છે અને નાના ભાભીને કોરોના થઈ ગયો છે."

વેદાંંતી બોલી,"તારી મોટીભાભીને ફોન આપ મારે વાત કરવી છે. "

મોટી વહુએ ફોન લીધો કે વેદાંતીએ કહેવા માંડ્યુ,"બેટા,તું પિયર જા. તારી મમ્મી પાસે જા. અત્યારે તો કેટકેટલી સગવડો થઈ ગઈ છે. ઝોમેટો,સ્વીગી બધી સગવડ છે તમને તો ઓનલાઈન ઓર્ડર આપતાં આવડે છે. હવે બે દિવસનો જ સવાલ છે. હું આવું પછી ચિંતા નહીં. તમને પણ બહારનું ખાવાથી કંઈક જુદુ લાગશે અને જો તારી ભાભી ભલે "કોરન્ટાઈન"થઈ પણ એને જે ખાવું હોય એનો ઓર્ડર આપી દેજો એને બિલકુલ ઓછું ના આવવું જોઈએ."

સમતાને બસમાં ચઢતાંઉતરતાં વેદાંતી મદદ કરતી. શરૂઆતમાં સમતાને ગમતું નહીંં પણ

પછી તો એ સામેથી કહેતી,"વેદાંતીબેન, જરા મારો હાથ પકડો. "

પરંતુ જયારે એને ફોન પર વહુ જોડે જે રીતે વાત કરી ત્યારે એ સમજી ગયા કે જે વ્યક્તિ વહુઓને પણ દીકરીથી અધિક રાખતાં હોય એ ઘરમાં મારી દીકરી દુઃખી કઈ રીતેે હોય !આટલા દિવસમાં એમને ક્યારેય મારી દીકરી વિરૂધ્ધ કંઈ જ કહ્યું નથી. જે પારકા માટે પણ આખી રાત જાગીને સેવા કરે એના ઘરમાં દીકરી દુઃખી ના થાય. અમીરા એકની એક હોવાથી જક્કી તો છે જ. પતિ ઓફિસથી મોડો આવે છે. મને બહાર ફરવા નથી લઈ જતો. જેવી ફરિયાદો કરતી રહેતી હતી. પરંતુ એનો જમાઈ ફોન પર એની મમ્મીને કહી રહ્યો હતો કે હવે આવતા અઠવાડિયે ઓડિટ પતી જશે પછી અઠવાડિયાની રજા લઈ આરામ કરવો છે. બહુ જ થાકી ગયો છું.

સમતાએ બસ ઊભી રહેતાં જ અમીરાને ફોન કર્યો ,"તું તારા બિસ્તારા પોટલા ઊઠાય અને તારા ઘર ભેગી થઈ જા. હું આવું ત્યારે તું અમારા ઘરમાં ના જોઈએ."

ત્યારબાદ પતિને પણ ફોન કરીને કહી દીધું,

"જુઓ દીકરી સાસરે જ શોભે. અમીરાને એના સાસરે મોકલી દો તમે કેન્ટીનમાં જમી લેજો પરંતુ હું આવું ત્યારે અમીરા આપણા ઘરમાં ના જોઈએ."

પતિ ઓફિસથી થાકીને આવે ત્યારે બહાર ફરવા જવાની જક કરનાર પત્ની પતિનો વાંક કાઢે એનો શું અર્થ ! કહેતી હતી કે એ ઘરમાં રસોઈમાંથી જ ઊંચા ના અવાય. નાસ્તો પણ સવારે ગરમ કરવાનો, બજારનો નાસ્તો પણ ના ચાલે. કાંદાલસણ ઘરમાં નહીં ખાવાના. સાસુમા ના કહ્યામાં બધા જ રહે. કયારેય કોઈ વિરોધ ના કરે. હું એવા ઘરમાં રહી જ ના શકું. હવે હું ત્યાં ક્યારેય નથી જવાની.

બીજા દિવસે સવારે વેદાંતીના દીકરાનો ફોન આવ્યો કે,"મમ્મી, અમીરા આપણે ઘેર આવી ગઈ છે અને આવતાંની સાથે ઘર સંભાળી લીધું છે." વેદાંતીનો ફોન માઈક પર હતો. સમતા એ પણ સાંભળ્યું. બંને વેવાણ બહુ જ ખુશ હતી. વેદાંતી બોલી ઊઠી, "યાત્રા યાઃ ફલમ્" યાત્રાનું ઉત્તમ ફળ બંનેને મળી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational