Rajeshri Patel

Romance

3  

Rajeshri Patel

Romance

વરસાદી મુલાકાત

વરસાદી મુલાકાત

3 mins
160


અમદાવાદમાં એક મલ્ટી નેશનલ કંપનીમાં હું અને છાયા સાથે નોકરી કરતા હતા. તેમજ બંને સાથે જ રહેતા હતા. કંપની તરફથી અમને પ્રમોશન મળતાં જ અમારે ટ્રેનિંગ માટે કેરાલા જવાનું થયું તો હું, છાયા તેમજ બીજા ચાર સાથીદાર જોડે અમે કેરળ ગયા. કંપની તરફથી જ અમને હોટેલમા રહેવા જમવાનું હતું. અમારી ટુર સાત દિવસની હતી. જેમાં પાંચ દિવસની ટ્રેનિંગ અને બે દિવસ ત્યાં થોડું ફરવા માટે સમય ફાળવેલો.

અમારી ટ્રેનિંગ બીજા દિવસથી જ શરુ થઈ. ત્યાં અમારી સાથે બેંગ્લોરથી એક સમીર નામનો છોકરો પણ ટ્રેનિંગમાં આવ્યો હતો. સમીર થોડો મળતાવડો અને હસમુખો હતો. બધા જોડે વાત કરતો, કોઈથી અજાણ્યું જરા પણ ના લાગતું. જેથી અમે લોકો પણ એક બીજા સાથે ભળી ગયા. પરંતુ અમારી છાયા સાવ શરમાળ. કોઈ સાથે કામ વગર વાત જ ના કરે કે ના કોઈને સાચી- ખોટી સ્માઇલ આપે. છાયા સાવ અલગ જ મિજાજની હતી. સમીર છાયા સાથે ઘણીવાર મસ્તી કરવાની કે બોલવાની કોશીશ કરતો પરંતુ છાયા ચૂપ રહેવાનું પસંદ કરતી. સમીરને તો છાયા બહુ જ પસંદ આવી એવું મને તો દેખાયું સાથે બધા સાથીદારને પણ લાગ્યું. ટ્રેનિંગ પૂરી થતાં જ અમે બહાર ફરવા જવાનું વિચાર્યું તો અમારી સાથે સમીર પણ આવ્યો કેમકે સમીરને પણ અમારી દોસ્તી બહુ ગમવા લાગી. ખાસ તો છાયાથી દૂર જવા નહોતો માગતો. તેથી તે પણ અમારી જેમ વધુ બે દિવસ રોકાઈ ગયો.

અમે સાંજના સમયે બધા પોતપોતાની ધૂનમાં ફરતા હતા ત્યાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો ને વાદળોના ગડગડાટ સાથે અનરાધાર વરસાદ શરુ થયો. માણસો તો આમ અચાનક તોફાનથી નાસભાગ કરવા લાગ્યા. અમે બધા તો હેમખેમ હોટેલ સુધી પહોંચી ગયા પરંતુ છાયા અને સમીર જે દુકાને જરૂરી સામાન લેવા ઉભા હતાં ત્યાં જ ફસાઈ ગયા તેમજ ત્યાં છાપરા નીચે ઊભા રહી ગયા. કિસ્મતનો ખેલ તો જુઓ, જે છાયા કદી કંઈ બોલતી જ નહી તેને સમીર જેવા બોલકા સાથે ભેટો થયો. આ સાંબેલાધાર વરસાદે છાયાને સમીરની માયા લગાડી દીધી. છાયા પણ સમીરના આલિંગનમા ક્યારે ઓતપ્રોત થઇ ગઈ ખબર જ ના રહી. છાયાને અંદરથી એક મીઠી કંપારી છૂટી જે પોતાના દિલને શુકન આપતું હતું. પહેલી વાર છાયાએ આ મીઠી કંપારી અનુભવી. આ અગાઉ તે ક્યારેય કોઈ છોકરાને નજીકથી જોયો પણ નહોતો. સમીરનો સહવાસ છાયાને અતિ ઉન્માદ કરતો હતો. 

આ બાજુ બધા સમીર અને છાયાની ચિંતામાં પડ્યા હતા. તોફાન જલ્દી અટકે એવી મનોમન હું તો પ્રાર્થના જ કરવા લાગી. થોડીવારમાં બંને વરસાદ શાંત થતા જ હોટલ પાછા ફર્યા પરંતુ છાંયા એકદમ જ બદલી ગઈ. બધા સાથે મસ્તી કરવા લાગી, બોલવા લાગી. અમને પણ આશ્ચર્ય થયુ કે આટલો બધો બદલાવ છાયામાં એ પણ સમીર સાથે થોડી કલાકોના સહવાસથી. એક મિલને આટલી બધી માયા બંધાઈ ગઈ કે છાયા તો સાથીદાર જોડે ઉછળકૂદ કરવા લાગી. બધાને છાયાનો અચાનક બદલાવનો ખ્યાલ આવ્યો કે સમીર સાથેની આ વિતાવેલી થોડી ક્ષણ થોડા ક્ષણ પૂરતી જ છે. આવતી કાલે તો અહીંથી પાછું રવાના થવાનું છે અને આ વિયોગની વેદના છાયા માટે બહુ કઠિન થઇ જશે.

બીજા દિવસે બંને એકબીજાને મળ્યા ત્યારે વાતાવરણ પણ ગમગીન બની ગયું. સાથે ઝાડપાન પણ નીચું નમીને દુઃખ વ્યક્ત કરવા લાગ્યા. જાણે સુંદર કેરળભૂમિ પણ આ બંનેથી જ સોળે કળાએ ખીલતી હોય તેમ વેરાન લાગવા લાગી. જયારે સમીર અને છાયાના શબ્દોની જગ્યા આંખે લઇ લીધી. આ કપરી વિદાયવેળા હું તથા મારાં સાથીદારો અશ્રુભરી આંખે જોવા લાવ્યા. જયારે આ બંને પ્રેમી પંખીડાએ ચુપચાપ વસમી વિદાઈ લીધી. 

ટ્રેનમા મારી સામે છાયા સમીરની યાદમાં બેઠી હતી. તેની આંખ અને ખામોશી ઘણું કહેતી હતી. થોડી વાર માટે છાયાને ખુશ જોઈને અમે પણ ખુબ ખુશ થયા હતા. પરંતુ આ ખામોશી સહન થતી નહોતી. આ એ જ ખામોશી જે એકબીજાને કદી ઓળખતા પણ ન હતા તે થોડા દિવસોના સાથ અને એક વરસાદી આલિંગનથી જ ગાઢ પ્રેમમાં પરિણમી.


આ નાની પ્રેમ કહાની વરસાદથી શરુ થઈને વિરહમાં પરિવર્તિત થઇ. જીવન કંઈક આવુ જ છે આપણને બધું જ મળતું નથી પણ જે મળે છે તેમાં ખુશ રહેતા શીખવું પડે છે. આજે સવારે ઓફિસે પહોંચતા પહેલા જ મુશળધાર વરસાદ આવ્યો. અમે તો સૌ વરસાદે ભીંજાયા જ્યાં છાયા તો સમીરની અગાઢ વરસાદી મુલાકાતને યાદ કરીને આંખેથી વરસવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Romance