Sheetal Maru

Tragedy

4  

Sheetal Maru

Tragedy

વળાંક

વળાંક

17 mins
313


કાળા વાદળો વિખરાવાનું નામ નહોતા લેતા. કાળા ડિબાંગ આકાશમાં એકેય તારો ટમટમતો નહોતો દેખાતો. વચ્ચે વચ્ચે ઝબુકતી વીજળીના અજવાળે અલપઝલપ આકૃતિઓ ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં પસાર થતી દેખાઈ રહી હતી. નંદિનીએ રિસ્ટવૉચમાં જોયું તો સાંજના 7:50નો સમય થયો હતો. હજી તો અજમેર જંકશનથી દસ મિનિટ પહેલા જ ટ્રેન આગળ વધી હતી. આબુ સ્ટેશન આવવાને હજી અઢીથી ત્રણ કલાકની વાર હતી. નંદિની ફરી નોવેલ વાંચવામાં લાગી ગઈ. એની સામેની સીટ પર બેસેલા આધેડ વયના દંપતી લાગતા કાકા અને કાકી પોતાની સાથે લાવેલ ટિફિન ખોલી જમવા બેઠા હતા. એમણે નંદિનીને વિવેક-આગ્રહ કર્યો પણ નંદિનીએ નમ્રતાપૂર્વક ના પાડી પાછી પુસ્તકમાં ખોવાઈ ગઈ. 

નંદિની અગ્રવાલ... ગુડગાંવના ઉચ્ચવર્ગીય સફળ બિઝનેસમેન નીરજ અગ્રવાલની ખુબસુરત પત્નીની સાથે-સાથે સમજદાર બિઝનેસ પાર્ટનર અને બે માળના ભવ્ય એસી હેન્ડલુમ શો-રૂમની માલિક અને દસ વર્ષના પરાણે વ્હાલો લાગે એવા દીકરા મિરાતની પ્યારી મોમ પણ. લગ્નના દોઢ દાયકા પછી પણ એ જ ખુમાર, આગવું સૌંદર્ય, આછી કરચલીઓવાળી લચકદાર કમર અને ભારોભાર બુદ્ધિમત્તા ધરાવતી ૩૭-૩૮ વર્ષની રૂપના રજવાડાની રાણી તો નીરજ અગ્રવાલ પણ પાંચ ફિટ દસ ઈંચની હાઈટ, ગૌર વર્ણ, મજબૂત બાંધો, આકર્ષક દેહયષ્ટિ ધરાવતો ચાલીસી પાર કરી ચૂકેલો પુરુષ. રેગ્યુલર જીમમાં જવું અને સાંજે ટર્ફકલબમાં જઈ બેડમિન્ટન રમવું એ એનો રોજિંદો કાર્યક્રમ. નંદીનીના રૂપની ચાહતના ચોકીદારની સાથે-સાથે એના રજવાડાને માણનારો માણીગર. બંનેની જોડી જોઈને જોડીઓ સ્વર્ગમાં રચાતી હોય છે એ કહેવત સાચી ઠરે. એ બેયનો અંશ અને વંશ એટલે દસ વર્ષનો મિરાત.. રતુમડા ગાલ, વાંકળિયા વાળ અને આખો દિવસ એક જગ્યાએ ન બેસી રહેતા આખા ડુપ્લેક્સ ફ્લેટમાં ધમાચકડી મચાવતો નટખટ બાળક. મિરાત ગુડગાંવની ઈન્ટરનેશનલ સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતો હતો અને દાદી અંજના અગ્રવાલનો અતિ લાડલો વારસ હતો. નીરજના પિતા વિમલનાથ અગ્રવાલનું બે વર્ષ પહેલાં જ ટૂંકી માંદગીથી અવસાન થયું હતું. એ સિવાય એમના પરિવારમાં ઘરના સદસ્ય જેવું રામકિશન અને લીલા નામનું દંપતી હતું જે ઘરની અને દાદી-પૌત્રની સાર-સંભાળ માટે ફ્લેટમાં અલાયદા સર્વન્ટ રૂમમાં રહેતું હતું. ટૂંકમાં અગ્રવાલ પરિવાર એટલે સુખમાં મહાલતું સુખી કુટુંબ.

નીરજ કામાર્થે મોટેભાગે શહેરની બહાર રહેતો. ભારતના વિવિધ નાના-મોટા ગામડા અને શહેરની મુલાકાત લઈ ત્યાંથી અવનવી ડિઝાઈન અને મટેરિયલની હેન્ડલુમની વસ્તુઓની ખરીદી કરતો. એનો શો-રૂમ હમેશા કસ્ટમરથી ભરેલો રહેતો. ગુડગાંવ અને એની આસપાસના વિસ્તારમાંથી ઉચ્ચવર્ગની સ્ત્રીઓ એના શો-રૂમમાંથી જ બેડશીટ, પરદા, સોફાકવર જેવી ચીજો ખરીદવાનો આગ્રહ રાખતી. શરૂઆતમાં તો નંદિની પણ નીરજ સાથે અવનવા સ્થળોની મુલાકાત લેતી પણ મિરાતના જન્મ પછી નીરજ એકલો જ જવા લાગ્યો. 

આ મહિને નીરજ અને નંદિનીના લગ્નને પંદર વર્ષ પુરા થવા જઈ રહ્યા હતા અને એ જ અરસામાં આબુ ખાતે રાજસ્થાની હેન્ડલુમની વસ્તુઓનું એક્ઝિબિશન લાગવાનું હતું એટલે બંનેએ સાથે આબુ જઈ એક્ઝિબિશન સાથે સેકન્ડ હનીમૂન પણ ઉજવવાનો પ્લાન બનાવ્યો પણ અંતિમ ઘડીએ નીરજને અગત્યનું કામ આવી જતાં એ બે દિવસ પછી ફ્લાઈટથી આબુ જવાનો હતો અને નંદિની આજે સવારે જ ગુડગાંવથી ગરીબરથ ટ્રેનમાં જવા નીકળી ગઈ હતી. એને ટ્રેનની મુસાફરીનું ભારે આકર્ષણ હતું અને સાથે વાંચનનો ગજબનો શોખ પણ એટલે એણે રસ્તામાં વાંચવા માટે એક નોવેલ લીધી હતી અને એ વાંચવામાં જ રત થઈ ગઈ હતી અને ક્યારે અજમેર આવી ગયું એની ખબર જ ન પડી.

અજમેર સુધી તો વાતાવરણ એકદમ સરસ હતું, ચમકતો તડકો, લાલ-લીલા પાંદડા ધરાવતા વૃક્ષો અને ખળખળ વહેતી નદીઓ પાર કરતી ટ્રેનમાં વિન્ડોસીટ પર બેસેલી નંદિની વચ્ચે વચ્ચે પુસ્તકમાંથી માથું ઊંચું કરી બહારનો નજારો પણ જોઈ લેતી, પણ અજમેર છોડ્યા પછી વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હતો અને ચોખ્ખુંચટ ભૂરું આકાશ વાતાવરણે અચાનક પલટો ખાતા કાળા વાદળઘેરું બન્યું હતું. સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત જામી હતી અને એમાં વાદળો દાવ જીતી ગયા હોય એમ ચારેકોર છવાઈ ગયા હતા. નિર્ધારિત સમય કરતાં ટ્રેન અડધો કલાક મોડી હતી. નંદિનીએ નીરજ સાથે મોબાઈલ પર વાત કરી, ટિફિન ખોલી થોડું ખાઈને ચિંતિત થઈ આબુ આવવાની રાહ જોતી બારી બહાર નજરો ટેકવી બેઠી હતી. એની આતુરતાનો અંત આવ્યો હોય એમ ત્રણ કલાકના ઈંતેજાર પછી આબુ સ્ટેશન આવતાં જ ટ્રેન ધીમી પડી અને ઊભી રહેતાં જ નંદિની પોતાની હેન્ડબેગ અને ટ્રોલીબેગ લઈ સ્ટેશન પર ઉતરી ત્યારે ગાઢ અંધારું હતું અને અધૂરામાં પૂરું એમ મુશળધાર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. આબુ સ્ટેશન પર ગણીને ચાર-પાંચ પ્રવાસીઓ જ ઉતર્યા હતા. ટ્રોલીબેગ ખેંચતી નંદિની મેઈન એન્ટ્રન્સ ક્રોસ કરી બહાર નીકળી અને હોટેલ પહોંચવા માટે ટેક્સી શોધવા આમતેમ નજર દોડાવ્યા બાદ એને સામી બાજુએ એક ટેક્સી દેખાઈ એટલે વરસાદથી જેમતેમ બચતી એ સામી બાજુએ દોડી. 

"ભાઈસાબ, પ્રેસિડેન્ટ હોટેલ જાના હૈ," નંદિનીએ ટેક્સીનો દરવાજો નોક કર્યો.

"મેડમ, ટેક્સી તો બુક હૈ, આપ દુસરી ટેક્સી ઢુંઢ લિજીયે," ટેક્સીચાલકે બગાસું ખાતાં જવાબ આપ્યો. 

"આટલી રાતે હું બીજી ટેક્સી ક્યાં શોધું હવે ?" મનોમન વિચારતી નંદિનીને નજર દોડાવી પણ રસ્તો સાવ સુમસામ હતો. એક ઝાપટું વરસાવીને વરસાદ પણ થંભી ગયો હતો. 

"એક્સકયુઝ મી," અડધી રાતે મધુર સ્વર સાંભળતા જ નંદિનીએ પાછળ ફરી જોયું તો ત્રીસેક વર્ષની, જીન્સ અને શોર્ટ ટોપ અને હાઈ હિલ્સ સેન્ડલ પહેરેલી યુવતી ઊભી હતી પણ અંધારાને લીધે અને મોઢે સ્કાર્ફ બાંધેલો હોવાથી નંદિની એનો ચહેરો નહોતી જોઈ શકતી.

"મે આઈ હેલ્પ યુ ?" ફરી અવાજ આવતાં નંદિનીએ એની સામે જોયું અને પોતાની વ્યથા કહી સંભળાવી. 

"ધેટ્સ ગ્રેટ, હું પણ એ જ હોટેલમાં જઈ રહી છું એન્ડ ઈફ યુ ડોન્ટ માઈન્ડ તમે મારી સાથે આવી શકો છો...." યુવતીએ ટેક્સીનો દરવાજો ખોલી નંદિનીને બેસવા ઈશારો કર્યો. 

નંદિની જવું કે નહીં એની અવઢવમાં હતી પણ આ સમયે બીજી ટેક્સી મળશે કે નહીં એ પણ નક્કી નહોતું એટલે એણે એ યુવતી સાથે જવાનું નક્કી કર્યું. ડ્રાઈવરે ડીકી ખોલી એટલે બંને સ્ત્રીઓએ પોતાની બેગ એમાં ગોઠવી અને બેય ટેક્સીમાં બેઠી એટલે ડ્રાઈવરે ટેક્સી સ્ટાર્ટ કરી અને હોટેલ પ્રેસિડેન્ટ તરફ દોડાવી.

"થેન્ક યુ સો મચ, હું નંદિની, નંદિની અગ્રવાલ....ફ્રોમ ગુડગાંવ." નંદિનીએ હેન્ડશેક માટે જમણો હાથ આગળ ધર્યો.

"માયસેલ્ફ કામ્યા ત્રિપાઠી, ફ્રોમ સુરત..." 

"થેન્ક યુ મિસ કામ્યા, એક્ચ્યુઅલી મેં ટેક્સી તો બુક કરાવી હતી પણ બીજે પેસેન્જર લઈને ગયેલો ડ્રાઈવર વરસાદને કારણે ક્યાંક અટકી ગયો એટલે એ આવી ન શક્યો. આ તો તમે મળી ગયા એટલે સારું થયું."

"ઈટ્સ ઓકે, જસ્ટ રિલેક્સ, અને હોટેલ પણ આવી ગઈ... નાઈસ ટુ મીટ યુ... એક જ હોટેલમાં રોકાયા છીએ તો બહુ જલ્દી મળવાનું પણ થશે જ... " ડીકીમાંથી લગેજ ઉતારી ભાડું ચૂકવી કામ્યા અંદર ગઈ એની પાછળ નંદિની પણ ગઈ.

રીસેપ્શન પરથી ચાવીઓ કલેક્ટ કરી કામ્યાએ પોતાની બેગ કાઉચ પર મૂકી અને મોઢા પરથી સ્કાર્ફ હટાવી પોતાના શોલ્ડર લેન્થ વાંકડિયા વાળમાં હાથ ફેરવ્યો અને નંદિની સામે સ્મિત વેરી ગુડનાઈટ વિશ કરી પોતાની બેગ ઢસડતી લિફ્ટ પાસે ગઈ. નંદિની કામ્યાનો ચહેરો જોઈ હેબત ખાઈ ગઈ. એ જ મોટી આંખો, વાંકડિયા વાળ, એ જ સ્મિત, એક ચહેરો એની આંખો સમક્ષ તરવરી ઉઠ્યો. એણે પણ પોતાની ટ્રોલી ખેંચી અને કામ્યા સાથે લિફ્ટમાં દાખલ થઈ. એની રૂમ ફર્સ્ટ ફ્લોર પર અને કામ્યાની ફોર્થ ફ્લોર પર હતી. રૂમમાં આવી ફ્રેશ થઈ બેડ પર આડી પડી અને નીરજને કોલ જોડ્યો પણ નેટવર્ક બરાબર ન હોવાથી પોતે બરાબર પહોંચી ગઈ હોવાનો મેસેજ સેન્ડ કર્યો અને ફોન સ્વીચ ઓફ કરી આંખો બંધ કરી બેડ પર પડતાં જ ફરી કામ્યાનો ચહેરો એની સામે આવ્યો. 'આ સ્ત્રી આટલી પોતીકી કેમ લાગે છે. એની આંખો, સ્મિત, વાળ બધું જ અદ્દલ છે.. કોણ છે આ સ્ત્રી...? નંદિની કરવટ બદલતી નિદ્રાધીન થવાની કોશિશ કરતી રહી..અધૂરી ઓળખનું પૂર્ણ અનુસંધાન તો મેળવવું જ પડશે. આમ પણ કામ્યા આ જ હોટેલમાં રોકાઈ છે તો કાલે જ એને મળીશ અને નીરજને પણ જણાવીશ એના વિશે,' પણ આ ઓળખનું અનુસંધાન મેળવવા જતાં નંદિની પોતાની જ ઓળખ ખોઈ બેસશે એનો તો એને અણસાર પણ નહોતો.

કામ્યા ત્રિપાઠી, સુરતના જાણીતા ડાયમંડ મર્ચન્ટ સત્યવાન ત્રિપાઠીની બે દીકરા સાકેત અને શિખર પછી જન્મેલી લાડકી દીકરી. એના જન્મ પછી સત્યવાન ત્રિપાઠીનું નામ ડાયમંડ બિઝનેસમાં ટોચ પર પહોંચ્યું હતું. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા સત્યવાન ત્રિપાઠી દીકરી કામ્યા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હતા અને એમની પત્ની બેલા ત્રિપાઠી તદ્દન વિરુદ્ધ સ્વભાવ ધરાવતી અહંકારની પૂતળી પણ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી પણ મધ્યમ અને નીચલા વર્ગના લોકો માટે ભારોભાર તુચ્છતા ધરાવતી. સાકેત અને શિખર બંને સત્યવાન સાથે બિઝનેસમાં જોડાયેલા હતા. બંને પરણેલા હતા અને કામ્યા એટલે જિંદગીનું બીજું નામ. રૂપ અને યૌવનથી છલકાતી છતાંય આછકલાઈ વિનાની, સ્વતંત્ર પણ નિખાલસ અને ભારોભાર આત્મવિશ્વાસ ધરાવતી પણ પોતાના દાયરામાં રહીને ખળખળ વહેતી સરિતા જેવી બત્રીસ વર્ષની હજી સુધી કુંવારી તરુણી. એના જીવનનો એક જ ફંડા 'મન ભરીને જીવવું, મનમાં ભરીને નહીં'. પોતાના પગ પર ઊભી રહેલી કામ્યા એક એડ એજન્સી માટે મોડેલિંગ કરતી હતી અને સારું એવું કમાઈ લેતી હતી. મોડેલિંગ માટે એ જુદાજુદા શહેરોમાં જતી. પણ, માણસ માત્ર ભૂલને પાત્ર એ કહેવતાનુસાર કામ્યાથી પણ એક ભૂલ થઈ ગઈ હતી અને એની ભૂલ હતી કે એ એક પરિણીત પુરુષને પોતાનું દિલ આપી બેઠી હતી અને એ પુરુષ હતો નીરજ અગ્રવાલ. કામ્યાના આ પ્રેમ પ્રકરણથી સત્યવાન અને બેલા પણ અજાણ નહોતા. હજારોવાર સમજાવ્યા બાદ પણ કામ્યાએ પોતાની જિદ નહોતી છોડી અને આજીવન કુંવારી રહેવાના નિર્ણય પર અડગ અને અફર હતી અને બત્રીસ વરસેય કુંવારી હતી.

બીજા દિવસે કામ્યા સવારે વહેલી ઊઠી આબુની નવેમ્બર મહિનાની ખુશનુમા ગુલાબી ઠંડી માણવા હોટેલની બહાર આવી. ફૂલ સ્લીવનું પિંક ટોપ, ડાર્ક બ્લ્યુ જીન્સ, સ્પોર્ટ્સ શૂઝ અને ગળામાં સ્કાર્ફ ભેરવી આંટો મારતી, કુદરતે દોરેલા નયનરમ્ય નૈસર્ગિક ચિત્રોને માણતી હવાની લહેરખીઓથી ઊડતી અલકલટોને સંવારતી પોતાની સેલ્ફી ક્લિક કરતી અને સાથે મોસમની નજાકતને કેમેરામાં કેદ કરતી અલ્લડ સરિતાની માફક, એકદમ ટેન્શન ફ્રી થઈ મહાલી રહી હતી. ચાલતાં-ચાલતાં માર્કેટ સુધી આવી ગઈ પછી ત્યાંથી ઓટો કરી નખીલેક આવી અને તળાવની પાળે બેસી ગઈ. 

તળાવની પાળે બેઠા પછી એણે પોકેટમાંથી મોબાઈલ કાઢી એક નંબર જોડ્યો, "ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ, ક્યાં છે તું ? હું નખીલેકની પાળે બેઠી છું. તળાવના પાણીમાં ઝીલાતા પ્રતિબિંબમાં તારો ચહેરો શોધી રહી છું. જલ્દી આવી જા..."

"તું આંખ બંધ કર.... અને મને મહેસૂસ કર...." કામ્યાને એક ચીરપરિચિત અવાજ સંભળાયો.

"મને મસ્ત પરફ્યુમની મસ્ત ખુશ્બૂ આવી રહી છે...અને... અને...." કોઈએ પાછળથી આવીને કામ્યાની આંખો પર પોતાની હથેળીઓ દાબી દીધી.

કામ્યાએ ધીરેથી આંખો પરથી હથેળીઓ હટાવી અને પાછળ જોયું તો ખુશીથી ઊભી થઈ ગઈ અને સામે ઊભેલા નીરજને જોરથી ભેટી પડી.

"ની.....રજ.... ક્યારે આવ્યો તું અને મને જણાવ્યું પણ નહીં...જા હું તારી સાથે વાત નહિ કરું." મોઢું ફુલાવી, આંખોમાં ખોટો રોષ ભરી તળાવની દિશામાં મોં ફેરવી પાળી પર બેસી ગઈ.

"જસ્ટ ચિલ કામ્યા....રિલેક્સ અરે ! હું તો તારી સાથે સમય ગાળવા સમય કરતાં પણ સમયસર આવી ગયો. હવે નો નારાજગી, ચાલ એક મસ્ત સ્માઈલ સાથે સેલ્ફી લઈએ. તને તો ખબર છે હું તને ક્યારેય નારાજ ન કરી શકું. એરપોર્ટ પરથી સીધો અહીંયા જ આવ્યો છું કેમકે હું જાણતો હતો કે તું અહીંયા જ હોઈશ. ચાલ હોટેલ પર જઈએ પણ એ પહેલાં કઈક ખાતા જઈએ. બહુ ભૂખ લાગી છે મને. તને મળવાની ઉતાવળમાં ઘરેથી ખાધા વગર જ વહેલી સવારે પહેલી ફ્લાઈટ પકડીને ઊડતો ઊડતો આવ્યો છું." કામ્યાનો હાથ પકડીને નીરજ એને સેલ્ફ ડ્રિવન કાર જે એણે પાંચ દિવસ માટે ભાડે લીધી હતી એ તરફ દોરી ગયો. 

દસેક મિનિટની ડ્રાઈવ પછી બંને હોટેલ ગુલમહોર ઈનના ફેમિલી રૂમમાં બ્રેકફાસ્ટ માટે આવી પહોંચ્યા. કામ્યાની સામેની સીટ પર બેસી વેઈટરને બ્રેકફાસ્ટ ઓર્ડર કરી બેય વાતે વળગ્યા.

"તને ખબર છે, પુરા ત્રણ મહિના, બાર દિવસ, નવ કલાક અને આડત્રીસ સેકન્ડ પછી આપણે મળી રહ્યા છીએ," કામ્યાએ નીરજની આંખોમાં આંખો પરોવી એનો હાથ પોતાની હથેળીમાં લઈ પંપાળવા લાગી. 

"જરાય નહિ....આડત્રીસ નહિ મેડમ ચાલીસ સેકન્ડ થઈ ગઈ" કામ્યાના હાથ પર નીરજે પોતાનો બીજો હાથ મૂકી ઉષ્માથી દબાવ્યો.

આડીઅવળી વાતો કર્યા પછી વેઈટરે સર્વ કરેલા ગુલમહોર ઈનના સ્પેશિયલ બ્રેકફાસ્ટને ન્યાય આપ્યા બાદ ક્રેડિટકાર્ડથી બિલ ચૂકવી નીરજ અને કામ્યા બહાર નીકળ્યા.

"નીરજ, આપણે અત્યારે હોટેલ પર નથી જવું, ચાલને અહીંથી કયાંક દૂર જઈએ, લોન્ગ ડ્રાઈવ. આજે મારો મૂડ તારી સાથે રખડવાનો છે. મોસમ મસ્તાના....રસ્તા અનજાના..."ગીત ગણગણતી કામ્યા કારમાં નીરજ જોડે આગળની સીટ પર ગોઠવાઈ. 

"જો હુકમ સરકાર...., હો તુમકો જો પસંદ વહી બાત કરેંગે..." ગીતનો જવાબ ગીતથી આપતા નીરજે કાર સ્ટાર્ટ કરી, "તો કિસ ઓર ચલે ?" પાર્કિંગમાંથી કાર બહાર કાઢી મેઈનરોડ પર આવી એણે સવાલ કર્યો.

"ગુરુશિખર તરફ જઈએ, રસ્તામાં લીલીછમ વનરાજી પણ જોવા મળશે અને પહાડોના વળાંકોમાં થઈને નીકળતો માર્ગ કદાચ આપણા સંબંધમાં આવેલા વળાંકોનો પણ રસ્તો મળી જાય..." કામ્યાની આંખો ભરાઈ આવી જાણે કશુંક કહેવા માગતી હતી.

"કામ્યા...શું થયું ? કેમ આટલી સિરિયસ બની ગઈ છે ? એની પ્રોબ્લેમ ?" એક હાથે સ્ટિયરિંગ સાંભળતા નીરજે બીજો હાથ કામ્યાના ખભે મૂક્યો, પણ કામ્યાએ નજર ચૂકવી રૂમાલથી આંખો લૂછી લીધી પણ એની ભીની આંખોમાં કેટલાક કોરા રહી ગયેલા સપનાં સાફ નજર આવી રહ્યા હતા.

ગુરુશિખર બહુ દૂર નહોતું એટલે થોડીક જ વારમાં બંને ત્યાં પહોંચી ગયા. તળેટી પાસે વિસ્તરેલા મેદાનમાં એક સાઈડમાં કાર પાર્ક કરી. તન અને મનને ઠંડકથી તરોતાજા કરી દેતું હવામાન અને આંખોને ઠંડકથી ભરી દેતી ચોતરફ ફેલાયેલી લીલીછમ હરિયાળી.

"આપણે બહાર નથી નીકળવું," દરવાજો ખોલવા જઈ રહેલા નીરજને કામ્યાએ રોક્યો.

"ઓકે ડિયર, હવે મને કહીશ કે આખરે થયું છે શું ?" કામ્યાની ચિબુક પકડી નીરજે એની સામે જોયું.

"નીરજ, અગિયારેક વર્ષથી ચાલતા આવેલા સંબંધોમાં મેં તારી પાસે કોઈ જ માંગણી નથી કરી, પણ આજે હું કઈક માંગુ તો પ્લીઝ, ના નહિ પાડતો." કામ્યાએ હાથ જોડ્યા.

"અરે, હેવ યુ ગોન મેડ ? કેવી વાત કરે છે તું ? અત્યાર સુધી તેં બસ આપ્યા જ કર્યું છે અને આજે તું માંગે એ હું ન આપી શકું એટલો વામણો તો હું નથી ને ? જેટલો પ્રેમ હું નંદિનીને કરું છું એટલો જ તને પણ કરું છું. નંદિની મારો ધબકાર છે તો તું મારો શ્વાસ. જો બેમાંથી એક પણ સ્ટોપ થઈ જાય તો હું... હું...તો... તમારા બંને વગર હું જીવી જ નહીં શકું. નંદિની શાંત સરોવર જેવી છે, એણે પણ મને બધું જ સુખ આપ્યું છે અને મેં પણ ક્યારેય તમારા બંને વચ્ચે કમ્પેરિઝન નથી કરી, પણ મિરાતના આવ્યા પછી એ જાણે થીજી ગઈ છે, એણે કયારેય કોઈ ફરિયાદ નથી કરી પણ હવે એની પાસે મારા માટે સમય જ નથી. ઘર, શો-રૂમ અને મિરાત, એની જિંદગી બસ આ ત્રિકોણના ત્રણ ખૂણે જ સમાપ્ત થઈ જાય છે અને હું એ ત્રિકોણનું મધ્યબિંદુ બનીને રહી ગયો છું. એક તું જ તો છે જે મને સમજી શકે છે અને હું એ પણ જાણું છું કે હું પરિણીત હોવાનું જાણીને પણ તેં મને ચાહ્યો છે, અનહદ, બેપનાહ....અને સૌથી મોટું સુખ તો તેં નંદિનીને આપ્યું છે....મિરાત આપી ને. એનો જીવ બચાવવા ખાતર તેં આપણી વચ્ચે થયેલી ભૂલનું ફૂલ કોઈ પણ વિચાર કર્યા વગર એની ઝોળીમાં નાખી દીધું. નંદિની પ્રેગનેન્સી વખતે દાદર ઉતરતા પડી ગઈ અને બાળકના મૃત્યુનો આધાત લાગતા કોમામાં જતી રહી હતી. છ-સાત મહિના એ જીવન-મરણના યુદ્ધમાં અફળાતી રહી અને એ જ અરસામાં તેં આપણા પ્રેમની નિશાની મિરાતને જન્મ આપ્યો. નંદિનીનો જીવ બચાવવા મેં તારી પાસેથી મિરાત માંગી લીધો અને તેં આનાકાની કર્યા વગર એ દસ જ દિવસના બાળકને મને સોંપી દીધો. એ બાળકનું રુદન અને એનો કોમળ સ્પર્શ નંદિની માટે ઔષધિ બની ગયો અને ધીમે ધીમે એ કોમામાંથી બહાર આવી અને એને જીવન આપનારો બાળક એનું જ જીવન બની ગયો." નીરજની આંખોમાંથી વહી રહેલા અશ્રુઓ એની છાતીપર માથું ઢાળીને બેઠેલી કામ્યાના ગાલ પરથી રેલાતા એના આંસુઓમાં ભળી જઈને વહી રહ્યા હતાં.

આમને આમ કેટલો સમય વીતી ગયો એની બંનેમાંથી કોઈનેય જાણ ન થઈ.

"ઠક....ઠક....ઠક...." કારના દરવાજે ટકોરા પડતા નીરજ અને કામ્યાએ પોતાની જાતને સંભાળી, સ્વસ્થતા ધારણ કરી અને નીરજ કારનો દરવાજો ખોલી બહાર નીકળી ને સામે જોયું તો નંદિની ઊભી હતી.

શારીરિક સ્વસ્થતા સાથે માનસિક સ્વસ્થતાનો તાલમેળ મેળવતા નીરજ સામે ઊભેલી નંદીનીને જોઈ લાગેલા આંચકાને છુપાડવા મથતો ચહેરા પર પરાણે સ્મિત લાવી ઊભો રહ્યો. 

"નીરજ... પૂછીશ નહિ હું અહીંયા ક્યાંથી, કેમ, કેવી રીતે ?" નંદિનીની આંખોમાં ઉઠેલી રોષની લહેરખી નીરજથી છાની ન રહી.

કામ્યા પણ કારનો દરવાજો ખોલી બહાર આવી અને નીરજની અડોઅડ ઊભી રહી ગઈ.

"નંદિની...પ્લીઝ કૂલ ડાઉન, પહેલાં મારી પુરી વાત તો સાંભળ, ચાલ આપણે હોટેલ જઈએ અને શાંતિથી બેસીને વાત કરીએ."

"આણે પણ આપણી સાથે આવવું પડશે કેમકે એની હાજરીમાં જ હું સાચી વાત જાણવા માંગુ છું." અહીંયા નાહક તમાશો ઊભો કરવો અને સાથે સાથે ફજેતી પણ થશે એ જુદી, એમ વિચારી નંદિની નીરજની વાત સાથે સહમત થઈ અને કામ્યા સામે ઈર્ષ્યાથી જોતી કારનો આગળનો દરવાજો ખોલી બેસી ગઈ. કામ્યા પણ ચૂપચાપ પાછલી સીટ પર બેસી ગઈ. નીરજે કાર હોટેલ તરફ હંકારી. હોટેલની રૂમે પહોંચ્યા સુધીમાં ત્રણેય નિઃશબ્દ હતા. ત્રણેય ફર્સ્ટ ફ્લોર પર નંદિનીના રૂમમાં આવ્યા. નંદિની નીરજનો હાથ પકડી બેડ પર બેસી ગઈ અને કામ્યા વિન્ડો પાસે મુકેલ સિંગલ સીટર સોફા પર બેઠી. નીરજે ઈન્ટરકોમ વડે પાણીની બોટલ મગાવી જે થોડીવારમાં જ એક વેઈટર આપી ગયો. નીરજે પાણીનો ગ્લાસ ભરી નંદીનીને આપ્યો. એક જ ઘૂંટડે આખો ગ્લાસ પાણી પીધા પછી એના ચહેરા પર અને આંખોમાં ઉઠેલી ક્રોધની જ્વાળા પણ લગભગ શાંત થઈ ગઈ. 

"જે સમયે મેં અહીંયા પગ મૂક્યો ત્યારથી આ સ્ત્રી પણ અહીંયા છે, જ્યારે એનો ચહેરો મેં પ્રથમવાર જોયોને નીરજ ત્યારે જ મારી નજર સામે આપણા મિરાતનો ચહેરો તરવરી ઉઠ્યો. બીજા દિવસે એની સાથે વાત કરીશ એમ વિચાર્યું હતું પણ વહેલી સવારે હું બાલ્કનીમાં ઊભી હતી ત્યારે મેં એને બહાર જતા જોઈ એટલે મને આશ્ચર્ય થયું એટલે હું પણ એની પાછળ પાછળ ગઈ. નખીલેકની પાળે એને બેસેલી જોઈ ત્યારે મનમાં હાશની આશ સાથે એની સાથે વાત કરવા જ જઈ રહી હતી ત્યાં મેં તને જોયો અને મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા અને તમને બેયને કારમાં બેસીને જતા જોયા તો મેં પણ ઓટો ઊભી રાખી અને તમારો પીછો કરતી હોટેલ ગુલમહોર ઈન સુધી પહોંચી. બહાર જ ઓટોમાં રાહ જોતી બેસી રહી કેમકે તમે બંને ખાલી હાથે જ અંદર ગયા એટલે પાછા ફરવાના જ હતા. પછી ત્યાંથી તમારો પીછો કરતી ગુરુશિખર સુધી આવી પણ તમે બંને કેટલીય વાર સુધી બહાર ન નીકળ્યા એટલે મેં આવીને નોક કર્યું અને પછી તો આપણે ત્રણેય સાથે જ છીએ..." એકીશ્વાસે બોલ્યા પછી નંદીનીનો શ્વાસ ફૂલવા લાગ્યો હતો. એની છાતી ધમણની જેમ ઉપરનીચે થઈ રહી હતી. એનો ડ્રેસ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. એ ગભરામણ અનુભવી રહી હતી. એને લાગતું હતું કે ધીમે ધીમે એનો શ્વાસ ધીમો પડતો જતો હતો. એના પોપચાં ભારે થવા લાગ્યા હતા અને ધીમે ધીમે આંખો બંધ થઈ ગઈ અને બેડ પર જ ઢળી પડી.

"આપણો પ્લાન કામ કરી ગયો" કામ્યા નીરજને ભેટી પડી, "હવે આ મરશે પણ નહીં અને જીવશે પણ નહીં. પાણીમાં ભેળવીને આપેલી દવાથી એ કોમામાં જતી રહી છે." 

"હવે આપણે અહીંથી નીકળી જઈએ અને ઉપર જઈ ફ્રેશ થઈ જઈએ. આમ પણ મેં તારી બાજુનો જ રૂમ નામ બદલી બુક કર્યો છે, જેમ હમેશા આપણે મળીએ છીએ અને કરતા આવ્યા છીએ." નીરજે રૂમના દરવાજે 'ડુ નોટ ડિસ્ટર્બ' નું સ્ટીકર લગાડ્યું અને કામ્યા સાથે ફોર્થ ફ્લોર પર જતો રહ્યો.

બીજા દિવસે નીરજ અને કામ્યા નંદિનીના રૂમમાં આવ્યા ત્યારે પણ દરવાજે લગાડેલું 'ડુ નોટ ડિસ્ટર્બ' નું સ્ટીકર યથાવત હતું પણ અંદર નંદિની નહોતી. એમણે અંદર-બહાર બધે જોઈ લીધું પણ ક્યાંય એનો અતોપતો ન લાગ્યો એટલે કામ્યાએ રીસેપ્શન પર જઈ એના વિશે પૂછપરછ કરતા માલુમ પડ્યું કે નંદિની તો ગઈકાલે રાત્રે જ ચેકઆઉટ કરી નીકળી ગઈ હતી. આ વાત જાણી નીરજ અને કામ્યાના પગ તળેથી ધરતી સરકી ગઈ. બેય નીરજની રૂમ પર આવ્યા. નીરજે ચાર-પાંચ વખત નંદિનીનો ફોન ટ્રાય કર્યો પણ સ્વીચ ઓફ આવતો હતો એટલે એણે ઘરે એની મમ્મી અંજનાને ફોન જોડ્યો.

"મમ્મી, નંદિની ત્યાં આવી છે ?" નીરજના અવાજમાં ગભરાટ હતો.

"શું થયું પાછું તમારા વચ્ચે ? દર વખતે નાની-નાની વાતમાં મોટો ઝઘડો કરો છો અને પાછા એક પણ થઈ જાઓ છો. ક્યાં જશે એ, ઘરે જ પાછી આવશે, તું ચિંતા નહિ કર. એ આવશે તો તને ફોન કરું છું." અંજનાએ ફોન કટ કર્યો. 

એ જ દિવસે બપોરની ફ્લાઈટ પકડી નીરજ અને કામ્યા પોતપોતાના ઘરે પાછા ફર્યા. નંદિની હજી ઘરે પાછી ન ફરતા નીરજ ચિંતિત હતો. એણે એના પિયર અને એની સહેલીઓને પણ ફોન કરી પૂછપરછ કરી પણ નંદિની ક્યાંય નહોતી. એ આર્મચેર પર બેઠો બેઠો શું કરવું એ વિચારતો ચા પી રહ્યો હતો એટલામાં ડોરબેલ વાગી એટલે લીલાએ દરવાજો ખોલતા કુરિયરબોય એના હાથમાં એક કવર આપી જતો રહ્યો.

"સાહેબ, આ લેટર આવ્યો છે," લીલાએ નીરજના હાથમાં કવર આપ્યું.

કવરમાંથી લેટર કાઢી વાંચતા નીરજ ચેરમાંથી ઊભો થઈ ગયો. નંદિનીએ છૂટાછેડાની નોટિસ મોકલી હતી. બેબાકળા બની એણે લેટરહેડ પર છપાયેલા એડવોકેટ તેજપાલના નંબર પર ફોન કર્યો. 

"મિ. તેજપાલ, હું નીરજ, નંદિનીનો પતિ. આ બધું શું છે, નંદિની ક્યાં છે ?" 

"મિ. નીરજ, નંદિની જ્યાં પણ છે સલામત છે અને આવતીકાલે જ તમારે કોર્ટમાં હાજર રહેવાનું છે. જે પણ વાત થશે એ કોર્ટમાં થશે." એડવોકેટ તેજપાલે ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે વહેલો ઊઠી, તૈયાર થઈ નીરજ કોર્ટમાં પહોંચી ગયો અને તેજપાલની રાહ જોવા લાગ્યો. 

"હેલ્લો મિ. નીરજ, હું તેજપાલ, નંદિનીનો વકીલ," નીરજની સામે પંચાવન જેટલી વયનો એક આધેડ પુરુષ ઊભો હતો જે ગુડગાંવનો પ્રખ્યાત વકીલ હતો. 

"મિ. તેજપાલ, નંદિની ક્યાં છે ?" નીરજે હસ્તધુનન માટે હાથ લંબાવ્યો.

"એ પણ આવી જશે, તમારા બંનેના ડિવોર્સની ફોર્મલિટી પુરી કરી લઈએ અને કોર્ટમાં એપ્લાય કરી લઈએ." તેજપાલે એની બેગમાંથી કેટલાક ડોક્યુમેન્ટ્સ કાઢ્યા અને નીરજને એના પર સહી કરવા જણાવ્યું. નીરજે તેજપાલને હાથ જોડી નંદીનીને સમજાવી ઘરે પાછી મોકલવા ઘણી વિનંતી કરી પણ તેજપાલે એની એક ન સાંભળી.

ઘરે આવીને નીરજે સોથી પહેલા કામ્યાને હકીકતથી વાકેફ કરી તો કામ્યા પણ નંદિનીને ડિવોર્સ આપી નીરજ અને મિરાત સાથે રહેવાની હઠ પકડી બેઠી પણ મિરાત નંદિનીનો હેવાયો હતો અને એ એની સાથે જ રહેવા માંગતો હતો એટલે એ મુજબ કોર્ટે મિરાતની કસ્ટડી નંદિનીને સોંપી અને છ મહિના પછી કાયદાકીય દ્રષ્ટિએ નીરજ અને નંદિની બેય છુટા પડ્યા પણ એ દરમ્યાન નંદિનીએ પોતાની માલિકીના શો-રૂમ સહિત એના નામે રહેલી બીજી બધી પ્રોપર્ટી પણ વેચી નાખી અને બધા રૂપિયા એના ઈન્ડિવીજયુલ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દીધા અને એનો અને મીરાંતના પાસપોર્ટ પણ તૈયાર કરાવી લીધા.

છ મહિના પછી જ્યારે કોર્ટનો આખરી ચુકાદો આવ્યો અને ડિવોર્સપેપર પર જજની સહી થઈ ગઈ ત્યારે કોર્ટમાંથી નીકળ્યા બાદ નંદિની નીરજની સામે આવી ઊભી રહી ગઈ. નીરજની ઉદાસ અને કોરી આંખો હજી પણ નંદીનીને પરત ફરવા વિનવી રહી હતી.

"મિ. નીરજ અગ્રવાલ, હવે તમારે જેની સાથે રહેવું હોય એની સાથે રહી શકો છો. હવે તમે આઝાદ પંખી છો. તમને શું લાગ્યું કે તમે મને પાણીમાં દવા મિક્સ કરીને આપશો અને મને ખબર નહિ પડે. તમારા આ લગ્નેતર લફરાંની મને ક્યારનીય જાણ હતી પણ એ બીજી સ્ત્રી કોણ છે એ મને ખબર નહોતી. તમારા અને કામ્યાના પ્લાનની મને આગોતરી જાણ થઈ ગઈ હતી. તમને રંગે હાથ પકડવા માટે જ મેં અહીંથી આબુ જતા પહેલાં જ તમે લઈ રાખેલી દવા બદલાવી નાખી હતી અને એટલે જ એ દિવસે મેં ફક્ત બેશુદ્ધ થવાનું નાટક માત્ર ભજવ્યું હતું અને સાથે મારા મોબાઈલમાં બધું રેકોર્ડ પણ કરી લીધું હતું જે સબૂતના આધારે મને આસાનીથી ડિવોર્સ મળી ગયા. સ્ત્રીની બુદ્ધિ ભલે પાનીએ હોય પણ પોતાના પર આવી જાય તો એ જ સ્ત્રી પાછી પાની પણ ન કરે. હવે તમે નિરાંતે કામ્યા સાથે રહી શકો છો. હવે તમે બંને મિરાત માટે ઝુરયા કરજો પણ ન તો હું પાછી આવીશ કે ન તો મિરાત... ગુડબાય મિ. નીરજ...." નંદિની એડવોકેટ તેજપાલની કારમાં બેસી ગઈ. 

બે દિવસ પછી પોતાનો બધો સામાન અને મિરાતને લઈ નંદિની એરપોર્ટ પહોંચી અને લંડનની ફ્લાઈટમાં બેઠી. 

  બેવફા વકત થા, તુમ થે યા મુક્કદર થા મેરા,

બાત ઇતની હી હૈ કિ અંજામ જુદાઈ નિકલા !

પાછળ રહી ગયા મિરાત માટે ઝૂરતી અને ડિપ્રેશનમાં સરી ગયેલી કામ્યા અને એકલતા, ઉદાસી, આંસુઓ અને વિષાદમાં ઘેરાયેલો નીરજ અને પશ્ચાતાપ અને વહી ગયેલી યાદોના રહી ગયેલા વળાંકો.

આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy