STORYMIRROR

Shobha Mistry

Inspirational

3  

Shobha Mistry

Inspirational

વિકાસ કોના ભોગે

વિકાસ કોના ભોગે

2 mins
156

દેવાંશ આજે ઘણાં વર્ષો પછી કૅનેડાથી ભારત પોતાના ગામ રાણકપુર આવ્યો હતો. એના મનમાં તો હજી પણ પોતાનું રળિયામણું ગામ તરવરતું હતું. ગામના દરેક ફળિયામાં લીમડો, આસોપાલવ, આંબાના ઝાડ લહેરતાં હોય. ગામના પાદરે વડ અને પીપળાના ઝાડ હિલોળા લેતાં હોય. ગામના છોકરાઓ વડના ઝાડ પર ચડી તેની વડવાઈએ ઝૂલતા હોય. ગામના વડીલો ઝાડના ફરતે બાંધેલા ઓટલા પર બેસી વાતોના ગપાટા મારતાં હોય. ગાડાવાળા પોતાના બળદોને ઝાડ નીચે કડબ ખાવા છૂટા કરે અને પોતે પણ ઝાડના છાંયે બેસી પોરો ખાતા હોય. 

રાત્રે ઘરના આંગણે દાદા દાદી ખાટલા પર બેસી બાળકોને અલકમલકની વાર્તા કરે. પછી ત્યાં જ બધાં ઝાડ નીચે મીઠો વાયુ ઝૂલણા ઝૂલાવતો હોય તેમાં સૂઈ જાય. ઝાડ પર પંખીઓના માળામાં પંખીઓ નિરાંતે પોતાના બચ્ચાં સાથે રહેતાં હોય. બાળકોને તો આંબલી પીપળી રમતાં ઝાડ પાસે જ શોધવા પડે. આંખ બંધ કરી મીઠા મધુરાં બાળપણને માણતો દેવાંશ ગાડીમાં પાછલી સીટ પર બેઠો હતો. 

"સર, તમે જણાવ્યા પ્રમાણે ગામ તો આવી ગયું પણ અહીં કોઈ ઝાડ દેખાતાં નથી." ડ્રાઈવર સુરેશે કહ્યું. 

દેવાંશે આંખ ખોલી પણ આ શું ? એ બોલી ઊઠ્યો. "અહીં વડ અને પીપળાના ઝાડ હતાં તે ક્યાં ?" એણે કોઈ ઓળખીતું દેખાય એ માટે આમ તેમ નજર દોડાવી. એટલામાં જ, "અરે તું, માફ કરશો તમે દેવાંશ તો નહીં ?" કહેતો એક યુવાન સામે આવ્યો. 

"અરે, તું ભરત તો નહીં ?" બંને એકબીજાને ભેટી પડ્યા. 

"અરે , ભરત અહીં વડ, પીપળાના ઝાડ હતાં તે ક્યાં ?"

"દેવાંશ, હવે એ બધું ભૂલી જા. જો આપણાં ગામનો કેટલો વિકાસ થઈ ગયો છે. અહીં બે ફેક્ટરી, એક સુગર મિલ, કારખાના બની ગયાં છે. એ માટે જગ્યા જોઈએ એટલે આ પાદરના બધાં ઝાડ કાપી નાંખ્યા. ગામના રસ્તા પહોળા કરવા બધાંના આંગણામાં ઝાડો હતા. તે પણ કાપી નાંખ્યા અને રસ્તા પહોળા કર્યા એટલે વાહનોને ચાલવાની સુગમતા પડે."

"અરે! પણ ગામનો વિકાસ કરવાની આંધળી દોટમાં પર્યાવરણનો દાટ વળી ગયો તેનું શું ? આ જો અહીં પહેલાં કેટલો સરસ પવન ફૂકાંતો હતો. પશુ પંખીઓના મીઠાં અવાજ અને બાળકોની દોડાદોડ દેખાતી હતી. તેમાંનું હવે કંઈ દેખાતું નથી. ગરમી તો જો, હું તો થોડીવારમાં જ પરસેવે રેબઝેબ થઈ ગયો. આ બધો વિકાસ કોના ભોગે ? આવનારી પેઢીના જ ને ?"

"અરે! હવે એવા બધાં વિચાર કરવાની ફુરસદ કોને છે ? નાના મોટા બધાં હવે આખો દિવસ મોબાઈલ અને ટી.વી.માં રચ્યાપચ્યા રહે છે. દરેકના ઘરે એ.સી. ને ફ્રીઝ આવી ગયાં છે."

ભરતની વાત સાંભળી દેવાંશને ખૂબ દુઃખ થયું. કૅનેડા તો ઠંડો પ્રદેશ છતાં લોકો અને સરકાર પણ પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત. જ્યાં પણ ખાલી જગ્યા દેખાય ત્યાં, ત્યાંના હવામાન પ્રમાણેના વૃક્ષો વાવીને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા પ્રયત્ન કરે. ભારત જેવા ખેતીપ્રધાન દેશની આ હાલત જોઈ એનું હૈયું વલોવાય ગયું. 

એણે દસ દિવસને બદલે પાંચ છ મહિના રોકાવાનો નિર્ણય કર્યો. ગામની સુરત બદલવાના એના નિર્ણયમાં ભરતે પણ સાથ આપવાની તૈયારી બતાવી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational