mariyam dhupli

Tragedy Crime

4  

mariyam dhupli

Tragedy Crime

વિદ્યા

વિદ્યા

3 mins
377


હોસ્પિટલમાં ઘણીવાર અફરાતફરી મચતી. પરંતુ આજે મચેલી અફરાતફરી જુદી જ હતી. વાતાવરણમાં ડરામણો ભય અને ધ્રાસકો છવાયેલો હતો. ડોક્ટરની આંખો પર ગોઠવાયેલ ચશ્મામાંથી આખુ દ્રશ્ય ખૂબ જ બિહામણું દેખાઈ રહ્યું હતું. દોડાદોડી વચ્ચે અટવાઈ રહેલા શરીરો હેરાન હતા, પરેશાન હતા, શોક્ગ્રસ્ત હતા અને ભારોભાર મૂંઝવણમાં ગોતા ખાઈ રહ્યા હતા. શું ઘટી ગયું હતું એ સમજાઈ રહ્યું ન હતું. પણ જે કાંઈ પણ ઘટ્યું હતું એ નિશ્ચિત કોઈ અશુભ સમાચાર તરફ સંકેત કરી રહ્યું હતું.

એક પછી એક ભરતી થઇ રહેલા તરુણ યુવાન શરીરોથી હોસ્પિટલની પથારીઓ ઉભરાઈ રહી હતી. સાથે આવેલા વાલીઓ ગમે તેમ કરી પોતાની દીકરીને પહેલા સારવાર મળી રહે એ ઉદ્દેશ્ય જોડે ક્યારેક કરગરી રહ્યા હતા તો ક્યારેક બુમરાણ મચાવી રહ્યા હતા. હોસ્પિટલમાં હાજર ઓક્સિજનની માત્રા દર્દીઓની સંખ્યાની સરખામણીમાં પૂરતી થઇ રહી ન હતી. અન્ય સ્થળોએથી ઓક્સિજન મંગાવવા માટે સ્ટાફના સભ્યો એક પછી એક ઝડપી કોલ કરી રહ્યા હતા. નર્સીંગ સ્ટાફની અછત ગભરામણ ઉપજાવી રહી હતી. ક્યાંક શ્વાસ લેવામાં તકલીફ તો ક્યાંક ડાયેરિયા તો ક્યાંક ઉલ્ટીના છાંટાઓની વરસા થકી આખી હોસ્પિટલ માથું ફાડી નાખે એવી વિચિત્ર દુર્ગંધ જોડે ખદબદી રહી હતી.

નિરીક્ષણ શક્તિને આખરે અનુભવ અને શિક્ષણનો ટેકો મળતાં જ ડોક્ટરની આંખ પરના ચશ્માં ધ્રુજતા હાથ જોડે હાથમાં ઉતરી આવ્યા. આંખો સામે જીવન અને મૃત્યુ વચ્ચે હિલોળે ચઢેલા માનવ શરીર પરથી નજર ઉપર તરફ ઉઠી. હોસ્પિટલની બારીમાંથી દેખાઈ રહેલા આકાશના નાનકડા ટુકડા ઉપર ભયભીત કીકીઓ આવી ઠરી. જાણે સ્વની જોડે વાર્તાલાપ થઇ રહ્યો હોય એમ અત્યંત મંદ સ્વરે ડોકટરના મોઢામાંથી થરથરતા શબ્દો નીકળી પડયા.

"યા અલ્લાહ, આ બાળકીઓની શાળાઓ ઉપર ઝેરીલી ગેસ છોડવામાં આવી છે કે જેથી તેઓ શિક્ષણથી વંચિત રહે."

આંખોમાં ઉભરાઈ આવેલા ભેજ વચ્ચે ઇરાનના એ ડોક્ટરને પોતાની પાંચ વર્ષની દીકરીનો નિર્દોષ ચહેરો દેખાયો જે પોતાના મીઠા માસુમ શબ્દોમાં પોતાનું સ્વપ્ન પોતાના પિતાને જણાવી રહી હતી. "અબ્બુ, હું મોટી થઇ તમારી જેમ જ ડોક્ટર બનીશ."અને એ સાથે જ એક મૌન, ખારી બુંદ સળગતી આંખોમાંથી ચહેરા ઉપર ઉતરી આવી.

***

ભારતના હાઈવે પરથી પૂર ઝડપે પસાર થઇ રહેલી બસમાંથી એક બંગડીઓવાળો તરુણ હાથ હવાને જાણે હથેળીમાં જીવ ભરીને ભરી લેવા પ્રયાસ કરી રહ્યો હતો. એ હથેળીને બસની અંદર તરફથી તાકી રહેલી યુવાન આંખોમાં અનેરો ચળકાટ હતો. ચહેરાની જોડે કીકીઓ પણ ઊંડા શાંતિના શ્વાસ ભરી રહી હતી.

"તને ખબર છે કિરિત, આજે કેટલા દિવસો પછી હું મુક્ત શ્વાસ ભરી રહી છું. તેં ભાગી છૂટવાની યોજના ન ઘડી હોત તો આજે પણ હું એ જ શાળા અને ટ્યુશનના ફેરાઓ લઇ રહી હોત. એ મણ મણ ભારના પુસ્તકોથી આખરે પીછો છૂટ્યો. થેન્ક્સ ટુ યુ." કહેતા યુવાન શરીર પડખેના અન્ય યુવાન શરીરને વીંટળાઈ વળ્યું. પ્રત્યાઘાતમાં યુવાને એને વધુ કસીને એ રીતે જકડી કે યુવતીના એકેક શરીરના અંગોનો સંપૂર્ણ સ્પર્શ મળી શકે. 

"આઈ લવ યુ, વિદ્યા. "

એ આલિંગનમાંથી હેમખેમ શ્વાસ ભરતા યુવતીએ પૂછ્યું,

"પણ આપણે જઈ ક્યાં રહ્યા છીએ ? "

"હોટેલ પેરેડાઇસ, ગોવા. મારા મિત્રોએ બધી સગવડ કરી રાખી છે. ડોન્ટ વરી."

કહેતા એ યુવાન યુવતીની પીઠ પાછળ જે લુચ્ચું સ્મિત ફરકાવી રહ્યો એને સ્વપ્નસૃષ્ટિમાં આગળ તરફ રાચી રહેલી કીકીઓ નિહાળી શકવા જરાયે સમર્થ ન હતી.

એ જ સમયે અત્યંત દૂરના અંતરે એક અંધકારભર્યા સૂના ફ્લેટમાં આધેડ સ્ત્રીના આછા આછા ડૂસકાંઓ પડઘાઈ રહ્યા હતા. સ્ત્રીની આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. એને સાંત્વના આપવા અસમર્થ હોય એમ થોડા અંતરે ભણતર માટે વસાવવામાં આવેલા મોંઘા ડેસ્ક પાસેની કુરશી પર બેઠા આધેડ પુરુષનું શરીર સ્તબ્ધ હતું. ડેસ્ક ઉપરના પુસ્તકો, ભણતર માટેની લોનનું ફોર્મ અને જે તરુણી હાઇવે પરની બસમાં યુવાન શરીરના બાહુપાશમાં હતી એની તસ્વીર ફોટોફ્રેમમાં નિહાળતા એક મૌન, ખારી બુંદ સળગતી આંખોમાંથી ચહેરા પર ઉતરી આવી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy