Sunita Mahajan

Inspirational

3  

Sunita Mahajan

Inspirational

વિદાય

વિદાય

3 mins
128


ધનુંભાઈ અને શિલાબેન એક આદર્શ પતિપત્ની નાનકડા ગામડામાં રહે પોતાની ખેતી કરે અને સુખનો રોટલો રળે. બંને એકદમ શાંત કિનારા જેવા શાંત. ત્રીસ વર્ષનાં એમના સુખી લગ્નજીવનમાં કદી ઝગડો નહિ કે અબોલા નહિ. ધનુંભાઈની હરેક વાતમાં શિલાબેનની હાં હોય જ. કોઈ દિવસ વિચારોમાં મતભેદ નહિ.

એમને બે દીકરા મોટો રાજન અને નાનો ઘનશ્યામ. બંને દીકરા પણ પિતા સાથે ખેતી કરે. બે વહુ સુનિતા અને સંગીતા, એ બંને પણ સગી બેનો જેમ રહે. બંનેને એક એક દીકરો જય અને વિરાજ.

એક સંયુક્ત આદર્શ પરિવાર. ધનુંભાઈને દીકરીની બહુ હોંશ હતી એટલે એવો તો વહુઓને જ દીકરી જેમ પ્રેમ કરતા. એમના પરિવારનું સુખ, શાંતિ અને એકતાના લીધે લક્ષ્મીમાતા પણ સદા પ્રસન્ન થઈ વાસ કરે એમના ભવનમાં. સમૃદ્ધિની તો રેલમછેલ ઊડે.

 ખેડૂતોનું નસીબ બે ડગલાં આગળ જ ચાલે એવું કહેવાય છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિથી હાથમાંનો ભર્યો મોલ (પાક) ચાલ્યો જાય. ખેતી કરવી એટલે સૌથી મોટો જુગાર રમવો. જેટલા પૈસા લગાડો એટલા પણ મળશે એવી કોઈજ હામી નહિ હોય પરંતુ ધનુંભાઈને કદી નુકશાન ના થાય.

પુરા ગામને એમના સુખ સાયબીથી ઈર્ષા થાય પણ એમના સેવાભાવી, મદદગાર સ્વભાવના લીધે બધા એમને પ્રેમ અને આદર પણ બહુ કરે.

એમાં આ કોરોના આવ્યો એટલે દીકરાઓ તો પિતાને ઘરમાં જ રાખે. બંને ભાઈઓએ જ પિતાની બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી. શહેરમાંથી માલ લાવવાનું, માલ વેચવાનું અને બિયાનાં,કિરાના સામાન બધું લાવવાનું કામ નાનો દીકરો ઘનશ્યામ કરે. જ્યારે મોટો દીકરો રાજન તો ગામમાંનું ખેતીનું, ગાય, ભેંસનું, મજૂરોનું બધું કામ સાચવે.

ઘરમાં ઉંમરલાયક માતાપિતા, નાનાં બાળકો એટલે બંને ભાઈઓ કામ માટે બહાર જાય પણ સાવચેતી બહુ રાખે. માસ્ક હંમેશા પહેરે,સેનેટાઈઝર વાપરે, બહારથી આવીને રોજ નહાવું , બધું જ બરાબર કરે છતાં ગયા વર્ષે મે મહિનામાં જ ઘનશ્યામ કોરોનાની ઝળમાં આવી ગયો. હજી કાંઈ બરાબર સમજે એ પહેલાંજ ત્રીજે જ દિવસે ફક્ત સતાવીસ વર્ષનાં ઘનશ્યામને હૃદયઘાતનો હુમલો થયો અને એ સ્વધામ ચાલ્યો ગયો.

 પૂરાં પરિવાર પર દુઃખનાં ડુંગર તૂટી પડ્યા. જુવાનજોધ દીકરાની કારમી વિદાયથી માતાપિતા ભાંગી ગયા. પરંતુ ચોવીસ જ વર્ષની નાનકડી દીકરી સમાન વહુ સંગીતા સામે જોઈ બંને એને હિંમત આપે એને શાંત કરે. સંગીતા તો ઘરનાં ઝરૂખે બેઠી પતિની રાહ જોતાં રડતી રહે. દુઃખી સંગીતાનાં માતાપિતાએ એને લઈ જવા ચાહી પણ એમણે ના કહી કે એ અમારી પણ દીકરી છે, અમે સાચવીશું.

દિવાળી પછી પતિપત્નીએ એક નિર્ણય લીધો કે જુવાન વહુ સામે આખી જિંદગી આટલી લાંબી પડી હતી. નાનકડો વિરાજ બાપ વિહોણો થઈ ગયો હતો, તો વહુને બીજા લગ્ન કરાવવા. એમણે તો વહુને બહુ સમજાવી અને મનાવી લીધી.

યોગ્ય વરરાજો શોધવા માંડ્યો જે એમની વહું સંગીતાને અને પૌત્ર વિરાજને સપ્રેમ, આદર સાથે સ્વીકારે અને એમની મહેનતને યશ મળ્યો.

એમનાં ઘરનાં સામે જ રહેતાં જીગરશેઠનો યુવાન ઈંજીનેર દીકરો યશ હાલમાં લોકડાઉનમાં વર્કફ્રોમ હોમ કરતો હતો. એ મુંબઈમાં ખૂબ મોટી ટાટા કંપનીમાં કામ કરતો હતો. એ ઘણીવાર ઝરૂખામાં સંગીતાને રડતી જોતો હતો. એનો જીવ કપાઈ જતો હતો. એણે સંગીતા સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી, સંગીતાની અને વિરાજની જવાબદારી સ્વખુશી લેવા ચાહી.

વસંતપંચમીનાં શુભ દિને સાસુ-સસરા ધનુંભાઈ અને શિલાબેને માતાપિતા બની વહુ દીકરીને કન્યાદાન આપ્યું. યોગ્ય કરિયાવર આપ્યો. સ્ત્રીધન આપ્યું અને એક આંખ રડતી તો એક આંખ હસતી રાખી વિદાય આપી. જેઠ જેઠાણીએ પણ મોટાભાઈ, ભાભીનું કર્તવ્ય પાર પાડ્યું. સંગીતાવહુને દીકરી બનાવી, પુનર્લગ્ન કરાવી નવો સંસાર, નવો કિનારો આપવાવાળા ધનુંભાઈ અને શિલાબેનને શત: શત: વંદન. એ સાથે યશ અને તેના પરિવારને પણ વંદન.

એમના આવા યોગ્ય નિર્ણયથી પુરા ગામમાં એમનાં બંને પરિવારની વાહ વાહ થાય છે. પુત્ર ઘનશ્યામને કારમી વિદાય આપતાં જેટલું માતાપિતા રડ્યા હતા એથી વધુ વહુ-દીકરીને વિદાય આપતાં હર્ષનાં આંસુએ બંને રડયાં એ સાથેજ પૂરું ગામ પણ આ સમર્પણ, આ અનોખો પ્રેમ જોઈને આ વહુ દીકરીની વિદાયમાં હરખનાં આંસુડે રડયાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational