વ્હાલી ઢીંગલી
વ્હાલી ઢીંગલી
વ્હાલી ઢીંગલી,
ઘણાં સમયથી તને પત્ર લખ્યો નથી, કાશ કે તને મારી વ્યસ્ત અને અસ્તવ્યસ્ત હાલત ખબર પડી હશે. તને લાંબા સમય સુધી પત્ર ન લખી શકાયાનું કારણ જ એ છે કે હું હવે જાતિવાદ, દંભ, અંધશ્રદ્ધા વગેરે સામે જંગે ચડ્યો છું. જે પરિબળ બે આત્માને એકાત્મ થતા રોકે તેને બદલવામાં જ હવે આગળ વધવું છે એવું ચાહ્યુ છે. ખેર... વહાલી તારાથી છુટા પડ્યા પછી સતત દોડતી ભાગતી જિંદગીમાં તારા વગરનું મારું અસ્તિત્વ ટકાવવા મથી રહ્યો છું. તારા પ્રેમ વગરની જિંદગીમાં ધમનીઓમાં દોડતી અધૂરપ આખા શરીરને શુષ્ક બનાવતી બનાવતી શિરામાં થઈ એકલતાના ધબકારે ધબકે છે અને હાંફી ગયેલાં મારા શ્વાસ તારા શ્વાસનો ટેકો ચાહે છે પણ દુર દુર સુધી ક્યાંય તારા હોવાનો આભાસ પણ નથી અને જો ને વરસતો આ વરસાદ મારી અંદર હજારો દાવાનળ ભડકાવે છે, બહારથી ભીંજાયેલું આ શરીર અંદરથી તારી યાદમાં ભડકાભડક સળગે છે અને આ આગને બૂઝવવા ફક્ત તારા કોમળ હાથની હથેળીનો સ્પર્શ જ કાફી પણ... અફસોસ!
એ હાથોમાં મહેંદી મુકાયાને ઘણાં વર્ષો થઈ ગયા.... હવે તો તારા સિવાય કોઈ ન ઓલવી શકે એવી આગમાં અંદરથી બળીને ખાખ થઈ રહ્યો છું અને મને વિશ્વાસ છે કે મહેંદીવાળો તારો હાથ મને સ્પર્શવા તરસતો જ હશે અને તારા શરીર પર પડતું વરસાદનું એકએક ટીપું તને પણ અંગારા જેવું જ લાગતું હશે. એક સમય હતો જ્યારે તારા વગર જીવવાની કલ્પના પણ કરી શકાતી ન હતી અને આજે પણ હુ જીવું છું... નવાઈની વાત તો એ છે કે તારા વગર જીવું છું છતાંય મને નવાઈ નથી લાગતી કે હું જીવી ગયો!
તને ખબર છે કેમ?
કેમ કે મોત તો ત્યારે જ આવી ગયું હતું જ્યારે હ્રદય પર લખેલું નામ હાથ ઉપર લખાવવાની અધૂરી ઈચ્છાઓ સાથે રડતી આંખે તારો હાથ મારા હાથમાંથી છોડવો પડ્યો હતો. આજે તો બસ જીરવુ છું અને લોકો સમજે છે કે હું હજુ જીવું છું. ઠીક છે... જે બનવાનું હતુ એ બની ગયું. હવે તારે લડવાનું છે પુરુષપ્રધાન માનસિકતા સામે, સ્ત્રીને ઘરનાં સંસ્કારોનું સર્ટિફિકેટ સમજતા સંસ્કારીઓ સામે, મહિલાને મનોરંજનનું અને પેઢી આગળ વધારવાનું માધ્યમ ગણતા પરિવારો સામે... અને મારે દંભ, મિથ્યાભિમાન, જાતિવાદ અને જાતિવિષયક અહંકાર સામે! કેમ કે પૂરા અસ્તિત્વ અને સમર્પણભાવથી કોઈનામાં ડૂબવાનો દરેકને અધિકાર છે પરંતું પોતાના દંભ કે અહંકારને પોષવા સારું કોઈનું જીવન ડૂબાડવાનો કોઈને અધિકાર નથી. इश्क में जब भी खुदा की बात उठती है... तेरे कदमों के निशां पे हम सिर रख देते है...! એ સાથે જ બસ આજે વરસાદી માહોલમાં તારી યાદ આવી ગઈ તો થોડીક લાગણીઓને શબ્દોનું સ્વરુપ આપ્યું છે.
ભુલચુક માફ કરજે... આવજે...

