Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

mariyam dhupli

Drama Tragedy


4.4  

mariyam dhupli

Drama Tragedy


વચન

વચન

9 mins 464 9 mins 464

એક અંતિમ ડબ્બો ભોંય ઉપર મૂક્યો અને શબ્બીરે એક ઊંડો દમ ભર્યો. વળેલી ૫૦ વર્ષની કમરને થોડી સીધી કરી એના પીડા આપી રહેલા સ્નાયુઓને થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો. ફ્લેટની અંદર બધો સામાન સહીસલામત પહોંચી ચૂક્યો હતો. અંતિમ બે કલાકથી ભાડે પર લીધેલા ટ્રકમાંથી બધોજ સામાન વારાફરતી સંભાળીને ભાડે રાખેલા ફ્લેટમાં મૂકી દીધો હતો. આબેદા અને રેહાન ઘણા ઉત્સાહિત હતા. એમની વર્ષોની મન્નત આજે પૂરી થઇ હતી. બન્ને મા -દીકરા સામાનની સગવડ અને વ્યવસ્થા પાછળ વિરામ લીધા વિનાજ મંડી પડ્યા હતા. 

શબ્બીર ત્યાં હતો છતાં ન હતો. એનું શરીર અહીં જરૂર હતું પણ મન તો એ કશે દૂર પાછળ છોડી આવ્યો હતો. ફ્લેટની ભીંતને એક નજર નિહાળ્યા બાદ એની નજર સામે તરફ ગોઠવાયેલી કુરશી પર આવી પડી. બે કલાકના સખત લાંબા પરિશ્રમ પછી થોડો આરામ કરવા જાણે એ કુરશી એને મૌન ભાવભીનું આમંત્રણ પાઠવી રહી હતી. પરસેવે ભીંજાયેલું ટીશર્ટ અને રેબઝેબ શરીર એ આમંત્રણ સ્વીકારી લેવા એને મનાવી રહ્યા હતા. 

એજ ક્ષણે અચાનક વાતાવરણ બદલાયું.

સુસવાટા મારતા પવનથી ફ્લેટની બારી ચોપાટ ખુલી ગઈ. શબ્બીરનું મન ધ્રુજી ઉઠ્યું. પરિશ્રમથી આવેલા પરસેવા ઉપર ભયનો પરસેવો પણ પોતાનું સ્થાન બનાવી રહ્યો. જાણે કશુંક અશુભ ઘટવાનું હોય એમ  એની છઠ્ઠી ઇન્દ્રિય અચાનકથી પ્રબળ બની એને ચેતવવા લાગી. વાદળોનો ગડગડાટ બળતામાં ઘી રેડી રહ્યો. છત્રી કે રેઇનકોટ નજરે ચઢી જાય એ આશાએ એની નજર ફ્લેટની ચારે દિશામાં અતિઝડપથી ચક્કર કાપવા લાગી. 

"આબે....."

પોતાનો અવાજ ઊંચે ઉઠે એ પહેલાજ એણે ચુપચાપ સંકેલી લીધો. આબેદા આ વાતાવરણમાં એને ફ્લેટની બહાર પગ મૂકવા ન દેશે એ ખાતરી જોડે એણે બિલ્લી પગે ફ્લેટની બહાર પલાયન કર્યું. ચોર પેઠે રસ્તા ઉપર પહોંચતાજ એણે સ્પર્ધામાં દોડતા રમતવીર જેવી લક્ષ્યની દિશામાં દોટ લગાવી. પાછળ ફ્લેટની બારીમાંથી આબેદાનો અવાજ ગૂંજયાનો એને આભાસ થયો.

"સાંભળો છો..."

ના, એને સાંભળવું ન હતું. સંભાળવાનું હતું. જવાબદારી હતી એની. વચન આપ્યું હતું એણે. એ એકીશ્વાસે દોડતો રહ્યો. ન તો વિફરેલા પવન તરફ એનું ધ્યાન હતું, ન વણસી ચૂકેલા વાતાવરણની કોઈ ચિંતા. ફિકર તો એકજ હતી. ખુદાન ખાસ્તા કઈ અશુભ ઘટી ન જાય. એના હૈયામાં ભૂકંપ મચ્યો હતો. જે એના આગળ ઉઠી રહેલા ડગ ને કોઈ કિંમતે પાછળ ફરવાની અનુમતિ આપવાના ન હતા. 

આબેદાએ જયારે હવેલી છોડવાની વાત કરી હતી ત્યારે પહેલીવાર હૈયામાં એ ભૂકંપના બીજ રોપાયા હતા. 

"ના, આબેદા, ના. આ હવેલી હું છોડી ન શકું. તું જાણે છે આ હવેલી પુસ્તાની છે. અમારી દરેક પેઢી આજ હવેલીમાં ઉછરી છે. અહીં અબ્બુની યાદો છે. અમ્મીનો અહેસાસ છે. મારા બાળપણનો જીવતોજાગતો દસ્તાવેજ છે આ હવેલી. "

"તો શબ્બીરમિયાં,જરા આ દસ્તાવેજની હાલત ઉપર પણ એક નજર કરો. "

'મિયાં 'શબ્દ આબેદાના વિરોધનો, એના પ્રતિકારનો, એના ક્રોધનો ટેવગત ચિન્હ સમો હતો. એ પ્રતિકાર, એ વિરોધ, એ ક્રોધ ચારે તરફ હવેલીને નિહાળી રહેલી એની કટાક્ષમય આંખોમાં પણ ઉભરાઈ આવ્યો હતો. 

"આ જુઓ. આખી ઇમારત ખખડધજ થઇ ગઈ છે. થોડો વરસાદ વરસે નહીં કે ચારે તરફ બાલદીઓ ગોઠવવી પડે છે. ક્યાંથી પાણી ટપકતું નથી ? એક સ્થળ તો બતાવો,જોઈએ. ભીંતને ઉધઈ ખાઈ રહી છે. પાછળની દીવાલો ઉપર ચમચીડિયાઓએ ઘર વસાવ્યું છે. લાકડાની માળ ઉપર ચાલીએ તો ધરતીકંપ જેવા આંચકા લાગે છે. જૂના બારીબારણાંઓ હવે વાપરવાને લાયક પણ બચ્યા નથી. કાલે ઉઠીને જો ઇમારત બેસી પડી તો..... "

શબ્બીરને જે શબ્દો સ્વપ્નમાં પણ સાંભળવા ન હતા એ આબેદા વાસ્તવમાં ઉચ્ચારી બેસે એ પહેલાજ શબ્બીરે એનું વાક્ય અવરોધી નાખ્યું. 

"શુભ શુભ બોલો બેગમ. આ ફક્ત એક ઇમારત નથી. પુસ્તાની નિશાની છે. મારા અબ્બાને એમના અબ્બાએ સોંપી હતી. એમના અબ્બાને એમના અબ્બાએ...."

"અને તમે તમારા દીકરાને સોંપશો. એમજ ને ?" 

બહાર વરંડા તરફ અભ્યાસ કરી રહેલા રેહાન ઉપર શબ્બીરે એક ગર્વભરી દ્રષ્ટિ નાખી. એજ એનો ઉત્તર હતો. આબેદા આગબબૂલી થઇ ઉઠી હતી. 

"જરાયે નહીં. મારો દીકરો આ ભૂતિયા મહેલને સંભાળવા પેદા નથી થયો. "

ભૂતિયા મહેલ ! શબ્બીરના હૃદય ઉપર એકીસાથે જાણે સો તીર આવી ભોંકાયા હતા. 

"તું જાણે છે બેગમ અબ્બુએ મારી પાસેથી વચન લીધું હતું......"

શબ્બીરનો જાતબચાવ અર્ધા માર્ગેજ વીંધાઈ ગયો. 

"ફક્ત તમારા એકલા પાસે નહીં. તમે એકજ નબીરા છો આ હવેલીના ? અલ્તાફભાઇને જૂઓ. કંઈક તો શીખો. સંવેદનાઓ પેટ નથી ભરતી. વ્યવહારુતાજ ઘરમાં રોટી લાવે છે. કેવા ઠાઠથી ઈંગ્લેન્ડમાં વસ્યા છે ! પાઉન્ડ કમાય છે. એમના બાળકો ત્યાંની અંગ્રેજી શાળાઓમાં ભણે છે. કબરમાં એક પગ લટકી રહ્યો હોય એવી આ આજે મરું કાલે મરું કરતી હવેલી પાછળ એક કોડી ખર્ચવા તૈયાર નથી. એમની બેગમ નુશરત અહીં રહેવા આવે છે ત્યારે મ્યુઝિયમ નિહાળતી હોય એમ "વાઉ""વાઉ "કરતી આ હવેલીના ચક્કર કાપતી રહે છે. અને પછી બે અઠવાડિયામાંજ પોતાના શોહર અને બાળકો જોડે ફરી પોતાના સુરક્ષિત ઘર તરફ ઉડી જાય છે. અંતિમવાર તો અલ્તાફભાઈ સોદો પતાવવાજ આવ્યા હતા. મિત્રના દીકરાના લગ્ન માટે કોણ ટિકિટ ખર્ચી આટલા માઈલ દૂર અહીં આવતું હોય ? કેટલી વાર વાત છેડી. પણ શું થયું ? તમારી ગાડી તો અબ્બુ અને એમના વચન પરજ અટકી જાય છે. વચન પહેલા કે ફરજ ? "

આબેદાના મનની બધીજ ભડાશ એક જ શ્વાસે બહાર નીકળી આવી હતી. શબ્બીરે બધુજ દર વખત જેમ સખત કાળજે સાંભળી લીધું.પછી હંમેશ જેમ પોતાની જીવનફિલસૂફી આબેદાના ગળે ઉતારવા ફરી એકવાર પ્રયાસ કર્યો. 

"વચન પણ તો ફરજ જ હોય છે. આપણા શબ્દો ઉપર અટળ રહેવું એજ આપણું ઈમાન છે, આબેદા. ને જો ઇમાન નથી તો કંઈજ નથી. જીવન પણ વ્યર્થ છે. આ હવેલીને હું સાચવીશ. એના ઉપર કદી કોઈ આંચ આવવા ન દઈશ. એનાથી મોઢું ન ફેરવીશ. ચાહે જે થઇ જાય. "

એ ક્ષણે આબેદાના શબ્દો કરતા વધુ પકડ શબ્બીરની દ્રઢ આંખોની હતી. બધુજ નિયઁત્રણમાં રાખનારી આબેદાને એ આંખો જાણે નિયંત્રિત કરી રહી હતી. આબેદા પહેલીવાર કોઈ વાર્તાલાપમાં મૌન બની હતી. શાંત રહેનાર અને કહ્યાગરા શોહર શબ્બીરના વ્યક્તિત્વનું કોઈ નવુ પાસું એ આંખોમાં ઉઘડી આવ્યું હતું. જેની આગળ જાણે એનું કશું ચાલવાનું ન હતું જેમ હંમેશાથી ચાલતું આવ્યું હતું. ઘેંટામાંથી જાણે સિંહની આછી ઝલક ડોકાઈ રહી હતી. આબેદાએ આંખો નીચે ઢાળી દીધી. નજીકની મસ્જિદમાંથી અઝાનનો પડઘો ગૂંજી રહ્યો. શબ્બીરે પગમાં ચપ્પલ ચઢાવી અને પરમાત્મા સામે માથું નમાવવા મસ્જિદની વાટ પકડી. 

"તો ઠીક છે, શબ્બીર મિયાં. આજે નિર્ણય લઇ લો. ક્યાં તો આ પાર ક્યાં તો પેલે પાર. અંતિમ વખતના વાવાઝોડા સમયે આ હવેલી હેમખેમ બચી હતી. સમાચાર જોયા ? આ ખખડધજ હવેલી સિવાય બીજું કઈ જૂઓ છો વિશ્વમાં ? હવે પછી આવનારું વાવાઝોડું એનાથી પણ ઘાતક હશે. આગાહી કરવામાં આવી છે. આવનાર ધોધમાર વરસાદ સામે ઉભી રહી શકે એ હાલત આ હવેલીની કરો. નહીંતર....નિર્ણય તમે લો. અહીં આ ભૂતિયા હવેલીમાં ભૂત બની એકલા ફરો...ક્યાં તો અમારી જોડે કોઈ સલામત અને સુરક્ષિત છત નીચે આવતા રહો. અમને મરવાનો કોઈ શોખ નથી. "

ઇબાદતની દિશામાં ઉપડેલા ડગલાં હવેલીને બારણે અટકી પડ્યા. આબેદાએ પોતાનો મંતવ્ય નહીં સીધેસીધી ચેતવણી ફેંકી હતી. હવેલીની મરમ્મત ? નાનીસૂની વાત ન હતી. અંતિમ એક વર્ષથી વારેઘડીએ લદાયેલા લોકડાઉને કામ ઉપર ઘેરી અસર છોડી હતી. આર્થિક સંકળામણ વચ્ચે આટલી મોટી રકમ.....

આબેદાને એ સારી રીતે જાણતો હતો. એકવાર જે નક્કી કરી નાખે તો વાત સમાપ્ત. એ કોઈ અબલા નારી ન હતી. રેહાનને લઇ નીકળી પડે તો કોઈ એને અટકાવી ન શકે. એનો શોહર પણ નહીં. અને આ વખતે મુદ્દો એના દીકરાની સુરક્ષાનો હતો. એ પાછું વળીને જોશે નહીં. રેહાનના ઉછેર માટે શોહર ઉપર નિર્ધારિત ચુપચાપ સમાધાન સાધી બેસી રહે એ ખાતુનની શ્રેણીમાં તો એનો સમાવેશ થાય નહીં. એકવાર જીદ્દ ઉપર ચઢશે તો ગમે તેમ કરી રેહાનને સંભાળી લેશે. શબ્બીર નામના હજરાતની એને કોઈ ફરજીયાત જરૂર રહેશે નહીં. જરૂરત તો પોતાને હતી. આબેદાની, રેહાનની. આટલા મોટા વિશ્વમાં પરિવારની હૂંફ વિના કઈ રીતે જીવાશે ? 

આદર્શ દીકરો કે આદર્શ પિતા ? એક ફરજ નિભાવતા અન્ય ફરજથી પીઠ કઈ રીતે ફેરવાય ?

પીઠ ફેરવીને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના એ ઈબાદતગાહ તરફ શાંત ડગલે નીકળી પડ્યો.  એની પાછળ પાછળ હવેલીને બારણે આવી ઉભેલી આબેદાના ચહેરા ઉપર જીતનું અભિમાની સ્મિત ચળકી ઉઠ્યું. 

બીજે દિવસે આબેદાએ ઇંગ્લેન્ડ કોલ જોડી શુભ સમાચાર આપી દીધા.અલ્તાફભાઇને તો પોતાના કાન ઉપર વિશ્વાશ જ ન આવ્યો ? શબ્બીર માની ગયો ? આટલા વર્ષોથી અબ્બુને આપેલા એક વચનને કારણે જે માણસ ટસથી મસ ન થયો તે આખરે હવેલીનો સોદો કરવા રાજી થઇ ગયો હતો. આબેદાની જેમ શબ્બીરના મોટાભાઈની પણ જાણે ચાંદ વિનાજ ઈદ થઇ ગઈ. 

લોકડાઉનમાં ઘરે બંધ અલ્તાફભાઇએ ઘર બેઠાજ ગ્રાહક પણ શોધી કાઢ્યો. પાર્ટી અમેરિકાની હતી. મોં માંગી કિંમત મળી રહી હતી. ભારતમાં રહેતા પાર્ટીના પરિવારના અન્ય સભ્ય જોડે આબેદા પાસે બધીજ ડીલ પણ પાક્કી કરાવી દીધી. અલ્તાફભાઇને ઈ બેન્કિંગ દ્વારા પોતાનો ભાગ મળી ગયો અને શબ્બીરને એનો. 

પુસ્તાની હવેલી હવે પુસ્તાની ન રહી. એની ચાવી અન્ય લોકોના હાથે સોંપતી વખતે શબ્બીર જાણે અંદરથી પડી ભાંગ્યો. પોતાના શરીરમાંથી જાણે પોતાનું હૃદય કાઢી એણે અજાણ્યા લોકોના હાથમાં સોંપી દીધું. વાવાઝોડાની આગાહી જોડે આબેદાએ પણ શીઘ્ર ત્યાંથી સ્થળાંતર કરવાને પ્રાધાન્ય આપ્યું. કોઈ નવું રહેવા લાયક મકાન મળે ત્યાં સુધી ભાડેના ફ્લેટમાં પરિવારને લઇ એ નીકળી પડી. 

પણ શબ્બીરની જેમ એ સાંજે પ્રકૃત્તિ પણ હતાશ હતી. મનમાં ગૂંગળાઈ રહેલું તુફાન તદ્દન રસ્તા ઉપર ઘુઘવાઇ રહેલા એ તુફાન જેવું જ વિફર્યુ હતું. એના દોડતા ડગલાં જોડે એના મનનો ભાર એટલોજ વધી રહ્યો હતો. ઉપરથી મુશળધાર વરસાદ પણ પોતાના અંતરનો આક્રોશ કાઢતો હોય એમ ભયાનક સ્વરૂપે સૃષ્ટિ ઉપર તૂટી પડ્યો હતો. એક તરફ ભીંજાયેલા શરીરનું વજન અને બીજી તરફ વીંધાયેલા અંતરનો ભાર. 

હાંફતો દોડતો એ હવેલીની સામે આવીને ઉભો રહી ગયો. તુફાન એની ચરમસીમાએ પહોંચ્યું હતું. ગાંડાતૂર બનેલા પવને વીજળીના તારો ઉખાડી ફેંક્યા અને આખો વિસ્તાર અંધકારમાં ડૂબી ગયો.  શબ્બીરના મનમાં ધ્રાસ્કો પડ્યો. અંદર શી પરિસ્થતિ હશે ? હવેલીનો માલિક તો અમેરિકામાં બેઠો હતો. અહીં ભારતમાં વસતા એના સંબંધીને દેખીતી રીતે જર્જરિત હવેલીમાં કે એની સુરક્ષામાં કોઈ રસ ન હતો. જીવલેણ વાવાઝોડામાં એ પોતાના પરિવાર જોડે ઘરમાં સુરક્ષિત લપાઈ બેઠો હશે. ચાવી જોડે હવેલીની માલિકી જતી રહી હતી. પણ એના પ્રત્યેની લાગણી નહીં. 

એ ફક્ત હવેલી થોડી હતી. એમાં અમ્મીનો અહેસાસ હતો. અબ્બુની યાદો હતી. એ તો એના બાળપણનો જીવતોજાગતો દસ્તાવેજ.  અંધકાર ભર્યા માર્ગમાં વીજળીના ચમકારા વારેઘડીએ પોતાનો પ્રકાશ છોડી રહ્યા હતા. એ પ્રકાશને સથવારે ગમે તેમ કરી શબ્બીરે મુખ્ય દ્વાર ઓળંગી નાખ્યું. થોડા મહિનાઓ પહેલા સુરક્ષા અર્થે દ્વાર ઉપર એણેજ જડાવેલા કાચનાં ટુકડાઓથી શરીર લોહીલુહાણ થઇ ગયું. પીડાને વેઠતો એ આખરે હવેલીના મધ્યભાગમાં પહોંચી ગયો. હવેલીના અંદર તરફનું અંધકાર વધુ ગાઢ હતું. સુસવાટા મારતો પવન એના દરેક બારી બારણાને હચમચાવી રહ્યો હતો. એ દરેક કાચમાંથી ગૂંજી રહેલો ધ્રુજારો વાતાવરણને વધુ ભયાવહ બનાવી રહ્યો હતો. ઉપરના માળ ઉપરથી એન્ટિક ઝૂમર અહીંથી ત્યાં એના ભારે શરીર જોડે લહેરાઈ રહ્યું હતું. એના લહેરાવાનો ધ્વનિ જાણે ખુદા પાસે રહમની યાચના કરી રહ્યો હતો. શબ્બીરને અચાનક આભાસ થયો કે પાછળ બાવર્ચીખાનામાં અમ્મીની બંગડીઓ ખણકી રહી હતી. 

"શબ્બીર, અલ્તાફ. બિરયાની તૈયાર છે. હાથ મોં ધોઈ આવતા રહો. "

શરીરમાંથી વહી રહેલું લોહી અને એની પીડા જાણે સુન્ન ખાઈ ગઈ. બાવર્ચીખાના તરફથી આવી રહેલી બિરયાનીની સુગંધ તરફ એનું શરીર અનાયાસે દોરવાઈ રહ્યું. પ્રકાશના અભાવમાં એ કોઈ વજનદાર વસ્તુ સાથે અફળાયો. માથામાં ઇજા થઇ. ચક્કર ચઢી ગયા. 

"શબ્બીર, ત્યાં શું કરે છે ? તું પતંગ લાવ્યો ? લે, તારા તો બન્ને હાથ ખાલી છે. "

અગાશી તરફ જઈ રહેલી દાદર હતી એ. બાર વર્ષના અલ્તાફભાઈનો અવાજ હતો. કાળાઘટ્ટ અંધકારમાં એણે પોતાના બન્ને હાથ ચકાસવા મથામણ કરી. હાથમાં પતંગ ન હતો. કોઈ રિસાઈને જાણે દાદર ચઢી ગયું હોય એમ ડગલાનો અવાજ અગાસી સુધી ફરી વળ્યો. એ તરફ આગળ વધવા ગયો જ કે પાછળ તરફ કોઈએ એના ખભાને સ્પર્શ્યો હોય એવો ભાસ થયો. એ પરસેવા થી ભરાયેલ કપાળ જોડે પાછળ તરફ ફર્યો. વરંડા તરફથી કોઈએ હાંકલ પાડી. એ અત્યંત હાંફળો ફાંફળો અંધકારને ચીરતો વરંડામાં પહોંચ્યો. 

"તું આવી ગયો શબ્બીર ? હું જાણતો હતો. મારો દીકરો એનું વચન જરૂર નિભાવશે. " 

અબ્બુનો અવાજ સાંભળતાજ એના શરીરના રુંવાડા ઉભા થઇ ગયા. એજ ક્ષણે આકાશમાં એક ભયંકર વીજળી ચમકી. વરંડાના ઉપર તરફના આકાશમાંથી ચળકેલા પ્રકાશમાં એક ક્ષણ માટે શબ્બીરનો ચહેરો દ્રષ્ટિમાન થયો અને.......

ફ્લેટના બારણે મોટેથી ટકોરા પડ્યા. હાથમાં મીણબત્તી લઇ બારણું ખોલવા આવેલી આબેદાનો ચહેરો ગુસ્સામાં લાલપીળો હતો. 

"આમ કહ્યા વિનાજ ક્યાં જતા રહ્યા હતા ? "

સામે તરફ ઉભા વ્યક્તિને નિહાળતાંજ હાથમાંની મીણબત્તી જમીન ઉપર પછડાઈ ગઈ. 

પુલિસની જીપમાં ઘટના સ્થળે પહોંચેલી આબેદા નજર આગળનું દ્રશ્ય નિહાળી જમીન ઉપર પછડાઈ પડી. પાછળ તરફથી ફાયર બ્રિગેડનો અલાર્મ ગૂંજી રહ્યો હતો. પણ એના કાનમાં તો એક જ વાક્ય સંભળાઈ રહ્યું હતું. 

"જો ઈમાન નથી તો કાંઈ નથી. જીવન પણ વ્યર્થ છે. " 

મુશળધાર વરસાદ વચ્ચે જમીન દોસ્ત થઇ ગયેલી હવેલીના કાટમાળ નીચેથી શબ્બીરનું શબ કાઢવાની કાર્યવાહી અત્યંત મુશ્કેલ બની રહી હતી. જાણે હવેલી પણ ઈમાનદાર શબ્બીરથી છૂટી થવા ઈચ્છી રહી ન હતી. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Drama