STORYMIRROR

Pravina Kadakia

Others

3  

Pravina Kadakia

Others

ઉમંગની હેલી પ્રકરણ (૧૦)

ઉમંગની હેલી પ્રકરણ (૧૦)

8 mins
14.6K


'આજે આપણે સિનેમામાં જઈશું?'

'આજે?'

'હા, રવીવાર છે.'

'અરે, તમે ભૂલી ગયા આ શનિ અને રવીવારે અવનિના બંને બાળકો મારી પાસે છે'.

'આ શું અમિતા જ્યારે મને મન થાય ત્યારે તારે લફરાં હોય.'

બોલતાં તો બોલાઈ ગયું પણ પછી મુકેશે જીભ કચરી. આ બંને બાળકો અમિતાની દીકરીના હતાં. એમને લફરાં ન કહેવાય, મનમાં તૈયારી કરી રાખી સામેથી કેવો બોંબ આવે છે. ગભરાયો પણ ખરો. બોલાઈ ગયા પછી તેનો કોઈ ઈલાજ ન હતો. મૌન સેવવાનો પાકો નિર્ણય કર્યો. મુકેશને કોઈ પણ રીતે ઘર્ષણ જોઈતું ન હતું. અમિતાના બાળકોનું આદર કરવું એ તો સહુથી પહેલો વિષય હતો. મનોમન નક્કી કર્યું 'કાંઈ પણ બોલતા પહેલા વિચાર કરવો!' વાણીના તીર નીકળે એટલે નિશાના પર જ લાગે.

'તમે શું બોલ્યા!' આ મારા બળકના બાળકો છે. લફરાં નહી મિ. મુકેશકુમાર.' અમિતાનો આવો સણસણતો જવાબ સાંભળી મુકેશના હાંજા ગગડી ગયા. રખે ને અમિતા વિચાર બદલી નાખે. તેને ડર પેસી ગયો. નવો નવો પ્રેમ, જુજ પરિચય જબાન પર નિયંત્રણ આવશ્યક છે. દિલની ધડકનને સંભાળવી જરૂરી છે.

મુકેશની હાલત વાઢો તો લોહી ન નિકળે એવી થઈ ગઈ. શબ્દના બાણ નિકળી ચૂક્યા હતાં. નિશાન બરાબર વિંધાયું હતું. હવે આ બાજી કેવી રીતે સુલટાવવી એનાથી મુકેશ અજાણ્યો હતો. પ્રેમ તેના દિલ અને દિમાગ પર સવાર થયો હતો. અમિતા વગર તેને ચેન પડતું નહી. અમિતા છેલ્લા બે ત્રણ વખતથી બહાના બનાવતી. જો કે બહાના મુકેશને મન હતાં. તેના બાળકોને સમય વખતે ખપમાં ન આવે તો એ મા શું કામની? અમુલખની ગેરહાજરીમાં અવનિએ આકાશ પાતાળ એક કરી મમ્મીને સાચવી હતી. આજે તે જે પણ સુંદર કાર્ય કરી રહી છે તે અવનિની મહેનત અને માર્ગદર્શનનું પરિણામ છે. અવનિ તેની વહાલસોયી પુત્રી તેના કામ અમિતા અડધી રાતે પણ કરવા તૈયાર હોય.

મુકેશને આ બધું સમજવા બીજો જનમ લેવો પડે. એને ખૂબ અફસોસ થયો. અમિતાની નારાજગી સહી લીધી. બે દિવસ સુધી તેનામાં હિમત ન હતી કે પાછો ફોન કરે. અમિતા તેના ફોનની રાહ જોતી હતી. તેણે મનોમન નિર્ધાર કર્યો. ગમે તેમ કરી મુકેશને પોતાની પરિસ્થિતિ જણાવી ચોખવટ કરવી પડશે.  હજુ તો માંડ માંડ ગાડી પાટા પર ચડી છે. જો ભવિષ્યમાં 'લગ્નનું' કદમ ઉઠાવે પછી આ રોજની રામાયણ ન થાય. ખુલ્લા દિલથી વાત કરવાનો મનસૂબો કર્યો. ફરીથી લગ્નનો વિચાર કર્યો એ ભૂલ તો નથી ને? મન વારંવાર આ પ્રશ્ન પૂછી રહ્યું.

'મારે, હવે કયા ઓરતા પૂરવાના છે?'

મન વિવાદ કરવા લાગ્યું.

'તને મુકેશનો સહવાસ ગમે છે'.

'તેથી શું?'

મન અને અમિતાનું હ્રદય વાદવિવાદમાં પરોવાઈ ગયું.

'તારે મન બાળકો સહુ પ્રથમ છે.'

'તેથી કાંઈ મારે જીંદગી ન હોય?'

મુકેશને તો કોઈ નથી, તેની આ લાગણીનો અનુભવ ન હોય.'

આ વાતની ચોખવટ કરવી પડશે.

'તેની લાગણી ન દુભાય તેનો ખ્યાલ રાખવો પડશે.'

'ચોખ્ખે ચોખ્ખું કહેવું પડશે, આપણા સંબંધમાં મારા બાળકો અગત્યના સ્થાને સદા રહેશે!

એ બન્ને બાળકોની હું 'માતા' છું.'

'મને લાગણી તમારા પ્રત્યે છે, મારી ભાવનાનો આદર કરવો પડશે.'

અમિતા આખરે મનમાં ચાલત વાદવિવાદથી થાકી. થાક તેના મુખ પર પ્રસરી રહ્યો. એમાં પાછો આજે ત્રણ દિવસ થયા મુકેશનો ફોન ન હતો. મુકેશે બોલવામાં બાફ્યું.  તેથી કાંઈ તેના ઉપર કોર્ટ માર્શલ ન થાય! મનમૌજી છે. આજ સુધી કોઈ લાગણીના તાંતણે બંધાયા નથી. આવા સંબંધોનો વિચાર પણ ન આવી શકે. તેના જવાબને બાલિશ સમજી અમિતાએ કોઈ લાગણી દુભાયાનો અનુભવ કર્યો ન હતો. અમિતાની સ્ત્રી સહજ કુશળતા અને મનની પરિપક્વતાના અહી દર્શન થાય એ સ્વાભાવિક છે. આમ પણ પુરૂષ આ બાબતમાં સાવ કાચા હોય છે. અમૂલખની ઠાવકાઈએ તો અમિતાના જીવનમાં સુંદર સાથિયાનું કામ કર્યું હતું. સાધારણ સ્થિતિમાં પણ મેઘધનુષના રંગ પૂરતી અમિતા પર અમૂલખને નાઝ હતો. આજની તેની પ્રતિભાના બીજ તે સમયથી રોપાયા હતા. જે આજે વટ વૃક્ષ થઈને અમિતાના જીવન પર  છવાઈ ગયા હતા.

આખરે મુકેશનો ફોન આવ્યો. માનુની અમિતાએ રાહ જોઈ હતી. મુકેશે ફોન તો કર્યો પણ ગળામાંથી શબ્દોએ નીકળવા માટે આનાકાની કરી. અમિતા સમજી ગઈ. તેને માટે તો ફોન આવ્યો તે ખૂબ મોટી વાત હતી.

'આજે સાંજે સાથે જમીએ તો કેવું?'

મુકેશ નવાઈ પામ્યો. સ્ત્રીનું હ્રદય ઓળખવું એ તેના વશમાં ન હતું. તેણે સામેથી કહ્યું, 'દાળઢોકળી ખવડાવીશ?'

ઉત્સાહમાં આવી અમિતા બોલી.'મને પણ તે જ ખાવાનું મન હતું'.

'સરસ. છ વાગે આવશો, બાગમાં ફરીને ઘરે જઈ ગરમાગરમ દાળઢોકળીની મજા માણીશું.'

'ચાલો તો મળીએ..' કહી ફોન મૂક્યો.

નવી વાર્તા ચાલતી હતી. આગળ શું લખવું તેને માટે વિચાર કરવા જરૂરી હતાં. ઉભી થઈ અને સાંજની તૈયારી કરવામાં ગુંથાઈ ગઈ. ટેબલ સજાવ્યું. ગેલેરીમાંથી તાજા ગુલાબ કુંડામાંથી લાવી સજાવીને ટેબલ પર ગોઠવ્યા. દાળ ઢોકળી સાથે પાપડ અને ખિચિયા શેક્યા. કાંદા ટામેટાં નું કચુંબર બનાવ્યું. અમૂલખને તેની સાથે થેપલા ગમતાં. મુકેશ માટે ખાસ બનાવ્યા. તૈયાર થઈને રાહ જોતી હતી. આ તેની ખાસિયત હતી. દરરોજ સાંજે ફરવા જવાની ટેવ પડી ગઈ હતી તેથી સુંદર તૈયાર થાય. અમિતાની સુઘડતા તેના પર નિખાર લાવતી. ચારેક દિવસથી મુકેશ મળ્યો ન હતો. આજે મળવાની ઉત્કંઠા જણાઈ આવતી હતી, એક વાતનો નિર્ધાર કર્યો હતો,'આજે ચોખવટ કરી લઈશ. પહેલાં જમાડીશ પછી વાત. આપણા નવ જીવનમાં મારા બાળકોનું સ્થાન ક્યાં?'

શાંતિ અને સ્નેહ પરિવારમાં હોવા અત્યંત જરૂરી છે. ખૂબ સંતોષી અમિતાને પૈસાનું ઘેલું ન હતું. મુકેશ સાથે ક્યાં અને કેવી રીતે દિલ મળી ગયું તેનું ભાન રહ્યું નહી. ઘર્ષણ અને કલહથી તે સો જોજન દૂર રહેતી. મુકેશ તેના પર વારી જતો. આ ઉમરે પહેલી વારની પ્રિતમાં તે એવો ડૂબ્યો હતો કે તેની વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ હતી. થોડે ઘણે  અંશે સ્વાર્થી કહી શકાય. તેની ક્યાંથી ભાન હોય કે અમિતાના બાળકો તેના જીવનમાં વર્ષોથી છે. જે એના જીવનનો શ્વાસ પણ કહી શકાય. અમિતાને અઘરું પડતું હતું. દર વખતે સમજાવવાનો, રિસાય તો મનાવવાનો. મોટે ભાગે કહેવાય છે સ્ત્રીઓ રિસાય, અહી ઉંધુ હતું. અમિતાએ વિચાર્યું આનો ઈલાજ હમણા નહિ કરી શકું તો પછી ઘણું મોડું થઈ જશે.

દાળઢોકળીની બધી તૈયારી થઈ ચૂકી હતી. અમિતા કાગડોળે રાહ જોતી હતી. આખું જીવન બદલાઈ ગયું હતું. મુકેશના સ્પર્શની ઉષ્મા અને પ્યાર બન્ને તેને માણવા ગમતાં. બાળકોને ખાતર નારાજ થતો તે એ કોઈ પણ હિસાબે ચલાવી ન શકે! દર વખતની જેમ આજે પાછો ફુલોનો ગુલદસ્તો આવ્યો સાથે ભાવતી ચોકલેટ પણ. અમિતા ખુશ થઈ. વળી પાછી હકિકતની હરિયાળી પર આવીને પટકાઈ.

'ચાલો પાર્કમાં આંટો મારીશું? આટલું વહેલું નથી જમવું.'

મુકેશે હા પાડી. તેણે નક્કી કર્યું હતું બોલતા પહેલાં વિચાર કરવો. આત્મિયતા અને પ્યાર જરા સાચવીને દર્શાવવા, બહુ ઉમંગની છોળો ઉડાવશે તો કદાચ સાથે ખોટાં શબ્દોનો કાદવ ન સરી પડે. તેને કુટુંબની ભાવનાનો અંદાઝ ન હતો. આખી જીંદગી એકલરામ હતાં. ક્યાં કોઈની ચિંતા કરવાની હતી. કદાપિ કોઈની વહારે પણ ધાવાનું ન હતું. એટલે તો ઘરમાં મહારાજ અને નોકર બન્ને હતાં. પોતાની બધી માંગ આ પગારદાર માણસો પૂરી પાડતાં. તેની બધી સગવડો સચવાતી.

બન્ને જણા બાંકડા પર બેઠાં.

'તું આજે શાંત છે!'

'ના મારા દિમાગમાં ગડમથલ ચાલે છે'.

'બોલે તો ખબર પડે ને?'

'કઈ રીતે વાત રજૂ કરવી તે સમઝ પડતી નથી.'

'ચાલો ઘરે જઈએ જમવાના ટેબલ પર સાથે બેસી વાત કરીશું.'

મુકેશને દિલમાં ડર પેઠો હતો. મોઢાના ભાવ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

ઘરે જઈને જમતી વખતે ખૂબ દૃઢતાપૂર્વક અમિતા પોતાનું મંતવ્ય જણાવી રહી. "મુકેશ તમે મને ગમો છો એમાં શંકા નથી. મને ૨૭ વર્ષનો પરિણિત જીવનનો અનુભવ છે.  બાળકો અને  બે પૌત્ર તેમજ પૌત્રી મારા જીવનમાં આગવું સ્થાન ધરાવે છે. તેમને માટે મને અનહદ પ્યાર હોય તે સ્વાભાવિક છે. તેઓ માટે મારે ફરજ પણ હોય. આ બધું વિચારવું રહ્યું. તમારો મારા પ્રત્યેનો પ્રેમ અને સહજીવનનો અનેરો ઉત્સાહ હું સમજી શકું છુ. કોઈ પણ ભોગે મારા બાળકોના પ્રેમને તમે વિઘ્ન ન સમજો એ બહુ જરૂરી છે.'

મુકેશ તો અમિતાની વાત કરવાની છટા અને લાગણીથી ભરપૂર અદાને નિહાળી રહ્યો. અમિતાનો ઈરાદો તેને નીચા દેખાડવાનો ન હતો. તેને માત્ર પોતાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરી સાચો રાહ દર્શાવ્યો. જે સ્વાભાવિક છે. મુકેશ માટે કદાચ ન ગમતી વાત હોઈ શકે. અમિતા એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું  તેના જીવનમાં અવિ, અવનિ અને તેનો સંસાર ખૂબ મહત્વતા ધરાવે છે. તે જો મૂકેશને કબૂલ હોય તો જ આગળ વધીએ અને કયું પગલું ભરવુ તે વિષે વિચાર વિનિમય કરીએ. અમિતાની પ્રતિભામાં બદલાવ આવ્યો હતો. હવે તે પહેલાંની સતી સાવિત્રી ન હતી. દુનિયાએ તેને ઘણું શિખવ્યું જેનાથી તે પહેલાં પરિચિત ન હતી. સ્ત્રીની મર્યાદા વિષે સભાન હતી.  અમુલખ તેના જીવનમાં હવે 'ગઈ ગુજરી' બની ગયો હતો. પહેલા પ્યારની સુગંધ માણી ચૂકેલી અમિતા હવે બાકીની જીંદગી ચુસકી ભરી ભરીને જીવવા માગતી હતી. તેને જીવનમાં કોઈ વાતની ખોટ ન હતી. લેખન ક્ષેત્રે પદાર્પણ કર્યા પછી તેની જીંદગીમાં મેઘધનુના રંગ પૂરાયા હતા.

સ્વતંત્ર જરૂર હતી સ્વચ્છંદ નહી! મુકેશની લાગણીઓને માન આપવા માટે તત્પર રહેતી. દોમદોમ સાહ્યબી મળવાની છે તેનાથી અનજાણ ન હતી. મુકેશની રહેણીકરણી ખૂબ આકર્ષક હતાં. અમૂલખના રાજમાં તેની કલ્પના પણ કદી કરી ન હતી. આરઝૂ પણ સેવી ન હતી. આજે જ્યારે જીંદગી તેને આ બધું આપી રહી છે ત્યારે તે માણવાની તમન્ના સેવતી થઈ હતી. જ્યારે સુંદર તક દરવાજો ખડખડાવતી હોય તો કોને તે પસંદ ન આવે?

મુકેશ  ઉંડા વિચારમાં પડી ગયો. આમ તો વિચાર કરવો એ તેની આદત ન હતી. વર્તમાનમાં જીવનાર મુકેશ અમિતાના સૌંદર્યનો દીવાનો બન્યો હતો. આ ઉમરે, જો જીંદગી માણવાની તક મળી છે તો શામાટે તેની મજા ન લુંટે? હજુ તે કાંઈ એવો બુઢ્ઢો ન હતો! સામે પાત્ર જાજ્વલ્યમાન હતું. કશું ગુમાવવાનો તો સવાલ પેદા થતો ન હતો. થોડું ઉદાર દિલ અને પરિસ્થિતિ સાથે સમજૌતો કરવાની આવશ્યકતા જણાઈ. તેનો પડ્યો બોલ ઝિલાતો. વફાદાર માણસોએ તેને હમેશા રિઝવ્યો છે. અમિતા આ ઘરમાં માલકિન થઈને આવશે. તેના બોલનું વજન હશે. ઘરના માણસો તેને ઈજ્જત અને સન્માન આપશે. તેમાં તેણે સ્વેચ્છાથી ભાગીદારી લખી આપી હતી. ખુશીથી, મરજીથી અને પ્રેમથી!

આખો વખત માત્ર અમિતા બોલી. પોતાના મનમાં ઉદ્ભવતા બધા પ્રશ્નોની છણાવટ કરી.  નવા સંબંધની શરૂઆત ખુલ્લા દિલે કરવી હતી. શંકાને સ્થાન ન  રહે તેની કાળજી કરી. પુખ્ત વયે બંધાયેલા આ સંબંધની ગરિમા બન્ને જણા જાણી ચૂક્યા. અમિતા અને મુકેશ એકબીજાના હાથમાં હાથ પરોવી બેસી રહ્યા. શબ્દની આવશ્યકતા ન જણાઈ. મૌનનું સામ્રાજ્ય છવાયું હતું. દિલની ધડકનનો અવાજ સ્પષ્ટ પણે ઘરમાં ગુંજી રહ્યો. ડાઈનિંગ ટેબલ પર પિરસાયેલાં ભાણાં ઠરી ગયા.

મુકેશના પ્રેમાળ વર્તનથી અમિતાને સંદેશો મળી ગયો કે બાળકો તેમના જીવનમાં યથા સ્થાને રહેશે. મુકેશને અમિતાની સાથે આવેલું "પાર્સલ" મંજુર હતું. કોઈ પણ ભોગે અમિતા બાળકોથી દૂર નહી થઈ શકે. મુકેશને અણસાર મળી ગયો હતો અમિતા તેને પણ ખરા હ્રદયથી પ્રેમ કરે છે. તેની હાલત સુડી વચ્ચે સોપારી જેવી ન થાય તે અત્યંત જરૂરી હતું.

અરે,'આ દાળઢોકળી તો ઠરી ગઈ.'

'તને કેવી રીતે ખબર પડી મને ઠંડી દાળઢોકળી ભાવે છે?''યાદ છે, અવનિને ત્યાં પહેલીવાર મળ્યા ત્યારે તમારી બહેને પોલ ખુલ્લી પાડી હતી'. આખું ઘર હાસ્યથી ઝુમી રહ્યું.

મુકેશે પ્રસંગની ગંભીરતા માણી, જાણી અને મૌન દ્વારા પોતાની સમજણની બાહેંધરી આપી! અમિતાની વાતમાં સંમતિ દર્શાવવા આલિંગન આપી ભૂલની કબૂલાત કરી.


Rate this content
Log in