ઉદય ભાગ ૨૨
ઉદય ભાગ ૨૨


અસીમાનંદ અને જરખ જ્યાં સુધી ગુફા પાસે પહોંચ્યા ત્યાં સુધી અસીમાનંદે શ્વાસ રોકી દેવા પડ્યા. ભયંકર દુર્ગંધ હતી વાતાવરણમાં અને રસ્તામા જોવા મળેલી વ્યક્તિઓ ભયંકર રીતે વિકૃત અને ગંધાતી હતી. આ બધાની સરખામણીમાં અદ્વૈત તેને સ્વચ્છ લાગ્યો. અસીમાનંદને લાગવા લાગ્યું કે અહીં આવીને ભૂલ તો નથી કરીને. તે સ્વચ્છતાનો ખુબ આગ્રહી હતો પણ અહીં તો અસ્વચ્છતા અને દુર્ગંધનું સામ્રાજ્ય હતું. ગુફા સુધી પહોંચતા તેને આ બધું જોઈને તમ્મર આવી ગયા. પણ હજી તો શરૂઆત હતી ગુફા પણ ભયંકર દુર્ગંધે તેનો પીછો ન છોડ્યો. ગુફા ઊંડે સુધી ગયા પછી જરખ એક અગ્નિ કુંડ સામે ઉભો રહ્યો. અગ્નિકુંડમાં થોડો ગુલાલ, કુમકુમ અને એક દ્રવ્ય નાખ્યું અને અગ્નિ વધારે પ્રજવલિત થયો ઉઠ્યો પછી એક કટાર લઈને પોતાના હાથ પર કાપો મુક્યો અને થોડું લોહી અગ્નિમાં છાંટ્યું અને અસીમાનંદને પણ તેમ કરવા કહ્યું. અસીમાનંદે પોતાના રક્તની આહુતિ અગ્નિને આપી. થોડીવાર પછી એક વિકૃત ચેહરો અગ્નિમાંથી ડોકાયો.
જરખે તરત દંડવત કર્યા અને અસીમાનંદને તેમ કરવા કહ્યું. અસીમાનંદે દંડવત ન બદલે ફક્ત પ્રણામ કર્યા તો અસીમાનંદને લાગ્યું કોઈ તેને કમરમાં પકડીને ઝુકાવી રહ્યું છે. પાછળ કોઈ ન હતું તેથી અનિચ્છા એ પણ અસીમાનંદને દંડવત કરવા પડ્યા. ઉભા થયા પછી તે આકૃતિ એ જરખ સાથે કોઈ અજાણી ભાષામાં વાત કરવાનું શરુ કર્યું. થોડીવાર તેની સાથે વાત કર્યા પછી આકૃતિએ પોતાનું મુખ અસીમાનંદ તરફ ફેરવ્યું અને કહ્યું કે હું તારાથી ખુબ પ્રસન્ન છું તેથી તને અહીં પ્રવેશ મળ્યો છે પણ હું તારા ચેહરા પરનાં ભાવ જોઈ રહ્યો છું. અહીંની દુર્ગંધ પ્રત્યે તારા મનમાં કોઈ સૂગ ન હોવી જોઈએ. તને આ જગ્યા પ્રત્યે પ્રેમ થશે તો જ અહીં રહી શકીશ. તેવું ન હોય તો અહીંથી જઈ શકે છે પણ તેમ કરવા જતા તું મારુ સુરક્ષા કવચ ગુમાવીશ. અને અહીં રહેવું હોય અને ત્રીજા અને ચોથા પરિમાણ પર રાજ કરવું હોય તો મારી સામે દંડવત કરવા પડશે.
અસીમાનંદ અવઢવમાં પડી ગયો છતાં તેને ફરી દંડવત કર્યા અને કહ્યું મને તમારી બધી શરતો મંજુર છે.
હવે તે કાળીશક્તિનો ગુલામ હતો. આકૃતિ એ પૂછ્યું કહો હું તારી માટે શું કરી શકું છું ? અસીમાનંદે કહ્યું હું રાવણનું ઓજાર લાવવામાં સફળ થયો છું હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો તે કહો, તેમ કહીને તે પોતાના ધોતિયાની છેડે બાંધેલું ઓજાર કાઢીને બતાવ્યું. આકૃતિના ચેહરા પરના ખુશી ભાવ સ્પષ્ટતાથી જોઈ શકાતા હતા. આકૃતિ એ કહ્યું વાહ જે કામ કોઈ ન કરી શક્યું તે કામ તમે કરી બતાવ્યું છે. કાનના પડદા ફાટી જાય તેટલી જોરથી આકૃતિએ હાસ્ય કર્યું અને કહ્યું કે આ ઓજાર તમે લઇ આવ્યા પણ તેના પર વિધિ કરવી પડશે તે અત્યારે અપવિત્ર છે. તે વિધિ પૂર્ણ કરવામાં એક માસનો સમય લાગશે. હું તમને વિધિ કેવી રીતે કરવાની તે સમજાવીશ. પછી જરખ સામે જોઈને કહ્યું તમારા બધાના સ્વપ્ન પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. હવે તમે બધા પાંચમા પરિમાણમાં પ્રવેશી શકશો અને ત્યાં કોઈ દિવ્યપુરૂષ પણ નથી તેથી તેના પર આસાનીથી કબ્જો કરી શકશો. પછી આપણે મહાશક્તિઓને હરાવી દઈશું.
જો રાવણે મારુ કહ્યું માન્યું હોત તો આપણે મહાશક્તિઓને તે વખતે જ હરાવી હોત પણ તે મૂર્ખ પોતાની બહેનના પ્રેમ વશ મહાશક્તિની જાળમાં ફસાઈ ગયો. સમયની પહેલા મહાશક્તિ સાથે યુદ્ધ કરી બેઠો. આકૃતિનાં ચેહરા પરનો ક્રોધ જોઈને જરખ ડરી ગયો કે રાવણની ભૂલની સજા તેને તો નહિ મળે ને ? પણ જોયું કે આકૃતિ તેની સાથે નહિ પણ પોતાની સાથે વાત કરી રહી છે.
અસીમાનંદે પૂછ્યું વિધિ ક્યારે શરુ કરીશું તો આકૃતિ એ કહ્યું કે કાલે સવારે કરીશું ત્યાં સુધી જરખ બધી તૈયારી કરી લેશે. બલીની પણ જરૂર પડશે. હવે તું આ જગ્યાનો આનંદ લે. જરખ આને માંસ અને મદિરાનો આસ્વાદ કરાવ. માંસ અને મદિરાનું ભક્ષણ તે અહીંના હોવાનું લક્ષણ છે.
અસીમાનંદના ચેહરા પર અણગમાનાં ભાવ આવ્યા જે તેને તરત છુપાવી દીધા.
અસીમાનંદે વિચાર્યું કે ઉદયને તો તે ખતમ કરી ચુક્યો છે. તેણે સમુદ્રમાં એક જળચર સાધી લીધું હતું જે ઉદય જેવો પાણીમાં પડે કે તેનું ભક્ષણ કરી લે. અને અસીમાનંદ જરખ સાથે ગુફાની બહાર નીકળ્યો અને જરખ તેને એક કુટિર તરફ દોરી ગયો.