ઉદય ભાગ ૨૦
ઉદય ભાગ ૨૦


સવારે ઉદય પ્રાતઃ કર્મ પતાવીને મફાકાકાના ઘરે ગયો. કાકા સાથે વાતવાતમાં કહ્યું કે પરમ દિવસે રોનક્ભાઇ ખેતરે આવ્યા હતા તેમને કહ્યું કે તે સ્વામી અસીમાનંદના ભક્ત છે, એમનું નામ તો મેં પણ સાંભળ્યું છે પણ કોઈ દી દર્શન નથ કર્યા તો મોટાભાઈ જાવાના છે તો હારે હું પણ જાઉં કે ? ઉદયના ચહેરા પરના દયામણા ભાવ જોઈને મફાકાકા એ રોનકને કહ્યું ભઈ તું આશ્રમ જતી વખતે ઓનય લેતો જજે. રોનકે અનિચ્છાએ હા પડી.
બીજે દિવસે ગાડીમાં બેસીને રોનક, રેખા, નયના, દેવાંશી અને ઉદય આશ્રમ જવા નીકળ્યા. રસ્તામાં ઉદય ને ખબર પડી કે તેઓ રાજસ્થાન નહિ પણ દ્વારકામાં આશ્રમમાં જવાના છે. સ્વામીજી હમણાં સત્સંગ કરવા દ્વારકા આવ્યા છે. બપોરે જમવા ગાડી એક ઢાબા પાસે રોકી ઉદય ભૂખ નથી એવું બહાનું કાઢી ગાડીમાં બેસી રહ્યો. થોડીવાર પછી જયારે જોયું કે કોઈનું ધ્યાન નથી તો તેણે રોનકની બેગ ખોલી અને ઓજારની તપાસ કરી તો સૌથી નીચે એક ચેનવાળા ખાનામાં એક હાથ લાંબો સળીયો પડ્યો હતો તેની ધાતુ અલગ હોવાથી તે સળીયો બેગમાંથી કાઢી લીધો અને બેગ હતી તેમ મૂકી દીધી અને ગાડીમાંથી ઉતર્યો. દૂર એક સાધુ વડ ના ઝાડ નીચે બેઠો હતો તેની પાસે ગયો અને તેણે પ્રણામ કર્યા અને પૂછ્યું બાપુ રાજકોટના છો તો સાધુ એ કહ્યું ના હું તો લંકાનો છું. સાંકેતિક જવાબ મળી જતા તે ઓજાર સાધુને હવાલે કર્યું અને કહ્યું આ કટંકનાથજી ને આપજો હું પછી આવીને મળીશ. પછી ગાડીમાં આવીને બેસી ગયો. હવે ઉદયના મનમાં સંતોષ હતો કે જો હું પાછો નહિ પણ આવું તો તે ઓજાર ભભૂતનાથ પાસે પહોંચી જશે.
બીજે દિવસે દ્વારકા પહોંચીને બપોર સુધી બધાએ આરામ કર્યો, બપોરે પછી દ્વારકાધીશના દર્શન કર્યા અને સાંજે તેઓ આશ્રમ જવા નીકળ્યા પણ તેણે જોયું કે આશ્રમ જતી વખતે રોનકનો ચેહરો પીળો પડી ગયો હતો અને તેના પગમાં જોર પણ ના હતું. બધા સાથે ન હોત તો તે કદાચ આશ્રમમાં પણ ન ગયો હોત. એનું કારણ ફક્ત રોનક અને ઉદયને ખબર હતી. રોનકને જરાય અંદાજો ન હતો કે ઓજાર ક્યાં ગયું, નીકળતી વખતે બેગમાં ચેક પણ નહોતું કર્યું, ચેક કર્યું હોત તો ખબર પડી ગઈ હોત કે ગાડીના પ્રવાસમાં જ ગાયબ થયું છે તો જરૂર પલ્લવ નુ કામ હશે. તે અવઢવમાં હતો ઓજાર વિષે તેના સિવાય કોઈને ખબર ન હતી. હવે કદાચ સ્વામીજી તેને મારી પણ નાખે, પણ જે થશે તે જોયું જશે, તેમ વિચારીને પરિવારને લઈને આશ્રમ પહોંચ્યો. સત્સંગમાં થોડીવાર બેઠા પછી સત્સંગ પૂરો થયાની જાહેરાત થઇ અને બધા લોકો વિખેરાયા પછી સ્વામીજી જે કુટિરમાં રહેતા હતા ત્યાં મળવા ગયા. રોનક પરિવાર સાથે ત્યાં પહોંચ્યા પછી સ્વામીજી એ બધાને કુશળમંગલ પૂછ્યા અને આશીર્વાદ આપ્યા. પછી રોનકને કહ્યું કે આપ મોડેથી આ તમારી સાથે છે તેમને લઈને પાછા આવજો રાત્રે અભિષેક કરવાનો છે.
રોનક બધાને લઈને હોટેલમાં ગયો પછી કહ્યું કે રાત્રે અભિષેક કરવાનો છે તો કોઈ ચિંતા કરતા નહિ. હું કદાચ સવારે આવીશ નટુભાઈ મારી સાથે આવે છે. મહિલામંડળને જમાડીને ઉદય અને રોનક બાબાની કુટિરમાં પહોંચ્યા તો બાબા એ કહ્યું કે અભિષેક પહેલા સમુદ્ર કિનારે જવું પડશે.
સમુદ્ર કિનારે પહોંચ્યા પછી બાબા એ રોનકને પૂછ્યું મારુ ઓજાર. રોનકનો ચેહરો પીળો પડી ગયો તે બાબાના ચરણોમાં પડી ગયો અને બોલ્યો સ્વામીજી મેં તો ઓજાર બેગમાં મૂક્યું હતું પણ હવે તે બેગમાં મળતું નથી. સ્વામીજી ને આંખો લાલ થવા મંડી અને રોનકને કહ્યું કે આટલી બધી નિષ્કાળજી, મારી ૧૦ વરસની મહેનત પણ પાણી ફરી વળ્યું હવે હું આગળ શી રીતે વધીશ. ઉદય મનોમન હસી રહ્યો હતો. જો કે રોનક તમારી ભૂલ નથી કારણ તમે તો પ્યાદા છો વજીર સાથે ક્યારેય જીતી નહિ શકો. સાચું કહું છું ને ઉદયનાથ ? ઉદય તરફ જોઈને સ્વામીજીએ પૂછ્યું.
ઉદયના ચેહરા પરનું હાસ્ય વિલાઈ ગયું અને તે વિચારવા લાગ્યો કે તેમને કઈ રીતે ખબર. રોનકના ચેહરાને જોઈને લાગતું હતું તેને કોઈએ મુક્કો મારી દીધો હોય. તેને ખબર ન પડતી હતી કે પલ્લવને સ્વામીજી કયા નામથી બોલાવી રહ્યા છે.
તેમના ચેલાને ઈશારો કર્યો તો તે રોનકને લઈ ત્યાંથી નીકળી ગયો અને બીજા ત્રણ જણે ઉદયને પકડી લીધો અને કહ્યું કે ચાલ ચાલવી મને પણ પસંદ છે અને હું તેનો મોટો ખિલાડી છું. બે વાર તો તને પછાડી ચુક્યો છું હવે કેટલી વાર હારવું છે ?
ઉદયે કહ્યું આ વખતની જીત મારી છે અને પહેલા પણ તમે આમને સામને લડ્યા નથી ફક્ત પીઠમાં ખંજર ભોંક્યું છે. તમને તે ઓજાર કોઈ દિવસ નહિ મળે. એટલું કહીને ઉદય જોરજોરથી હસવા લાગ્યો.
અસીમાનંદ પણ જોરજોરથી હસવા લાગ્યો અને કહયું કે આ ઓજારની વાત કરે છે ઉદય તેમ કહીને તેને ચોરેલો સળીયો બતાવ્યો. ઉદયના ચેહરા પર આશ્ચર્યના ભાવ હતા. તેને પૂછ્યું કેવી રીતે આ તો મેં કટંકનાથ પાસે પહોંચાડ્યો હતો ?
તમને શું લાગે છે આટલું કિંમતી ઓજાર આપણા દેશમાં આવ્યા પછી હું નજર પણ નહિ રાખું ? રોનક એરપોર્ટ પર પહોંચ્યો ત્યારથી મારા માણસો તેનો પીછો કરે છે. તમને શું લાગે છે આટલી બચકાની ચાલ રમીને તમે મને હરાવી દેશો. હું સામાન્ય માણસ નહિ દિવ્ય પુરુષ છું તેમ કહીને હાથ આકાશ તરફ પહોળા કર્યા તો આકાશમાં વીજળી કડકી અને તેમના હાથ સુધી લંબાઈ.
દ્રશ્ય એવું હતું જાણે વીજળીને તલવારની જેમ પકડી હોય તેમ લાગતું હતું. અસીમાનંદ ને ચારે તરફ એવું વર્તુળ રચાઈ ગયું જાણે તેમના શરીરમાંથી વીજળી પ્રવાહિત થઇ રહી હોય પછી તેમણે પોતાના માણસોને દૂર થવા જણાવ્યું અને અને તે વીજળીનો ઘા ઉદય પર કર્યો. છુટ્ટો હોવાથી ઉદય તે જગ્યાથી ખસી ગયો અને કિનારા પર મોટો ખાડો પડી ગયો હતો. ઉદયે એક મોટો કૂદકો મારી અસીમાનંદ તરફ જવાનો પ્રયાસ કર્યો જેથી તેને મુક્કો મારી શકે પણ તે ફેંકાઈ ગયો જાણે વીજળીનો ઝાટકો લાગ્યો હોય. હવે તેણે પેતરો બદલ્યો અને તે પણ અસીમાનંદની જેમ ઢીચણ સુધીના પાણીમાં પહોંચી ગયો જેથી અસીમાનંદ તેને વીજળીનો ઝાટકો ન આપી શકે. બંને પાણીમાં વર્તુળાકારે ફરવા લાગ્યા અને બંને એકબીજાને તોલતા હોય તેમ જોવા લાગ્યા પછી ઉદયે એક કૂદકો મારી ને અસીમાનંદ પર પૂર્ણ શક્તિથી પ્રહાર કર્યો. પણ તેને આશ્ચર્ય થયું કે હળવા મુક્કાથી મગર ને પણ ભગાડ્યો અને ઝાડ પણ પડી દીધું પણ તેના પ્રહારની અસીમાનંદ પર કોઈ અસર ન થઇ. પછી તેને ઘણા બધા પ્રહાર કર્યા અસીમાનંદ પર પણ તે પડવાનું તો જવા દો એક ડગલું પાછળ પણ ના ખસ્યો.
હવે વારો અસીમાનંદ નો હતો તેને એક જ પ્રહારમાં ઉદય ને સમુદ્રની બહાર ફેંકી દીધો. તેના પ્રહાર એવી તો શક્તિ હતી કે ઉદયમાં બીજી વાર ઉઠવાની શક્તિ ન રહી. અસીમાનંદે સમુદ્રની બહાર આવીને જોયું તો ઉદય ઉઠવાની કોશિશ કરી રહ્યો હતો તો તેને એક લાત મારી. હવે ઉદયમાં ઉઠવાની તાકાત ન રહી. અસીમાનંદે નજીક આવીને કહ્યું હજી તું પરિપક્વ નથી થયો કે મારી સાથે યુદ્ધ કરી શકે અને હવે થઇ પણ નહિ શકે કારણ હું તને સમુદ્રમાં સમાધિ આપવાનો છું. અને રહી મારી વાત તો ચોથા પરિમાણનો દરવાજો મારી માટે ખુલવાનો છે આજે રાત્રે. કાલી શક્તિઓ એ મારા નરબલીથી પ્રસન્ન થઈને ખોલી નાખ્યો છે અને એક વાર ચોથા પરિમાણમાં પહોંચું પછી આ ઓજારથી પાંચમા ને છઠા પરિમાણમાં પહોંચીને હું મહાશક્તિની સમકક્ષ બની જઈશ અને પછી મને કોઈ નહિ હરાવી શકે તારો ભભૂતનાથ પણ નહિ અને ખુદ મહાશક્તિ પણ નહિ અને આખા જગત પર હું રાજ કરીશ. પછી આકાશ તરફ હાથ કરીને વિકરાળતાથી હસવા લાગ્યો કે ઉદય થથરી ઉઠ્યો. પછી ઉદયના બે પગ પકડીને સમુદ્રમાં ફેંકી દીધો અને ધીમા પણ મક્કમ પગલે અસીમનાથ પોતાના આશ્રમ તરફ ચાલી નીકળ્યો.