'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

ટીકા-ટિપ્પણથી રહો દૂર, કામમાં બનો શૂર

ટીકા-ટિપ્પણથી રહો દૂર, કામમાં બનો શૂર

2 mins
464


એમ કહેવાય છે કે, જે કામ કરે છે તેમને અનેકની ટીકાનો ભોગ બનવું પડે છે. એમાંય જે સિદ્ઘાંતવાદી હોય તેમને તો અનેક ઘાતક નજરોનો સામનો કરવો પડતો હોય છે. પણ આવાં કામ કરનાર લોકો આવું ધ્યાને પણ લેતા નથી.

ભારતના ઉદ્ઘારક આપણા આ નેતાને પણ આવી અનેક બાબતોનો સામનો કરવો પડયો હતો. આ નેતા સિદ્ઘાંતવાદી હતા. એટલે તેઓના વિરોધીઓ કયારેક તેમને કોમવાદી કહેતા, કયારેક જડ કહેતા, કયારેક હઠાગ્રહી કહેતા અને કયારેક વળી જમણેરી પણ કહેતા. આ નેતાશ્રીને આવું કહેનારા કોઈ સામાન્ય લોકો જ નહોતા. તેમાં દેશના આગળ પડતા અન્ય નેતાઓ અબ્દુલ કલામ આઝાદ, એમ. જે. અકબર, જયપ્રકાશજી, ચંદ્રશેખર, મધુ લિમયે હતા અને ખુદ નહેરુ પરિવાર પણ હતો. નહેરુ પરિવારે તો આ નેતાશ્રીને નીચા દેખાડવા વ્યવસ્થિત ગેરસમજ ફેલાવેલી એવું પણ કહેવાય છે. આવી ગેરસમજમાં કેટલાક નેતાઓ પણ મોહિત થઈ ગયેલા.

પણ જેણે દેશ માટે પોતાનું સુખ જ ત્યાગી દીધું હોય, પોતાનાં સુખની પળ-પળ બીજાનાં સુખ માટે વાપરી નાખી હોય, જેને પોતાની તો કંઈ પડી જ ન હોય, જેના દરેક વિચારમાં માત્ર દેશ જ હોય એવા આ નેતાશ્રી કોઈની આવી વાતોને ધ્યાનમાં લીધા વિના પોતાનું કામ કર્યે જાય છે. કોઈની ટીકા તેઓએ ધ્યાનમાં જ ન લીધી. આવી વાતો સાંભળીને તેઓના પેટનું પાણી પણ હલ્યું નો'તું. ટીકાઓ પ્રત્યે સ્થિતપ્રજ્ઞ અને કામ કરવા પ્રત્યે સચેત રહીને તેઓ એક પછી એક કામ પાર પાડતા ગયા. દેશના સૌથી વિકટ કામને પણ તેઓએ જ પાર પાડેલ. દેશ માથે કોઈપણ સમસ્યા આવતી તો તેમનો હલ તેમની વિચક્ષણ બુદ્ઘિથી કરી નાખતા.

સમય આગળ વધ્યો અને નહેરુ પરિવારની ગેરસમજોમાંથી મોહભંગ થયેલા નેતાઓએ જાહેરમાં નેતાશ્રીની માફી પણ માગેલ અને પોતાની ભૂલોનો સ્વીકાર કરેલ. ભારતના ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા તો નેતાશ્રીને શક્તિશાળી, ચતુર અને આગ્રહી માનતા. સાથે સાથે મુત્સદી અને હોશિયાર પણ માનતા. પોતાની ટીકા-ટિપ્પણ ધ્યાને લીધા વિના માત્ર પોતાના કામથી પોતાના તરફી ગેરસમજોને દૂર કરાવી સૌને સાચી હકીકતનું ભાન કરાવનાર આપણા આ નેતાશ્રી બીજા કોઈ નહિ, સરદાર વલ્લભભાઈ પટેલ હતા.

આજે તો કોઈ નેતા વિશે કોઈથી ભૂલથી પણ કંઈક કહેવાય જાય, કે જે વાસ્તવમાં સાચું જ હોય છે, તો તે નેતા તો હોબાળો મચાવી દે અને હડતાલ ઉપર ઊતરી પડે છે. પોતાની ભૂલોને દબાવવા આવી હડતાલોનો સહારો લેનાર લોકોનું કામ કઈ રીતે કરી શકે? પોતાની ભૂલ હોય તો નિખાલસતાથી સ્વીકારી લેવી જોઈએ અને ભૂલ ન હોય અને ટીકા થાય તો તે ધ્યાને લીધા વિના આપણે આપણા કામમાં મસ્ત રહેવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Classics