'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –19

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –19

3 mins
626


ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ)

તા. ૧૩/૬/ર0૧પ

ભુતાનમાં ૭પ થી ૮0% લોકો બૌદ્ધ ધર્મ પાળે છે અને તેથી અહીં બૌદ્ધમંદિરો (વિહારો) એટલે કે ઝોંગની સંખ્‍યા વધારે છે. આ ઝોંગની પરંપરામાં વધુ એક ઝોંગ જોવા પહોંચ્‍યા. આ ઝોંગનું નામ ‘કીચુ ઝોંગ' છે. લાકડાનું બાંધકામ, આગળ પથ્‍થરનું તળિયું, કોતરકામની ડિઝાઈન, ચિત્રકામ વગેરેથી શોભાયમાન આ ઝોંગ ઘણો જૂનો છે.

મૂળ તિબેટીયન સમ્રાટ સોંગસેન ગેમ્‍પો દ્વારા સાતમી સદીમાં આ ઝોંગનું બાંધકામ કરાવેલ છે. ઈ.સ. ૧૮૩૬ થી ૧૮૩૮માં આ ઝોંગને પુનર્સ્‍થાપિત કરવામાં આવેલ છે. અમે ગયા ત્‍યારે લામાઓની સભા ચાલી રહી હતી. થોડીવાર બહાર ઊભા રહ્યા ત્‍યાં સભા પૂરી થઈ. પછી અમે અંદર જોવા ગયા. અહીં પણ બુદ્ધની પ્રતિમા ગોલ્‍ડન છે. આજુબાજુ કપડાંનાં બનેલાં સુંદર પ્રતીકોથી સુશોભિત આ ઝોંગ પણ સરસ લાગ્‍યો.

હવે અમે ગાડીમાં બેઠા. ગાડી પર્વતના ઢોળાવો પર ઊતરતી- ચઢતી, ઊંચાં-ઊંચાં વૃક્ષોના જંગલમાંથી પસાર થતી જંગલના મઘ્‍ય ભાગમાં પહોંચી.

ગાડી ઊભી રાખીને ડ્રાયવરે ઊંચા પહાડની ઉપર એક મંદિર દેખાડયું અને એ મંદિર ‘તક્ષસંગ મંદિર' હોવાનું જણાવ્‍યું. આ મંદિરે જવામાં ચડતાં-ઊતરતાં લગભગ સાડા પાંચ-છ કલાક લાગે એવું હતું. તેથી નીચેથી જ મંદિરના એ દેવને વંદન કરી થોડીવાર જંગલનાં વૃક્ષો વચ્‍ચે રહ્યા.

આ તક્ષસંગ મંદિર ઈ.સ. ૧૬૯રમાં બંધાયું હોવાનું મનાય છે. મંદિરની બાજુમાં એક ગુફા છે. આ ગુફામાં ગુરુ પદ્મસંભવે ૮મી સદીમાં ૩ વર્ષ ૩ મહિના ૩ અઠવાડિયા ૩ દિવસ અને ૩ કલાક ઘ્‍યાન કર્યું હોવાનું કહેવાય છે.

ત્‍યાંથી પરત ફરતા પારોની બજારમાં થોડીવાર લટાર લગાવી અને રીસોર્ટે આવી ગયા.

ચાર-પાંચ દિવસના ભુતાન-નિવાસ દરમિયાન ભુતાન વિશે જે કાંઈ જાણ્‍યું તે કંઈક આવું હતું. હિમાલયમાં તિબ્‍બત અને ભારત વચ્‍ચે વસેલો આ દેશ એશિયાનો એક નાનકડો દેશ છે. ભુતાનનું ત્‍યાંની સ્‍થાનિક ભાષાનું નામ ‘દ્રુક યુલ' છે. તેનો અર્થ થાય છે, ‘ગરજતા ડ્રેગનનો દેશ'. ભુતાનના ઘ્‍વજમાં પણ ડ્રેગનનું નિશાન છે. અહીંની સત્તાવાર ભાષાનું નામ ‘જોંગખા' છે. છ-સાત લાખની વસતીવાળો આ દેશ રાજનીતિક પરિસ્‍થિતિ મુજબ ભારતની નજીક છે. આ દેશમાં પ્રાચીન સંસ્‍કૃતિ અને આધુનિકીકરણ વચ્‍ચે સમતોલન જળવાઈ રહ્યું છે. પર્યાવરણનો નાશ કર્યા વગર આ દેશે પ્રગતિ કરી છે. સંસ્‍કૃતના સમાસ મુજબ ‘ભુતાન' શબ્‍દનો અર્થ ‘ઊંચી ભૂમિ' થાય છે. ભુતાનની હદમાં આવેલ સૌથી ઊંચું શિખર ‘કુલા કાંગરી' ૭પપ૩ મીટર ઊંચું છે. ભુતાનનું ચલણ ‘નોંગ્‍ત્રુમ' છે. જેનું મૂલ્‍ય ભારતીય રૂપિયાની ખૂબ નજીક છે. ભુતાનના મૂળ નિવાસીઓને ‘ગાંલોપ' કહેવાય છે. તીરંદાજી અહીંની રાષ્‍ટ્રીય રમત છે. સૌથી ખુશહાલ દેશ તરીકે એશિયામાં પ્રથમ અને દુનિયામાં આઠમા ક્રમે ભુતાનની પસંદગી થઈ છે.

ભુતાનમાં મોટા ઉદ્યોગો ઓછા છે અને જે છે તેના માટે શહેરોથી દૂર ઔદ્યોગિક વિસ્‍તાર રાખ્‍યો છે. જેના લીધે ભુતાનનું કુદરતી સૌંદર્ય જળવાઈ રહે છે અને પ્રદૂષણ અટકે છે. સ્‍વચ્‍છતાને અહીં ખૂબ મહત્ત્વ અપાય છે.

એક બાબત એ પણ નવાઈભરી લાગી કે અહીં રસ્‍તા ઉપર રેંકડીવાળા કે પથારા કરીને વેપાર કરવાવાળા કયાંય જોવા ન મળ્‍યા. અમે જ્યાં ફર્યા ત્‍યાં કોઈ ભિખારીનાં દર્શન પણ ન થયાં. કોઈએ હાથ લંબાવ્‍યો નહિ. અહીંનું હવામાન ખુશનુમા હતું. એટલે થાક નજીક પણ ફરકતો નહોતો.

અને આ રીતે મર્યાદિત દિવસોનો અમારો ભુતાન-પ્રવાસ પૂર્ણ થતો હતો.

તા. ૧૪/૬/ર0૧પ

સવારે ૭:પ0 વાગ્‍યે પારોથી રવાના થયા અને બપોરે ૧:ર0 વાગ્‍યે ફુન્‍ટસોલિંગનો દરવાજો વટાવી જયગાંવમાં પહોંચ્‍યા. ત્‍યાંથી સાંજે ૬:00 વાગ્‍યે ન્‍યૂ જલપાઈગુડી પહોંચ્‍યા. ન્‍યૂ જલપાઈગુડી સીલીગુડીની નજીકમાં જ આવેલું છે. ટ્રેનો અહીંથી જ મળે છે. સીલીગુડીમાં રેલ્‍વેસ્‍ટેશન નથી. અમારે જે ટ્રેનમાં બેસવાનું હતું તે ટ્રેન તા. ૧પ/૬/ર0૧પના સાંજના ૬:૩0 વાગ્‍યે મળવાની હતી. એટલે આ ર૪ કલાકનો સમય અહીં જ વિતાવવાનો હતો. એટલે અહીંની બજારો જોઈ, થોડી ખરીદી કરી અને ટ્રેનનો સમય થતાં ટ્રેનમાં બેસી ગયા. અઢી રાત અને બે દિવસની ટ્રેનની મુસાફરી કરી તા. ૧૭/૬/ર0૧પની મઘ્‍યરાત્રિ પછી એટલે કે તા. ૧૮/૬/ર0૧પની વહેલી સવાર (આમ તો રાત જ ગણાય) ૧:00 વાગ્‍યે જામનગર પહોંચી ગયા.

(પ્રવાસવર્ણન સમાપ્ત)


Rate this content
Log in