Arun Gondhali

Crime Thriller

4  

Arun Gondhali

Crime Thriller

તમાચો - ૨

તમાચો - ૨

5 mins
40


દોઢ બે કલાક બાદ જયારે એની બહેનપણીઓ પાછી ફરી ત્યારે મોનિકા ન દેખાતાં તેઓ અચરજમાં પડ્યાં અને અને તેમ શોધવા લાગ્યાં. આખો કિલ્લો ફરી ખુંદી વળ્યા પરંતું મોનિકા ના દેખાઈ. એનાં મોબાઈલ ઉપર સતત કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ ‘કોઈ ફોન ઉપાડતું નથી’ એવો મેસેજ આવતો. એમની ગાડી કિલ્લાની બહાર ઊભી હતી પરંતું મોનિકા ગાડી પાસે ગઈ જ નહોતી. મોનિકાના ઘરે તપાસ કરતાં ખબર પડી કે મોનિકા ઘરે પહોંચી નહોતી. સમાચાર સાંભળી ઘરેથી બધાં કિલ્લા ઉપર એને શોધવા આવ્યા. અંધારું થઈ ગયું હતું. ટોર્ચ અને મોબાઈલની ટોર્ચથી ખૂબ શોધખોળ કરી પણ નાકામ રહ્યાં. આખરે મોડી રાત્રે બધાં ઘરે પરત ફર્યા. 

ભારતમાં ઘણાં ઐતિહાસિક સ્મારકો છે, જગ્યાઓ છે, કિલ્લાઓ છે જે આપણી ધરોહર છે. ઘણી જગ્યાએ રાખ રખાવ થાય છે તો ઘણી જગ્યાએ રખેવાળ પણ નથી એવી જગ્યાઓ ઉપર સમાજના અમુક અસામાજિક તત્વોએ જપ્તો કર્યો છે. પોતાનાં અડ્ડાઓ બનાવી લીધાં છે. શરાબ અને જુગાર માટેની જગ્યા બની ગઈ છે. એ રાજકારણીઓના પ્યાદા બની જાય છે અને એમની હિંમતને સાથ આપનાર કોઈ મળી જાય ત્યારે દાદાગીરી જન્મ લે છે અને શરૂ થાય છે લોકો માટે પરેશાની. આ કિલ્લો પણ એવું જ એક સ્થળ હતું એ માથાભારે તત્વોનું. બહારથી ફરવાં આવનારને પૂરી જાણકારી હોતી નથી અને કંઈક અગમ્ય પ્રસંગ બનતાં હોય છે. કેટલાંક જાણમાં આવે છે તો ઘણાં દબાઈને રહી જાય છે. કારણ હિંમતનો અભાવ. લોકોના સાથનો અભાવ. કાનૂની દાવપેચોમાં સત્ય-અસત્યની રમત અને પૈસા અને પાવરનો વિજય.

મોનિકા એક વકીલની દીકરી હતી એટલે પોલીસ તંત્ર સજાગ થઈ કામ કરી રહ્યું હતું. છ મહિના વીતી ગયાં, પરંતું મોનિકાના કોઈ ખબર નહોતાં.

‘*******

શિયાળાના દિવસો હતાં. અંધારું થઈ રહ્યું હતું. લગભગ સાત વાગે એ યુવાન કિલ્લામાંથી બહાર નીકળ્યો. પોતાની મોટરસાયકલને કીક મારી એ શહેર તરફ જઈ રહ્યો હતો પોતાની રોમીઓ સ્ટાઈલમાં. મોટરસાયકલ ચલાવવામાં એ માહિર હશે એવું એનાં ડ્રાઈવિંગની સ્ટાઈલથી લાગતું હતું. ઠંડી હતી એટલે એ કોઈ કોઈવાર બંને હાથ છોડી હથેળીઓ ઘસતો હતો તો ક્યારેક મોટરસાયકલ ઉપર ઊભો થઈ જતો કોઈ પિક્ચરના હિરો જેવો, બંને હાથ છોડીને. હવે એણે મોટરસાયકલની સ્પીડ વધારી કારણ ટ્રાફિક ઓછો હતો. પાછળ બીજી એક મોટરસાયકલ એનો પીછો કરી રહી હતી. અંધારું સરસ જામ્યું હતું. થોડીકવાર પછી એક જોરદાર ધડામ ..... અવાજ થયો અને પેલો યુવાન મોટરસાયકલ પરથી પડ્યો. પડતાની સાથે ફંગોળાયો ખાસ્સો ઘસડાયો અને રસ્તાના એક માઈલ સ્ટોનમાં માથું અથડાતાં ત્યાંજ અટકીને પડ્યો. પાછળની મોટરસાયકલ એની પાસે આવીને ઊભી રહી જાણે એમને ખાતરી હતી કે અક્સ્માત થવાનો છે. મોટરસાયકલ ઉપર બેઠેલી પાછલી વ્યક્તિ એની પાસે ગઈ. એનાં પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ બહાર નીકળી આવ્યો હતો તે ઝટપટ લઈ બંને જણા ત્યાંથી નીકળી ગયાં. અંધરામાં શબ્દો વિલીન થયાં – ભૂલને માફી નહી. મોટરસાયકલના નંબર પ્લેટ ઉપર ફેન્સી અક્ષરોમાં લખ્યું હતું – ઈગલ. થોડાંક દૂર આવી એક ગામનાં બે ત્રણ યુવાનો તાપણું કરી ગપાટાં મારી રહ્યાં હતાં ત્યાં અટક્યા અને રસ્તા ઉપર થયેલ એક્સિડેન્ટની જાણકારી આપી ત્યાંથી અંધારામાં વિલીન થયાં.

‘******

કોલેજથી બપોરે ત્રણ વાગે પરત ફરનાર ચાર્મી સાંજ થઈ છતાં ઘરે પાછી ફરી નહોતી. ઘરનાં બધાજ પરેશાન હતાં. કોલેજની બધીજ બહેનપણીઓ ઘરે પહોંચી ગઈ હતી. પૂછપરછ કરતાં ખબર પડી કે કોલેજ છૂટ્યા બાદ બધાં સાથે જ છૂટા પડ્યા હતાં. ઘરનાં લોકો આમતેમ જાણીતા લોકોમાં શોધખોળ કરી રહ્યાં હતાં. રાત્રીના આઠ વાગ્યાં હશે અને એક રીક્ષા ઘરની સામે ઊભી રહી. ઉતાવળે રીક્ષાનું ભાડું ચકવી ચાર્મી દોડતી દોડતી રીક્ષામાંથી ઉતરી અને સીધી જ પોતાનાં રૂમમાં જતી રહી. એ વખતે ચાર્મીની ભાભી જ આગળના ખંડમાં ઊભી રહી ચાર્મીની રાહ જોઈ રહી હતી. ચાર્મીના પિતા અને માતાજી બંને એને શોધવાં બહાર ગયેલ હતાં. ચાર્મીને આમ લઘરવઘર હાલતમાં જોઈ ભાભી ગભરાયાં અને ચાર્મીની પાછળ દોડ્યાં. ચાર્મી ઓશીકામાં માથું મૂકી ખૂબ રડી રહી હતી. ભાભીએ એને બાથમાં લેવાની કોશિશ કરી પણ એનું રડવું ચાલું જ હતું. ચાર્મીની હાલત કંઈક અઘટિત બન્યાનું સંકેત આપતું હતું. ભાભીએ પોતાનાં પતિને ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ હતો એટલે પતિ જોડે વાત ના કરી શકી.

થોડાંક કલાકો બાદ ચાર્મીના માતા પિતા ઘરે પાછાં ફર્યા. ચાર્મીને જોઈ હાશ અનુભવી પણ હજુ સુધી ચાર્મીએ કોઈ સાથે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. ત્રણ દિવસથી ઘરનાં બધા હેરાન હતાં. દુઃખ શું હોય છે એની જાણ આજે ઘરનાં લોકોને થઈ હતી. ચાર્મીના ભાઈને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. થોડી થોડી વારે એ ચાર્મીના રૂમમાં જઈ હકીકત જાણવાની કોશિશ કરતો પરંતું ચાર્મી મૌન હતી. કુટુંબનાં લોકોની જિંદગીમાં કંઈક મોટો ફેરફાર આવી ગયો હતો. રોજ હસતાં રમતાં ઘરમાં માતમ જેવો માહોલ હતો. ચહેરાં ઉપરનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું. ક્યારેક કોઈ થોડું ખાઈ લેતાં તો કોઈ ખાવાની ઈચ્છા નથી એમ કહી ટાળી દેતાં. યુવાન ભાઈના મગજમાં ક્રોધ ઉકળતો રહેતો. આખરે એક દિવસ એ બહેનનું મૌન તોડવામાં સફળ રહ્યો બનેલ ઘટના જાણી શક્યો. વાત સાંભળી એનો પારો સાતમાં આસમાને હતો અને કંઈક અઘટિત કરી નાખશે તે પહેલાં બહેને બીજી વાત કરી અને એ ઢીલો પડ્યો. સંજોગોએ હવે પલટી મારી હતી. ઉકળતું લોહી હવે ઠંડું હતું. મોં ને તાળું મારવાનો વારો હવે ભાઈનો હતો. ભાઈ પરેશાન હતો. કંઈક ઉઘાડો પડી રહ્યો હતો. આખો દિવસ ગુસ્સો કરનાર હવે મૌન હતો. ચાર્મી એને સવાલ પૂછતી અને એ ત્યાંથી બહાર નીકળી જતો, જવાબ આપવાનું ટાળતો. પંદર દિવસ પહેલાંની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ ઉલટી હતી. ઘરનાં લોકો જયારે ચાર્મીને પૂછતાં ત્યારે એ કહેતી – “મેં ભાઈને બધી વાત કરી છે. હવે ભાઈએ નક્કી કરવાનું છે. મારું દુઃખ મારો વિરલો દૂર કરી શકે એમ છે.”

જયારે માતા પિતા ચાર્મી અંગે વાત કરતાં ત્યારે ભાઈના હૃદયમાં ઘા થતાં અને એ ત્યાંથી ઊઠીને નીકળી જતો. પોતાની પત્ની સાથે પણ વાત કરવાની એ ટાળતો. પરંતું સ્ત્રીમાં વધારાની એક સેન્સ છે, એક મગજ શક્તિ છે. જે વાત શબ્દોથી, સહવાસથી જાણી શકાતી નથી તે વાત સ્ત્રીઓ સામેવાળાની નજરથી સમજી લેતી હોય છે. જાણી લેતી હોય છે. નજરની ભાષા સમજવામાં સ્ત્રી જેટલું કોઈ હોશિયાર નથી એટલે જ અનુભવ હોય તો યાદ કરજો ઘરની સ્ત્રીના શબ્દો ભલે એ મા હોય, બહેન હોય, કે પત્ની. આગંતુકની પરખ તેઓ જોઈને તરત કરી લે છે અને ઘરની વ્યક્તિને સ્પષ્ટ જણાવી દે છે – “કે ભલે આજે તમે એને ઘરે લાવ્યા પણ બીજીવાર એને ઘરે લાવશો કે બોલાવશો નહી, ભલે એ તમારો જીગરજાન મિત્ર હોય.” સ્ત્રીના અનુમાન અને એમની સમજ દરગુજર કરવા જેવી નથી. એ ચેતવણી છે. એની નજર એક એલાર્મ છે. સંકટમાં ના પડો તેની એ ‘વીસલ-બ્લોવર’ છે. મિત્ર કે દોસ્તને નક્કી કરવાનું થર્મોમીટર છે. 

રહસ્ય ઘેરું હતું. એ અંદર ને અંદર ગુંગળાઈ રહ્યો હતો. રસ્તો કાઢવો મુશ્કેલ લાગતું હતું. ભૂતકાળના કર્મોનો હિસાબ રસ્તો બંધ કરી બેઠાં હતાં. બોજો વધી રહ્યો હતો. મગજ સુન મારી ગયું હતું. ચહેરાં ઉપર હાસ્ય નહોતું. ચહેરાનું તેજ દિવસે દિવસે ઘટી રહ્યું હતું જાણે અમાસ ! ખાવાની રુચિ નહી, નહી કપડાં પહેરવાના શોખ ! ઘરનાં લોકો દ્વિધામાં, પરેશાનીમાં ! સ્વર્ગ સમું ઘર આજે નરક જેવું લાગતું હતું. નહી ઘરમાં ચેન કે નહી બહાર ! એક તમાચો ગાલ ઉપર પડ્યો....સ...ટા..ક..... અને એક છાપ પડી દરવાજાની કોલબેલની સ્વીચ નીચે આંગળીઓની...વાયરલ વિડીઓના પંજાની. ભૂલને માફી નહી !

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Crime