થશરનું રહસ્ય ભાગ ૬
થશરનું રહસ્ય ભાગ ૬


સમયગાળો : વર્તમાન
નિખિલે ટેબલ પર એક કાગળ મુક્યો તેમાં ૧૫૦ એડ્રેસ હતા. તેણે રાઘવ તરફ જોઈને કહ્યું કે આટલા જણ છે જે નિયમિત રીતે ચિકન સોસેજ પિત્ઝા હોમ ડિલિવરીથી મંગાવે છે. રાઘવે કહ્યું આપણે પાંચ જણ છીએ એટલે આપણને પાંચ દિવસ લાગશે આટલા એડ્રેસ ચેક કરતા, પહેલા એમાંથી તે નામ કટ કરીશું જેઓ ફેમિલી સાથે રહે છે પછી જોઈશું કેટલા બચે છે. રાઘવનો અંદાજો ખોટો પડ્યો ત્રણ જ દિવસમાં તે કામ પૂરું થઇ ગયું. હવે તેમની લિસ્ટમાં ફક્ત ૧૦ નામ બચ્યા હતા. મોડી રાત્રે રાઘવે કહ્યું કાલનો દિવસ આપણા માટે મહત્વનો છે કાલે જ આપણે તે એલિયનને પકડી પાડીશું. પરાગે પૂછ્યું કેવી રીતે ? રાઘવે હાથમાંનું ઇન્સ્ટ્રુમેન્ટ દેખાડીને કહ્યું આ જાદુની છડી છે ને. પરાગે પોતાના માથા પર હાથ માર્યો અને વિચારવા લાગ્યો પાછલા એક મહિનામાં આટલું આસાન કામ ન કરી શક્યા, તે રાઘવે પાંચ છ દિવસમાં કરી દેખાડ્યું.
નવુ એડ્રેસ ચેક કરી ચુક્યા હતા હવે ફક્ત છેલ્લું એડ્રેસ બાકી હતું અને સાંજ પડવા આવી હતી. નિખિલે કહ્યું હું ઉપર જાઉં છું અને તમે બધા નીચે રહો. નિખિલ દરવાજા પાસે પહોંચ્યો અને હાથમાંનું ઇન્સ્ટ્રુમેન્ટ ઈન્ડિકેશન દેખાડવા લાગ્યું. નિખિલ સમજી ગયો કે તેનો શિકાર અંદર છે. નિખિલે ડોરબેલ વગાડી એટલે અંદરથી અવાજ આવ્યો કોણ છે ? નિખિલને કઈ સુઝયું નહિ એટલે તેણે કહ્યું પિત્ઝા. અચાનક દરવાજો ખુલ્યો અને નિખિલની છાતી પર લાત વાગી જેનાથી તેનાથી તે નીચે પડી ગયો. અચાનક કોઈ સીડી પરથી નીચે ઉતારવા લાગ્યું. નિખિલ તેનો ચેહરો જોઈ ન શક્યો. નિખિલે ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ બહુ મજબૂત પ્રહાર થયો હતો, મહામહેનતે તે ઉભો થઈને તે નીચે પહોંચ્યો ત્યારે અવની, શ્રીધર અને પરાગ જ હતા. શ્રીધર અને પરાગ હાંફી રહ્યા હતા. નિખિલે પૂછ્યું શું થયું ? અને રાઘવ ક્યાં ? પરાગે કહ્યું રાઘવ તે વ્યક્તિની પાછળ ગયો છે અમે પણ દોડ્યા હતા પણ પહોંચી ન વળ્યાં, બહુ સ્પીડમાં દોડે છે તે. નિખિલના મનમાં રાઘવનું માન વધી ગયું. તે ચારેયથી ચપળ, ચાલાક અને હોશિયાર હતો.
થોડીવાર પછી નિખિલના ફોનની રિંગ વાગી. ફોન કરનાર રાઘવ હતો. તેણે કહ્યું આપણો ટાર્ગેટ પૂરો થઇ ગયો છે. તે પકડાઈ ગયો છે તમે ઓફિસ પહોંચો પણ પહેલા તેના ફ્લેટમાં તપાસ કરી લો કોઈ કાગળિયા કે લેપટોપ હોય તે લઈને આવો. હું તેને લઈને ઓફિસ પહોંચુ છું. ચારેયના ચેહરા પર ચમક આવી ગઈ. તેઓ થોડી વાર પછી ઓફિસે પહોંચ્યા. તેમણે અંદર જઈને જોયું તો રાઘવે એક વ્યક્તિને ખુરસીમાં મજબુતીથી બાંધી દીધો હતો. રાઘવ તેને પૂછી રહ્યો હતો કોણ છે તું ? તે વ્યક્તિએ કહ્યું પહેલા એ કહો તમે કોણ છો અને મને કેમ બાંધ્યો છે મારો ગુનો શું છે? મારી પાસે તમને આપવા માટે પૈસા નથી મારી આજ રાતની ટ્રેન છે મારે ગામડે જવાનું છે મારી પત્ની મારી રાહ જોઈ રહી હશે. રાઘવ જોરજોરથી હસવા લાગ્યો અને કહ્યું કયું ગામડું સોરારીસ કે પ્રિડાનીડ? તે વ્યક્તિના ચેહરા પર દહેશત દેખાવા લાગી, છતાં તેણે થોડી બહાદુરી દેખાડી અને કહ્યું ના મારુ ગામ તો વડોદરા જિલ્લામાં છે. તેજ વખતે તેના નાક પર જોરથી એક મજબૂત મુક્કો પડ્યો. રાઘવના ચેહરાના ભાવ જોઈને એક ક્ષણ માટે નિખિલ પણ ડરી ગયો. તે વ્યક્તિના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. રાઘવે નિખિલ તરફ જોયું અને પૂછ્યું શું ફ્લેટમાં કઈ મળ્યું ? નિખિલે હાથમાંનું એક લેપટોપ અને એક ફાઈલ ટેબલ પર મૂકી. લેપટોપ અને ફાઈલ જોઈને તે વ્યક્તિની આંખો દહેશતથી પથરાઈ ગઈ. તેણે રાઘવ તરફ જોઈને કહ્યું પ્લીઝ ? રાઘવે ફાઇલમાંથી એક કાગળ કાઢ્યું જેમાં ફોટો હતો તે જોઈને તેની આંખમાં ચમક આવી અને તે ફાઇલમાંના બાકીના ફોટા જોવા લાગ્યો અને તેની આંખોના ખુણા ભાવુકતાથી ભીના થઇ ગયા અને જેમ જેમ આગળ જોતો ગયો તેમ તેના ચેહરા પરનો ક્રોધ શાંત થઈ ગયો. ફાઈલ બંદ કરી તે વખતે તેનો ચેહરો શાંત હતો, તેણે ફાઇલમાંના ફોટા નિખિલ, અવની, શ્રીધર અને પરાગ સામે ધર્યા. તેઓ બાઈક પર આવ્યા હોવાથી તેમણે ફાઈલ ચેક નહોતી કરી. તેમને ખબર નહોતી પડતી કે કેવી રીતે રિએક્ટ કરવું. અવની ફાઇલમાંના ફોટા લઈને સ્કેન કરવા સ્કેનર તરફ વધી, અજબ લાગણી હતી તેના મનમાં.
રાઘવે પોતાની પૂછતાછ ફરી શરુ કરી પણ હવે તેનો લહેજો નરમ હતો. અચાનક આ પરિવર્તન જોઈને તે વ્યક્તિ મૂંઝાઈ ગયો હતો. પછી રાઘવે પૂછ્યું ભાઈ તારું નામ શું અને તું કયા ગ્રહ પરથી આવ્યો છે ? પછી જાતેજ ઉભો થઈને ફ્રિજ પાસે ગયો અને તેમાંથી એક કોલ્ડ ડ્રિન્કની બોટલ લઈને આવ્યો અને તે વ્યક્તિને તેનો એક હાથ ખોલીને તેના હાથમાં આપી.તે જાણે જન્મોજન્મ નો તરસ્યો હોય તેમ આખી બોટલ એક જ શ્વાસમાં ગટગટાવી ગયો. પછી રાઘવ ઉભો થઈને અવની પાસે ગયો અને કંઈક કહીને ફરી બીજી બે કોલ્ડ ડ્રિન્ક ની બોટલ લઈને આવ્યો એક તે વ્યક્તિને આપી અને બીજી પોતાના હાથમાં રાખી અને ધીમે ધીમે પીવા લાગ્યો. તે વ્યક્તિએ કહ્યું તમને કોઈ ગેરસમજ થઇ લાગે છે હું વડોદરા પાસેના એક ગામડાનો વ્યક્તિ છું અને અહીં નોકરી કરું છું. રાઘવે કહ્યું ઓહો તો પછી મારી ભૂલ થઇ છે પણ તારે નોકરી કરવાની જરૂર ક્યાં છે તું ઓલોમ્પિકમાં જાય તો એથ્લેટીક્સમાં બધા મેડલ તારા નામે થઇ જાય. પછી રાઘવ તેને તેના ગામની ડિટેઈલ્સ પૂછતો ગયો અને તે વ્યક્તિ જવાબ આપતો ગયો પણ તે વ્યક્તિ અચાનક વિહ્વળ થઇ ગયો તેનું નાક સળવળવા લાગ્યું. તેજ ક્ષણે શ્રીધર પિત્ઝાના છ પેકેટ લઈને અંદર દાખલ થયો અને સામેના એક ટેબલ પર મુક્યા. ત્યાં સુધીમાં રાઘવે તે વ્યકતિનો છૂટો કરેલો હાથ ફરી બાંધી દીધો હતો, તે વ્યક્તિ અધીર થઇ ગયો તેનું શરીર કોઈ રોગીની જેમ ધ્રુજવા લાગ્યું પણ રાઘવે તેની કોઈ પરવા કર્યા વગર શાંતિથી પેકેટ ખોલીને એક ટુકડો ઉપાડ્યો અને ખાવા લાગ્યો. બંધાયેલ વ્યક્તિનું ગાંડપણ વધવા લાગ્યું પણ રાઘવન ચેહરા પર અજબ શાંતિ હતી. જયારે પ્રયત્ન કરીને થાકી ગયો ત્યારે તે વ્યક્તિનો ચેહરો દયામણો થઇ ગયો તેણે કહ્યું ઠીક છે હું બધું સાચું કહું છું પણ મને તે ખવડાવો. રાઘવે એક ટુકડો તેના મોઢા આગળ ધર્યો અને તેણે એક બટકું ભર્યું એટલે પાછો ખેંચી લીધો અને કહ્યું હવે સાચી વાત કર. તે વ્યક્તિએ બોલવાનું શરુ કર્યું અને જેમ જેમ તે બોલતો ગયો તેમ તેમ બધાની આંખો પહોળી થઇ ગઈ પણ રાઘવના ચેહરા પર અવિશ્વાસના ભાવ હતા.
ક્રમશઃ