થશરનું રહસ્ય ભાગ ૧૦
થશરનું રહસ્ય ભાગ ૧૦
સ્થળ : મુંબઈ
વિતાર હાથમાં એક રીસીવર લઈને પ્રિડાની સામે ઉભો હતો. તે રીસીવર બહુ પ્રાયમરી લેવલનું હતું પણ પ્રિડા તેને બહુ ધ્યાનથી જોઈ રહી હતી. તેણે વિતાર તરફ જોઈને કહ્યું શું આ રીપેર થઇ ગયું છે ? વિતારે કહ્યું હા પણ બહુ મુશ્કેલી પડી આને રીપેરીંગ કરાવવામાં, આ ટેક્નોલાજી આપણા ત્યાં આઉટડેટેડ થઇ ગઈ હતી તેથી મારે અહીં આવ્યા પછી એવી વ્યક્તિને શોધવી પડી જે આને રીપેર કરી શકે ? પણ શું તમને વિશ્વાસ છે કે આપણું ટ્રાન્સમીટર કામ કરતુ હશે કારણ આ ગાળો નાનોસુનો નથી લગભગ ૫૦૦૦ વર્ષનો છે. પ્રિડાએ કહ્યું આ ટેક્નોલોજી ભલે આપણે ત્યાં આઉટડેટેડ થઇ ગઈ છતાં પણ બહુ અસરકારક છે. આપણા ટ્રાન્સમીટરની બેટરી નાઇટ્રોજન ગેસ પર ચાલે છે અને અહીં તે વાયુની કમી નથી તે ઉપરાંત રીપોર્ટના છેલ્લા ભાગમાં લખ્યું હતું કે તે હથિયાર કોઈ મોટી ગુફામાં મુકવામાં આવ્યું છે એટલે ટ્રાન્સમીટરને નુકસાન પહોંચ્યું હોય તેવી શક્યતા નથી તેથી હજી સુધી તે કામ કરતુ હશે તે વિષે મને કોઈ શંકા નથી. જયારે મેં રિપોર્ટ વાંચ્યો ત્યારે ખબર પડી ગઈ કે આ રીસીવરની જરૂર પડશે એટલે સાથે લઇ આવી પણ પ્રોબ્લેમ એટલો જ છે કે આની રેન્જ ૧૦ કિલોમીટર જેટલીજ છે.
વિતારે પૂછ્યું આપણે શરૂઆત ક્યાંથી કરીશું અને શું મને તે પેજેસ પાછા જોવા મળી શકશે ? પ્રિડાએ ધ્યાનથી વિતાર તરફ જોયું અને પછી અચાનક પોતાના હાથમાંની છડી વિતાર તરફ તાકી અને વિતાર જમીન પર ઢળી પડ્યો. તે પછી પ્રિડાનું રૂપ બદલાઈ ગયું તે એક સુંદર સ્ત્રી બની ગઈ અને તે રીસીવર પોતાની હેન્ડ બેગમાં મૂક્યું અને બહારની તરફ નીકળી તેને ખબર હતી કે ક્યાં જવાનું છે. તે ચાલતા ચાલતા વિચારવા લાગી કે અહીં આવેલા તેમના પૂર્વજો જો લોહીના સેમ્પલની સાથે કોઈ હથિયાર પણ લાવ્યા હોત તો અત્યારે આ અભિયાન પર નીકળવું ન પડ્યું હોત. તેમના ગ્રહવાસીની રૂપ બદલવાની શક્તિ અહીંથી લાવેલા રક્તમાંના જનિનોને લીધે હતી.
સ્થળ : દિલ્હી
દિલ્હીની એક ઑફિસની બોર્ડ રૂમ માં બંસીલાલ, નીલકંઠ, અવની અને શ્રીધર હાજર હતા. શરૂઆત નીલકંઠે કરી તેણે કહ્યું બંસીલાલજી હવે આપ મને આપને આપેલા ફોટોનું વિશ્લેષણ કરો. આ બંને મારા ટીમ મેમ્બર છે અવની અને આ છે શ્રીધર. અવનીએ નમસ્તે કર્યું જયારે શ્રીધરે અમિતાભ સ્ટાઈલમાં તેમની સાથે હાથ મિલાવ્યા અને તેના અવાજમાં કહ્યું આપસે મિલકર ખુશી હુઈ. બંસીલાલ બે ઘડી તેની તરફ જોઈ રહ્યા અને પછી તેમણે નીલકંઠ તરફ જોઈને કહ્યું તમે જેટલા ફોટો આપ્યા હતા તેમાંથી ૧૫ ફોટોની સ્લાઈડ બનાવી છે પહેલા આપણે તે જોઈ લઈએ પછી તેના પર ચર્ચા કરું છું. બંસીલાલે પોતાના લેપટોપમાંથી એક પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ઓપન કર્યું એટલે સામે ની સ્ક્રીન પર ફોટા દેખાવા લાગ્યા. પ્રેઝન્ટેશન પત્યા પછી તેમણે કહ્યું મહાભારતનું યુદ્ધ ભલે બે પૈતૃક ભાઈઓ વચ્ચે લડાયું પણ તે યુદ્ધમાં તે વખતના ભારતીય ઉપખંડના મોટાભાગના યોદ્ધાઓએ ભાગ લીધો હતો અને અવનવા શસ્ત્રો વપરાયા હતા. શું તે વખતના શસ્ત્રાસ્ત્રો વિષે કોઈ જાણે છે તે વખતે અવનીએ ખોંખારો ખાધો અને કહ્યું હું થોડુંઘણું જાણું છું. બંસીલાલે કહ્યું તો પછી આપ તે વિષે કહો.
અવનીએ કહ્યું કે તે વખતે બે પ્રકારના હથિયારો વપરાતા અસ્ત્ર અને શસ્ત્ર. જે હાથમાં લઈને લડી શકાય તે શસ્ત્રો કહેવાતા અને જેનાથી દૂર સુધી વાર કરી શકાય તેને અસ્ત્ર કહેવાય જો કે એમાં ઘણાબધા પેટ વિભાગ છે અમુકતા, મુકતા, મુકતામુક્ત, મુક્તાસંનિવૃત્તિ. એટલું કહીને અવનીએ પોતાની ફાઈલ માંથી એક કાગળ કાઢ્યો અને વાંચવાનું શરુ કર્યું, તે કાળમાં વપરાતા ઘાતક શસ્ત્રો હતા સુદર્શન ચક્ર, ત્રિશુલ, પાશુપતાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, બ્રહ્મશિર્ષ, નારાયણાસ્ત્ર, વજ્ર, ઇન્દ્રાસ્ત્ર, આગ્નેયાસ્ત્ર, વરુણાસ્ત્ર, માનવાસ્ત્ર, વરુણપાશ, ભુમાસ્ત્ર, ભાર્ગવાસ્ત્ર, નાગાસ્ત્ર, નાગપાશ, ગરુડાસ્ત્ર, વાયુવાસ્ત્ર, સૂર્યાસ્ત્ર,મોહિનીઅસ્ત્ર, સંમોહનાસ્ત્ર, પર્વતાસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર, કૌમોદકીઅસ્ત્ર, નંદક, મહેશ્વરાસ્ત્ર, રુદ્રાસ્ત્ર, પરશુ, ગદા, ચંદ્રહાસ, અંતર્ધ્યાનાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર, સોલાસ્ત્રા, વિસોશનાસ્ત્ર, જ્યોતીકાસ્ત્ર....
બંસીલાલે તાળીઓ વગાડી અને કહ્યું તમારું વાંચન નીલકંઠજીએ કહ્યું તેમ ખરેખર વિશાળ છે પણ એમાંથી પાંચ સાત ને છોડો તો મોટાભાગના મહાવિનાશના અસ્ત્રો નથી તદુપરાંત તમે એક અસ્ત્ર ને ભૂલી ગયા બર્બરિકના ત્રણ તીર જે ચમત્કારી હતા, હવે તમે કહેલા શસ્ત્રોમાંથી સૌથી ઘાતક શસ્ત્રો અલગ તારવીએ, ૧) સુદર્શન ચક્ર ૨) ત્રિશુલ, ૩) બ્રહ્માસ્ત્ર, ૪) બ્રહ્મશિર્ષ, ૫) નારાયણાસ્ત્ર, ૬) વજ્ર અથવા વાસવીશક્તિ, ૭) બર્બરિકના ત્રણ તીર.
હવે આ લિસ્ટમાંથી સુદર્શન ચક્ર અને ત્રિશુલ ને બાકાત રાખીયે કારણ એકેય ફોટોમાં તે નથી. મેં પહેલા જે સ્લાઈડ દેખાડી તે ફોટા રથોના છે અને તેમાં મુકેલા અસ્ત્ર શસ્ત્રોના છે એમાં એક શસ્ત્ર પાંચ થી સાત ફોટોમાં કોમન છે તે મારા ખ્યાલથી બ્રહ્માસ્ત્ર હોવું જોઈએ કારણ પુરાણોના માટે બ્રહ્માસ્ત્ર ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, અર્જુન અને યુધિષ્ઠિર ચલાવી જાણતા હતા, જયારે બ્રહ્મશિર્ષ ફકત દ્રોણ, અર્જુન અને અશ્વત્થામા પાસે હતું કહેવાય છે કે તે બ્રહ્માસ્ત્ર કરતા ચાર ગણું ઘાતક હતું, તે ઉપરાંત એક જુદું શસ્ત્ર દેખાય છે તે વજ્ર હોવું જોઈએ જેનો ઉપયોગ કરીને કર્ણએ ઘટોત્કચ ને માર્યો હતો, નારાયણાસ્ત્ર ફક્ત અશ્વત્થામા જેનો ઉપયોગ તેણે યુદ્ધમાં કર્યો હતો. હવે આ રહ્યો છેલ્લો ફોટો જે રથના બદલે એક તુંણીર નો છે અને તેમાં ત્રણ તીર મુક્યા છે એટલે મારા ખ્યાલ મુજબ તે બર્બરિક નું તુંણીર હોવું જોઈએ. મહાભારતમાંના યુદ્ધ વખતે સૌથી વધારે ઘાતક શસ્ત્રો ધરવાનાર યોદ્ધા હતો અશ્વત્થામા અને તેણે તે અસ્ત્રોનો ઉપયોગ યુધ્ધમાં કર્યો પણ ખરો.
તે વખતે શ્રીધરે કહ્યું હું માફી ચાહું છું વચ્ચે ટોકવા માટે પણ આ બધા શસ્ત્રો લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાના છે જેના વિષે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી પાસે કથાઓ છે અને હમણાં મળેલા ફોટો છે તો શું આપણે તેનું આ રીતે આકલન કરી શકીયે ? જયારે કે તે કથાઓમાં ઘણી બધી વ્યક્તિઓએ પોતાની કલ્પનાના રંગ ઉમેર્યા હોય તેવું બની શકે. શ્રીધરને નોર્મલ ટૉનમાં બોલતો જોઈને અવનીને થોડું આશ્ચર્ય થયું. બંસીલાલે કહ્યું તમારી વાત સાચી છે તેથી મેં શરૂઆતમાં કહ્યું તેમ આ ફક્ત અંદાજો છે અને મેં તકેદારી લીધી છે રિફરન્સ માટે જે મહાભારતનું પુસ્તક વાપર્યું છે તે સૌથી જૂનું છે તે ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાપર્યા છે. જોકે હું તે વાત નો પણ ઇન્કાર નહિ કરું કે મારો અંદાજો ખોટો પણ હોઈ શકે. શ્રીધર સમજી ગયો હોઉં તેમ માથું ધુણાવ્યું અને કહ્યું આપે કહ્યું તેમ બર્બરિક ના તીરોને તમે તુંણીર પરથી ઓળખ્યું તે વાત પર થોડો પ્રકાશ પડી શકશો ?
ક્રમશઃ