સુંદરીનાં સ્મિતનું રહસ્ય
સુંદરીનાં સ્મિતનું રહસ્ય
વિકી દોસ્તો સાથે બગીચા પાસે મૌજ મસ્તી કરી રહ્યો હતો. એવામાં એક મસ્ત જુવાન છોકરી તેની પાસેથી પસાર થતાં વિકી સામું જોરદાર સ્મિત કરીને આગળ ચાલી.
"જોરદાર પરી છે સ્વર્ગથી આવી લાગે છે યાર..!"
વિકીને પાગલ બનતો જોઈ મિત્ર બોલ્યો, "અરે યાર કાલે તો તારી સગાઈ છે હવે તો બીજા માટે ચાન્સ આપ."
"સગાઈ થયા પછી બધું બંધ પણ આજનો દિવસ તો પરીને પટાવવા કોશિશ કરું." કહેતાંક વિકી હીરોની સ્ટાઈલમાં ટૂંકા રસ્તેથી તે પરીની આગળ આવીને બોલ્યો, "હાય.. આપના મસ્ત મધુર મોહક સ્મિતનું રહસ્ય શું છે?"
પરી મસ્ત મિજાજમાં બોલી, "રહસ્યમય સ્મિત તરત ન સમજાય. આજે મારે ખુબ ઉતાવળ છે. કાલે ફરી મળીશું તો જરૂર સમજાઈ જાશે." કહીને કમર લટકાવતી સુંદરીને આગળ ડગ માંડતી ચાલતી થઈ.
આ જોઈ હૈયું હચમચી જતા વિકી બોલ્યો, "ફરી મળીશું તો ફૂલોનો આખો બગીચો ભેટ આપી દઈશ."
ફરી દલડું વીંધી નાખે એવું સ્મિત તીરછી નજરે આપીને તે ચાલી ગઈ.
વિજય મેળવ્યો હોય તેમ હરખાતો આવીને વિકી દોસ્તોને બોલ્યો, "યારો કાલે સગાઈ સવારે પતે પછી સાંજે આ રહસ્યમય સ્મિતવાળીને પટાવવી છે."
"કૂતરાની પૂંછડી કદીય સીધી ન થાય." મિત્રો બોલીને જોરથી હસી પડયાં.
બીજા સવારે વિકિનાં ઘેર સગાઈમાં ઢોલ નગારાં વાગતાં હતાં અને સગાઈને થોડી વાર
હોવાથી વિકી અને તેની ફિયાન્સી માધવી પોતપોતાના મહેમાનોને આવકારી રહ્યાં હતાં. દુરથી પેલી પરી આવતી વિકીને દેખાઈ. વિકી જોતાં જ ચમક્યો. તેનો દોસ્ત બોલ્યો, "અલ્યા વિકી આ તારી રહસ્યમય સ્મિતવાળી અહીં ક્યાંથી ટપકી પડી ? જોજે હો કાંઈ ભવાડો ન કરે સગાઈમાં."
વિકીની નજીક આવતાં જ પરી બોલી, "આજની મુલાકાતમાં મારા સ્મિતનું રહસ્ય આપોઆપ સમજાઈ જાશે પછી ફૂલોનો બગીચો તૈયાર રાખજો ભૂલી ન જતા."
વિકી કાંઈ બોલે તે પહેલા જ તે આગળ વધી તેને જોતાં જ વિકીની માધવી દોડી અને પરીને ભેટી પડી. વિકી કુતુહલથી થોડો નજીક ગયો તો ખુબ જ આનંદમાં આવેલી માધવી બોલી, "વિકી આ મારી બેસ્ટ ફ્રેન્ડ મયુરી છે જે પોલીસમાં ઇન્ટેલિન્જન્સ બ્યુરોમાં જોબ કરે છે. અહીં આવતાં પહેલા જ તારો ફોટો મંગાવીને કહેતી હતી કે, 'તને મળ્યા પહેલા હું તારા હીરોને જોઈ એક રહસ્યમય સ્મિત આપીને આવીશ."
"અરે આપીને જ આવી છું પણ તે સ્મિતનું રહસ્ય તારા હીરોને હવે સમજાશે."
"અરે વાહ તું વિકીને મળીને આવી ? તારી દરેક વાતમા તપાસ કરવાની આદત હજી ગઈ નથી હો." કહીને માધવી ફરી ભેટી પડી.
પગ નીચે રેલો આવતાં વિકી પરસેવે રેબઝેબ થઈ ગયો સ્મિતનું રહસ્ય તો સમજાયું પણ આ સ્મિતવાળી આગળ શું કરશે તે રહસ્ય બનતા મિત્રો પણ ડરથી ફફડવા લાગ્યાં.