Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

સુધારો અમસ્તો ન થાય

સુધારો અમસ્તો ન થાય

3 mins
195


એકવાર એક યોગીને કોઈએ પૂછ્યું, “આપણા સમાજે બાળકો માટે કયા બદલાવ લાવવા જોઈએ ?”

યોગીએ જવાબ આપતા કહ્યું, “આ વિષયમાં પહેલા એક નાનકડી વાર્તા કહી સંભળાવું છું. એકવાર એક શિક્ષકે શાળાના આચાર્યને ફરિયાદ કરી કે, “આપણી શાળાના બધા વિધાર્થીઓ પડીકી ખાય છે. તેથી કંઈક કરો.”

આ સાંભળી આચાર્ય અચંબો પામ્યા. તેમણે તરત શિક્ષકો સાથે બેઠક કરી અને લાંબી ચર્ચા વિચારણા બાદ એમ નક્કી થયું કે જે વિદ્યાર્થી પડીકી ખાતા દેખાય કે તેની પાસેથી દંડ પેટે દસ રૂપિયા લેવા.

બીજા દિવસે શાળામાં એક વિદ્યાર્થી પડીકી ખાતા પકડાયો. શિક્ષક તે વિદ્યાર્થીને આચાર્યના કાર્યાલયમાં કાન પકડીને લઈ ગયો. આચાર્યએ તે વિદ્યાર્થીને બરાબરનો ખખડાવી પડીકીના દુષણો વિષે સમજાવ્યું. ત્યારબાદ નવા બનાવેલા નિયમ પ્રમાણે આચાર્યએ તે વિદ્યાર્થીને દસ રૂપિયા દંડ પેટે આપવાનો આદેશ આપ્યો. વિધાર્થીએ મનેકમને દસ રૂપિયાની નોટ ખિસ્સામાંથી કાઢી શિક્ષકના હાથમાં મૂકી.

હવે, દસ રૂપિયાની નોટ હાથમાં આવતા જ શિક્ષકે કાર્યલયની બહારથી પસાર થઈ રહેલા એક વિદ્યાર્થીને બૂમ પાડી બોલાવ્યો. વિદ્યાર્થી નજીક આવતા શિક્ષકે તેના હાથમાં દસ રૂપિયાની નોટ મૂકતાં કહ્યું, “બેટા... ઝડપથી સામેના ગલ્લા પર જઈ અમારી માટે બે વિમલ લઈ આવ.”

આચાર્ય આ સાંભળી ચોંકી ઊઠ્યા, “બે.. વિમલ !”

શિક્ષકે હસતાં હસતાં કહ્યું, “હા સાહેબ, એક મારા માટે અને બીજી તમારા માટે..”

આચાર્યએ મોઢું ચઢાવીને કહ્યું, “હું વિમલ નથી ખાતો.... બેટા, મારા માટે માણેકચંદ લાવજે...” યોગીએ શાંત સ્વરે કહ્યું, “હવે તમે જ વિચારો કે શું આ શાળાના વિધાર્થીઓ ક્યારેય સુધરશે ? તેમને ગમે તેટલી આકરી સજા કરવામાં આવે તોય તેઓ પડીકી ખાવાનું છોડશે ? બાળકોનું આચરણ તેની આસપાસના સામાજિક વાતાવરણ પર નિર્ભર કરતું હોય છે. મહાપુરુષો તંદુરસ્ત સમાજમાંથી નિર્માણ થાય છે. બાકી ગુંડા મવાલીઓનો ઈતિહાસ તમે તપાસી શકો છો.

બાળકો દેશનું ભવિષ્ય છે. સાચી વાત પરંતુ જે દેશનું વર્તમાન (નાગરિકો) જ બગડેલું હોય તેનું ભવિષ્ય (બાળકો) ક્યાંથી સુધરે ! બાળકો જે જુએ એ શીખે. હવે, વર્તમાનમાં સમાજની અંદર જ જો દુષણ ફેલાયેલું હોય ત્યારે એવા વાતાવરણમાં મોટું થયેલું બાળક આગળ જઈ સંત બનશે એવી આશા રાખવી કેટલી અંશે વ્યાજબી છે ? શું સિગરેટના ધુમાડા કાઢતી કે ખોટું બોલી પોતાનું કામ કઢાવતી વ્યક્તિ નાના બાળકના કોમળ મન પર પ્રભાવ નહીં છોડે ? શું તે એ જોઈ તેના જેવો આચરણ કરવાનું બાળકને નહીં સૂઝે ?

હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આખા સમાજને સુધારવો જરાયે શક્ય નથી. બરાબર છે ? પરંતુ જો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની ખેવના હોય તો આ સુધારો કરવો અતિ આવશ્યક છે. આ નૈતિકતાની વાત છે. જો દેશનો દરેક નાગરિક બધા બાળકોને પોતીકા સમજી તેની ચિંતા કરતો થશે ત્યારે આ દેશનું ભવિષ્ય જરૂર ઉજ્જવળ બનશે. જોકે કોઈ વાત અશક્ય પણ નથી.

તમને યાદ છે એક સમયે ગલીએ ગલીએ મોટા અવાજે નવા ફિલ્મોના ગીતો વાગતા હતાં ? કદાચ તમે પણ વગાડ્યા હશે. પૂર્વે ગલીએ ગલીએ ઘોંઘાટ પ્રસરેલો જોવા મળતો હતો. બરાબર ને ? પરંતુ હવે અચાનક શું થઈ ગયું ? ક્યાં ગયો એ ઘોંઘાટ ? જવાબ છે હવે બધા ઈઅરફોન કાનમાં નાખી ઊંચા અવાજે ગીતો સાંભળે છે. બીજું કે ઈન્ટરનેટને લીધે પહેલા જેવી નવા ફિલ્મી ગીતોની ઘેલછા પણ રહી નથી.

આમ, પ્રત્યેક જણ સુધર્યું તો ફિલ્મી ગીતોને કારણે થતો ઘોંઘાટ આપમેળે ગાયબ થઈ ગયો ! આમ જ આપણે આખા સમાજને સુધારવાની જરૂર નથી. બસ પોતે સુધર્યા તો આપમેળે સમાજ સુધરી જશે. તો શું આપણે દેશના બાળકો અને તેમના ઉજવળ ભવિષ્ય માટે આપણા અનુચિત આચરણોનો ત્યાગ ન કરી શકીએ ? દેશનું પણ ભલું થશે અને સાથે સાથે આપણું પણ.. હા, જેનું આચરણ સો ટચ સોનાનું છે તેને આ લાગુ પડતું નથી.

ટૂંકમાં, મારે એટલું જ કહેવાનું છે કે આપણા સમાજે બાળકો માટે તેમના આચરણ, વાણી વર્તન અને વ્યવહારમાં ઉચિત બદલાવ લાવવા જોઈએ. આ મારૂ મંતવ્ય છે તમારૂ કંઈક બીજું અને સારૂ પણ હોઈ શકે છે.


Rate this content
Log in