સંભવામિ યુગે યુગે ભાગ ૩૨
સંભવામિ યુગે યુગે ભાગ ૩૨


વહેલી સવારે સોમ અને રામેશ્વર તૈયાર થઇ ગયા વડોદરા જવા. સવારે સાત વાગે સોમ પાયલ પાસે હતો. તેણે પાયલને કહ્યું મને માફ કરી દેજે મારે લીધે તને તકલીફ પડી રહી છે. પાયલે પૂછ્યું મને અહીં કોણ લાવ્યું અને તને કોણ મદદ કરી રહ્યું છે. સોમે કહ્યું જયારે જયારે કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય છે ત્યારે ઈશ્વર મદદગારને મોકલી દે છે તેનાથી વધારે કઈ પૂછતી નહિ. પાયલે કહ્યું હું કેવી રીતે સમજીશ કે મદદ કરવા આવનાર મદદગાર છે કે દુશ્મન ? સોમે કહ્યું કે તને મદદ કરવા આવનાર વ્યક્તિ આ લોકેટ લઈને આવશે. જો કોઈ વ્યક્તિ લોકેટ દેખાડ્યા વગર મદદ આપવાનું કહે તો સમજજે કે તે દુશ્મન છે પણ આ વખતે પુરી તૈયારી કરી લીધી છે તને કોઈ નહિ શોધી શકે. હું તો સમજી ગઈ પણ મમ્મી તારા વિષે જાતજાતના સવાલ પૂછે છે તેનો શું જવાબ આપું. પણ સોમે જાણે તેનો સવાલ સાંભળ્યો જ ન હતો તે પોતાની ધૂન માં કહી રહ્યો હતો. હું આજ પછી તને મળવા નહિ આવું કદાચ શત્રુ મારુ રક્ષાકવચ ભેદી શકે. અને કદાચ હું પાછો ન આવું તો મને ભૂલીને કોઈ બીજા સાથે લગ્ન કરી લેજે અને મારી પાછળ શોક ન કરતી. અજાણતામાં સોમની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું. પાયલે કહ્યું સોમ મારી સામે જો, મારી નજીક આવ એમ કહીને તેને બાથમાં ભરી લીધો અને કહ્યું કે મારો રાવણ આજે નાના બાળકની જેમ રડી રહ્યો છે. તને કઈ નહિ થાય અને તું આવીશ પાછો આવીશ મારા માટે, હું તારી રાહ જોઈ રહી છું પણ એક વાત કહી દઉં છું તું કોઈ સીતાને ઉપાડી ન લાવતો એમ કહીને હસવા લાગી અને બોલી આહ! પાંસળીઓ દુ:ખે છે તું મને હસાવ નહિ. સોમે તેના માથે ચુંબન કર્યું અને કહ્યું હું જરૂર પાછો આવીશ એમ કહીને ત્યાંથી નીકળી ગયો.
તે ગયો ને થોડીવાર થઇ ત્યાં જ એક સાધુ તે રૂમમાં પ્રકટ થયો. તેણે પાયલને હાથ જોડ્યા અને પૂછ્યું કોઈ આદેશ માતા. પાયલે કહ્યું આપ સોમની સુરક્ષા બરાબર કરતા નથી. તેના માથા પર પાટો કેમ હતો? અને તેના ફરતે જે સુરક્ષા કવચ આપે બનાવ્યું તેમાં પણ કચાશ હતી. તે સાધુએ કહ્યું ક્ષમા માતા સોમ હવે મારી સુરક્ષામાં નથી તે પોતે સુરક્ષા કવચ બનાવી રહ્યો છે અને માથે પાટો ગઈકાલે તેણે લીધેલા જોખમના લીધે આવ્યો છે. ગઈકાલે રાત્રે તેનો અને જટાશંકરનો સામનો થયો હતો. પાયલ બોલી તમને પહેલા પણ કહ્યું હતું કે સોમ જ્યાં સુધી રાવણને આત્મસાત ન કરે ત્યાં સુધી સામનો કરવા દેતા નહિ. પાછળ ત્રણ જન્મથી આ ભૂલ થઇ રહી છે તે દર વખતે નાકામ થાય છે તેનું કારણ તેની અધૂરી તૈયારી. આ વખતે આપણે સારી તૈયારી સાથે એક મોટું જોખમ લીધું છે. રાવણ જેવા નક્ષત્રોમાં જન્મ આપવાનું. પાછળ ત્રણ જન્મોથી તે નાકામ થાય છે અને અમારું મિલન અધૂરું રહે છે. રાવણના ગુણોની સાથે તેને રાવણના અવગુણો પણ મળ્યા છે તેથી ધ્યાન રાખજો કે તે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખે. અને હવે આપ તેની નજીક રહો અને શક્ય એટલી મદદ કરો આ મારી છેલ્લી તક છે. સાધુ ના ગયા પછી તેણે મનોમન કહ્યું આહ સોમ જન્મોજનમની પ્યાસી છું હવે આ વખતે આપણા મિલનની અભિલાષા પૂર્ણ કરજે મને નિરાશ ન કરતો. એટલામાં બહારથી અવાજ આવ્યો આવો આવો ભાઈ. પાયલ ઉઠી ગઈ હશે અત્યારે. દરવાજામાં તેની મમ્મી સાથે મામા હતા. મામા એ માથે હાથ ફેરવીને પૂછ્યું કેમ છે તને પાયલ હવે ? પાયલે કહ્યું મામા હવે સારું છે મામી કેમ છે ? અને થોડીવાર માં તે રૂમ મામા અને ભાણી ના મજાકમસ્તીથી ગુંજવા લાગ્યો.
આ તરફ રામેશ્વર અને સોમ બંગલે પહોંચ્યા પછી સોમે પહેલું કામ બંગલા ફરતે સુરક્ષા કવચ બનાવવાનું કર્યું અને તે પૂરું થયા પછી અંદર ગયો. રામેશ્વર ને કહ્યું આપને હું એક યાદી આપું છું તે સામાન આપ લાવી આપો અને મેં તમને મોકલાવેલા પુસ્તકો ક્યાં છે. રામેશ્વરે એક બેકપેક આપતાં તેને કહ્યું કે આ રહ્યા પુસ્તકો. રામેશ્વર ગયા પછી સોમ સોફામાં બેઠો અને માથું પાછળ ટેકીને આંખો બંધ કરીને હમણાંથી થયેલી ઘટનાઓનો વિચાર કરવા લાગ્યો. તે બનેલી ઘટનાઓ અને તેને લીધે બદલાયેલું લક્ષ્ય. તેનું પહેલા લક્ષ્ય રાવણ નામના પદ ને પામવાનું અને હવે તેનું લક્ષ્ય હતું રાવણને પામવાનું. તેનું ગામમાંથી આવવું અને પછી લક્ષ્યહીન થઈને નિરાશ થઇ જવું પછી પાયલનું તેના જીવનમાં આવવું અને તેનું લક્ષ્યની નજીક પહોંચવું અને પછી એક વ્યક્તિ સાથે યુદ્ધ થવું અને પોતાનું લક્ષ્ય બદલાઈ જવું. તેને કોઈ વાત ખટકી રહી હતી. ખટકી રહેલી વાત આત્મ નિરીક્ષણ કર્યા પછી ધ્યાનમાં આવી. પાયલને જયારે તેને પોતાની બધી હકીકત કહી તેનો તેણે જેટલી આસાનીથી સ્વીકાર કર્યો તે ખટક્યો હતો અને જયારે તેણે આજે પોતાના સંભવિત મૃત્યુની વાત કરી ત્યારે તેની આંખો અને તેના ચેહરાના હાવભાવ સરખા ન હતા. હવે પાયલ તેને રહસ્યમય લાગવા લાગી હતી પણ એટલામાં તેના મનમાં બીજા વિચારે પ્રવેશ કર્યો, તેણે કહ્યું કે જટાશંકરને લીધે તેને પોતાની આજુબાજુની દરેક વ્યક્તિ સંશયાસ્પદ લાગવા લાગી છે. પાયલ તેને કેટલો પ્રેમ કરે છે અને પોતે પણ પાયલને કેટલો પ્રેમ કરે છે. તેણે મારા પ્રેમ માટે કેટલી તકલીફ ઉઠાવી અને હું તેના પ્રેમ પર સંશય કરી રહ્યો છું.