સમજ
સમજ
🌿સમજ🌿
વૈશાખી વાયરો ફૂંકાતો હતો.
ભર બપોરના પવનમાં બંગલાના બગીચે કડીપત્તાના થોડાં પાંદડા ઝાડ પરથી ખરી, કમ્પાઉન્ડમાં વેરાઈ પડ્યા.
બારી પાસે ખાટલા પર પડેલી માંદી સમજુ એને જોઈ રહી હતી.તેવામાં પવનના ઝોકે એક પાંદડું બારી ઠેકી સમજૂના ખોળે પડ્યું.
પાંદડું જોઈ,એ ધીમેથી બોલી —
“હવે આનો તો ગરમ મસાલો બનાવવો જ પડશે.”.
પગ ડગમગતાં છતાં લાકડીના ટેકે એ કમ્પાઉન્ડમાં બીજા પાન વીણવા ઊભી થઈ.
એનો વલવાલાટ જોઈ, તેના ખોળે પડેલું પાંદડું મલકાયું, બોલી ઉઠ્યું.
“રે સમજુ, ઘણું થયું… હવે થોડું સમજ.
હા, હું ખર્યું છું, હવે જરૂર સડીશ,
પણ મારી સુગંધ તો રહી જશે.
પરંતુ તું હજુ નથી સમજી — તારા જીવનનો અર્થ.”
એવા આખરી બોલ સાથે, તે ખોળેથી સરકતું નીચે પડ્યું.
સમજુની લાકડીનાં ડંગોરા નીચે પળમાં કડી-પત્તાનું પાંદડું કચડાઈ ચૂર થઈ ગયું.પણ એની એ વેળાએ કરેલી,ગુંજની સુગંધ હજી પણ સમજૂના કાનમાં તરતી રહી.
હવે એને મોડા મોડા સમજાયું કે —
એની જિંદગી અને આ ખરેલા પાનની જીવનીમાં મોટો ફરક છે.
સૃષ્ટિના ક્રમને જોઈ એ વિચરતી રહી —
જીવનભર સુગંધ ફેલાવતા આ પાન હવે ટૂંકમાં સુકાઈ, મૌન થઈ માટી થવાના હતા.
હવે સમજુ શાંત છે.
રોજના ખાવામાં ડખો નથી કરતી.
ઘરના રસોયાને એની કચકચ કે કંઠનો કટાક્ષ હવે નથી.બાજુના રૂમમાં વહુની કીટી પાર્ટીના શોરમાં પણ કોઈ ઈર્ષા નથી.
એ વિચારતી રહી —
“હે કડીપત્તા, આજે તારો તો કાલે મારો વારો…આ ક્રમ અવિરત છે.”
હવે કમ્પાઉન્ડમાં ખરી પડેલા મીઠાં લીમડાંનાં પાંદડાનું જીવન હજી બાકી રહેતું હતું.
દૂર પંખીઓ છાંય શોધવા ઉડતાં હતા.
સમજુ ખાટલા પર લાકડી મૂકી બેઠી સ્વગત બોલી —
“અલી, તું.. તો હવે માંદી, સડી પડેલી છું,
પણ છેક હવે સમજી, કે મરવાનું નિશ્ચિત છે.આવ્યાં તેની રિટર્ન ટિકિટ કન્ફર્મ છે.
મોહ, માયા કે અહંકાર, અહમ છોડીને, હવે તો માટી બનું એ પહેલાં કંઈક સારું કરવું રહ્યું.”

એના ચહેરા પર હળવું સ્મિત ઝળહળાયું,
જાણે એ કડીપત્તાની વાતમાં જ જીવનનું સત્ય સમજી ચુકી હોય.
🌿“પાન પડે ને સડે, માનવ સડે ને પડે — પણ કોક જ સમજે.” 🌿
How you rate the story pl react with your comment sir 🙏🏻
