Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Pallavi Oza

Drama


3  

Pallavi Oza

Drama


શેઠની દાતારી

શેઠની દાતારી

3 mins 171 3 mins 171

રેખા અને સુબોધ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે, રેખા ઘરના કામ કરવા જાય ને સુબોધ જથ્થાબંધ વેપારીઓની દુકાનનો માલ લારીમાં નાખીને તેમના ગ્રાહક સુધી પહોંચતો કરે, સુબોધ ને એક બાચકાનાં વીસ રૂપિયા વેપારી તરફથી મળે.

રેખા તેના શેઠાણીને ત્યાંથી થોડું ઘણું ખાવાનું લેતી આવે, થોડું ઘરે આવીને બનાવે કોઈ વખત મિષ્ટાન્ન, ફરસાણ પણ હોય ત્યારે બંનેને જલસા પડી જાય. બંને સાંજે ભેગા મળી ને અલક મલકની વાતો કરતા કરતા વાળું કરે અને સંતોષનો ઓડકાર ખાય.

રેખાને સારાં દિવસો રહ્યા, સુબોધ હરખથી છલકાઈ ગયો, તે રેખાનું ખૂબ જ ધ્યાન રાખતો, રેખાને બહાર નીકળી ને કામ કરવા તો જવું જ પડે આથી સુબોધ વહેલો ઊઠી ઘરના કામ કરી નાખે રેખા ના પાડે તો તેનો હાથ પકડીને ખાટલામાં બેસાડી દે અને ટપલી મારી હસતાં હસતાં કહે, "તું તો મારા બાળકની મા બનવાની છે તો મારે તારૂં ધ્યાન રાખવું જ પડે ને ! "

દિવસો પસાર થતા ગયા, રેખાને સાતમો મહિનો જતો હતો, અચાનક જ રેખાની તબિયત બગડતાં સુબોધ દવાખાને લઈ ગયો, ડૉક્ટરે તપાસ કરતાં જણાવ્યું કે, "બહેનના શરીરમાં નબળાઈ ખૂબ જ છે બાળક પણ નબળું છે, આરામ કરવો જરૂરી છે, જેટલો વધુ આરામ કરશે, તેટલો ફાયદો વધુ થશે."

સુબોધ ને ચિંતા થવા લાગી મનોમન બડબડાટ કરવા લાગ્યો, "હવે હું શું કરીશ એક બાજુ રેખાની તબિયતનું ધ્યાન રાખવાનું ને બીજી તરફ કામ પર જવાનું બંને સાથે હું કેવી રીતે કરીશ ? રેખા જે ત્રણ ચાર ઘરના કામ કરવા જતી તે પણ મહિનાથી બંધ છે, સાથે તેની આવક પણ બંધ થઈ ગઈ છે."

રેખાએ સુબોધ સામે જોતા કહ્યું, "શું વિચારમાં ગરકાવ થઈ ગયા છો ? જે થવાનું હશે તે થશે, તમે આમ ઢીલાં પડી જશો તે કેમ ચાલશે, હાથ મોઢું ધોઈ લો ને કામ પર જાવ, મારી ચિંતા કરવાની રહેવા દો મને કંઈજ નથી થવાનું ને કાંઈ થશે તો હું બાજુવાળા હિનાબેન ને સાદ પાડીને બોલાવી લઈશ, અમથુંય ઈ હું બેજીવી થઈ ત્યારથી મારો ખયાલ રાખે છે, કોઈ વખત તો એણે કાંઈ સારૂ ખાવાનું બનાવ્યું હોય તોય મારી સારૂ રાખે છે તમતમારે કામધંધે જાવ ને મારી ચિંતા કરવાનું છોડી દો."

સુબોધ મને કમને કામ ઉપર ગયો તેનું મન તો રેખા પાસે જ હતું, તેણે પોતાના શેઠને રેખાની તબિયત સારી ન રહેતી હોવાની વાત કરી, તેના શેઠ જાણતા જ હતા કે સુબોધ પિતા બનવાનો છે. શેઠે સુબોધ ને ધરપત આપતા કહ્યું "કાંઈ ચિંતા કરતો નહિં તારી વહુની સુવાવડ માટે મારી પાસેથી જોઈએ તેટલાં પૈસા લઈ જજે."

સુબોધના શેઠનો ધંધો ધમધોકાર ચાલતો હતો, તેમને જથ્થાબંધ અનાજ કરિયાણાની દુકાન હતી, તેને ત્યાં ચાર માણસ કામ કરતા, તેમાનો એક આ સુબોધ જે, ઘરે ઘરે અનાજ પૂરું પાડતો, સુબોધ બહુજ પ્રામાણિક એક એક પૈસાનો હિસાબ શેઠને આપતો, આથી જ શેઠને સુબોધ પ્રત્યે કુણી લાગણી.

શેઠે પૈસા આપવાની ઈચ્છા દર્શાવતા સુબોધ ભાવવિભોર બની ગયો તેના માથા પરથી અડધો બોજ ઉતરી ગયો, સાંજે આવીને રેખાને પૈસાની આ વાત કહેતા તેના દિલમાં આનંદની છોળો ઊડી.

હવે તો રેખા ઘરે પૂરતો આરામ કરતી હોવાથી તેની તબિયતમાં સુધારો જોવા મળતો હતો, સુબોધ રેખા માટે દૂધ, ફ્રૂટ, વગેરે લાવતો હતો.

એક રાત્રે રેખાની તબિયત બગડતાં તેમને દવાખાનામાં લઈ જવામાં આવી હિનાબેન દવાખાને સાથે ગયા સુબોધે શેઠને ફોન કરીને જણાવ્યું કે રેખા ને દવાખાને લઈ જાવ છું તેથી કાલે નહીં આવી શકાય.

શેઠે તેમના પત્ની પાસેથી પચ્ચીસ હજાર લીધા ને તુરંત જ દવાખાના તરફ પોતાની કાર મારી મૂકી, સુબોધ બહાર લોબીમાં બેઠો હતો તેમણે શેઠને આવતા જોયા ઝડપથી ઊભો થઈ શેઠ પાસે જઈને તેનો હાથ પકડીને ગળગળો થઈ ગયો, કહેવા લાગ્યો, "શેઠ તમે રાત્રે ધક્કો ખાધો !"

શેઠે તેના ખભે હાથ મૂકીને કહ્યું, "જરા પણ ગભરાઈશ નહીં, ભગવાન સૌ સારાવાના કરશે, હિંમત રાખજે" એમ કહીને ખિસ્સામાંથી પૈસા કાઢીને સુબોધને આપતા કહ્યું, "કાલે દવાખાનામાં ભરી દે જે અને જરૂર પડે તો નિઃસંકોચ બીજા પણ માંગી લે જે."

સુબોધ પાસે બોલવા માટે શબ્દો જ નહોતા, તેની આંખમાંથી દડદડ આંસુ વહી રહ્યાં હતાં.

તે જ સમયે નર્સે આવીને કહ્યું, "તમારા ઘરે લક્ષ્મી પધાર્યા છે."

શેઠે સુબોધ ને હસતાં હસતાં કહ્યું, "હવે તો તું બાપ બની ગયો, દુકાને આવ ત્યારે બધા માટે પેંડા લેતો આવજે."

શેઠ ઘર તરફ જવા રવાના થયા ત્યારે તેમની આંખના ખૂણા ભીના હતા ને મનમાં બોલતા હતા "મારા નસીબમાં સંતાન સુખ હોત તો."


Rate this content
Log in

More gujarati story from Pallavi Oza

Similar gujarati story from Drama