Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

સહચર

સહચર

5 mins
387


"ગૌરી,દુઃખી માણસની આંખોમાં આંસુ હોય. આપણા જેવા સુખી માણસની આંખોમાં તો આંસુ શોભે પણ નહીં. સિવાય કે એ આંસુ હર્ષના હોય તો."

"ગોપાલ, હું તમારી પાસે કેટલી ચાકરી કરાવું છું !"

"તું જમી લે તો તને હાથ ધોવડાવી નેપકીન આપી અને પછી મુખવાસ આપુ છું. તને સેક કરવા કોથળી ગરમ કરીને આપુ છું. મારી નિવૃતિમાં પ્રવૃતિ રહે છે. અરે,હું જે કરૂ છું એ પ્રેમ છે ચાકરી નહીં. અત્યાર સુધી હું જમવા બેસતો ત્યારે તું થાળી પીરસતી હવે હું પીરસુ છું". થોડુ અટકીને ગોપાલ બોલ્યો,

"તેં મારે ખાતર જે ત્રાસ સહન કર્યો છે એના બદલામાં તો હું કંઇ કરતો નથી."

"ના,એ તો મેં સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. સોનું અગ્નિમાં તપીને શુધ્ધ બને છે. આપણો પ્રેમ તો ઉત્તરોત્તર વધતો જ જાય છે. લગ્નના પાંત્રીસ વર્ષ એવી રીતે પસાર થયા કે જાણે પાંત્રીસ દિવસ જ થયા ના હોય !"ગૌરી ભાવવિભોર બનીને બોલી.

ગૌરીને હજી પણ એ દિવસો યાદ હતા. જ્યારે ગોપાલ સાથેના સંબંધની એના ઘેર વાત કરી અને ઘરમાં જાણે કે ધરતીકંપ થઈ ગયો. ઘરનાનો સખત વિરોધ હતો કારણ માત્ર એટલું જ કે ચુસ્ત બ્રાહ્મણની દીકરી વૈષ્ણવને કઈ રીતે પરણી શકે ? બધા સગાઓ સમજાવતાં રહ્યા કે બંને બેંકમાં નોકરી કરે છે. ઘર ખાનદાન છે. છોકરો સારૂ કમાય છે. દેખાવડો છે. તમારે વધુ શું જોઇએ ? અને વાણિયાના ઘરમાં દીકરી દુઃખી નહીં થાય.

ગૌરી જક કરતી રહી. એ ગોપાલ સિવાય કોઇને પણ પતિ તરીકે સ્વીકારવા તૈયાર ન હતી. પરિણામ સ્વરૂપ ગૌરી પર જુલમ થતો જ રહ્યો. દિવસો સુઘી એને રૂમમાં પુરી રાખતાં. બેંકમાં જવાના સમયે જ બારણું ખોલતાં. એના પર હાથ પણ ઉઠાવતાં. ગોપાલના ઘરના ગોપાલના લગ્ન માટે દબાણ કરતાં જ રહ્યા. પણ ગોપાલ કહેતો, "મારી નાનીબહેનના લગ્ન થશે પછી જ હું લગ્ન કરીશ. જો કે હકીકત તો એ હતી કે આટલા ચુસ્ત સમાજમાં જો એ બીજી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરે તો એની બેનને જ્ઞાતિમાં સારૂ ઠેકાણું ના મળે. એકવાર નાની બહેનના લગ્ન થઈ જાય પછી ચિંતા નહીં.

ગોપાલ ઘરેથી ટિફીનમાં વધુ જમવાનું લઈને આવતો. એ જાણતો હતો કે ગૌરીને ઘેર ખાવાપીવાનું બંધ કરીને રૂમમાં પુરી રાખે છે. રજાના દિવસે તો ગૌરીને ઊપવાસ જ કરવો પડતો. ઘરનાને હતું કે એમના મારઝુડની અસર થશે. પણ ગૌરી ચૂપચાપ બધુ સહન કરતી રહી. ગોપાલને થતું કે ભાગીને લગ્ન કરી લઈને એને નરકના ત્રાસમાંથી છોડાવે. પરંતુ ગૌરી કહેતી કે,"નહીં,ગોપાલ મારે જે ઘરમાં આવવાનું છે અને એ ઘરના સભ્યને તકલીફ પડે એવું હું ક્યારેય નહીં કરૂ. હું ત્રાસ ભોગવીશ પણ તારી બહેનનું ભવિષ્ય બગડે એવું હું ક્યારેય નહીં ઈચ્છું. તારો પ્રેમ મારી સાથે છે તો હું ગમે તેટલું દુઃખ,ભૂખ કે મારઝૂડ સહન કરવા તૈયાર છું."

એમના લગ્ન માટે બંને જણે સાત વર્ષ રાહ જોઈ. આખરે લગ્નબાદ બંનેમાંથી કોઈના પણ ઘરનાએ એમનો સ્વીકાર ના કર્યો. પરંતુ બંને એકબીજાનો પ્રેમ પ્રાપ્ત કરી બહુ જ ખુશ હતા. સાચો પ્રેમ જ્યાં હોય ત્યાં તો દુઃખ ક્યાંથી પ્રવેશી શકે ?

લગ્નના બીજા જ વર્ષે એમની ખુશીમાં વધારો કરવા દીકરાનો જન્મ થયો. બે વર્ષ બાદ પિહુનો જન્મ થતાં જ બંનેની ખુશીમાં ચાર ચાંદ લાગી ગયા. બંને બાળકોના જન્મ બાદ બંનેના ઘરનાનો વિરોધ ઓછો થવા લાગ્યો. દિવસો હસીખુશી થી પસાર થતાં હતાં. જો કે જે સમાજ બ્રાહ્મણ અને વૈષ્ણવનો ભેદ રાખતાં હતાં એ વાતને ધ્યાનમાં રાખી પતિપત્નીએ કૃષ્ણ અને શિવને ધ્યાનમાં રાખી એમના દીકરાનું નામ રાખ્યું ક્રિશિવ. જેમાં વૈષ્ણવ તથા બ્રાહ્મણના ઈષ્ટદેવનો સમાવેશ થતો હતો. સમય જતાં નાતજાતના ભેદભાવ ઓછા થતાં ગયા. બંને જણાં બેંકમાં નોકરી કરતાં હતાં. એમને એક સારી અને સંસ્કારી આયા મળી ગઇ હતી. બંને બાળકોને સંસ્કાર પણ સારા મળ્યા હતાં. બાળક રાખનારી આયા એકલી જ હતી.

બાળકો મોટા થઈ જતાં ગૌરીએ એને રસોઈ માટે રાખી લીધી. સમય હસીખુશીથી પસાર થતો હતો. બંને જણાં એકાદ મહિનાના અંતરે નિવૃત્ત થઈ ગયા. એ દરમ્યાન સારૂ પાત્ર મળતાં પિહુના લગ્ન કરી લીધા. કહેવાય છે કે સુખના દિવસોને પાંખો હોય છે. તેથી તો લગ્નથી નિવૃત્તિનો સમય ક્યાં પસાર થઈ ગયો એ તો જાણે આંખો બંધ કરીને ખોલીએ એ રીતે પુરો થઈ ગયો. પરંતુ એમને જે સ્વપ્ન જોયેલા એ કદાચ કુદરતને મંજુર ન હતું. ગૌરીને નિવૃત્તિ પછી તકલીફ વધતી ગઇ. જો કે એને થોડીઘણી તકલીફ હતી જ પણ એને ધ્યાન ના આપ્યું. ગૌરીને હતું કે નિવૃત્તિ પછી આરામ કરી લઈશ એટલે સારૂ થઈ જશે.

ગૌરીનો દુઃખાવો દિવસે દિવસે વધતો જ ગયો. એને ચાલવામાં પણ તકલીફ પડવા લાગી. જ્યારે ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે ડૉક્ટરે કહ્યું તમે ઘણું મોડુ કર્યું. કમરના મણકાઓમાં ઘસારો છે. નસ પણ દબાય છે. મણકા વચ્ચેની ગાદી ખસી ગઇ છે. ઓપરેશન પછી પણ ચલાશે કે નહીં એની ગેરંટી નહીં. પણ અમે બનતા બધા પ્રયત્ન કરીશું.

ગૌરીએ પતિ સામુ જોયું. એની આંખોમાં તો માત્ર અને માત્ર પ્રેમ જ હતો. છતાં ય ગૌરીએ ડૉક્ટરને પૂછી લીધું કે ,"કદાચ ઓપરેશન સફળ ના થાય તો શું?"

"અમે પૂરતો પ્રયત્ન કરીશું. પછી તો ઉપરવાળાની મરજી. પણ તમે બને તેટલું ઓછું ચાલજો અને લાકડીની મદદથી ચાલજો. તમે ઓપરેશન સુધી સાચવજો."

"ગોપાલ,આપણે જાણે અજાણે કેટલાય પાપ કર્યા હશે માટે જ મારી ઈચ્છા મોક્ષપુરી અવંતિકા જવાની છે. કહેવાય છે કે ત્યાં જવાથી બધા પાપોનો નાશ થાય છે."

"ગૌરી આટલી નાનીશી વાતમાં તારી આંખોમાં આંસુ આવી ગયા !"

ત્યાં જ ક્રિશિવ આવીને બોલ્યો,"મમ્મી,હું તમારી ટિકીટ બુક કરાવી દઉં છું. તમે ટ્રેનમાં જજો જેથી સૂતાં સૂતાં જઈ શકાય. હોટલ પણ સારામાં સારી બુક કરાવી દઇશ."

"એ તો ઠીક પણ હુંમાંડ થોડા ડગલાં ચાલી શકુ છું. મારી મનની ઇચ્છા મનમાં જ રહી જશે" ગૌરી નિરાશ થતાં બોલી.

"ગૌરી તારી ઇચ્છા જરૂર પુરી કરીશ."ક્રિશિવે બધી વ્યવસ્થા કરી જ દીધી હતી. સ્ટેશને વ્હિલચેર કરી અને ઉજ્જૈન પહોંચ્યા ત્યાં પણ વ્હિલચેર હાજર. ક્રિશિવે પહેલેથી બધી વ્યવસ્થા કરી દીધી હતી. મંદિરમાં પણ વી. આઇ. પી. ટિકીટ લઇ લીધી ત્યાં પણ વ્હિલચેર હાજર. પતિ અને પુત્રનો એના પ્રત્યે નો પ્રેમ જોઇ એ એની જાતને દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી સમજતી હતી.

બીજા મંદિરોમાં જ્યાં જવાનું હોય અને પગથિયા હોય તો ગોપાલ ગૌરીને ઉંચકી લેતો. ગૌરી શરમથી પાણી પાણી થઈ જતી. કહેતી,"તમારી પાસે સેવા કરાવીને હું પાપમાં પડુ છું"

"પતિપત્ની એકબીજાની સેવા કરે એ તો અરસપરસ છે. આપણે આખી જિંદગી જોડે રહ્યા છીએ સુખમાં કે દુઃખમાં. તારી ઇચ્છા મહાદેવજીના દર્શન કરવાની હતી તો મારી ઇચ્છા ઉજ્જૈનમાં ઇન્દ્રદમન સ્વરૂપ અને મહાપ્રભુજીની તોંતેરમી બેઠકના દર્શન કરવાની હતી. એ ઇચ્છા તારા કારણે પુરી થઈ ."

છતાં ય ગૌરી કહેતી રહી,"મને ખુશ રાખવા માટે તમે બોલો છો. બાકી કોઇ પણ પતિ એની પત્નીની આટલી સેવા ના કરે"

ગોપાલ હસતાં હસતાં બોલ્યો,"હું ગાયોની સેવા ગયા જનમમાં કરતો હતો. આ જન્મમાં પાર્વતી સ્વરૂપ ગૌરીની સેવા કરૂ છું. ગૌરી ગુજરાતીમાં એક સુંદર શબ્દ છે"સહચર"

જે જીવનસાથી માટે પણ વપરાય અને સાથે રહેનાર બાળકો માટે પણ વપરાય."

પત્ની જ્યારે પતિની સેવા કરે ત્યારે સમાજ વાહ વાહ કરે તો શું એક પતિ ખરાદિલથી પત્નીની સેવા ના કરે ! એ તો એની સહચર હોય છે. સમાજ આ વાત સ્વીકારે કે ના સ્વીકારે એમાં કંઇ ફરક ના પડે. આ જ સમાજે આપણા લગ્નનો વિરોધ ક્યાં ન હતો કર્યો ?"

ગૌરી વિચારતી હતી કે હવે ઓપરેશન સફળ થાય કે ના થાય પણ મારૂ જીવન તો સફળ થઈ જ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational