Amrut Patel 'svyambhu'

Inspirational

4  

Amrut Patel 'svyambhu'

Inspirational

સહારો

સહારો

7 mins
392


ધૂળેટીની જાહેર રજા. બેંકમાં જવાનું ન હતું. એટલે સુરભિ તેની મનગમતી પ્રવૃત્તિ લઈ હીંચકે બેઠી.

ત્‍યાંથી તેની નજર પરબતસિંહ ઉપર પડી. પરબતસિંહ સામે ગાર્ડનમાં પક્ષીઓને ચણ નાંખી રહયા હતાં. તેમની આસપાસમાં પક્ષીઓ એકબીજાને અથડાતા ચણ ચણવામાં મશગૂલ હતા. આ જોતાં પરબતસિંહના ચહેરા ઉપર આત્‍મસંતોષનો ભાવ નીતરતો હતો... સુરભિ તે જોઈ રહી.

સુરભિને ગૂંથણકામનો ખૂબ જ શોખ. જયારે પણ આવી કોઈ રજા મળે કે તરત જ તે સમયનો ઉપયોગ કરી લેતી. અત્‍યારે પણ તે સ્‍વેટરને આખરી ઓપ આપી રહી હતી. માપ મુજબનું સ્‍વેટર તૈયાર થવામાં જ હતું. તેમ છતાં જાણે ફરી એકવાર માપ લેતી હોય તે રીતે તેણે પરબતસિંહ તરફ નજર કરી...

તેની નજર ફરતી ફરતી પરબતસિંહનાં પગ ઉપર આવીને અટકી ગઈ....!

સુરભિની બદલી ઝોન ઓફિસમાંથી બ્રાન્‍ચ ઓફીસમાં થતા તે બ્રાન્‍ચ ઓફિસમાં હાજર થઈ. હાજર થયા સમયે સહકાર્યકરનો સારો આવકાર મળ્‍યો. તેમાં પણ કેશ-કાઉન્‍ટરનાં કેબિનમાં તેની નજર પડતા જ પળવાર માટે તો તે આશ્ચર્યમાં પડી ગઈ હતી...!

શરૂ શરૂમાં તો બધા કર્મચારીઓ સાથે પરિચય કેળવવામાં તેમજ બેંકના કામકાજમાં સમય પસાર થતો રહયો.

તે પછીનાં દિવસોમાં સુરભિ બધા કર્મચારી મિત્રોમાં ભળી ગઈ. સ્‍ટાફ સાથે અને તેમાં પણ કેતન સાથેનો તેનો પરિચય વઘ્‍યો.

કેતન બેંકમાં કેશિયર હતો. શાંત પ્રકૃતિવાળો, કોઈ બે ત્રણ વખત બોલાવે તો એકવાર પ્રત્‍યુતર વાળતો. ધીરગંભીર ચહેરા ઉપર નિખાલસભર્યુ છતાં મોહક સ્‍મિત. કોઈને પણ ગમી જાય તેવું છવાયેલું રહેતું બહું જ ઓછુ બોલે છતાં બધામાં પ્રિય હતો. જયારે બોલે ત્‍યારે સામેવાળી વ્‍યકિત મુગ્‍ધ બની સાંભળી જ રહે....!

સુરભિને કેતન સાથે વાત કરવી ખૂબ જ ગમતી. હાજર થયાનાં દિવસે જ તે કેતનને જોતી રહી ગઈ હતી....!!

હવે તો બંન્‍ને વચ્‍ચે એક અલગ જ પ્રકારનો સંબંધ બંધાઈ ચૂકયો હતો. કેતન પણ સુરભી સાથે વાત કરવામાં આનંદ અનુભવતો. તે સુરભિને બધી જ વાતો કરતો.

બંને એક જ વિભાગમાં સહકાર્યકર હતા એટલે પબ્‍લીક વર્ક સમેટી મળતા સમયમાં વાતો કરતાં ત્‍યારે ન જાણે કેમ પણ કેતનનાં હૃદયનાં ઉંડાણમાં કોઈ વાત ધરબાઈને પડી હોય તેવું સુરભિને લાગતું.

તે દિવસ શનિવાર.... હાફ ડે. કેશ કિલયરીંગની કામગીરી પૂરી કરી. મેળવણું કરી સુરભિ કેતનની કેબિનમાં જઈને બેઠી. કેતને પણ મેળવણું પત્રક તૈયાર કરી હળવાશ અનુભવી.

પ્‍યુન કોફીના બે કપ મુકી ગયો.

તકનો લાભ લઈ કેતનનાં હૃદયમાં ધરબાયેલી વાતને બહાર કાઢવા સુરભિએ કેતનને પ્રશ્‍ન કર્યો.

કેતનભાઈ, તમારા ચહેરા ઉપર હંમેશા હાસ્‍ય રમતું હોય છે. પરંતુ તે પાછળ કાંઈક છૂપાયેલું છે. જે બાહય રીતે જોઈ શકાતું નથી તેવું મને ઘણા સમયથી લાગે છે એનું શું કારણ...?

કોફીનાં ધૂંટડા ભરતા કેતને જવાબ આપ્‍યોઃ સુરભિ બહેન, તમારી વાત સાચી છે. માણસ કયારેય એકલો રહી શકતો નથી. તેમજ પોતાના સુખ કે દુઃખને પણ તે એકલે હૈયે સહી શકતો નથી. માણસનાં હૈયામાં ન કહેવાય ન સહેવાય તેવા કંઈક છાના દુઃખ-દર્દ અને વિંટબનાઓ ધરબાયેલા હોય છે. અને તેને લીધે જીવન જાણે ભારે ભારે લાગતું હોય છે. આ હસતા ચહેરા પાછળ છૂપાયેલા વેદનાભર્યા લાવાને હું સદાયને માટે ભીતરમાં જ સંકોરી રાખવામાં માનું છું. અને એટલે જ તો આ ચહેરા ઉપર મેં હાસ્‍યનું આવરણ ઓઢી લીધું છે... સાચું કહું તો જીવન જીવવાની આજ તો ખરી મજા છે..! તેમ છતાં ન જાણે કેમ તમારી સાથે વાત કરતા મને વરસો પછી કોઈ સ્‍વજન મળ્‍યું હોય તેવું લાગે છે. સંબંધોને પણ ઋણાનુંબંધ હોય છે. આપણી વચ્‍ચે પણ કોઈ ઋણાનુંબંધ હશે !

સુરભિને આલયની યાદ આવી ગઈ.... હા, કેતન સાચું જ કહેતો હતો. નહીંતો જોગાનુજોગ આ બેંકમાં બદલી થવી. ને કેતનનાં રૂપમાં આલયનું ફરી પાછું મળવું તે પણ....

કેતન આગળ બોલ્‍યો,  મારું બાળપણ ધંધુકા પાસેનાં ગુંજાર ગામમાં વીત્‍યું. હું ચાર પાંચ વરસનો હશે ત્‍યાં મમ્‍મીનું અવસાન થયું હતું. પપ્‍પાએ મારો ઉછેર કર્યાે.

પપ્‍પા સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશનમાં ડ્રાઈવર હતા. તેમનું જે ગણો તે હું જ તેઓ મારા ઉપર ખૂબ હેત વરસાવતા.

કોલેજ કાળનાં દિવસો. સપ્‍તરંગી વિચારોનાં વાદળા ઉમટે. દુનિયા ઈન્‍દ્રધનુષ્‍ય જેવી રંગબેરંગી લાગે. દરેક યુવાન આ ઉંમરે એક અજીબ પ્રકારની લાગણી અનુભવે. હું પણ અનુભવવા લાગ્‍યો...

ત્‍યાં મારી આંખે હેમાંગી નામની છોકરી વસી ગઈ. કોલેજમાં અમે સાથે ભણતા. બસમાં અમારો સંગાથ થતો. એક દિવસ આંખ મળી...

સમયનાં વહેણે નજીક થયા. એટલા બધા નજીક આવી ગયા કે પછી એક બીજાનો એક પળ માટેનો વિયોગ પણ અસહય બની રહેતો ! હેમાંગી સાથે ધનિષ્ઠ સંબંધ બંધાઈ ચૂકયો હતો.પણ તે કોલેજ પૂરતો મર્યાદિત હતો. તે મારી જ્ઞાતિની જ હતી એટલે સામાજિક અવરોધ નહિવત્‌ હતો. તેમ છતાં કોલેજનું છેલ્‍લુ વરસ પૂરું થયે સંબંધ જાહેર થાય તેવું અમે વિચારી રાખ્‍યું હતું.

પરીક્ષાઓ પૂરી થતા સારા રિઝલ્ટ સાથે પાસ થયા. અભ્‍યાસ આગળ ધપાવતા પહેલા અમારા સંબંધને નામ આપવાનું હતું. મારા પક્ષે તો મારી ખુશી તે પપ્‍પાની ખુશી હતી. હેમાંગીને એક મોટાભાઈ હતા. તેમના લગ્ન થઈ ગયા હતા. મમ્‍મી -પપ્‍પા સાથે હતાં.

અમે હવે શુભ અવસરની રાહ જોઈ રહયાં હતા.

હેમાંગી સાથે મળી નકકી થયા મુજબ એક દિવસે મારે પપ્‍પાને અમારા સંબંધની જાણ કરવાની હતી. તે સાંજે હું પપ્‍પાનાં આવવાની આતુરતાથી રાહ જોઈ રહયો હતો ! મનમાં ઉમંગના ઘોડાપુર ઉમટયા હતા. પપ્‍પાને કઈ રીતે વાત કરીશ... શરૂઆત કયાંથી અને કેવી રીતે કરીશ... મારા જ સંબંધની વાત અને તે પણ પપ્‍પાને... મનમાં અજીબ પ્રકારનાં ભાવો ઉદભવતા અને શમી જતાં. પપ્‍પાનો હું ખૂબ જ લાડકો એટલે તેઓ મને તેમના દીકરા કરતા તેમનો મિત્ર હોઉં તે રીતે મારી સાથે વાત કરતા અને એટલે...

દરવાજે ટકોર પડતાં હું સીધો દોડી ગયો. સામે આગંતુક જોઈ આશ્ચર્ય થયું. તે કરતા પણ આવનારે જે સંદેશો આપ્‍યો તે સાંભળી હું ભાંગી પડયો ! તેમની સાથે સીધો હોસ્‍પિટલમાં પહોચ્‍યો.

મને જોતા પપ્‍પાની આંખ ભરાઈ આવી. મારી આંખમાંથી દડ...દડ... આંસુ સરી પડયા,ભપપ્‍પા... બોલતા હું તેમની છાતી ઉપર ઢળ્‍યો. વાતાવરણમાં દીર્ધ મૌન ઘૂંટાઈ રહયું. પપ્‍પાએ મારા માથે હેતથી હાથ ફેરવ્‍યો. મારી નજર લોહી ચઢાવેલા બોટલ ઉપર પડી.. ટીપે.. ટીપે તે શરીરમાં પ્રવેશી રહયું હતું. કયારેક હું તે બોટલાને તો કયારેક પપ્‍પાના વિષાદ ભર્યા ચહેરાને જોઈ રહયો !

પપ્‍પા મને આશ્વાસન આપતા બોલ્‍યાઃ બેટા, જે બનવાકાળ હતું તે બની ગયું. આપણો જીવ બચી ગયો એટલે ભગવાનનો પાડ માનીએ. હવે તો તું મોટો થઈ ગયો. મારો સહારો બની ગયો. હવે મારે પગની.. અને ડૂસકું ભરતા તે આડું જોઈ ગયા...!

મારા ઉપર જાણે વીજળી પડી !

'એટલે પપ્‍પા તમારો પગ…' હું અસહય તાણ અનુભવતો ચાદર ઉપર હાથ ફેરવવા જતો હતો ત્‍યાં તે બોલ્‍યા, 'હા દીકરા... બંને પગ કાપી નાંખ્‍યા....!

મારો હાથ થંભી ગયો. હું જોરથી રડી પડયો.

આ કારમો ઘા અમારે સહેવો જ રહયો. નસીબે અમારા ઉપર ક્રૂર પ્રહાર કર્યો હતો. 

દુઃખ ભરેલા ભારેખમ દિવસો પસાર થતા રહયા.

પપ્‍પાની આવી નાજુક અવસ્‍થા અને આવી સ્‍થિતિમાં તેમને સંભાળી લેવા લાગણીની હૂંફ આપવી એ મારી ફરજ હતી. આ દુનિયામાં અમારે એક બીજાનો સહારો હતો.

અકસ્‍માત સમયે અમે ભાંગી પડયા હતાં. પણ દુઃખનું ઓસડ દહાડા એમ દુઃખ ભુલતા ગયા. નવી પરિસ્‍થિતીનો સમજપૂર્વક સ્‍વીકાર કરી લીધો. એકાંતમાં મને હેમાંગીની યાદ આવી જતી. પરંતુ પપ્‍પાની દર્દનાક આહમાં હું મારા એ દિવસોને ખૂબ પાછળ છોડી ગયો !

એક દિવસે બેંકનો કોલ લેટર મળતા પપ્‍પા ગદગદ થઈ બોલી ઉઠયાઃ જોયું દીકરા ભગવાન કયારેય કૂર ન બને. ભલે મારા પગ લઈ લીધા. પણ તું પગભર બની ગયો. મારા માટે આથી વધારે શું જોઈએ.

તે પછી ગામ છોડી અમે શહેરમાં આવી ગયા. ગામમાં અમારે ફકત ઘર જ હતું. પોતાની કહી શકાય તેવી બીજી કોઈ મિલ્‍કત ન હતી. પપ્‍પાની સારવાર પણ અહીં સારી રીતે ચાલતી હતી. સમયના વહેણમાં ગામ ખૂબ જ પાછળ રહી ગયું... 

આટલું કહી કેતન અટકયો.

એટલે સુરભિ બોલી; ' પછી.. હેમાંગીનું શું થયુ...?!

પપ્‍પાની ચાકરીમાં રાત-દિવસ પસાર થતા ગયા. તે પછી આ હૃદયની ભીતરનાં નાજુક ખૂણામાં એક નામ એવી રીતે સંકોરી લીધું હતું... બસ અંતરથી તેનાં સુખ માટે કામના કરતો રહયો. પણ તેને કયારેય મળી ન શકયો.

થોડાં સમય પહેલા મિત્ર મળ્‍યો હતો. ગામનાં સંસ્‍મરણો તાજા થતા હેમાંગીની વાત નીકળતા તે કહેતો હતો હેમાંગીના લગ્ન પણ આ શહેરમાં જ થયા છે. મેં હસવાનો પ્રયત્‍ન કર્યો. મારા હાસ્‍યમાં રહેલી વેદનાને મિત્રથી છૂપાવી ન શકયો.

કયારેક એકાંતમાં વિચારતો, પપ્‍પા ખરેખર સાચું જ કહેતા હતા. ભગવાન કયારેય ક્રૂર ન બને. હેમાંગી પણ સુખી જ હશે...!

સુરભિએ કેતનની વાત સાંભળ્‍યા પછી તેને કઈ રીતે મદદ કરી શકે તેની વિમાસણમાં દિવસો પસાર થતા હતા.

સુરભિના મમ્‍મી કેતનને તેમના દીકરાની જેમ રાખતા હતા.

એક દિવસે જયારે સુરભિએ તેની મમ્‍મીને કહયું હતુ કે, ' મમ્‍મી આપણા આલય જેવો જ એક ભાઈ અમારી બેંકમાં સર્વિસ કરે છે. ત્‍યારે તેની મમ્‍મીએ કેતનને મળવાની ઈંતેજારી રાખી હતી. કેતન જયારે સુરભિને ઘેર પહેલીવાર ગયો ત્‍યારે સુરભિનાં મમ્‍મીએ આલયની તસવીર ઉપર એક નજર નાંખી... તરત કેતન તરફ જોઈ ગળગળા થઈ બોલ્‍યા, 'આવો મારા દીકરા. હું તારી મમ્‍મી... આ ઘરમાં તારું સ્‍વાગત છે...!'

કેતનને પણ મમ્‍મી મળ્‍યાનો આનંદ થયો. તેણે પણ ઉષ્‍માભર્યો પ્રત્‍યુતર વાળ્‍યો.

સુરભિ પણ કેતનનાં ઘરે જતી. કેતનનાં પિતા પરબતસિંહ પણ સુરભિને દીકરીની જેમ જ ઉમળકાથી આવકારતા. સુરભિના પિતાનું આલય તેમજ સુરભિ નાની વયનાં હતા ત્‍યારે જ અવસાન થયું હતું. એટલે પરબતસિંહમાં તેને પિતાનાં દર્શન થયા. અને વરસો પહેલા અકસ્‍માતમાં તેનો ભાઈ આલય પણ ચાલી ગયો હતો. જે કેતનનાં રૂપમાં ફરી મળ્‍યો હોય તેવું તેને લાગતું.

બન્‍ને ઘર વચ્‍ચે સારો એવો ઘરોબો બંધાઈ ગયો હતો.

એક દિવસ કેતન બેંકમાં આવ્‍યો ન હતો. સુરભિ વિચારતી રહી... કેતન કેમ ન આવ્‍યો હોય.. ત્‍યાં સાંજે સંદેશો મળ્‍યો.

સુરભિ ઉપર તો જાણે આકાશ તૂટી પડયું.

ઘરે જઈ મમ્‍મીને ભેટી પડતા બોલી,' ‍મમ્મી. કેતનભાઈનું અકસ્‍માતમાં...!!

મમ્‍મીને બીજો આઘાત લાગ્‍યો. સુરભિ મમ્‍મીને લઈ કેતનનાં ઘરે પહોંચી. પડોશી શોકમગ્ન બેઠાં હતા. બધા વચ્‍ચે પરબતસિંહ ભાંગેલા હૃદયે બેઠા હતા. સુરભિને જોતા વેંત ડૂસકા સાથે તેમની આંખ ભરાઈ ગઈ...

'મારો દીકરો... કહેતા જોરથી રડી પડયા. તેમની વેદનાભરી આંખ કહી રહી હતી.' મારો એકનો એક સહારો પણ…'

સુરભિની આંખમાથી અશ્રુધાર છૂટી ગઈ. તેમ છતાં મકકમ થતાં બોલી, 'પપ્‍પા બનવાકાળ બની ગયું. ભાઈની આપણને ખાસ જરૂર હતી ત્‍યારે જ કુદરત ક્રૂર બની તેમને આપણી વચ્‍ચેથી ઝૂંટવી લીધાં. એ આપણું દુર્ભાગ્‍ય છે. પણ હવે શોકનો અર્થ શો ? કુદરતના ક્રમનો સ્‍વીકાર કરવો જ રહયો... હવે થી હું જ તમારો દીકરો… બોલતા તેના ગળે ડૂમો વળી ગયો. પરબતસિંહ સુરભિના ખોળે માથું મુકી નાના બાળકની જેમ રોઈ પડયા.

થોડે દૂરથી કેતન તસ્‍વીર બની જોઈ રહયો...!

' દીકરા સુરભિ, સ્‍વેટર બની ગયું...? પરબતસિંહનાં પ્રશ્‍ને સુરભિ વર્તમાનમાં આવી ગઈ.

    ' હા.... પપ્‍પા…' કહેતા તેણે હિંચકાને જોરથી ધકકો માર્યો. કીંચુડ... કીંચુડના અવાજ સાથે સમય સરતો રહયો...!   


Rate this content
Log in

Similar gujarati story from Inspirational