Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

શાકભાજીનું કમઠાણ

શાકભાજીનું કમઠાણ

6 mins
228


કોરોના હજી કેટલા ખરાબ દિવસો દેખાડશે એ તો કોરોના પોતે જ જાણે...ના ના..એવું કંઈ ના સમજતા, હરિ ઈચ્છાથી હજી તો કોઈ તકલીફ નથી થઈ, પણ તેને લગતી ઘણી બધી સમસ્યાઓનો સામનો (સફળતાપૂર્વક કે નિષ્ફળતા પૂર્વક) હું કરી ચૂક્યો છું. 

વાત જાણે એમ છે કે હાલની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમારી ઓફિસ એ સ્વૈચ્છિક લોકડાઉન અપનાવ્યું છે, એટલે વર્ક ફ્રોમ હોમ. હેતુ ઘણો જ ઉમદા છે કે સહુ કોઈ ઘરેથી કામ કરે અને પોતાની તથા તેના કુટુંબીજનોની કાળજી લે.

 તકલીફની ખરી શરૂઆત તો હવે થાય છે. અમારા "ઘરવાળા" એ "વર્ક ફ્રોમ હોમ" નો અપભ્રંશ કરી નાખ્યો અને તેમણે સૂત્ર અપનાવી લીધું "વર્ક ફોર હોમ". હવે "ફ્રોમ" અને "ફોર" વચ્ચે ના તફાવતમા આ ગોરધન અટવાયો (આમા "ગોરધન" એટલે આ લેખ ના અંત મા જેનું નામ હોય તે). આવી જ એક ગોઝારી સવારે હજી તો હું ચા માંડ માંડ ગળે ઉતારી ને ઊભો જ થયો હતો કે મારા નામ નો ગગનભેદી પોકાર પડ્યો..."સાંભળે છે ?" (આમાં "સાંભળે છે" ને વાચક વર્ગ એ ૩ વખત વાંચવું, જેથી કરી ને એકતા કપૂર ની કોઈ ધારાવાહિક જોતા હોય તેવો આભાસ થાય)...અને આ સાંભળી ને મારા પગ મા ૧૦૦ મણ ની બેડીઓ જડાઈ ગઈ. ચહેરા ઉપર ભયંકર કોશિશ કરી ને વિનમ્રતા ના ભાવ ઉત્પન્ન કરી ને (મન મા ને મન મા હાથ જોડી ને) ગોરધન ઉવાચ.."બોલો બોલો, શું થયું ? મને બોલાવ્યો ?". આંખો મા કરુણાસભર લાગણીઓ નો અફાટ સમુદ્ર વહાવી ને એક કહ્યાગરા કંથ ની માફક હવે પછી ના આદેશ (અગન ગોળો) ની રાહ જોતો ઊભો રહ્યો..."નવરો જ બેઠો છે તો એક કામ આપું છું..બધી મારી જ જવાબદારી થોડી છે ? હું કેટલી જગ્યા એ પહોંચી વળું ?" શાબ્દિક ગોળાઓ નો મારો થયો ગોરધન ઉપર..ક્ષણિક જ મારા મન મા એક વિચાર સ્ફૂર્યો..મારા શ્રીમતીજી એ તો ભારત પાકિસ્તાન ની સીમા ઉપર બિરાજમાન થવા જેવું છે..અબઘડી ઉકેલ આવી જાય..ખેર, આ તો ફક્ત વિચાર હતો..."થોડું શાક લેવાનું છે તો લઈ આવ"..હુકમ થઈ ચૂક્યો હતો...જજ સાહેબ એ પેન ની નીબ વાંકી વાળી દીધી હતી. આ ગોરધન ના મોતિયા મરી ગયા...સાચું કહું છું, મને અત્યાર સુધી રોટલી સાથે શાક ખાતા જે આવડ્યું છે... લેતાં કોઈ દિવસ નહીં અને આજે આ મહારોગ કોરોના ને કારણે મારે આ દિવસ પણ જોવો પડ્યો.."હા હા, કેમ નહિ ? હમણાં જ લઈ આવું..બોલો, શું અને કેટલું લેવાનું છે તે લખી આપ"...શાંતિ ના સંદેશા સમાન સફેદ રૂમાલ ફરકાવી દીધો આપણે તો..પણ અમારા શ્રીમતીજી એમ વશમાં આવે તેમ નથી..જલ્દી થી શરણાગતિ સ્વીકારી લે એવા લોકો એમને પસંદ નથી..."તું એટલો ડોબો છે ? શાક શું લેવાનું છે એ પણ લખી આપવું પડશે ?..ઓફિસ મા શું કામ કરતો હોઈશ તું ?"..પાછલી તો કળ વળી જે નહોતી એમાં પાછા બીજા ફટકા..મને એમ થયું કે વર્ષાંતે હું મારા સાહેબ ની સામે બેસી ને મારા આખા વર્ષ ના કામ નું વર્ણન કરતો હોઉં અને મારો સાહેબ મને એક ઝાટકે કહી દે કે તે તો કશું કર્યું જ નથી...ચાલો આગળ વધો..હું તો સમસમી ગયો.."તો પછી કહે કે શું લેવાનું છે એટલે લઈ આવું"..હથિયાર હેઠા મૂકી દીધા ગોરધન એ.."૫૦૦ રીંગણા.. પણ બરાબર જોજે, ૩૦૦ ગલકા...નાના ના લેતો, ૫૦૦ ટિંડોરા..સાવ નાના નહિ, ૨૫૦ દૂધી..પાતળી લેજે, પાલક હોય તો એક ઝૂડી..પણ જોજે સાવ જૂની ના હોય, ૫૦૦ ભીંડા..તોડી ને તપાસી લેજે કે ઘરડા નથી ને, કોળું મળે તો ૨૫૦ અને લીંબુ ૪૦ રૂપિયા ના લેજે..છેલ્લે મરચાં અને કોથમીર આપશે શાક વાળો... ભૂલતો નહીં"..અગણિત સૂચનાઓ નો દોર માંડ માંડ સમાપ્ત થયો..ગોરધન તો હજી શાકભાજી મા જ અટવાયેલો હતો..કોથમીર અને મરચાં જ મગજ મા રહ્યા અને બીજું બધું શાક ભૂલી ગયો..કપાળ ઉપર પરસેવો વળી ગયો...હવે જો ફરી પાછું પૂછીશ તો ઊંધેકાંધ પછાડશે...માંડ માંડ રહી સહી હિંમત એકઠી કરી ને ગોરધન ના સિવાયેલા મોઢાં મા થી શબ્દો ત્રૂટક ત્રૂટક પડ્યા.."જો, હું ફરી પાછું બધું બોલી જાઉં જેથી કરી ને કોઈ તકલીફ ના પડે (આમા તકલીફ તો મને જ પડવાની હતી)"..….."અરે તું જા, મારે બીજા પણ કામ છે, એવું હોય તો ફોન કરજે ત્યાંથી"..શ્રીમતીજી બગડ્યા.. ગોરધન પાસે હવે કોઈ વિકલ્પ નહોતો બચ્યો...અને આમ પણ લગ્ન પછી ગોરધનો પાસે કોઈ વિકલ્પ હોતા જ નથી...જે પણ વિકલ્પ હોય છે તે લગ્ન સમયે લગ્નવેદીમાં હોમી દેવાના હોય છે.

હું મનમાં બધા શાકભાજીના નામનું રટણ કરતો કરતો ઘર ની બહાર નીકળ્યો..અને ત્યાંજ સોસાયટીમાં થોડો જ આગળ ગયો હોઈશ અને હસમુખ કાકા મળી ગયા..."કેમ છો ? શું ચાલે છે ? મઝામાં છો ને ?"...ભારે કરી..હવે જો હું જવાબ આપીશ તો રટેલું બધું જ ભૂલી જઈશ...પણ તેમ છતાં એક સારા પાડોશીની માફક હસમુખ કાકા ને તેમના સવાલોના સંતોષપૂર્વક જવાબ આપી ને હું આગળ વધ્યો..ભગવાન ને પ્રાર્થના કરતો કરતો કે હવે સામું કોઈ ના મળે..ફરી પાછા શાકભાજી નું રટણ કરતો કરતો આગળ વધ્યો...પણ આ શું ? મારી ભૂલવા ની બીમારી એ આજે જોર પકડ્યું હતું...બધું ભૂલી ગયો.. ભલું થાય હસમુખ કાકા નું..કોઈ દિવસ નહીં ને આજે જ મળવાના થયા...થોડું ઘણું પાછું સ્મૃતિપટ ઉપર આવવા લાગ્યું અને મેં મારી ચાલવાની ઝડપ વધારી દીધી..એમ કહો ને કે ગોરધન રીતસર નો દોડ્યો જ છે.. રખે ને પાછું કોઈ મળે અને બધા નામ ભૂલી જાઉં એના કરતા જલ્દીથી દુકાને પહોંચી જાઉં.

ગોરધન પહોંચ્યો દુકાને અને એના કમનસીબે ૨-૩ ગ્રાહકો ઊભાં હતા. હવે જ્યાં સુધી એ લોકોનું ના પતે ત્યાં સુધી મારો નંબર નહોતો લાગવાનો..હું ફરી પાછું બધા નામ ગણગણવા લાગ્યો..કોઈ વિદ્યાર્થી પરીક્ષાખંડમાં જતાં પહેલાં જેમ છેલ્લી ક્ષણોનું વાંચતો હોય તેવી હાલત હતી...ગોરધન ની આગળ જે ભાઈ ઊભાં હતા તે પાછળ વળી ને જોવા લાગ્યા.."કંઈ કહ્યું તમે ?"...ગોરધન ઉવાચ..."ના રે ના, તમને નહીં"..(એમ પણ ગોરધન ક્યાં કોઈ ને કઈં કહી શકે છે)... એ સુખદ ઘડી આવી અને ગોરધનનો વારો આવ્યો..શાકવાળા એ પૂછ્યું..."શું આપું, બોલો"...ખલ્લાસ..જેમ પ્રશ્નપત્ર આવે અને ઠોઠ વિદ્યાર્થી પ્રશ્ન વાંચી ને બધું ભૂલી જાય તેવી હાલત ગોરધન ની થઈ..ચકળવકળ નેત્રે ગોરધન શાક વાળા સામે જોવા લાગ્યો..જાણે પેલો શાક વાળો કોઈ ઉપગ્રહમાંથી આવ્યો હોય તેમ તેની સામે આશ્ચર્યચકિત નયનો થી તેમને જોવા માંડ્યો.."અરે ભાઈ, બોલો, શું આપું ?"..શાકવાળાનો સત્તાવાહી સવાલ..ગોરધનની આંખમાં ઝળઝળીયા આવી ગયા..હવે શું કરીશ ? ફોન કરીશ તો તાડૂક શે...પાછા તો જવાય નહીં ખાલી હાથે...શું કરું ? અહીં થી ભાગી જાઉં ? પણ ક્યાં જઈશ ?...બધા તીડ રૂપી સવાલો એ ગોરધન ઉપર હુમલો કર્યો..શાકવાળો હવે બગડ્યો.."સાહેબ, શું વખત બગાડો છો ? પાછળ બીજા પણ છે...દુકાન મા ભીડ નથી કરવી એટલે એ લોકો બહાર ઊભા છે...જલ્દી બોલો શું લેવાનું છે ?"...ગોરધન થોડો ભાનમાં આવ્યો..અસ્પષ્ટ અવાજ સાથે ઉવાચ..."હા હા...હમ મ મ...આ..." કેટલાય ખોખરા ખાઈ લીધા અને પછી શબ્દો એ મોઢાંની બહાર ડોકિયું કર્યું.."મને શાક આપો"..મૂર્ખતાની હદ વટાવી ચૂક્યું આ વાક્ય...હવે શાકભાજીની દુકાનમાં શાક જ મળે ને..પણ કયુું શાક એ તો કહે ગોરધન ?..."ઊભાં રહો હું ફોન કરી ને પૂછી લઉં"..માનસિક શરણાગતિ સ્વીકારી લીધી ગોરધન એ..ફોન લગાવ્યો શ્રીમતીજી ને...રીંગ વાગી ત્યાં તો બ્લડ પ્રેશર વધી ગયું... એ...હમણાં ફોન ઉપાડશે અને ગોળા ફેંકશે...અને એ ભયંકર ઘડી આવી..શ્રીમતીજી એ ફોન ઉપાડ્યો.."શું છે ?" (આ પૂછાયેલા પ્રશ્ન ને મહત્તમ વોલ્યુમ કરી ને વાંચવું)...….ગોરધન ના પગ ઢીલા પડી ગયા. જીભ લોચા વાળવા માંડી...એક હાથના ટેકે ઊભો રહ્યો ગોરધન..."અરે, તે શું લેવાનું કહ્યું હતું ?"..૧૦૦૦ હાથીની તાકાત એકઠી કરી ને આ સવાલ પૂછયો હતો ગોરધન એ..."ખબર જ હતી...તને એક પણ કામ આપવું એટલે મારું કામ વધારવાનું...સાવ નકામો છે..એક શાક લેતાં ના આવડે ? શું કરે છે ઓફિસમાં તું ?".. બોફોર્સ તોપ ધણધણી ઊઠી. ગોરધન ગંભીર રીતે ઘવાયેલ સૈનિકની માફક ઉંહકારા કરવા માંડ્યો..."ફોન આપ પેલા શાકવાળાને"...અને છેવટે શ્રીમતીજીએ પણ હાર સ્વીકારી કે આને કઈં કહેવાશે નહીં. સૂચના પ્રમાણે શાકવાળાએ બધું શાક ભેગું કરી ને થેલીમાં આપ્યું અને ગોરધન સામે વેધક દૃષ્ટિથી જોયું...જાણે કહેતો ના હોય કે..તમારા કરતાં તો અમે સારા. કોરોનાએ એક સત્ય હકીકતનું ભાન કરાવ્યું..ઓફિસવાળા ઘણા સારા હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy