સારું નરસું
સારું નરસું


આશાનો એક નાનાં ગામડાંમાં જન્મ થયો હતો. આશાને સારું નરસું શું એ ખબર પડતી નહોતી એ તો નિર્દોષ ભાવે બાળપણનો આનંદ માણતી હોય છે.
જેમ જેમ મોટી થતી ગઈ એમ સમજતી ગઈ કે આ સારું કહેવાય ને આ નરસું કહેવાય.
પણ ત્યાં સુધીમાં બાળપણમાં સેતૂર ને કોઠા ને આંબલી તોડવા ઝાડ પર ચઢીને ધમાલ મસ્તી કરવી ને ખવાય એટલાં ફળ સિવાય ન ખવાય તોય તોડી તોડીને નીચે નાંખી દેવા આવાં તોફાન કરતી પણ ત્યારે એને સારું કે નરસું શું એ સમજણ હતી નહીં.
બાળપણમાં સરખે સરખી સખીઓ સાથે ભેગા મળીને કોણ વધુ પતંગિયા પકડે એવી હરિફાઈ રાખતાં ને આશા પતંગિયા પકડીને પેપરમાં દબાવી ને ભેગા કરતી એમાં કેટલાંય પતંગિયાની પાંખો તૂટી જાય તો કેટલાક પતંગિયા મરી જાય તો કેટલાયનાં પગ તૂટી જાય પણ આશા તો એ મસ્તીમાં મસ્ત બનીને રમતી હતી. એને પતંગિયાની વેદના સમજાતી નહોતી કે હું આવું કરું છું એ મારે પણ ભવિષ્યમાં ભોગવવું પડશે.
આશા મોટી થઈ ને સાસરે આવી ને બે સંતાનોની મા બની અને એકાએક કમરમાં તકલીફ વધી ગઈ ને ડોક્ટર પાસે જવું પડ્યું ત્યારે એમ આર કરાવતા ખબર પડી કે કમરના મણકા દબાઈ ગયા છે ને ગાદીમાં પણ તકલીફ થઈ છે.
ડોક્ટરે પથારીવશ રહેવા કહ્યું ત્યારે સૂતાં સૂતાં આશાને નાનપણમાં મારેલા પતંગિયા યાદ આવ્યાં કે કર્મ અહીં જ ભોગવવું પડે છે એ જાણતાં અપરાધ થયો હોય કે અજાણતાં એટલે જ સારું નરસું બાળકોને નાનપણથી જ સમજાવી દીધું હોય તો બાળક આશા જેવી ભૂલ ન કરે.