Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Sapana Vijapura

Inspirational

3.9  

Sapana Vijapura

Inspirational

રક્ષાબંધન

રક્ષાબંધન

3 mins
75


એ જમાનાની વાત છે. જ્યારે માણસને ફક્ત માણસ તરીકે ગણવામાં આવતો હતો. એના કપાળે ધર્મના લેબલ લાગેલા ના હતાંં. અમે છ બહેનો અને બે ભાઈ. બંને ભાઈ અમને જીવથી વહાલા હતાં. અમે ધોબીવાડમાં રહેતા હતાંં. સરનામું પણ ધોબીવાડલખાતું હતું. આસપાસ ની વસ્તી ધોબીની હતી. એની વચ્ચે અમારી હવેલી હતી. એમ કહું કે હવેલી જેવું મકાન હતું. સામે જ એક વાણિયાનું ઘર હતું. હર્ષદભાઈ અને કાંતા ભાભી.

સવારે ગધેડા પાર કપડાના પોટલાં લઈ આજુબાજુના ધોબી માલણ નદીએ કપડાં ધોવા જાય. અમારી બરાબર બાજુમાં નબુભાભીનું ઘર હતું. એમના પતિ વના ભાઈ. સાચું કહું મને એમના અસલી નામ હજુ પણ નથી ખબર. એમને બાળકો ન હતાં એટલી ખબર છે. વના ભાઈના ભાઈ પશા ભાઈ, જે મારા કાકાની ફેકટરીમાં કામ કરતા હતાં. એનાથી બે ઘર છોડી રાણીભાભી અને શામજીકાકા રહેતા હતાં. રાણીભાભી અમારા કપડા ધોતા હતાં અને શામજીકાકા કપડા ઈસ્ત્રી કરતા હતાં. એમનો દીકરો સવજી. જે અમારા બંને ભાઈઓનો મિત્ર હતો. બધા સાથે સ્કૂલમાં જતા હતાં.

મેં કહ્યું એમ એ વખતે માણસને માણસ તરીકે જ પ્રેમ કરવામાં આવતો હતો. સવજી અમારો ત્રીજો ભાઈ બની ગયો હતો. બધા તહેવાર ઈદ, દિવાળી, રક્ષાબંધન અમે સાથે મળીને ઉજવતા. દિવાળીમાં બધી અડોશ પડોશની વહુઓ બાને પગે લાગવા આવતી. મીઠાઈ ખાઈ અને શુકનનો રૂપિયો લઈને જતી.ઈદના દિવસે પણ ઈદમુબારક કહેવા આવી જતી. મારી મા રાણીની જેમ આરામખુરશીમાં બેસી સૌને આશીર્વાદ આપતા.

રક્ષાબંધન આવે એટલે સવજી ફૂલ, કંકુ અને ભેટ લઈને અમારે ઘરે પહોંચી જાય. બંને ભાઈ રાખડી બંધાવી લે તો સવજી લાંબો હાથ કરીને ઊભો રહી જાય. છ બહેનો છ રાખડી બાંધી દે એટલે રાખડી બાંધી ગર્વથી શેરીમાં ફર્યા કરે. બંને ભાઈઓ કરતા જરાપણ ઓછો પ્રેમ અમે સવજીને કરતા ના હતાં. એટલાં જ પ્રેમનો એ હકદાર હતો.

વરસો વીતતા ગયા. બહેનોના લગ્ન થતા ગયા. હું કૉલેજમાં આવી ગઈ. અમે ઘર બદલી બસો નવાણું માં રહેવા ગયા. સવજી ત્યાં પણ પોતાને મિત્રોને મળવા આવતો અને અમે બે બહેનો બાકી રહી હતી. એ બંને પાસે રાખડી બંધાવવા આવતો. આ દરમ્યાન જીવનમાં ઘણું બની ગયું. પણ હર સુખ દુઃખ માં સવજી હાજર હોય જ. સવજી હવે મારા મોટાભાઈની દુકાનમાં નોકરી કરતો.

સવજી ગરીબ માબાપનો દીકરો હતો. આમારી બા ને કૈક પ્રોબ્લેમ થાય એટલે સવજી બાને લઈને ભાવનગર જાય. બાને બહેનના ઘરે ફળિયામાં ખાટલો નાખી સુવાડે અને ત્યાંજ ખાવા પીવાનું આપી બાની સેવા કરે. બહેન બીજા મળે રહેતી તેથી બા દાદર ના ચડી શકે હાંફી જાય, તેથી સવજી ઉપર નીચે ધક્કા ખાય અને બા ને જોઈતી વસ્તુ પહોંચાડે. આવું એકવાર નહિ અનેકવાર બન્યું હશે.

મોટાભાઈ અને સવજી વચ્ચે કૈક અણબનાવ બન્યો અને સવજીએ ઘરે આવવાનું બંધ કર્યું અને સવજી નોકરી વગરનો થઈ ગયો. એ વરસે એ રાખડી બંધાવવા ના આવ્યો. અમને બંને બહેનોને ખૂબ દુઃખ થયું.

પછી તો મારા લગ્ન થઈ ગયા. હું અમેરિકા આવી ગઈ. એકવાર સવજીને ટપાલથી રાખડી પણ મોકલી. મેં સાંભળ્યું રાણીભાભીઅને શામજીકાકા ગુજરી ગયા. અમારા માબાપ પર પણ ઘણું વીત્યું અને એ પણ આ ફાની દુનિયા છોડી જન્નત તરફ રવાના થયા. સવજી ભાવનગર મુવ થઈ ગયો. પણ એ મોટા બહેનને હંમેશા કહે છે કે મારું ચાલત તો બા પપ્પાને હું મારી સાથે લાવીને રાખત. તેણે લગ્ન કરી લીધા બે બાળકોનો પિતા બની ગયો. અને ખૂબ બીમાર રહેતો હતો ડાયાબિટીસ થયું. પગની આંગળીઓમાં ઈન્ફેક્શન થતા આંગળીઓ કપાવવી પડી હતી.

હજુ પણ હું ભાવનગર જાઉં તો મને મળવા આવી ચડે આશીર્વાદ લેવા માટે. પ્રેમ કોઈ જાતિ કે ધર્મ, ઊંચ નીચ, હોદ્દો, જમાત, કે પાર્ટી નથી જોતો ! પ્રેમ પ્રેમનો ભૂખ્યો હોય છે. જ્યા પ્રેમ મળે ત્યાં માણસ દોડીને જાય છે. સવજી અમારે મન અમારા ભાઈઓ કરતા વધારે છે. એણે પણ રાખડીની લાજ રાખી છે. અમારા બા પપ્પાની સેવા કરી છે જેટલી અમે પણ નથી કરી. સવજી મારો ગરીબ અને ત્રીજો ભાઈ છે જેને હંમેશા બહેનોની કદર કરી અને બહેનોના દિલમાં ઘર કર્યું છે. વ્હાલાં સવજી તું જ્યા હોય ત્યાં સુખી રહેજે અને યાદ રાખજે તારે પાંચ બહેનો છે જે હજુ તને ભાઈની જેમ ચાહે છે. આ વાર્તા નહિ પણ સત્ય ઘટના છે રક્ષાનાં બંધનની !


Rate this content
Log in

More gujarati story from Sapana Vijapura

Similar gujarati story from Inspirational