Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

mariyam dhupli

Abstract Inspirational Thriller


4  

mariyam dhupli

Abstract Inspirational Thriller


રીયુનિયન

રીયુનિયન

10 mins 282 10 mins 282

મારા શયનખંડની બારીમાંથી નીચે મહોલ્લામાં મંડાયેલી મારી નજરમાં એક મધુર દ્રશ્ય ઝીલાઈ રહ્યું હતું. એ દ્રશ્યની મધુરતા મારા ચહેરા ઉપર ઘણા લાંબા સમય પછી એક મીઠું સ્મિત ખેંચી લાવી હતી. મારી નજર પણ મૃદુ મૃદુ હાસ્ય છલકાવી રહી હતી. 

મારા બાળપણના મિત્ર કેશવને ત્યાં દીકરી જન્મી હતી. આખું પરિવાર ઓટલે ઊભું એ નાનકડી પરી ઉપર પ્રેમની વર્ષા કરી રહ્યું હતું. કેશવના પિતા કેશવની સરકારી નોકરી કાયમી થતાંજ ઠાઠથી રીટાયર થઈ આરામના દિવસો વિતાવી રહ્યા હતા. એમના ચહેરા ઉપર ઉભરાઈ રહેલો હર્ષ જોનારને આંજી નાખે એવો ચળકાટ મારી રહ્યો હતો. કેશવની બા તો જાણે વહુના આવ્યા પછી રસોડામાંથી રાજીખુશીએ સન્યાસ લઈ લીધો હોય એમ આખો દિવસ કેશવની દીકરીને સંભાળવામાંજ હોંશે હોંશે ખર્ચી નાખતા. એ ઢીંગલી કેટલી ભાગ્યશાળી હતી ! મમ્મી, પપ્પા, દાદા, દાદી. બધાના પ્રેમનો ધોધ એકજોડે એની ઉપર વરસી રહ્યો હતો. 

બધાના ભાગ્યમાં આવું પરિવાર સુખ થોડી લખાયેલું હોય અને જેમના ભાગ્યમાં આવ્યું હોય એમને એની કદર ક્યાં હોય છે ? 

એ વિચાર જોડે મારા ચહેરા ઉપરનું સ્મિત સંકેલાઈ ગયું. નીચે રસોડા તરફથી આવી રહેલી મહેક મારા નાકને સ્પર્શી અને હું ફરી વિસ્મિત થઈ ઊઠ્યો. બારી 

તરફથી અંદર તરફ આવી હું સીધો શયનખંડની બહાર નીકળી ગયો. અત્યંત ધીમા ડગલે હું લાકડાની દાદરો ઉતરવા લાગ્યો. અર્ધી દાદર ઉપરથીજ મને રસોડાની એક ઝલક દેખાઈ આવી. હું ત્યાંજ અટકી પડ્યો. રસોડામાંથી પ્રસરી રહેલી એ સુવાસ દ્વારા મારી શંકા સાચી હોવાનો પુરાવો મળી ગયો.

દાદર ઉપરથી મને રસોઈમાં વ્યસ્ત મમ્મીની ફક્ત પીઠ દેખાઈ રહી હતી. એની તલ્લીનતા મારા ચહેરા ઉપરના અચંભાથી અછડતીજ રહી ગઈ.

મમ્મી એ આજે ફરી ખીરપુરી બનાવી ? 

મમ્મીને ખીરપુરી જરાયે ભાવતી નથી. આમ છતાં એ દર બે ત્રણ દિવસે વારેવારે બનાવતી રહે છે. કંટાળી નથી જતી ? હા, ખીરપુરી મારી ગમતી રસોઈ છે. મોસ્ટ ફેવરિટ. પણ એનો અર્થ એ નથી કે....ને બિચારા પપ્પા. એમને તો ખીરપુરી જોડે ૩૬નો આંકડો છે. છતાં એ મમ્મીનું મન રાખવા ચૂપચાપ જમી લે છે.

એક તીણો અવાજ બહાર તરફથી મારા કાન સુધી પહોંચ્યો અને મારા વિચારો રસોડા તરફથી ઘરના મુખ્ય દ્વાર તરફ આકર્ષાયા. 

પપ્પા.....

હું ઝડપથી બચેલી અર્ધી દાદર ઉતરી ગયો. પણ મોડો પડ્યો. સફેદ શર્ટ અને ખાખી પેન્ટમાં આગળ વધી રહેલું પપ્પાનું શરીર મહોલ્લો વટાવી ગયું. 

મારા ઊંડા નિસાસાથી મારી આસપાસનું વાતાવરણ હૂંફાળું થઈ ઉઠ્યું.

જતા રહ્યા....

એ આટલા જિદ્દી કેમ છે ? મમ્મી સમજાવતા સમજાવતા થાકી ગઈ પણ...હવે આ ઉંમરે કેટલી દોડભાગ કરશે ? એમનું શરીર હવે પહેલા જેવું ચુસ્ત નથી. હું અકળાઈ ઉઠ્યો. મારા વિચારોનું અહીં આખરે શું મહત્વ ? મારા અભિપ્રાયો, મને શું યોગ્ય લાગે છે, શું અયોગ્ય...એ કોઈ સાંભળવાનું હતું ? માનવાનું હતું ? મારી રીસે મને ડંખવાનું શરૂ કર્યું કે રસોડામાંથી મને હળવા હળવા ડૂસકાંઓનો ધ્વનિ સંભળાવા લાગ્યો.

હું સમજી ગયો. 

પપ્પાના સામે બધું સામાન્ય હતું. પપ્પા ઘરમાંથી નીકળ્યા કે મમ્મી રોજ જેમ શરૂ થઈ ગઈ. હું જાણતો હતો રસોડા અંદર કેવું દ્રશ્ય ભજવાઈ રહ્યું હશે. આમ છતાં જાતને રોકી ન શક્યો. મમ્મી મને નિહાળી ન શકે એટલા સુરક્ષિત અંતરેથી મેં રસોડામાં ડોકિયું કર્યું. એક પુરી ખીરમાં બોળી એમના મોઢે સુધી પહોંચી ન પહોંચી કે ધીમે ધીમે શરૂ થયેલા ડૂસકાંઓએ રૌદ્ર રુદનનું સ્વરૂપ ધારણ કર્યું. 

હું નજીકના સોફા ઉપર પછડાઈ ગયો. આમ કઈ રીતે ચાલશે ? એક તરફ પપ્પા કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા ને બીજી તરફ મમ્મી..

ભૂલ થઈ ગઈ યાર ! બહુ મોટી ભૂલ. સ્વીકારું છું. કેટલી વાર માફી માંગુ ? પણ આમ જો એ રોજને રોજ જીવ બાળ્યા કરશે તો નક્કી ગંભીર માનસિક સમસ્યાનો ભોગ બનશે. 

મારો તણાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો. મારા બન્ને હાથની આંગળીઓ વચ્ચે મારો તાણગ્રસ્ત ચહેરો ભીંસાઈ રહ્યો. શું કરું, શું નહીં ની દ્વિધા વચ્ચે મન તરફથી જાણે અચાનક કોઈ રિમાઈન્ડર મળ્યું હોય એમ હું સતર્ક,સફાળો સોફા છોડી ઊભો થઈ ગયો. સામેની ભીંત ઉપર લટકી રહેલા કેલેન્ડર ઉપર તારીખની ચકાસણી કરી. હા, ૧૨ જાન્યુઆરી. એ તો આજે જ. આજે કોલેજનું રીયુનિયન હતું. પંદર વર્ષ પહેલા છૂટા થઈ ગયેલા એ બધાજ મિત્રોને ફરી જોઈ શકવાની, મળી શકવાની, ગળે લગાવી શકવાની એક ઉત્તમ તક. 

હું તો નિયમિત કોલેજનો ચક્કર લેતો. આજ સુધી હું મારી નવરાશની દરેક પળ એજ કેમ્પસ ઉપર વીતાવવાને પ્રાધાન્ય આપતો. એ કેમ્પસથી છૂટા થવું અશક્ય હતું. કેટલી બધી યાદો અને કેટલી બધી વાતો. કેટલીક યાદો મન હંમેશ માટે વાગોળવાનું પસંદ કરતું જયારે કેટલીક યાદો ઈચ્છા વિના પણ આંખો આગળ આવી ઊભી થઈ જતી. એનાથી છુટકારો મળવાથી રહ્યો. ગયા વિકેન્ડ ઉપર હું આમજ કેમ્પસ ઉપર લટાર મારી રહ્યો હતો કે નોટીસબોર્ડ ઉપર મેં રીયુનિયન અંગેની જાહેરાત વાંચી હતી. 

પહેલા તો ખુશીનો એવો ઉમળકો ઉઠ્યો કે પુછોજ નહીં. પણ બીજીજ ક્ષણે હૈયું વલોવાયું.

મારા ત્યાં જવાથી કે રીયુનિયનમાં હાજરી આપવાથી કોઈને કશો ફેર પડવાનો ન હતો. આજે પણ એજ ભાવના પ્રબળ હતી. શા માટે જવું અને કોના માટે જવું ? કોણ ત્યાં મારી રાહ જોઈ રહ્યું હતું ?

મનમાં ઉઠેલા એ પ્રશ્ન જોડેજ ભૂતકાળનું પુસ્તક ઉઘડી પડ્યું. અને કેટલાક પાનાઓ જાણે સમય રૂપી હવાથી ખર....ખર...કરતા આંખો સામે આવી ઊભા રહી ગયા. કાનમાં એક મીઠો ટહુકો પડઘો પાડી રહ્યો. કોઈના નાજુક હાથ ઉપરની ખણખણ કરતી બંગડીઓનો સાદ મગજની નસોમાં વેરાઈ ગયો. એક ઓઢણીનો છેડો કોઈના શરીરની આકર્ષક સુગંધ જોડે જાણે મારા ચહેરા ઉપરથી અછડતો પસાર થઈ ગયો. પાતળી, કુમળી કાયા આગળ વધતા વધતા જાણે પાછળ ફરી. મારી આંખોમાં કોઈની કજરારી આંખોનો લિસોટો પડ્યો. એ આંખોમાં એક સ્મિત વેરાયું અને છાતીએ વળગાડેલા પુસ્તકોને ફરી ચુસ્ત પકડમાં લેતું શરીર મારી ક્લ્પના સૃષ્ટિમાંથી આગળ નીકળી ગયું. 

કાવ્યા...

મારું મન ચીખી ઉઠ્યું. મમ્મીની રુદનની ધાર મને વાસ્તવિકતા તરફ બળજબરીએ ખેંચી લાવી. મારા મગજમાં તીવ્ર પીડા ઉપડી. મેં બન્ને હાથ કાન પર ધરી દીધા. જયારે વાસ્તવિકતા અસહ્ય હાવી થવા માંડે ત્યારે વ્યક્તિ એમાંથી ભાગી છૂટવા બહાના શોધવા માંડે છે. મને પણ એક બહાનું મળી ગયું. 

કોલેજનું રીયુનિયન !

હું તરતજ ઊભો થઈ ઘરની બહાર ધસી ગયો. 

કોલેજના કેમ્પસ પર પહોંચતાજ મેં રાહતનો દમ લીધો. પાર્કિંગ વિસ્તારમાં ગોઠવાયેલી ક્રમબદ્ધ બાઈક ઉપર મારી નજર ફરવા લાગી. થોડા સમય માટે એ સ્ટેન્ડ ઉપર ચઢેલી બાઈક ઉપર હું પોતાનેજ નિહાળી રહ્યો. આસપાસની બાઈક ઉપર ગોઠવાયેલા મારા મિત્રોને પણ. તપન, ઉમેશ, અસલમ, ભૂપેન, રાધા, કિશોર, આશા, રફીક....હાસ્યની છોળો ઉછળી રહી હતી. ધીંગા મસ્તી હદ વટાવી રહી હતી. બધાના ચહેરા કેવા ખીલેલા અને ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા ! એ યાદોને વાગોળતા હોઠના ખૂણા કંજુસાઈ કરવા છતાં થોડાતો ખેંચાઈ ગયા જ. 

કેમ્પસની અંદર તરફ પ્રવેશતા મારી નજર દરેક વૃક્ષને ધ્યાનથી નીરખી રહી. એ બધા એવાને એવાજ ત્યાં ઊભા હતા. દૂર ઊભા કોલેજના કેમ્પસના એકમાત્ર આંબાના વૃક્ષ નીચે આજે પણ પેલી કચોરીની લારી એના નિશ્ચિત સ્થળે ઊભી હતી. કચોરી વેચનાર પેલા વૃદ્ધ કાકા ત્યાં ન હતા. એમની જગ્યાએ કોઈ યુવાન ચેહેરો કામ ઉપર લાગ્યો હતો. પણ એ ચહેરાની રેખાઓ પેલા વૃદ્ધ ચહેરા જોડે આબેહૂબ મેળ ખાઈ રહી હતી. કદાચ એમનો પુત્ર હતો.

ધીમે ધીમે આગળ વધતા મારા કદમ ડાબી તરફ વળ્યાં. લાઈબ્રેરીની અંદર એક ડોકિયું અનાયાસે કર્યું. હા, પેલી ખૂણાની ખુરશી મારી હતી. હું ત્યાંજ બેઠક જમાવતો. ત્યાં ગરમી કેટલી લાગતી. એ એકજ ખૂણો હતો જ્યાં પંખો ન હતો. ઉનાળામાં તો હાલત ખરાબ થઈ જતી. પણ શું કરાય ? ત્યાંથીજ કાવ્યાની બેઠક સ્પષ્ટ દેખાતી. એને ચોરીછૂપે નિહાળવા માટે એજ ખૂણો શ્રેષ્ઠ હતો. મારું ઉઘડેલું પુસ્તક મારી રાહ જોતું થાકી જતું પણ હું તો ફક્ત કાવ્યાનો ચહેરોજ વાંચતો. એનાથી વધુ સુંદર પુસ્તક ઈશ્વરે બનાવ્યુજ ક્યાં હતું ? વિદ્યાર્થીઓનું એક ટોળું ઊંચા અવાજે વાર્તાલાપ કરતું મારી પીઠ પાછળથી પસાર થયું કે મને વાસ્તવિકતાનું ભાન થયું. મારા ડગલાં લક્ષ્ય ભણી ઉપડી પડ્યા. 

માર્ગમાંથી આવી રહેલી મનમોહક સુગંધથી હું ફરી અટકી પડ્યો.જમણો વળાંક લઈ હું એક પાતળી ગલીમાં પ્રવેશ્યો. ત્રીસેક ડગલાની અંદર હું એક લાંબી સીડી નજીક આવી થોભ્યો. સડસડાટ કરતો દરેક સીડી ચઢતો હું એ ઘોંઘાટવાળા મોટા હોલમાં આવી ઊભો રહી ગયો. 

કેન્ટીન ખચોખચ ભરેલી હતી. રસોડામાંથી આવી રહેલી સમોસા, મેંદુવડા, ચાઈનીઝ,ઢોસા, ઈડલીની એ સુવાસથી મોઢામાં પાણી છૂટી ગયું. આ તો અમારો મુખ્ય અડ્ડો હતો. અહીં બેઠા જીવનના દરેક પાસાઓની ચર્ચાવિચારણા થતી. પરીક્ષા ક્યારે છે, મટીરિયલની ઝેરોક્ષ કોણ કરાવશે, વેલેન્ટાઈન ડે પર કોણ કોને પ્રપોઝ કરવાનું છે, ક્યા પ્રોફેસરનું ક્યા પ્રોફેસર જોડે અફેર ચાલે છે, કયા લેક્ચર મહત્વના છે અને કયા બન્ક કરી શકાય, કઈ ફિલ્મની ટિકિટ ખરીદવાની છે...બધુજ અહી નક્કી થતું. અને જયારે કાવ્યા એની સહેલીઓ જોડે જમતી હોય ત્યારે આખું મિત્ર મંડળ જાણે દુનિયામાં કશું બચ્યું ન હોય એમ મને ધારી ધારીને જોયા કરતાં. ક્યારેક અસલમ નકામા ખોંખારા ખાતો, ક્યારેક આશા ટેબલ પર ટકોરા પાડતી તો ક્યારેક ઉમેશ કાવ્યાની તરફ મને આંખ વડે ઈશારાઓ કરતો. હું શરમને મારે પાણી પાણી થઈ જતો. ને જો ભૂલે ચુકે કાવ્યા કેન્ટીનની બહાર નીકળવા મારી પાછળથી પસાર થતી તો એ બધા રોમેન્ટિક ગીતો ગાઈ મને ઝંખવાણો કરી મૂકતા. 

પ્રોફેસરનું એક ગ્રુપ કેન્ટીનમાં પ્રવેશ્યું. ભૂતકાળની યાદો દ્વારા મારા ચહેરા ઉપર ધસી આવેલી શરમની લાલીમા સમેટી લઈ હું ઝડપથી કેન્ટીનની દાદરો ઉતરી કેમ્પસના આગળના ભાગ તરફ નીકળી પડ્યો. 

એક પછી એક પસાર થઈ રહેલા વર્ગો જોડે મારું મન જોરજોર ધડકવા લાગ્યું. અહીં આવીને સારું કર્યું ? પાછો વળી જાઉં ? કે પછી....અંત સમયે મન વળાંક લેવા માંડ્યું. મારી મૂંઝવણ વધુ ગાઢ બની રહી હતી. 

દરેક એક્સ વિદ્યાર્થી પોતપોતાના જુના વર્ગોમાં પોતપોતાના મિત્રમંડળ જોડે જુની સુવર્ણ યાદો વાગોળી રહ્યા હતા. શરીર ઉંમર જોડે બદલાઈ ગયા હતા પણ એ દરેક મન આજે પણ તાજું યુવાન દેખાઈ રહ્યું હતું. 

મારી નજર ઉપર ઊઠી. પહેલો માળ. ત્રીજો વર્ગ. અટારીમાંથી દેખાઈ રહેલા હાથ, માથા અને શરીરોને નિહાળી હું વધુ ઘભરામણ અનુભવી રહ્યો. મારા પગ ધ્રુજવા માંડ્યા. 

ઉપર જાઉં કે પછી....

હું તરતજ પાછળ તરફ વળી ગયો. ઉપર જવાનો વિચાર માંડી વાળ્યો. મારા ડગલાં પરત થવા ઉપડ્યા કે એક જાણીતું મધુર હાસ્ય ઉપરની દિશામાંથી ગુંજતું મારી શ્રવણ ઈન્દ્રિય સુધી પહોંચ્યું. 

કાવ્યા...

મારા અંતર મનમાં કંપન થયું. આટલા વર્ષો પછી...

મારું શરીર તરતજ દાદર તરફ વળ્યું. ધીમા ધીમા ડગલે હું પહેલા માળે પહોંચ્યો. એક પછી એક વર્ગ પસાર કરતો હું પાંચમા વર્ગથી થોડા અંતરે લપાઈને ઊભો રહી ગયો. 

કાવ્યા....

કાળી આકર્ષક સાડી, બંગડીઓનો ખણખણ કરતો સિલ્વર સેટ, લાંબા ભરાવદાર વાળ, ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર. એ ખૂબજ ખુશ લાગી રહી હતી. એની ખુશી એના હાસ્યથી લઈ એના વ્યક્તિત્વના દરેક પાસા અને હાવભાવોમાં છલકાઈ રહી હતી. એના ખભે એક હાથ હતો. એનોજ જેણે એને પોતાના અર્ધ આલિંગન જેવા ઘેરામાં લીધી હતી. કાવ્યા વાર્તાલાપની વચ્ચે વારેઘડીએ એ હાથ રાખનારની આંખોમાં પ્રેમપૂર્ણ ડૂબકી લગાવી રહી હતી. 

"મમ્મી...."

કાવ્યાના સાડીનો પાલવ પાંચ વર્ષના છોકરાએ ખેંચ્યો જ કે કાવ્યાના ખભે રખાયેલો હાથ ત્યાંથી છૂટી એ છોકરાને ગોદમાં ઊંચકી લેવા બીજા હાથની મદદે લાગ્યો. 

" અહીં આવ. પપ્પા પાસે...."

જેવો એ છોકરો ગોદમાં ઊંચકાયો કે બન્નેએ એકીજોડે બન્ને તરફથી એના ગાલ ચૂમી લીધા. ભેગા મળેલા મિત્રો એ દ્રશ્ય નિહાળી સંતોષભર્યું સ્મિત વેરી રહ્યા. એ દ્રશ્યથી મારા શરીરમાં કમકમા છૂટી ગયા. એક અગનજ્વાળા મનમાં સળવળી ઉઠી. 

હું તરતજ પાછળ ફર્યો અને અતિ ઝડપે દાદર ઉતરી પાર્કિગ વિસ્તાર તરફ ભાગી છૂટ્યો. પાર્કિંગ વિસ્તારમાંથી બહાર નીકળતા મારા કાન ઉપર કેટલાક પરિચિત અવાજ અફળાયા. અત્યંત ખૂણામાં બાઈક ઉપર ગોઠવાયેલા એ પરિચિત ચહેરાઓ ઘણા બદલાઈ ગયા હતા.પણ મને આજે પણ એટલાજ વ્હાલા લાગી રહ્યા હતા. પોતાના વાર્તાલાપમાં વ્યસ્ત એ પ્રિય ટોળા તરફ આગળ વધુ કે ચર્ચામાં મૂકાયેલા પ્રશ્ન એ મારા પગની ગતિ થંભી ગઈ. 

" અવિનાશ પણ અહીં હોત તો....?"

આશાની નજર થોડી ભીની હતી. 

" તો...?" અસલમનો ક્રોધ એના શબ્દને પણ શેકી ગયો. 

" જેવો પણ હતો મિત્ર હતો આપણો...." ઉમેશે એને ટાઢો પાડવા પ્રયત્ન કર્યો. 

" નામ ન લો એનું. સાલો ડરપોક. સ્વાર્થી....." અસલમની આંખોની ચિંગારીથી બધાની નજર નિશબ્દ મૌન ઢળી પડી. 

દૂર અંતરેથી જ અસલમની આંખોનું પાણી સ્પષ્ટ દેખાયું. ઢળેલી દરેક આંખ ભીની હતી. 

જો મેં એ ભૂલ ન કરી હોત તો આજે હું અહીં આ રીયુનિયનમાં મારા બેસ્ટ ફ્રેન્ડ્ઝ જોડે.....

ગળામાં ડૂમો બાઝ્યો. હું એમને મોઢું દેખાડવાને લાયક હતો જ ક્યાં ? 

હું અશ્રુ ભરેલી પશ્ચાતાપવાળી આંખો જોડે ત્યાંથી ચૂપચાપ ભાગી છૂટ્યો. 

ઘરે પહોંચ્યો ત્યારે મમ્મી પપ્પાના ઓરડામાંથી વાર્તાલાપનો અવાજ સંભળાયો. ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ પણ હાજર હતી.

આ સમયે ?

મારા મનમાં ધ્રાસ્કો પડ્યો. શું થયું હશે ?

ઝડપથી હું દાદરો ઝંપલાવતો ઉપરના માળે પહોંચ્યો. ચોરીછૂપે મમ્મી પપ્પાના શયનખંડમાં નજર કરી. પપ્પા પથારી ઉપર હતા. એમના ચહેરા ઉપર થાક હતો.તેઓ ઊંડા શ્વાસ ભરી રહ્યા હતા. 

ડોકટરના હાથ પ્રિસ્ક્રિપશન તૈયાર કરી રહ્યા હતા. એમના શબ્દો કડક ચેતવણી સમા ઓરડામાં ગૂંજી રહ્યા હતા. 

" હું આગળ પણ કહી ચૂક્યો છું. આ રમત નથી. તમને એક સ્ટ્રોક આવી ગયો છે. હવે તમારું હૃદય પહેલા જેવું તંદુરસ્ત નથી. અને નબળું હૃદય શરીર પણ નબળું કરે છે. તમને આરામની જરૂર છે. હવે યુવાનો જેવી હાડમારી ન કરો તોજ સારું. હેવ પ્રોપર રેસ્ટ. "

ડોકટરે પ્રિસ્ક્રિપશન મમ્મીને થમાવ્યું. મમ્મીએ પહેલેથી માંડ માંડ કરેલી બચતમાંથી ડોક્ટરની હોમવીઝીટની ફી ચૂકવી દીધી. એમના ચહેરા પર પણ છલોછલ થાક વર્તાઈ રહ્યો હતો. 

હું બારણાં પાછળ શરીર હડસેલી ઊભો રહી ગયો. ડોક્ટર પોતાની વિઝીટ પતાવી ઘરની બહાર નીકળી ગયા. 

મેં ફરી એક નજર ઓરડામાં કરી. મમ્મીએ પપ્પાનો હાથ થામ્યો હતો. 

" કેમ માનતા નથી ? આખું જીવન દોડાદોડી કરી. હવે બસ. આ પરિસ્થિતિમાં...."

પપ્પાએ બારીમાંથી દેખાઈ રહેલા આકાશ તરફ નજર સ્થિર કરી. 

" કામ તો કરવુંજ પડશે. ઘર કેમ ચાલશે. મને હતું કે મારો દીકરો પગ ઉપર ઊભો થાય એટલે સીધી નિવૃત્તિ. રિટાયરમેન્ટ પછી નિરાંતે આરામ કરીશ અને એના બાળકો જોડે ઘરે ધમાલ કરીશ....."

એમનો અવાજ રૂંધાઈ ગયો. મમ્મીનું હૃદયદ્રાવક રુદન ફરી ઘરને ધ્રુજાવી ઉઠ્યું. 

એ દ્રશ્ય અસહ્ય બનતા બન્ને હાથ કાન પર ભીંસી એક કારમી ચીસ મારા મોઢામાંથી નીકળી પડી. 

જે કોઈએ સાંભળી નહીં.

બ્રહ્માંડમાં ફંટાઈ એ કશે ઓગળી ગઈ.

પર અબ પસ્તાયે હોત કયા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત...

જેવું વાવો એવું લણો...

કાવ્યા મને નહીં રાઘવને પ્રેમ કરતી હતી.

તો શું ? 

ભાવનાત્મક મૂર્ખ બની મારે આત્મહત્યા કરી લેવાની જરૂર હતી ?


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Abstract