રેવંત ભાગ ૫
રેવંત ભાગ ૫
થોડા સમય પછી શિવના ઘરે એક બાળકનો જન્મ થયો. તેનું નામ કાર્તિકેય રાખવામાં આવ્યું.કાર્તિકેય એક બળશાળી યોદ્ધા હતો. તેને યુદ્ધકળાનું પ્રશિક્ષણ જુદા જુદા દેવતાઓએ આપ્યું. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ શરીરથી શક્તિશાળી અને બુદ્ધિથી મહાતેજસ્વી થતો ગયો. યુદ્ધકળામાં તેના જેવા દાવપેચ અને તેની વ્યૂહરચના અભૂતપૂર્વ હતી. પછી જયારે સમય આવ્યો ત્યારે તેને દેવસેનાનો સેનાપતિ બનાવાવમાં આવ્યો. આ દેવસેનાનો મુખ્ય આશય તારકાસુરનો વિનાશ હતો. રેવંતને કાર્તિકેયનો અંગરક્ષક નીમવામાં આવ્યો. કાર્તિકેયના અંગરક્ષક નિમાવાથી રેવંત ખુબ ખુશ હતો. કાર્તિકેય નાનો હતો ત્યારથી રેવંત તેને ખુબ લાડ લડાવતો. તેના યુદ્ધ પ્રશિક્ષણમાં પણ રેવંતે ખુબ મોટો ભાગ ભજવ્યો હતો. કુશ્તી કે મુષ્ટિયુદ્ધ હંમેશા રેવંતજ લડતો. કુશ્તી અને મુષ્ટિયુદ્ધમાં કાર્તિકેય હવે રેવંતની બરાબરી પર આવી ગયો હતી અને ગદાયુદ્ધમાં તે રેવંતને આસાનીથી હરાવી દેતો હતો.
તારકાસુરનો વધ કરવા દેવસેના દક્ષિણ તરફ નીકળી. આગળ પાયદળ, તેના પછી અશ્વસેના, વચ્ચે કાર્તિકેયનો રથ અને પાછળ ગજસેના. આ સેના શોણિતપુર પહોંચી અને તારકાસુર સાથે યુદ્ધ કર્યું. કાર્તિકેયના પરાક્રમ સામે કોઈ ટકી ન શક્યું અને દૈત્યાધિપતિ તારકાસુરનો વધ થયો અને અસુરસેનાનો પરાજય થયો. મહાપરાક્રમી કાર્તિકેયને દેવસેનાનો નાયક ઘોષિત કરવામાં આવ્યો તે યુદ્ધનો દેવતા પણ કહેવાયો. તારકાસુરના વધ પછી ધરતી પર શાંતિ છવાઈ ગઈ. હોમ હવન અને યજ્ઞો તારકાસુરના રાજમાં વર્જિત હતા પણ હવે હોમ હવન અને યજ્ઞો થવા લાગ્યા પ્રજા આનંદમાં જીવવા લાગી.
એક દિવસ શિવે પાર્વતીને કહ્યું કે 'હું તપ કરવા જાઉં છું થોડા સમય પછી આવીશ. ત્યારે પાર્વતી બોલ્યા તમે નહિ હો અને કાર્તિકેય પણ અહીં નથી તો એકલી શું કરીશ. ત્યારે શિવે કહ્યું કે 'તમે પોતાના શરીરના મેલથી બાળકો ઉત્પન્ન કરી શકશો એવું હું વરદાન આપું છું.' એટલું કહીને શિવ નંદી અને રેવંતને લઈને વનમાં ગયા. શિવના ગયા પછી પાર્વતીએ પોતાના મેલથી બે મૂર્તિ ઘડી. એક છોકરાની અને એક છોકરીની અને તેમાં પ્રાણ ફૂંક્યા. બાળકનું નામ ગણેશ પડ્યું અને બાલિકાનું નામ ઓખા રાખ્યું. પાર્વતીનો સમય સુંદર રીતે વ્યતીત થવા લાગ્યો. એક દિવસ પાર્વતી નાહવા જતા હતા, ત્યારે ગણેશ અને ઓખાને ઘરની બહાર બેસાડ્યા અને કહ્યું કે 'કોઈને અંદર આવવા દેતા નહિ.' નાનો બાળક ગણેશ પોતાનું પરશુ લઈને દરવાજા આગળ બેસી ગયો અને બહેન સાથે વાતો કરવા લાગ્યો.
ત્યાં થોડીવારમાં ત્યાં શિવ પહોંચ્યા અને ઘરમાં જવા લાગ્યા ત્યારે ગણેશે તેમને રોક્યા અને કહ્યું કે 'માતાએ કોઈને અંદર જવાની ના પડી છે તો આપ થોડીવાર અહીં ઉભા રહો.' શિવ ક્રોધિત થઇ ગયા અને કહ્યું કે 'મને રોકનારો તું કોણ ?' ત્યારે કહ્યું કે 'હું કોણ છું તે પછી કહીશ પહેલા તમે દૂર જઈ ઉભા રહો.' ત્યારે શિવને ક્રોધ આવ્યો અને નંદી અને રેવંતને કહ્યું કે 'આ બાળક ને અહીંથી દૂર કરો.' નંદી અને રેવંતને આવતા જોઈને ઓખા ઘરમાં ભાગી ગઈ. પણ ગણેશ ત્યાં ઉભો રહ્યો. નંદી અને રેવંત તેના નજીક જઈને કહ્યું 'બાળક અહીંથી જતો રહે નહિ તો અમારા સ્વામી ક્રોધિત થઇ જશે. ત્યારે ગણેશે કહ્યું 'હું અહીંથી ત્યારેજ જઈશ જયારે તમે મને હરાવી દેશો.' નંદી અને રેવંત બાળક સમજીને હાથ ઉપાડવા ગયા ત્યાં તો પલકવારમાં ગણેશે બંનેને દૂર ફેંકી દીધા. નંદી અને રેવંત ઉભા થઈને ફરી યુદ્ધ કરવાની કોશિશ કરી પણ ગણેશ હંમેશા તેમને દૂર ફેંકી દેતો હતો આનાથી ક્રોધિત થઈને પોતાનું ત્રિશુલ લીધું અને ગણેશનું મસ્તક છેદી દીધું.
મસ્તક કપાયાના એક ક્ષણ પછી જ પાર્વતી ત્યાં પહોંચ્યા અને પોતાના પુત્રનું મસ્તક વિહીન ધડ જોઈને આઘાત પામ્યા અને ક્રોધિત થઇ ગયા અને કહ્યું 'કેવા પિતા છો ? પોતાના પુત્ર નું મસ્તક કાપી દીધું.' શિવે પૂછ્યું કે 'આ મારો પુત્ર કઈ રીતે ?' ત્યારે પાર્વતી એ કહ્યું 'તમે જ મને વરદાન આપીને ગયા હતા અને હવે તમેજ મને પૂછો છો. તમે મારા પુત્ર ને જીવિત કરો.' ત્યારે શિવને પોતાની ભૂલનું જ્ઞાન થયું . તેમને નંદીને આજ્ઞા કરી કે તમે જાઓ અને રસ્તામાં જે કોઈ પ્રથમ મળે તેનું મસ્તક કાપીને મારી પાસે લાવો. થોડીવારમાં નંદી એક હાથીનું મસ્તક લઈને આવ્યો. જે શિવે ગણેશના ધડ પર બેસાડ્યું અને ગણેશ ફરીથી જીવિત થયો. તેને જોઈને પાર્વતીએ શિવ ને કહ્યું કે 'આ શું કર્યું મારા પુત્રને કોઈ પસંદ નહિ કરે.' ત્યારે શિવે કહ્યું કે 'આ જ્ઞાનના દેવતા તરીકે પ્રસિદ્ધ થશે અને કોઈ પણ શુભ કાર્યમાં પ્રથમ ગણેશને યાદ કરશે એવું વરદાન આપું છું.' પાર્વતીએ ઓખાની શોધખોળ કરી અને તે મીઠાની ઓરડીમાં સંતાયેલી મળી. તેથી પાર્વતી ક્રોધિત થઇ ગયા અને શ્રાપ આપ્યો કે 'તું આ મીઠાની ઓરડીમાં ઓગળી જશે અને રાક્ષસના ઘરે જન્મ લેશે.'
રેવંત ભૂતકાળમાં ખોવાયેલો હતો અને તેને ગુફાની બહારથી કોઈએ સાદ પડ્યો. રેવંત તંદ્રામાંથી બહાર આવ્યો. તેને બોલાવવા દુર્ધર આવ્યો હતો. આજે રાત્રે કોઈ મહત્વની સમસ્યા ચર્ચાવાની હતી. કંદમૂળ ઠંડા પડી ગયા હતા અને હવે તેની ખાવાની ઈચ્છા પણ ન હતી. તે ઉભો થયો અને બહાર આવ્યો તે અને દુર્ધર ગણોની સભા જ્યાં ભરાતી હતી તે સ્થળે ગયા. રેવંત એક પથ્થર પર બેસી ગયો. નંદી એ વાત કરવાની શરૂઆત કરી.
તેણે કહ્યું કે 'આજે આ સભા બોલાવવાનું મુખ્ય કારણ છે ગણેશ અને કાર્તિકેય વચ્ચે આવેલી સમસ્યા. ગઈકાલે ઋષિગણો મહાદેવ પાસે સમસ્યા લઇ આવ્યા હતા. ત્યારે ગણેશ અને કાર્તિકેય બંનેએ દાવો કર્યો કે સમસ્યાનું નિવારણ કરવા તે જશે. તેથી શિવે કહ્યું કે 'જગતની પ્રદક્ષિણા કરીને પહેલા આવશે તે જ ઋષિઓ સાથે જશે.' કાર્તિકેય પોતાના મયુર પર બેસીને નીકળી ગયા પ્રદક્ષિણા કરવા અને ગણેશે મહાદેવ અને માતા પાર્વતીની પ્રદક્ષિણા કરી. કાર્તિકેય પાછા આવ્યા ત્યારે ગણેશ ત્યાંજ બેઠા હતા. કાર્તિકેયે ગણેશની મજાક ઉડાડતા કહ્યું કે 'તું આમેય આવડા મોટા પેટ સાથે જગતની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકે તું હારી ગયો છે.' ત્યારે ગણેશે કહ્યું કે 'ના ભાઈ આ શરતમાં હું જ જીત્યો છું. મારા માટે મારા માતાપિતા જ મારુ જગત છે અને મેં તેમની પ્રદક્ષિણા કરી લીધી એટલે હું જીત્યો છું.' કાર્તિકેયે માતા પાર્વતીને ન્યાય કરવા કહ્યું ત્યારે માતા એ કહ્યું કે 'સ્થૂળ દ્રષ્ટિથી તું જીત્યો એમ કહી શકાય પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી ગણેશ જીત્યો એમ કહેવાય. તેથી ખરી રીતે ગણેશ જ જીત્યા એક મારુ કહેવું છે.'
કાર્તિકેય નો ચેહરો ઉતરી ગયો અને ઋષિમુનિઓ અને ગણેશના ગયા પછી કાર્તિકેયે માતાને કહ્યું કે 'માતા તમે હંમેશા ગણેશનો પક્ષ ખેંચો છો અને હંમેશા મને નીચું દેખાડો છો તેથી હું હવે કૈલાસમાં નહિ રહું અને હવે હું દક્ષિણમાં મારા ગુરુ અગત્સ્ય પાસે જઈશ. માતા એ સમજાવવના પ્રયત્ન કર્યા પણ કાર્તિકેય ત્યાંથી નીકળી ગયા. નંદી એ કહ્યું કે 'કાર્તિકેય એક બે દિવસમાં અહીંથી નીકળવાના છે તો આપણે જઈને તેમની સાથે વાત કરીએ અને સમજાવીએ કે તેઓ આપણી સાથે રહે તે ન માને તો મહાદેવ સાથે વાત કરીએ. તેમની વાત કાર્તિકેય નહિ ટાળે.' રેવંતે હાથમાં ચિલમ પકડીને કશ લગાવતા કહ્યું કે 'કાર્તિકેય અહીંથી જતા રહેશે તો મને તો સારું નહિ લાગે. તે રમુજી પણ છે અને તાકાતવર પણ. તેઓ નહિ હોય તો યુદ્ધકળાનો અભ્યાસ કોની સાથે કરીશ.' નંદી એ હસીને કહ્યું કે 'ભાઈ રેવંત તને લાડવા સિવાય કઈ સૂઝે છે. જયારે ને ત્યારે અખાડામાં જ પડ્યો પાથર્યો રહે છે, તું કઈ કહેવાની રહેવા દે.' વીરભદ્રે કહ્યું કે 'રેવંતની વાત સાચી છે આવ્યો યોદ્ધા ગુમાવવાનું કૈલાસને ન પાલવે. આપણે તેને સમજાવીશું. કાલે સવારે આપણે પ્રમુખ ગણો કાર્તિકેયને મળવા જઈશું.
ક્રમશ: