Jyotindra Mehta

Others

3  

Jyotindra Mehta

Others

રેવંત ભાગ - ૪

રેવંત ભાગ - ૪

6 mins
344


રેવંત ખુશીથી કૈલાસમાં રહેવા લાગ્યો. તેને પિતા પ્રત્યે ઘૃણા થઇ ગઈ હતી. તેને રસ હતો ફક્ત શિવની સેવા કરવામાં. શિવને કોઈની સેવામાં રસ ન હતો તે સદાય કૈલાસની ટોચ પર ધ્યાનમાં મગ્ન હતા. રેવંતની દિનચર્યા એક જ રહી હતી, સવારે ઉઠીને કસરત કરવાની, પછી અખાડામાં જઈને કુસ્તી અને યુદ્ધાભ્યાસ કરવાનો. નંદી, વીરભદ્ર અને યમનિક સિવાય તેને કોઈ હરાવી શકતું નહિ. તેના પછી અન્ય ગણો સાથે કંદમૂળ અને લાકડા કાપવા જતો. શરૂઆતમાં થોડી તકલીફ પડી કંદમૂળનું ભોજન કરવાની ટેવ ન હતી. પિતાના ઘરે રસોઇયાએ બનવેલા પાંચ પકવાન ખાતો હતો અને આરામ કરતો. ધીરે ધીરે તે યોગી જેવું જીવન જીવવા ટેવાઈ ગયો. સાંજ પડ્યા પછી તે અન્ય ગણો સાથે બેસીને ચિલમ ફૂંકતો અને એકબીજાની મશ્કરી કરતા આનંદથી જીવી રહ્યો હતો. ઘણા વર્ષ વીતી ગયા સતીના મૃત્યુને.


તે દરમ્યાન દક્ષિણ માં એક અસુરનો ઉદય થયો નામ હતું તારકાસુર. બ્રહ્માનું દારુણ તપ કરીને તે વરદાન પામ્યો હતો. તેને બ્રહ્માજી પાસેથી બે વરદાન માગ્યા હતા. પહેલું કે તેના સમ કોઈ બળવાન ન હોય અને બીજું કે તેનો વધ તેજ કરી શકે જે શિવના વીર્યથી પેદા થયો હોય. આ બે વરદાન પામ્યા પછી તે શક્તિશાળી બની ગયો હતો અને પૂર્ણ અસુર સેનાએનો અધિપતિ બની ગયો હતો. આખા જગતમાં તેણે ઉત્પાત મચાવી દીધો. તેણે ઇન્દ્રને પણ હરાવી દીધો. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ બધી દિશામાં તેનું રાજ હતું. ઇંદ્રાદિક દેવતાઓ બ્રહ્માજીને શરણે ગયા અને તેનો ઉપાય પૂછ્યો. બ્રહ્મા એ કહ્યું કે 'તેણે ફક્ત શિવથી ઉત્પન્ન થયેલ પુત્ર જ મારી શકશે પણ અત્યારે શિવ ધ્યાનમાં છે તેથી અત્યારે તો તારકાસુરનો કોઈ ઉપાય નથી.' ઇન્દ્ર કૈલાસ પહોંચ્યા ત્યાં શિવ ધ્યાનમાં હતા. ઇન્દ્રે જોયું કે એક કન્યા ત્યાં સેવા આપી રહી હતી. શિવ જ્યાં ધ્યાનમાં બેઠા હતા તેની આજુબાજુ ની જગ્યા ચોખ્ખી રાખી રહી હતી અને ત્યાં આવતા જીવજંતુને દૂર ભગાવી રહી હતી. ઇન્દ્રે તેને ઓળખાણ પૂછી ત્યારે તે કન્યાએ પોતાનું નામ પાર્વતી કહ્યું. તેને કહ્યું કે તે શિવ ભક્ત છે અને તેના પિતાનું નામ હિમવાન છે જે પર્વતરાજ છે અને માતાનું નામ મેના છે. ઇન્દ્રે જાણું લીધું કે આ કોઈ સાધારણ કન્યા નથી પણ શિવ ને વરવા જન્મેલી શક્તિમાતા છે. શિવનું ધ્યાન પાર્વતી તરફ ખેંચાય તેના માટે શિવ નું ધ્યાનમાંથી બહાર આવવું જરૂરી હતું.


ઇન્દ્રે તેના માટે કામદેવને યાદ કર્યા. કામદેવ અને રતિને શિવનું ધ્યાન તોડવાનું કામ સોંપ્યું અને ઇન્દ્ર વિદાય થયા. કામદેવે તે જગ્યાએ વસંત ઋતુનું આવ્હાન કર્યું. આજુબાજુ સુંદર અને સુગંધિત પુષ્પો ખીલી ઉઠ્યા. પછી કામદેવે પોતાનું પુષ્પધનુષ્ય ઉઠાવ્યું અને કામબાણ શિવના હદયનું નિશાન લઈને છોડ્યું. શિવની સમાધિ તૂટી અને તેમને આંખો ખોલી. શિવની સામેની તરફ પાર્વતી નજર ઝુકાવીને બેઠા હતા તેમની તરફ ધ્યાન ગયું અને તેમની સુંદરતામાં ખોવાઈ ગયા. શિવે પૂછ્યું, 'હે સુંદરતાની દેવી, હે કમલનયના, હે ઉન્નતવક્ષા, હે હંસીની તમે કોણ છો અને ક્યાંથી આવો છો ?' પાર્વતી શરમાઈને નીચું જોઈ રહ્યા. થોડીવાર શિવ પાર્વતી સામે જોઈ રહ્યા પણ શિવને ભાન થયું કે વગર વસંતે વસંત ઋતુ આવી ગઈ છે તો એમાં કોઈ ભેદ છે. શિવે ચારે તરફ નજર ફેરવી તો તેમનું ધ્યાન કામદેવ અને રતિ તરફ ગયું અને શિવના ક્રોધની સીમા ન રહી. તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ભસ્મ કરી દીધા. કામદેવની આ દશા જોઈને રતિ ધ્રુજવા લાગી અને શિવના ચરણોમાં પડી અને વિનવવા લાગી કે 'હે મહાદેવ મારા પતિ કામદેવે દેવતાઓની યોજના માટે તમારા પાર કામબાણ ચલાવ્યું હતું. હવે તમેજ મારો ન્યાય કરો.' એવું કહીને શિવસ્તુતિ કરવા લાગી ત્યારે શિવે કહ્યું કે ભસ્મ થયેલા મદનને તો હું જીવિત નહિ કરી શકું પણ હું આશીર્વાદ આપું છે કે તે વિષ્ણુનો જયારે કૃષ્ણરૂપે અવતાર લેશે ત્યારે તેના ઘરે જન્મશે.


શિવ ફરીથી ધ્યાન મગ્ન થઇ ગયા. પાર્વતી નિરાશ થઈને પોતાના ઘરે ગયા. પિતા હિમવાન ને બધી વાત કરી. બીજે દિવસે નારદ મુનિ ભ્રમણ કરતા હિમવાનના દરબાર માં આવ્યા. તેમની અગતાસ્વાગતા કર્યા પછી તેમનું આવવાનું પ્રયોજન પૂછ્યું ત્યારે મુનિ એ કહ્યું કે હું તો તમારી પુત્રી પાર્વતીને મળવા આવ્યો છું.


પાર્વતી ના આવ્યા પછી તેમણે કહ્યું કે, 'તમારા દુઃખનું નિવારણ કરવા માંગુ છું તેથી તમને મળવા આવ્યો છું.' પાર્વતી એ આપવીતી કહી સંભળાવી ત્યારે નારદે કહ્યું કે 'શિવને પામવાનો એકજ રસ્તો છે તપસ્યા. તેથી હે દેવી તમે તપસ્યા કરશો તો જ શિવને પામી શકશો. નારદની વાત પાર્વતીને ઉચિત લાગી. તેણે પોતાનો શણગાર અને સુંદર વસ્ત્રો ત્યજીને વલ્કલ ધારણ કર્યા અને પિતા હિમવાન પાસે ગઈ અને તપ કરવાની રજા માંગી. પિતાની રજા મળ્યા પછી માતા પાસે રજા માંગવા ગઈ ત્યારે માતા એ કહ્યું કે 'પુત્રી આપણને કોઈ વસ્તુનો અભાવ નથી તો શીદને તપ કરે છે. તારા લગ્ન કહે તે રાજા સાથે કે દેવ સાથે કરાવી દઈશ. શિવમાં એવું શું છે કે તું ફક્ત તેમને પરણવા માંગે છે.' પણ પાર્વતી પોતાના નિર્ણયમાં અડગ હોવાથી માતાએ રજા આપી.


પાર્વતી એ વનમાં જઈ વિવિધ પ્રકારે શિવનું તપ કર્યું. શિવે પાર્વતીની પરીક્ષા લેવા સપ્ત ઋષિને મોકલ્યા. સપ્તઋષિ એ જઈને પાર્વતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમને કહ્યું કે 'સ્મશાન માં રહેનારા નરમુંડની માળા પહેરનારા, ભૂતોને સદા સાથે રાખનારા શિવ સાથે વિવાહ કરીને દુઃખી થશો તેથી હે દેવી તમે તપ કરવાનું છોડી દો.' ત્યારે પાર્વતી એ કહ્યું 'હું પરણીશ તો ફક્ત શિવને અથવા  હું મારુ જીવન  ટૂંકાવી દઈશ પણ બીજા કોઈ સાથે લગ્ન નહિ કરું.' તેથી શિવ પ્રસન્ન થયા અને પાર્વતી સમક્ષ પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે વરદાનમાં પાર્વતીએ લગ્નની માંગણી મૂકી. શિવે હા પડી અને કહ્યું દેવી તમે ઘરે સિધાવો અને હું જાન લઈને પધારીશ. પાર્વતી પોતાના ઘરે ગયા અને પિતાને બધી વાત કરી. પુત્રીની વાત સાંભળી તે પ્રસન્ન થયા અને લગ્ન ની તૈયારીઓ શરુ કરી.


શિવ કૈલાસ પહોંચ્યા પછી પ્રથમ રેવંતને બોલાવ્યો અને બધી વાત કરી અને કહ્યું કે પાર્વતી તમારી બહેન સતીનો જ અવતાર છે તેથી તમે રજા આપો તો હું પાર્વતી સાથે લગ્ન કરું. ત્યારે રેવંતે કહ્યું કે 'હે ભોળાનાથ આવો પ્રશ્ન પૂછીને મને દુઃખી ન કરો હું તમારો સેવક છું અને મને મારી બહેન પછી મળશે તેનાથી વધારે આનંદની વાત શું હોય.' પછી સપ્તર્ષિઓને બોલાવી મુરત કઢાવ્યું અને નારદ મુનિને બધા દેવો, ઋષિઓ, ગંધર્વોને આમંત્રણ આપવા મોકલ્યા.


પછી જાન જોડીને શિવ લગ્ન કરવા નીકળ્યા. જાન જયારે હિમવાનની નગરી  માં પહોંચી ત્યારે  અદભુત જાનને જોવા બધા ટોળે વળ્યાં. પાર્વતીની માતા એ શિવને જોયા નહોતા તેથી તે ઝરુખામાં આવ્યા અને સાથે નારદને આવવા કહ્યું. શિવની જાન ત્યાંથી નીકળી ત્યારે આગળ ગંધર્વો હતા અને વચ્ચે ગંધર્વરાજ રથમાં સવાર હતા. તેને જોઈને મેના એ નારદ ને પૂછ્યું કે 'શું આ શિવ છે ?' ત્યારે નારદે કહ્યું કે આ તો ગંધર્વરાજ છે શિવના સેવક છે. મેના એ અહોભાવથી કહ્યું કે જો સેવકો આટલા રૂપાળા છે તો શિવ કેવા હશે. તેના પછે યમરાજની મંડળી નીકળી ત્યારે ધર્મરાજને જોઈને મેનાએ પૂછ્યું 'શું આ શિવ છે ?' ત્યારે નારદે કહ્યું કે ના આ તો ધર્મરાજ છે તેઓ પણ સેવક જ છે. તેના પછી કુબેરને જોઈને પૂછ્યું કે 'આ શિવ છે ?' કુબેર એક સુંદર અશ્વ પાર સવાર હતા. નારદે કેહયું કે આ ઐશ્વર્યાને દેવતા ખરા પણ આ શિવ નથી. તેના પછી ઇન્દ્ર કે પોતાના ઐરાવત નામના હાથી પર સવાર હતા તેમને જોઈને પૂછ્યું કે 'આ શિવ છે ?' તો નારદે કહ્યું કે આ તો ઇન્દ્ર છે દેવતાઓના રાજા ખરા પણ શિવ તો દેવોના દેવ છે. એક પછી એક દેવતાઓ આવતા જતા હતા અને મેના પ્રભાવિત થઇ ગઈ હતી અને કહ્યું કે મેં કેટલું પુણ્ય કર્યું હશે કે મારી પુત્રીના વિવાહ દેવોના દેવ મહાદેવ સાથે થાય છે. બ્રહ્માજી નીક્યાં ત્યારે નારદને પૂછ્યું કે 'આ શિવ છે ?' નારદે કહ્યું કે 'આ તો સૃષ્ટિ ના સર્જનકાર બ્રહ્મા છે.' તેના પછી વિષ્ણુ ત્યાંથી નીકળ્યા તો પૂછ્યું કે "અહો આ સુંદર રૂપ, આ તેજ આજ શિવ છે ? ત્યારે નારદે કહ્યું 'ના આ તો વિષ્ણુ છે જગતના પાલનહાર. નારદે કહ્યું કે 'જુઓ હવે શિવ આવી  રહ્યા છે. ભૂતગણોની વચ્ચે પાંચમુખો વાળા શિવ એક વૃષભ પર સવાર થયા હતા તેમના ગળામાં નરમુંડોની માળા હતી. શિવને જોઈને મેના બેહોશ થઇ ગઈ. ભાનમાં આવ્યા પછી કહ્યું કે 'આવા અઘોરી માં મારી પુત્રીએ શું જોયું કે લગ્ન કરવા તૈયાર થઇ ગઈ. હું મારી પુત્રીને પહાડ પરથી ધકેલી દઈશ પણ શિવ સાથે લગ્ન નહિ કરવા દઉં.' એમ કહીને વિલાપ કરવા લાગ્યા.


પતિ હિમાંવાન અને જુદા જુદા દેવતાઓએ સમજવાના પ્રયત્ન કર્યા પણ વ્યર્થ. છેલ્લે વિષ્ણુ એ આવીને કહ્યું કે 'તમે શિવના રૂપને જોઈને કોઈ નિર્ણય ન લો. બ્રહ્મા સૃષ્ટિના રચયિતા અને હું પાલનકર્તા છીએ પણ શિવ પોતેજ સૃષ્ટિ છે. શિવને કોઈ પામી શક્યું નથી. બ્રહ્માજીએ હંસ રૂપે અને મેં કચ્છવ રૂપે તેમનો છેડો શોધવાના પ્રયત્ન કર્યા પણ અમે છેવટ પામી શક્ય નહિ. તેથી હે દેવી તમારી શક્તિરૂપ પુત્રી અને શિવના વિવાહનો વિરોધ ન કરો. આમ વિવિધ ઉદાહરણો આપી મેનાને જ્ઞાન આપ્યું ત્યારે મેનાએ રજા આપી અને બ્રહ્માજી એ પોતાના હસ્તે શિવ પાર્વતીના લગ્ન કરાવ્યા.


Rate this content
Log in