રાવણોહ્મ ભાગ ૧૪
રાવણોહ્મ ભાગ ૧૪


વિક્રાંત હાઇવે પર તે લોકેશન સુધી પહોંચી ગયો જે સોમે કાદરભાઈને મોકલ્યું હતું ત્યાંથી અંતર્પ્રેરણાથી તે વડ સુધી પહોંચી ગયો. તે સાવધાન થઈને ત્યાં ફરવા લાગ્યો. દૂર એક વૃક્ષમાં તીર ખૂંપેલું હતું , તે વૃક્ષ સુકાઈ ગયું હતું. તીર તેણે હાથમાં લીધું અને નિરીક્ષણ કરવા લાગ્યો. તે પાછલા એક વરાસરથી જુદા જુદા દેશોમાં ફરી રહ્યો હતો અને પ્રાચીનકાળની વસ્તુઓ અને શસ્ત્રો જોયા હતા પણ આવું તીર તેણે પહેલા કદી જોયું ન હતું અને તેની ધાતુ પણ કંઈક જુદી હતી. તે તીર બેગમાં મૂકીને આખી જગ્યા જોઈ લીધી. વડ નીચેની ગુફા પણ શોધી લીધી પણ ત્યાં તેને કઈ ન મળ્યું સિવાય કે કાળી શક્તિઓ વાસ કરતી હતી તેના ચિન્હો. જયારે તેને લાગ્યું કે હવે વધારે રોકવામાં સાર નથી એટલે તે ત્યાંથી નીકળી ગયો. વિક્રાંતના ગયા પછી ઝાડ પાછળથી એક શસ્ત્રધારી સાધુ નીકળ્યો અને નિર્મળ હાસ્ય સાથે જતી ગાડીને નિહાળી રહ્યો. દૂરથી એક સાધુ તેની પાછળ આવીને ઉભો રહ્યો અને બે હાથ જોડીને કહ્યું પ્રભુ પરશુરામ આપણે પિતા-પુત્ર બંને પ્રિય છે તો દર્શન કેમ ન આપ્યા ? માર્ગદર્શન કેમ ન આપ્યું ? તેમણે નિર્મળ હાસ્ય વેરતા કહ્યું મારી મદદ મેળવતા પહેલા તેમણે પહેલા સાબિત કરવું પડશે કે તેઓ તેને લાયક છે. સમય આવે તેમને મદદ પણ કરીશ અને માર્ગદર્શન આપીશ પણ મારી ઈચ્છા છે કે તેમને મારા માર્ગદર્શનની જરૂર ન પડે. કારણ અત્યારે જે ગયો તે શિવનો અંશ છે. તે સાધુ વિસ્મિત નજરે જોઈ રહ્યો. પરશુરામે આગળ કહ્યું જો કોઈ યુદ્ધ નો નિયમ તોડે તો જ હું વચ્ચે આવું છું. નર્મદાશંકરે નિયમ તોડ્યો એટલે મારે સોમની મદદ માટે આવવું પડ્યું પણ દર વખતની મદદ તેમને કાયર બનાવી દેશે અને વિચારશે કે બધી મુસીબત વખતે કોઈ શક્તિ આવીને મદદ કરશે તેથી હું તેમને તેમની તાકાત અજમાવવાનો અવસર આપીશ. થોડીવાર પછી બંને અદ્રશ્ય થઇ ગયા.
વિક્રાંત પહેલા કાદરભાઈ ને ત્યાં ગયો અને તીર આપીને કહ્યું અને કોઈ લેબ માં ટેસ્ટ કરાવો આ ધાતુ કઈ છે તે મારે જાણવું છે. બીજું તે છોકરીના કોઈ સગડ મળ્યા ? કાદરભાઈએ કહ્યું તે છોકરી ની શોધમાં જસવંત દિલ્હી ગયો છે પણ બીજા એક ખરાબ સમાચાર છે, સાગરનું ખૂન થયું છે અને તેની લાશ પણ બહુ વિક્ષત હાલત માં મળી છે. વિક્રાંતે કહ્યું તેનો અર્થ એ છે કે દુશ્મન આપણા વિષે જાણે છે એટલે સાવધાન રહેવાની જરૂર છે. બધાને કહી દો કે પોતાની આજુબાજુમાં સુરક્ષા ઘેરો બનાવી લે જેથી જો કોઈ હુમલો થાય તો બચાવ કરવાનો મોકો મળે.
કાદરભાઈને ત્યાંથી નીકળીને વિક્રાંત ઘરે પહોંચ્યો. ઘરમાં પ્રવેશ્યા પછી તે એકલતા અનુભવવા લાગ્યો. જયારે પણ તે ઘરે હોતો ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેતું. તેણે કોઈ દિવસ ઘરમાં બોઝીલતા અનુભવી નહોતી. પણ આજે ઘર ભેંકાર ભાસી રહ્યું હતું. તે જમ્યા વગર જ જઈને પથારીમાં આડો પડ્યો ને સુઈ ગયો. પછીના બે દિવસમાં વિક્રાંતે આખું ઘર ફંફોસી લીધું પણ કોઈ જાતનો કલુ ન મળ્યો. ત્રીજે દિવસે એક ડાયરીમાં ફક્ત એક નામ મળ્યું પ્રદ્યુમનસિંહ. તેણે આ નામ એક વખત સોમ ના મુખે સાંભળ્યું હતું પણ તે કોણ છે તેની ખબર ન હતી. એટલામાં તેના ફોનની રિંગ વાગી, તેની આશા પ્રમાણે ફોન કાદરભાઈ નો હતો. તેમણે કહ્યું રેસ્ટોરન્ટ માં આવી જાઓ ઘણા બધા સમાચાર છે અને ચિંતા ન કરતા બધા સારા જ છે. વિક્રાંત ત્યાં પહોંચ્યો ત્યારે જસવંત કાદરભાઈ સાથે વાત કરી રહ્યો હતો. કાદરભાઈએ જસવંત ની ઓળખાણ વિક્રાંત સાથે કરાવી અને કહ્યું કે આજે ઘણા બધા સમાચાર છે નિલીમાનો પત્તો લાગી ગયો છે તે દિલ્હીમાં છે અને જસવંતે તેની પૂછતાછ કરી છે આગળની વાત જસવંત કરશે.
જસવંતે કહ્યું નીલિમા આમ તો સિંગર બનવા આવી હતી પણ ગેંગસ્ટરોની જાળમાં ફસાઈ ગઈ જોકે તે માટે ઘરની આર્થિક તંગી પણ એક કારણ હતું. કોઈ ગેંગસ્ટર છે રુદ્રા નામનો તેના કહેવાથી તે તમારા પપ્પાની સેક્રેટરી બની અને વિશ્વાસ જીત્યો પછી એક વખત ભયંકર કેફી દ્રવ્ય પીવડાવીને ફોટા પડ્યા, ભયંકર શબ્દ એના માટે વાપર્યો કે તે પહેલા તેણે ઘણા બધા કેફી દ્રવ્યો પીવડાવી જોયા પણ તેમના પર કોઈ અસર નથી થતી. તે ફોટા રુદ્રાને આપીને પૈસા લઈને નીકળી ગઈ પણ આજ સુધી તે પછતાઈ રહી છે કારણ નશાની હાલતમાં પણ તમારા પપ્પાએ કોઈ જાતનું કુકર્મ નહોતું કર્યું, અત્યારે દિલ્હીમાં સામાન્ય જીવન જીવી રહી છે. વિક્રાંત માટે આ બધું નવું હતું તેણે કહ્યું હવે આ રુદ્રા કોણ છે ? કાદરભાઈએ કહ્યું રુદ્રા એક ગેંગ ચલાવે છે અને તમે નહિ માનો તે ફક્ત સોળ વરસનો છે અને તેનું નામ આવ્યા પછી મેં તેની માહિતી કાઢી તે મુજબ પાછલા ૧૫-૨૦ દિવસથી તે અહીંથી ગાયબ છે. વિક્રાંતે કહ્યું ઠીક છે હવે બીજા શું સમાચાર છે ? કાદરભાઈએ એક રિપોર્ટ વિક્રાંત સમક્ષ ધર્યો અને કહ્યું આ તીર નો રિપોર્ટ. વિક્રાંતે રિપોર્ટ વાંચ્યો,રિપોર્ટ મુજબ તે તીર કિરણોત્સર્ગી ધાતુના અંશ ધરાવે છે પણ કિરણોત્સર્ગ બહુ કંટ્રોલ્ડ માત્રામાં થાય છે. વિક્રાંતે કહ્યું મને લાગે છે કે આ તીર પ્રાચીન કાળ નું મહાઅસ્ત્ર હશે. કાદરભાઈને પૂછ્યું કે આમાં તીર કેટલું જૂનું છે તે વિષે કઈ લખ્યું નથી. કાદરભાઈએ કહ્યું કે એનો ટેસ્ટ કરનારને કન્ફર્મ નહોતું તેથી નથી લખ્યું પણ તેના અંદાજ મુજબ આ તીર સાતથી આઠ હજાર વર્ષ જૂનું છે. વિક્રાંતની આંખો ચમકી તેનું મગજ જેટની ગતિથી દોડવા લાગ્યું. આ તીર તો રામાયણકાળ અથવા તેનાથી પણ પહેલાના સમયનું છે અને તે સમયનો કયો યોદ્ધા અત્યારે જીવિત હોઈ શકે જેનું આ તીર હોય. પછી તેના મગજમાં એક નામ આવ્યું પણ તે મૌન રહ્યો.
થોડીવાર પછી કાદરભાઈએ કહ્યું કે શ્રીરંગ ને મેં પુના મોકલ્યો હતો અને પુના પહોંચવા પહેલા તેના કાનમાં મંત્રોના ઉચ્ચાર પડ્યા જે મને લાગે છે કે સોમ સરના હશે કારણ શ્રીરંગ તેમના અવાજ ને ઓળખી ગયો હતો તેણે તે મંત્ર તેણે મને લખીને મોકલ્યો છે એમ કહીને પોતાનો મોબાઈલ ફોન વિક્રાંત સામે ધર્યો. વિક્રાંતે મંત્ર વાંચ્યો " નૃપવલ્લભા સુચીખાત સ્તંભ રક્ષક ગવેષય લેખાધિકારીન ગવેષય રાવણસ્ય અપરાધબોધિતા વરિયસ બાધિતામ" વિક્રાંતે ફરી ફરી મંત્ર વાંચ્યો થોડી ખબર પડી અને થોડો સમજ માં ન આવ્યો એટલે તે મેસેજ પોતાના મોબાઈલમાં ફોરવર્ડ કરી લીધો અને કહ્યું કાદરભાઈ એક કામ કરો નિલીમાને કોન્ટાક્ટ કરીને કહો કે તે મારા પિતા નિર્દોષ છે અને તેણે શું કર્યું તેનો એક વિડિઓ બનાવીને મેસેજ કરે અને બીજું એક કામ કરો આ પ્રદ્યુમનસિંહ કોણ છે અને ક્યાં રહે છે તેનો શોધ લો.