Jyotindra Mehta

Horror Thriller


4  

Jyotindra Mehta

Horror Thriller


પ્રવાસ નિરંતર

પ્રવાસ નિરંતર

7 mins 22 7 mins 22

મેં કેરળ જવાની ટ્રેન પકડી લીધી હતી. નીકળતી વખતે સંધ્યા ખીલી હતી અને આકાશમાં જુદા રંગોનું સામ્રાજ્ય પ્રસરી ગયું હતું. મને આ દ્રશ્ય હંમેશા પસંદ આવતું પણ આજે તે દ્રશ્ય સાથે એક અજબ મનહુસિયત વાતાવરણમાં ફેલાયેલી હતી. અંદરથી કોઈ ચીખપુકાર કરી રહ્યું હતું. એક વાર તો ઈચ્છા થઇ કે ટ્રેન છોડી દઉં અને ઘરે નીકળી જાઉં, પણ હવે બીજો કોઈ માર્ગ નહોતો. આગળ જ વધવાનું હતું. આ ટ્રેન છોડવી નોકરી છોડવા બરાબર હતી. આવા કપરાકાળમાં બીજી નોકરી મળવી મુશ્કેલ હતી. કંપનીએ પુરા પાંચ હજાર ખર્ચીને મને મુંબઈ મોકલ્યો હતો અને અહીંથી કેરળ જવાનું હતું. કામ માત્ર બે દિવસનું હતું અને બે દિવસ પછી પાછા ઘરે.

અંતરઆત્માના અવાજને દબાવીને મેં બેગ પોતાની સીટ ઉપર મૂકી. મારા કમ્પાર્ટમેન્ટમાં કોઈ નહોતું. કોરોનાના આવા કપરાકાળમાં પ્રવાસ પણ કોણ કરે? મારા સિવાય હજી એક વ્યક્તિ હતી મારા ડબ્બામાં. તે વડીલ જેવા દેખાતા વ્યક્તિ સામે જોઇને સ્મિત કર્યું. તેમનો ચેહરો કહી આપતો હતો કે તેઓ કેરળના છે. તેમણે મને મલયાલમ ભાષામાં કંઇક પૂછ્યું પણ મારો ચેહરો જોઇને ઈંગ્લીશ અને ભાંગીતૂટી હિન્દીની મિશ્રણ સમાન ભાષામાં પૂછ્યું,”કેરળ જાઓ છો ?”

મેં માથું હલાવીને હા પાડી. ટ્રેન સ્ટેશનેથી ઉપડી અને ધીમે ધીમે અગ્રેસર થઇ. એસીની ઠંડક ઓછા પ્રવાસીઓને લીધે વધુ હતી તેથી મેં કોચની દેખભાળ કરનાર અટેન્ડન્ટને કહીને તે બંધ કરાવ્યું. હું પાછો જતો હતો તે સમયે તે વડીલે સ્મિત આપ્યું અને થેંક યુ કહ્યું. હું બારીમાંથી બહારના દ્રશ્યો જોઈ રહ્યો હતો. હજી તો આઠ જ વાગ્યા હતા પણ બહાર પૂર્ણ અંધકારનું સામ્રાજ્ય હતું. ગાડી થાણે શહેર પાસેથી પસાર થઇ રહી હતી પણ રસ્તાઓ સુમસામ હતા. વચ્ચે એક બે વાહનો દેખાયા પણ દુકાનો પૂર્ણપણે બંધ હતી. એક જાતનો ભય ફેલાયેલો હતો માહોલમાં. કોઈ ભૂતિયા શહેરમાંથી પસાર થઇ રહ્યા હોઈએ તેવું લાગી રહ્યું હતું.

તે જ સમયે ગાડી ધીમી પડી અને થાણે સ્ટેશન ઉપર ઉભી રહી. ફક્ત એક વ્યક્તિ ચડ્યો અને આવીને મારી સામેની સીટ ઉપર ગોઠવાયો. કોઈ ચાળીસ કે પિસ્તાલીસ વર્ષની ઉંમર હશે તેમની. મને જોઇને તે વ્યક્તિએ સ્મિત આપ્યું અને ગુજરાતીમાં પૂછ્યું,”કેરળ જાઓ છો?”

હું આશ્ચર્યચકિત થઇ ગયો કારણ તે વ્યક્તિની વેશભૂષા અને ચેહરો કહેતો હતો કે દક્ષિણથી છે. મેં કહ્યું,”જી ભાઈ, કેરળ જાઉં છું કામસર.”

તેમણે પૂછ્યું,”આવા કોરોના કાળમાં પણ તમારી કંપની તમે કામસર બહાર મોકલી રહી છે?”

મેં જવાબ વાળ્યો,”મારી કંપની આવાજ સમયમાં કમાય. હું એક દવા કંપનીમાં કામ કરું છું અને એમ. આર. છું અને કેરળ જઈને બે ચાર હોસ્પિટલોની મુલાકાત લેવાની છે અને તેમને મારી કંપનીની દવાના ફાયદા સમજાવવાના છે.”

ત્યારબાદ તે વ્યક્તિ મને મારા કામ વિષે પ્રશ્ન કરતો રહ્યો અને હું જવાબ આપતો રહ્યો. તે વ્યક્તિ મને દરેક વાત એવી રીતે પુછતો હતો જાણે આ બધું પહેલીવાર સાંભળી રહ્યો હોય. તેમણે મને પોતાનું નામ મહેશ કહ્યું.

થોડીવાર થઇ હશે ત્યાં જ મને જે પહેલા આધેડ મળ્યા હતા તે આવીને અમને બે પ્લેટ ઈડલી આપી ગયા અને થોડીવાર પછી તેઓ સાંભાર પણ આપી ગયા. મહેશે તેમની મલયાલમમાં પૂછપરછ કરી.

મહેશે તેમનો આભાર વ્યક્ત કર્યો અને મારી સામે જોઇને કહ્યું,”તે પોતાની સાથે પહેલેથી જ વધારે ખાવાનું લઈ આવ્યા હતા જેથી વહેંચીને ખાઈ શકાય.”

મેં પૂછ્યું,”તમે કેટલી ભાષાઓ બોલી શકો છો?” મહેશે કોઈ જવાબ આપવાને બદલે એક ભેદી સ્મિત આપ્યું. તેની નજર એકદમ તીક્ષ્ણ હતી જાણે કોઈ વ્યક્તિને અંદર સુધી જોઈ શકતો હોય.

સાંભારમાંથી બહુ સરસ સુગંધ આવી રહી હતી. તે સુગંધ ચીરપરિચિત હતી. મેં ઈડલી, સાંભાર અને ચટની સાથે ખાવાની શરુ કરી. આ તો મારી રેસીપી હતી !

હું એક કુશળ રસોઈયો હતો અને ઈડલી અને મેદુવડા મારી સ્પેશીયાલીટી હતી. મારા ઘરમાં જયારે પણ કોઈ સાઉથ ઇન્ડિયન ડીશ બનાવવાનો પ્રોગ્રામ હોય તો હું જ બનાવતો અને મારી પત્ની તે ખાઈને આનંદના ઓડકાર લેતી, સાંભારની રેસીપી મેં મારા એક વડીલ મિત્ર હતા તેમની પાસેથી મેળવી હતી.

મેં ખાતાં ખાતાં મહેશને કહ્યું,”મહેશજી, તમને ખબર છે એક સમય હતો જયારે હું પોતાનું રેસ્ટોરન્ટ કે કંઈ નહિ તો પોતાની લારી નાખવા માગતો હતો. મને પહેલેથી રસોઈનો શોખ અને હું બનાવું છું પણ સરસ. આ સાંભાર આપણે જે ખાધો, અદ્દલ તેવો જ સાંભાર મેં ઘણીવાર ઘરે બનાવ્યો છે. પણ પારિવારિક મુશ્કેલીઓએ મને આ સાહસ કરવા ન દીધું અને વર્ષોથી નોકરી કરી રહ્યો છું, જે મને જરાય ગમતી નથી. એક દિવસ આવશે જ્યારે હું મારી પોતાની ગાડી નાખીશ ઈડલીવડાની. આ ધંધામાં બહુ પૈસો છે, પણ પત્નીને કોઈ સમજાવે!” ખબર નહિ આજે પહેલીવાર કોઈ પાસે પોતાની ઈચ્છા દર્શાવી રહ્યો હતો. આ વાત તો મારા મિત્રોને મજાકનું પાત્ર બનવાના ડરને લીધે કહી નહોતી.

મહેશે ધારદાર નજરથી મારી સામે જોયું અને કહ્યું,”ઈશ્વર કરે અને તારી ઈચ્છા જલ્દી પૂર્ણ થાય.”

ઈડલી ખાધા પછી હાથ-મોં ધોઈને હું ફરી સીટ ઉપર ગોઠવાયો અને મહેશ ઉપરની બર્થ ઉપર જઈને સુઈ ગયો. હું વિચારી રહ્યો હતો કે બે ઈડલીમેં તેનું પેટ કેવી રીતે ભરાયું હશે? ત્યાં જ અટેન્ડન્ટ મને મારી થાળી આપી ગયો. હું વિચારી રહ્યો હતો કે મારા કમ્પાર્ટમેન્ટમાં અમે બે જણ હતા તો થાળી એક જ કેમ લાવ્યો? પણ મહેશ સુઈ રહ્યો હતો એટલે મારો પ્રશ્ન વ્યર્થ હતો તેથી મેં તે વિષે કોઈ પૂછપરછ કરી નહિ અને લાવેલા ભોજનને ન્યાય આપ્યો.

સાધારણ રીતે આવા પ્રવાસમાં મારું મન હંમેશા પ્રફુલ્લિત રહેતું પણ ખબર નહિ કોઈ અજ્ઞાત કારણસર આજે મારું મન ઉદાસ હતું. કદાચ ઓછા પ્રવાસીઓને લીધે આવું થયું હશે એમ કહીને મનને ટપાર્યુ.

જમ્યા પછી થોડીવાર બહારના દ્રશ્યો જોઈ રહ્યો. ટ્રેને મુંબઈ છોડી દીધું હતું અને કોકણના રળિયામણા પ્રદેશમાં પ્રવેશી ચુકી હતી. બહારનું દ્રશ્ય આહ્લાદક હતું. પહાડીઓ અને ઉપરથી પડી રહેલા ઝરણા , પૂનમ હોવાને લીધે જોઈ શકાતા હતા. ઝરણાનો અવાજ તો એસી ડબ્બામાં હોવાને લીધે મારા કાન સુધી પહોંચી રહ્યો નહોતો પણ હું તે અવાજ મારી અંદર અનુભવી રહ્યો હતો. શું મારી અંદર પણ એક ઝરણું વહી રહ્યું છે? શું મને સંભળાઈ રહ્યો છે તે કયો અવાજ છે? ક્યારેક ઘુઘવાટાનો અવાજ પણ મિક્સ થઇ રહ્યો હતો. અજબ લીલા છે ઈશ્વરની. હું દરેક બહારનું દરેક દ્રશ્ય મનમાં ભરી રહ્યો હતો. મેં વિચાર્યું હું અહીં જ રહેતો હોત તો કેટલું સારું. ત્યાં શહેરમાં રાત્રે આકાશમાં તારા પણ બરાબર દેખાતા નથી.

મને ઊંઘ આવી રહી હતી અને મારી આંખો ઘેરાવા લાગી. હું આડા પડવાને બદલે બારી પાસે માથું ટેકવીને જ સુઈ ગયો. અચાનક એક ઝટકો લાગ્યો અને ચીખપુકારના અવાજો આવ્યા અને ભારે ઊંઘને લીધે મારા પોપચાં બીડાઈ ગયા.

થોડીવાર થઇ ત્યાં મહેશે મને જગાડ્યો. મેં આંખ ખોલી અને જોયું તો મહેશ મારા ઉપર ઝુકેલો હતો.

મેં પૂછ્યું,”શું થયું? ટ્રેન ઉભી કેમ રહી ગઈ?”

મહેશે કહ્યું,”આપણું અંતિમ સ્ટેશન આવી ગયું છે.”

હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો મનમાં કહેવાની ઈચ્છા થઇ કે મારે તો છેક કેરળ જવાનું છે પણ કહી ન શક્યો અને તેની પાછળ પોતાની બેગ લીધા વગર જ ઉતરી ગયો.

નીરવ અંધકાર હતો. ટ્રેન શરુ થઇ ગઈ હતી અને થોડી જ વારમાં મારી નજરથી દુર થઇ ગઈ. મેં મહેશ સામે જોયું, તેણે મને તેની પાછળ ચાલવાનો ઈશારો કર્યો. ખબર પડતી ન હતી કે હું કયા સ્થળે હતો, હલકો પવન મારા ગાલને સ્પર્શી રહ્યો પણ મને તેનો કોઈ અનુભવ થઇ રહ્યો નહોતો. ચાંદનીના અજવાળામાં મને દુર સુધી ફક્ત પહાડીઓ અને ઝરણાઓ દેખાઈ રહ્યા હતા.

મહેશ મને એક સ્થળે લઇ ગયો જ્યાં એક હાથગાડી જેમાં રસોઈનો સામાન પડ્યો હતો અને એક વ્યક્તિ તેની પાછળ ઉભો રહીને પૂરી તળી રહ્યો હતો. મહેશે ત્યાં પહોંચીને તે વ્યક્તિને ઈશારો કર્યો એટલે તે હાથ ધોઈને આગળ જતાં રસ્તા ઉપર નીકળી ગયો. અજબ માણસ હતો આવજો જજો કહેવા પણ ઉભો ન રહ્યો એવું હું વિચારી રહ્યો.

મારી પાછળથી ડબ્બામાં મારી સાથે પ્રવાસ કરનાર તે આધેડ વ્યક્તિ પણ અમારી સામે જોયા વગર ત્યાંથી નીકળી ગયો, મેં તેની સામે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેણે મારી સામે જોયું પણ નહોતું.

મેં મહેશ સામે જોઇને પૂછ્યું,”આ કઈ જગ્યા છે? અને આ રસ્તો કયા ગામ તરફ જાય છે?”

મહેશે મારી તરફ સ્મિત આપતાં કહ્યું,”આ રસ્તો અંતિમ જગ્યાએ જાય છે પણ તારી ઇચ્છાઓ અધુરી છે તેથી તને ત્યાં સ્થાન નહિ મળે. તેથી અહીં આ ગાડી ઉપર તારા ઈડલી સાંભાર અને ચટની બનાવ અને અહીં જતાં લોકોને ખવડાવ અને પોતાની સુષુપ્ત ઈચ્છા પૂર્ણ કર. એક દિવસ આવશે જ્યારે હું બીજા કોઈને લઈને આવીશ ત્યારે તું તારો પ્રવાસ આગળ વધારજે. બાકી અહીં ઉભો છે તો એટલું સમજજે કે તારો પ્રવાસ હજી પૂર્ણ થયો નથી અને તારો પ્રવાસ નિરંતર છે.”

હું સમજી ગયો હોય તેમ માથું હલાવ્યું અને ગાડીની પાછળ ગયો અને ઈડલી બનાવવાનું શરુ કર્યું. એક કલાક પછી બધું તૈયાર હતું. મેં એક પ્લેટમાં ઈડલી, સાંભાર અને ચટની પીરસીને મહેશને આપ્યા. મહેશે તે ખાધા અને આનંદથી કહ્યું,”મારો નિર્ણય કદી ખોટો નથી હોતો. બસ આ રીતે બધાને ખવડાવતો રહે.”

એમ કહીને તે હાથ ધોઈને ઉભો થયો અને પાછળની તરફ જવા લાગ્યો.

મેં બુમ પાડીને પૂછ્યું,”તમારે આગળની તરફ નથી જવાનું?”

તેણે કહ્યું,”તારો એકલાનો પ્રવાસ જ નિરંતર નથી! મારી પણ ઇચ્છાઓ હતી.” એમ કહીને તે અદ્રશ્ય થઇ ગયો

ત્યારબાદ હું પાછળના ઝરણાઓનો નાદ અને સંગીત સાંભળતો ફરી પોતાના કામમાં જોતરાઈ ગયો.

બીજા દિવસની સમાચારની હેડલાઈન હતી. ‘કેરળ જતી ટ્રેનનો અકસ્માત અને બે વ્યક્તિઓનું મૃત્યુ.”


સમાપ્ત.


જ્યોતિન્દ્ર મહેતા


(પ્રેરણા : સચિન મધુકર પરાંજપે)Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Horror