પરિમળ
પરિમળ
પરિમળ
મોરના કૂકડાટ સાથે જ અજય રોજ સવારે ખેતરમાં નીકળી પડતો.
ઝાકળથી ભીંજાયેલા પાકની લીલીછમ ક્રાંતિ , અને ભીની માટીની મહેક, એ એના રોજના સાથી.
આજે એ મહેકમાં એક અજાણી કસક હતી.
ખેતરના શઢે ગાય મોગરાનો વેલો ચાવી ગઈ હતી.
ગાય તો માતા છે — એને શું કહી શકાય?
પણ મોગરાનો એ વેલો અજયને પ્રાણપ્યારો હતો… કારણ કે એની સાથે બાળપણની યાદો ગૂંથાયેલી હતી.
આજ સવાર થી અજય ની જમણી આંખ ફરકતી હતી, કઈ સારૂ થવાનું છે તેની ઝાલર વગાડતી . પણ ખેતરે, મોગરા ની વેલની હાલત જોઈ જાણે ભૂતકાળનું કોઈ પાનું ફરી ખૂલી ગયું હોય તેમ લાગી રહ્યું હતું .
તે કામ. મા પરોવાઇ ગયો
---
બપોરે ગામની એક માત્ર શાળામાં ખાસ પ્રસંગ હતો —
દેસાઈ સાહેબને વિદાય આપવા બધા જુના મિત્રો ભેગા થવાના હતા.
સમયથી વહેલો પહોંચેલો અજય જૂના ક્લાસરૂમમાં ગયો.
બારણાં પાસેની ચાપડો મારેલી એ જ બેંચ હજુ અડીખમ ઊભી હતી — જ્યાં સાતમાં ધોરણમાં એ અને બેંકના અમીનસાહેબની દીકરી સુધા બેસતા હતા.
સુધા, જેના વાળમાં મોગરાની સીઝનમાં હંમેશાં નાનું ફૂલ ગોઠવેલું રહેતું.
તે ફૂલની સુગંધ, વિસ વરસ પછી પણ અજયના હૃદયમાં અકબંધ વસેલી, તે અતયારે તીવ્ર બની પમરાટ ફેલાવી રહી હતી.
અજય ભાવુક થઈ એ બેંચ પર બેસી ગયો…
---
યાદોના પરદે જૂના દિવસો ફરી જીવંત થઈ ઉઠ્યા.
એક દિવસ સુધા હોમવર્ક કર્યા વગર શાળામાં આવી હતી.
દેસાઈ સાહેબ ગુસ્સે ભરાયા, નેતરની સોટીથી એના હાથ પર પાંચ ફાટકા માર્યા.
અજયનું મન તો થયું કે સાહેબની સોટી છીનવીને એ જ સોટીથી તેમના હાથ પર ફટકાર મારે…
પણ કશું કરી ન શક્યો, કે પોતાની નોટ બુક સુધાને આપી શક્યો
— અને એ અસમર્થતાનો રંજ આજે પણ તેને પીડી રહ્યો હતો.
તે દિવસે રીસેસમાં એણે સુધાનો નાજુક હાથ પોતાની હથેળીમાં લઈ, જલન ઓછી કરવા, તેણે ધીમેથી ફૂંક મારી…
સુધાએ તેની આંખોમાં જોઈને ધીમેથી પૂછ્યું —
“અજય, મોટો થઈશ તો પણ, શું મને યાદ કરીશ ને?”
અજયે કશું કહી શક્યો નહીં…
પણ એની આંખોમાં મૌન વચન ચમકી ઊઠ્યું હતું .
---
વર્ષો વીતી ગયા.
અમીનસાહેબની બદલી થઈ.
સુધા હવે શહેરમાં લગ્ન કરીને રહે છે.
અજય તો એ જ ગામમાં — ખેતર, પશુઓ અને સવારના સૂર્ય સાથેનું સાદું જીવન જીવી રહ્યો છે.
પણ એ ફૂંક વેળા સુધાની હથેળીનો સ્પર્શ, મોગરાની સુગંધ અને એ મૌન પ્રશ્ન — એના મનમાંથી કદી મટ્યા નથી.
---
ત્યાં મિત્રો આવી પહોંચ્યા,અને અજયની વિચારયાત્રા તૂટી ગઈ, .
શાળાનો કાર્યક્રમ પૂરો થયો, બધા ઘર તરફ વળી ગયા.
અજય શાળાના મેદાન મા આંબા નીચેના ખખડતા ઝૂલા પર એકલો બેઠો.
આંખ બંધ કરતાં ભીની માટીની સુગંધ ફરી તાજી થઈ ગઈ…
અને ખૂબ નજીકથી પરિચિત અવાજ સંભળાયો —
“હે અજય…હું ઝુલાને ધક્કો દઉં છુ, બરાબર પકડજે આ ઝૂલાની રસ્સીને …”
અજયે આંખ ખોલી —મેદાન મા તેના સીવાય કોઈ જ નહોતું.
પણ હૃદય ધબકતું હતું, જાણે સુધા હમણાં જ ફૂલ લઈને આવી હોય.
તે ધીમે ઝૂલવા લાગ્યો,અષાઢ ના પહેલા વરસાદના ટીપાં ગાલ પર પડતાં રહ્યા…
અને માટીની મહેકમાં ભળેલો મોગરાનો પરિમળ એના જીવનનું સૌથી મીઠું સંભારણું બની ગયું .
--
કાવ્યસમાપ્તિ
ભીના માટીમાં મોગરાનો પરિમળ,
હથેળી પર ફૂંકનો મીઠો સ્પર્શ,
કરે મૌન પ્રશ્ન, બાળપણ જીવંત
“મોટો થઈશ તો… યાદ કરીશ ને?”
---
