પોટલી
પોટલી
આખરે હરીફરીને ત્યાંનું ત્યાં. ગમે એટલું સમજાવો, પોપટની જેમ પઢાવો પણ આનંદના મનમાં વાત ઊતરે જ નહીં. અને ઊતરી હોય તોય વ્રજેશ મળે એટલે બધું ઉડન છૂ…. જાણે કંઈ કહ્યું જ ન હતું. પછી તો વ્રજેશ જે કહે તે જ સાચું. મંદાને દાઝ ચઢી ગઈ. આ શું ? આવોય માણસ હોય ! સાલું આપણે કંઈ પણ કહીએ કોઈ કિંમત જ નહીં, જે કહે તે બસ નાનો ભાઈ કહે તે જ સાચું. હવે તો મૂર્ખામીનોય કંટાળો આવે છે. હજી સુધી બધું મોઘમ-મોઘમ ભાષામાં સમજાવ્યું. ક્યારેક પારકા ખભે મૂકીને બંદૂકેય ફોડી પણ હવે…? હવે તો પત્તાં ખુલ્લાં કર્યે જ છૂટકો છે. નહીં તો આ તો ડફોળ બનાવવાના ધંધા છે. લે, હું ય વેપારીની દીકરી છું. સાત-પાંચ મનેય ખબર પડે છે. મંદાએ બબડતાં બબડતાં રસોડું સાફ કરવા માંડ્યું.
‘આજે તો ચંપાય નથી આવી. રોજ ખાડા પાડે છે. હમણાંની બહુ વકરી છે. આય સાલું બધા મારું જ લોહી કેમ પીતા હશે !’ આજે એ ખરેખર અકળાઈ હતી. જો કે પલીતો તો આનંદે જ ચાંપ્યો હતો. એ દુકાનેથી ઘેર આવ્યો ત્યારે તો મંદા ખુશ હતી. આજે જ તેની માસીના ત્યાંથી ફોન આવ્યો હતો. તેમની દીકરીનાં લગ્ન હતાં. કંકોતરી તો જાણે મોકલશે જ પણ આ તો પહેલેથી ફોન કરી દીધો. મંદાને તૈયારી કરવાની ખબર પડે ! માસી મંદાને ઓળખે ! ફોન મૂકતાં જ તેનું મનપંખી ઊડવા માંડેલું.
આખું પિયર ભેગું થશે. માસાની શાખ ઘણી. બે-ત્રણ ભારે સાડી તો લેવી જ છે. સુનંદા હમણાં કલાનિકેતનમાં જઈ આવી. કહેતી હતી નવો સ્ટોક ઘણો સારો આવ્યો છે અને આજે આનંદ આવે તો વાત કરી જોઉં. જો માની જાય, તો ડાયમંડનો સેટ લઈ જ લઉં. પ્રસંગ વિના ક્યાં લેવાય છે ? પછી તો આનંદ કાને વાત ધરે જ નહીં. વળી માસીની રીના તો મારાથી ઘણી નાની. એને જો કન્યાદાનમાં હીરાની બુટ્ટી આપી હોય તો, પિયરમાં વટ પડી જાય !’ સારા વિચારોના ઘેનમાં રસોઈ પણ સારી જ બની. પણ જમતાં જમતાં જ આનંદે બોમ્બ ફોડ્યો : ‘મંદા, ઉપરનો મમ્મી-પપ્પાનો બેડરૂમ સાફ કરાવી લેજે. રવિવારે તેઓ અહીં આવવાનાં છે.’ મંદા એ વખતે બટાટાવડા પિરસતી હતી. તેના હાથમાંથી બટાટાવડું દડી ગયું.
‘દુકાને ફોન આવ્યો હતો ?’ ‘ના, ના. વ્રજેશ આવ્યો હતો. બિચારો બહુ મૂંઝાતો હતો. તેની અંજલિનું હવે બારમું ધોરણ શરૂ થશે ને ? વળી સાયન્સ રાખ્યું છે. ને પપ્પાનું તો તું જાણે છે ! આવન-જાવન ચાલુ ને ચાલુ ! ચા મૂકો, નાસ્તો લાવો ને મોટે મોટેથી વાતો ! વળી મમ્મીનાય ભજનમંડળ ક્યાં બંધ હોય છે ? મેં જ કહ્યું કે તું તારે મૂકી જા. હવે બારમાની એક્ઝામ પછી જ લઈ જજે. અમારે તો અનુજને બી.કૉમનું બીજું વર્ષ છે તેથી વાંધો નથી. એ ય ફરતારામ છે. એ લોકો આવશે તો મંદાનેય સમય જશે. કંપની રહેશે, શું કહે છે ?’
હવે ક્યાં કંઈ કહેવાનું હતું જ ? વ્રજેશ ચીતરી ને જ આવ્યો હતો અને આનંદે રંગ પૂરી દીધા હતા પછી ક્યાં કહેવાનું બાકી હતું ? આનંદના પિતા ચંદુભાઈનો સોનાચાંદીનો ધંધો. બે દુકાનો હતી અને બન્ને ઠીક ઠીક ચાલતી હતી. જે ઘરમાં બધાં રહેતાં હતાં તે સિવાય નવરંગપુરામાં એક ફલેટ પણ હતો. ભાગ પડ્યા ત્યારે ચંદુભાઈએ બન્ને દીકરાને એક એક દુકાન આપી દીધેલી. વ્રજેશની પત્ની અદિતીનું પિયર નવરંગપુરામાં એટલે તેણે એ ફલેટ પર જ પસંદગી ઉતારેલી, અને આનંદે ઉપરના રોકડા રૂપિયા વ્રજેશને આપી દીધેલા. આમ કોઈને કોઈ મનદુ:ખ થયું ન હતું. ચંદુભાઈએ પોતાની પાસે અમુક રોકડ રકમ રાખી હતી અને એમને જ્યારે જે પુત્રના ઘરે રહેવું હોય ત્યાં રહેશે એમ જ નક્કી કરેલું. અને પોતાની જાતને ધંધામાંથી સંપૂર્ણપણે સંકેલી લીધી હતી.
મંદા પણ શરૂ શરૂમાં ખૂબ ખુશ રહેતી. સ્વતંત્રતાનો નશો જ કંઈક જૂદો હોય છે. પોતે લગ્નનાં આટલાં વર્ષ પછી પોતાનાં પતિ અને બાળકો સાથે આટલા મોટા ઘરમાં એકલી રહેશે એ આખી કલ્પના જ તેને આહલાદક લાગતી. પણ તેણે થોડા જ વખતમાં જોઈ લીધું કે તે ધારતી હતી એવું કંઈ જ શક્ય ન હતું. ચંદુભાઈ વર્ષોથી અહીં રહેતા, એટલે એમનું મિત્રવર્તુળ સગાંવહાલાં, બધાં જ અહીં મોટી સંખ્યામાં હતાં. મંદાનાં સાસુ પણ વિવિધ ભજન મંડળ કે મહિલા મંડળના સભ્ય હતાં. તેમનીય સહેલીઓ વગેરે અહીં નજીકમાં જ રહેતી એટલે મંદાનાં સાસુ-સસરાને અહીં જ વધારે ફાવતું.
વચ્ચે-વચ્ચે વ્રજેશને ત્યાં જતાં પણ જેમ બને તેમ જલદી અહીં આવી જતાં. વળી એ ત્યાં જતાં એટલે અદિતીનો પગ પણ બંધાઈ જતો એટલે એય સાસુ-સસરા અહીં મંદાને ત્યાં રહે તેમ જ ઈચ્છતી.
આમ, જુદાં થયે ચાર વર્ષ થયાં પણ મોટા ભાગનો સમય ચંદુભાઈ અહીં મંદાના ઘેર જ રહ્યા. વળી આ વખતે તો વ્રજેશે એક વર્ષની સોગઠી મારી હતી, એટલે અંજલિનું બારમું ધોરણ પતે નહીં ત્યાં સુધી ડોસો-ડોસી અહીં સાચાં. મંદાને ઘણો ગુસ્સો આવ્યો, તડ ને ફડ કરી નાખવાનું મન થયું પણ આનંદ કંઈ સીધી રીતે માને નહીં. બરાબર તક જોઈને જ વાત કરવી અને કંઈક નિવેડો લાવવો એમ નક્કી કરી એ ઉપર બેડરૂમમાં આવી, ત્યારે આનંદ તો દુકાનના ચોપડા પાથરીને બેઠો હતો. આવા સમયે કોઈ સહેજ પણ બોલે તોય તે છેડાઈ જતો. મંદા બેડરૂમમાં આવી તો એણે માથું ઊંચું કરીને જોયું પણ નહીં. અત્યારે નહીં બોલવામાં જ સાર ! સવારે વાત ! એમ વિચારીને તે પથારીમાં આડી પડી.
‘માસીનો કાલે ફોન હતો.’ સવારે ડાઈનિંગ ટેબલ પર મંદાએ જ વાત કાઢી. આનંદે છાપામાંથી મોઢું બહાર કાઢ્યું. ‘રીનાનાં લગ્ન છે. હજી કંકોતરી તો મોકલશે પણ આ તો એમણે પહેલાં મને ફોન કરી દીધો. મારે જવું હોય એટલે એડજેસ્ટ કરતાં ફાવે.’
‘હા તે જજે ને….’ આનંદે કોઈને ફોન કરવા મોબાઈલ હાથમાં લીધો. અમૂલ્ય ક્ષણ સરકી જવાની બીકે મંદા તરત બોલી પડી, ‘પણ તમે કહો છો બા-બાપુજી આવશે…. તો મને શી રીતે ફાવશે ? હું કહું છું રીનાનાં લગ્ન સુધી ભલે ને ત્યાં રહેતાં પછી અહીં લઈ આવીશું…’ ‘ક્યારે લગ્ન છે ?’ ‘માર્ચમાં…’ આનંદ હસી પડ્યો, ‘હજી માર્ચમાં લગ્ન છે ને ? આ તો જાન્યુઆરી ચાલે છે. તું બહું બહુ તો બે-ત્રણ દિવસ કે અઠવાડિયા માટે જવાની. કોઈ રસોઈવાળાં બહેન શોધી રાખજે અને ચંપા તો છે જ. બા-બાપુજી કંઈ પથારીવશ છે ? અને કંઈ મહેમાન થઈને આવવાનાં છે ? લે મારો નંબર લાગી ગયો…. હલ્લો ! મહેન્દ્રભાઈ….’ આનંદ એની વાતોમાં ડૂબી ગયો.
પ્રશ્ન બા-બાપુજીને અહીં લાવવાનો છે જ નહીં. આનંદ સમજતા નથી. જેટલી જવાબદારી આનંદ-મંદાની છે તેટલી જ વ્રજેશ-અદિતીની છે. અને આનંદને ક્યાં ઊઠબેસ છે ? એ…ય સવારે બેગ લઈને જવું ને સાંજે પાછા આવવું. અહીં આખો દિવસ પદુડી નીકળી જાય છે. ‘મંદા… ચા મૂકશો ? મંદા, ઈસ્ત્રીવાળાને ત્યાંથી કપડાં આવી ગયાં ? મંદા, અરજણભાઈ આવ્યા છે ગરમ નાસ્તો બનાવજો… મંદા આજે ભજન છે પ્રસાદ માટે ફ્રૂટ મંગાવજો… મંદા આજે પૂનમ છે સત્યનારાયણની કથાનો શીરો બનાવજો… મંદા, આજે તારા સસરાને પેટમાં ઠીક નથી… તમારે જે બનાવવું હોય તે, એમના માટે મગ ઓરજો… મંદા આમ ને મંદા તેમ…..ને ઉપરથી આ આનંદ, દાનેશ્વરી કર્ણ…. હમણાં બે મહિના પહેલાં બા-બાપુજી અહીં હતાં ત્યારની જ વાત. આનંદ દુકાને જવા તૈયાર થતો હતો ને બાપુજીને મળવા જ્ઞાતિમાંથી કોઈ આવ્યું હતું. મંદા, ચા લઈને આવી ને બાપુજી એ કહ્યું : ‘મંદા, મારી ચેકબુક લાવો તો.’
‘શું થયું બાપુજી ?’ આનંદ વચ્ચે જ બોલી પડ્યો. ‘આ ભાઈલાલભાઈ આવ્યા છે. જ્ઞાતિની કન્યાશાળા માટે દસ હજારનો ચેક લખવો છે.’ ‘એમાં શું ? લો ને હું આપી દઉં.’ આનંદે ફટ દઈને પોતાની બ્રીફકેસ ખોલી અને દસ હજારનો ચેક લખી બાપુજીને આપી દીધો. બાપુજીની ચેકબુક લઈને આવતી મંદા તો બારણા પાસે જ ઠરી ગયેલી.
અરે ! ગયા વર્ષે બાની એન્જિયોગ્રાફી કરાવી ત્યારની જ વાત લો ! બાને રજા આપી ત્યારે વ્રજેશ ને અદિતી તો ત્યાં જ ઊભા રહ્યાં. બાપુજી અને આનંદ જ ડોક્ટરની કૅબિનમાં ગયેલા. આ તો એ મહિને મંદાએ પાસબુક ભરાવી ત્યારે ખબર પડી કે ડોક્ટરને આનંદે જ ચેક આપેલો. મંદાએ જરા આનંદને ટકોર પણ કરી હતી પણ આનંદે ‘વ્રજેશ તો નાનો છે એને શું ગમ પડે ?’ કહીને વાત ઉડાવી દીધેલી. બે છોકરીનો બાપ, બેતાળીસ વર્ષનો ઢાંઢો – નાનો ! લો બોલો ! કંઈ બોલવા જેવું જ ક્યાં છે ! પણ ચૂપેય નથી રહેવાતું. નજરની સામે પોતાને થતો હડહડતો અન્યાય ! અરે – પાણીની જેમ પૈસા ખર્ચીને પાછું ડફોળ બનવાનું !
આખો દિવસ મંદા ધૂંધવાયેલી જ રહી. ત્યાં વળી ચંપા બીજા દિવસેય ન આવી. બાજુવાળાની કામવાળીને પૈસા આપીને માંડ મનાવી પણ તોય રાત્રે વાસણ તો જાતે જ કરવા પડ્યાં. ‘સાલી ચંપાડી, કાલે આવે તો સારું. બધા ભેગા મળીને મને જ કેમ હેરાન કરતાં હશે ! કાલે નહીં આવે તો રૂમ પણ મારે જ સાફ કરવો પડશે. પરમદિવસે તો રવિવાર છે. પેલાં આવી જ જવાના. આ ચંપાય હમણાંની બહુ રજા પાડે છે.’ વાસણ માંજતાં તેણે ચંપાને પેટ ભરીને ગાળો દીધી.
બીજે દિવસે બપોરે પરવારીને રૂમ સાફ કરવા વિચારતી હતી ત્યાં ચંપાએ દેખા દીધી. આવીને સીધી એ તો રૂમની વચ્ચે ભોંય પર જ બેઠી. ધૂંધવાયેલી મંદાનો સઘળો ગુસ્સો તેની પર જ ઊતર્યો. ‘કેમ તું બે દિવસથી ખાડા પાડે છે ? મન ફાવે ત્યારે આવવું ને મન ફાવે ત્યારે રજા પાડવી. આ વખતે પગાર ન કાપું તો કહેજે. આ મહિનાની પાંચમી રજા છે. હજી તો આખર તારીખનેય વાર. તમને લોકો ને ગમે તેટલું સાચવો પણ સુધરવાનાં જ નહીં. આ તે કંઈ રીત છે ? મંદા ચંપા પર જ વરસી પડી. ડઘાયેલી ચંપા મંદા ભણી તાકી રહી.
‘હવે બોલતી કેમ નથી ? મોંમા મગ ભર્યા છે ? કેમ ન હતી આવી બે દિવસ ?’ ‘બોન ! બધુંય કહું છું. પે’લા મારી વાત સાંભળો. આજ મારે તમારું ખાસ કામ છે.’ ચંપાએ કેડે ખોસેલી પોટલી રૂમની વચ્ચે ખોલી. ચાંદીનાં કલ્લાં, કડાં, ઝાંઝર, સોનાની બે-ત્રણ જણસ બારીમાંથી આવતા તડકામાં ચમકવા લાગી. મંદા સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાં આત્મવિશ્વાસ અને આશંકા ડોકાઈ ગયાં. ‘આ ક્યાંથી લાવી ચંપા ? આ કોનું છે ?’ ‘મારું જ છે બોન ! મારી માએ મારો મોટો આયો ત્યારે જીયાણામાં આલેલું.’ ‘પણ તે આનું અહીં શું છે ? કેમ લાવી છો ?’ ‘બોન ! આને વેકાવી આલો !’ ‘વેચવું છે ? પણ કેમ ?’ ‘અરે બોન ! પૈસાની જરૂર પડી છે. પૂરા પંદર હજાર ! ક્યાંથી લાવવા ?’ ‘પંદર હજાર ? તારે શું કરવા છે એટલા પૈસા ?’
‘બોન ! ડોશી માંદી પડી છે. બે દા’ડાથી એની જ પાછળ છું. દાગતર કયે છે પેટનું ઓપરેશન કરાવવું પડશે. પંદર હજાર માંગે છે ક્યાંથી લાવવા ?’ ‘તે તું આ વેચીને ડોશીનું ઓપરેશન કરાવીશ એમ ?’ ‘તેયે શું કરું ? ક્યો ? મારા ધણી જોડે તો રોકડા મળે નહીં. ડોશીને મરવા થોડી દેવાય ?’ ‘અરે પણ તારે દિયર છે, જેઠ છે બધા મળીને થોડા થોડા કાઢો ને ! તારે ઘરેણાં વેચવાની શી જરૂર છે ? ને એય તારા પિયરના ?’ ‘એ ના આલે, દિયર જેઠ કોઈના આલે.’ ‘ના કેમ આપે ? એમની મા નથી ?’ ચંપા હસી પડી. ‘મા તો મારા ધણીનીય ક્યાં છે ?’ ‘એટલે?’
‘બોન ! આ તો મારા ધણીની પહેલી બાયડી હતી એની મા છે. પહેલી બાયડી પાછી થઈ (મરી ગઈ) ને હું પૈણી. પણ આ ડોશી ગામડે બહુ હેરાન થતી’તી. છોકરા સરખી રીતે રાખે નઈ ને વહુઓ ઠોહા મારે. કોણ જાણે પણ મારા ધણીને એની પર બહુ માયા. ગામડે જતું-આવતું કોઈ ખબર લાવે ને આ બચાડો જીવ બાળે. તે એક દિ’ મેં કીધું – ‘જા, લઈ આય. બીજું તો શું કરીએ ? જે આપણે ખાઈએ એનેય ખવડાવશું ને હારી પેઠે રાખશું.’ તે મારો ઘણી ગામડે ગયો ને તેડી આયો. તારની ડોશી મારી કને જ છે.’
‘ખરી છે તું તો ! તેં તો મને કોઈ દિવસ વાત પણ કરી નથી.’ ‘હવે એમાં શું કે’વું તું ! ચેટલાં વરહ થઈ ગયાં હું તો ભૂલીય ગઈ છું. ડોશીના છોરાંય એને ભૂલી ગ્યાં હશે ! એમને તો ટાઢે પાણીએ ખસ ગઈ. ડોશી બચારી ભલી છે. હવે ઘૈડી થઈ છે તે સાજું માંદુ ચાલે છે. કોક વાર તો મનેય બોલી કાઢે પણ પછી જીવ બાળે હોં. એને પાછો અથાણાં-મરચાં વના કોળિયો ઊતરતો નથી ! હમણાંની બૂમો પાડતી’તી તે મારો ધણી કે સરકારી દવાખાને લઈ જઈએ પૈસા ઓછા થાય. હું ય બોન પેલાં તાં જ લઈ ગઈ પણ તાં તો આ બારીથી પેલી બારી ને પેલી બારીથી આ બારી. ફોટા પડાવો તોય લાંબી લાઈનો. મારા એટલા દા’ડા પડે ! ને આ ડોશી એટલી હેરાન થાય. બચાડી રિબાય નહીં ? પછી મેં જ કીધું, ખાનગીમાં કરાઈ લઈએ, ઝટ પાર આવે. મારો ધણી તો બચાડો ના પાડતો’તો. પાસે રોકડા નંઈ એટલે ઈય શું કરે ? તારે મને તમે યાદ આયા. આ હું બજારમાં વેકવા જાઉં તો કોઈ છેતરી લે. સાહેબને આલ્યા હોય તો વાંધો નહીં. શું કો’ છો ?’
ચંપા મંદાની સામે તાકી રહી. મંદા શું બોલે ? તેણે ચંપાની સામે જોયું. ચંપાની આંખોમાં ગર્વ કે ત્યાગ જેવા કોઈ ભાવ ન હતા. એ જ ચિરપરિચિત સ્મિત હતું. ક્યા જમાનાની સ્ત્રી હતી આ ? આ જ જમાનાની ? ચંપાની સાડીમાંથી ડોકિયા કરતાં થીંગડાંની સામે પોતાનાં વસ્ત્રોથી ફાટ ફાટ થતાં વૉર્ડરોબની શી વિસાત હતી ? વધુ મૂલ્યવાન શું હતું ? પોતાના લૉકરમાં પડેલા હીરા-મોતી સોનનાં ઘરેણાં કે પછી ચંપાની પોટલી ? કોણ છે આ ચંપા ? પોતાને ત્યાં કામ કરતી એક નોકરડી કે પછી કોઈ એવા સ્થાને વિરાજતી સ્ત્રી કે જ્યાં પોતે દસ વાર મરીને પુર્નજન્મ લે તોય ન પહોંચી શકે ? આત્મગ્લાનિ અને ધિક્કારથી મંદાનું હૃદય ભરાઈ ગયું. તેણે ધીરેથી ચંપાની પોટલી સંકેલી તેના હાથમાં આપી.
‘આ લઈ જા, ચંપા. કાલે બા-બાપુજી આવે છે. હું બાપુજીને વાત કરીશ. આખા ગામને મદદ કરે છે, તારા માટેય કંઈ થઈ જશે. નહીં તો હું તો બેઠી જ છું. પણ તારા ઘરેણાં નથી વેચવા. જો, એમનો ઉપરનો રૂમ સાફ કરવાનો છે, તું ઝાપટ-ઝૂપટ કરતી થા ત્યાં સુધી હું નવી ચાદર લઈને આવું છું. પછી આપણે બેય થઈને ઝડપથી પતાવી દઈએ. તનેય પાછું જવાનું મોડું થશે. લે, જલદી કર.’
ચંપા ડઘાઈને બાઘાની જેમ મંદાની સામે જોઈ રહી.
