Jagruti Pandya

Children Stories

4.5  

Jagruti Pandya

Children Stories

પિનલ કેમ ધ્રૂસકે ધ્રૂસકે રડતી

પિનલ કેમ ધ્રૂસકે ધ્રૂસકે રડતી

3 mins
378


આજે ધોરણ પાંચમાં આસપાસમાં એકમ - ત્રણ, સ્વાદથી પાચન સુધી શીખવતી વખતે, એક એવી ચર્ચા/પ્રશ્નોત્તરી આવે છે કે 'તમારાં દાદા દાદી ને ઘરે જઈને પૂછજો કે, તેઓ તમારી ઉંમરનાં હતાં ત્યારે શું ખાતા હતા અને શું કામ કરતાં હતાં.' બાળકોને આ એકમમાં સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ ખોરાક લેવો જોઈએ તે સમજાવ્યું. અને બાળકોને ઘરે જઈને અન્ય કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે તે સમજાવ્યું.

અચાનક જ જીયા બોલી, " બેન આ પિનલ રડે છે.' મને થયું કે આજુબાજુ છોકરીઓ સાથે ઝગડી હશે, કાંતો કોઈએ માર્યું હશે. પાઠ શીખવતી હતી ત્યારે જ આવી ફરિયાદ સાંભળી એકદમ તો મનમાં થયું આ બાળકોને બસ આખો દિવસ ઝગડવાનું અને ભણતી વખતે પણ ફરિયાદો જ કરવાની એ સિવાય કંઈ બીજુ સૂઝતું જ નથી. પણ આજે જ સવારે બધાંની જગ્યા બદલાવી છે. પિનલ પાસે આજુબાજુ જે બેસે છે તે બધી જ શાંત છે. તો થયું કે પૂછી લઉં શું થયું ? પાઠ તો કાલે પણ પૂરો થશે. પણ આ પિનલ આટલું બધું કેમ રડે છે !

પિનલને મારી પાસે બોલાવી. ઘણી બધી વાર બોલાવી પછી આવી. મેં પૂછ્યું, " બોલ બેટા, શું થયું ? કેમ રડે છે ? કોણે માર્યું ?" પિનલે કંઈ જ જવાબ ન આપ્યો. ફરી મેં પૂછ્યું, "કોઈએ માર્યું ? " પિનલે ના પાડી. તો મેં કહ્યું "તો પછી શું થયું ? જલ્દી બોલ."

પિનલ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી અને સાથે સાથે ડૂસકાં ભરતી ભરતી બોલવા લાગી. તેનાથી બરાબર બોલી પણ શકાતું નહોતું. તે ડૂસકાં ભરતી ભરતી બોલતી હતી બરાબર બોલાતું ન હતું જેથી બધી છોકરીઓ હસવા લાગી. મેં દીકરીઓને આવું ન કરવાં કહ્યું. 

 "બોલ બેટા" , મેં કહ્યું. પિનલ ડૂસકાં ભરતી બોલી, "બેન મારે દાદા નથી !"

   " અરે ! એટલે તું રડે છે ? " પિનલ બોલી હા. અને કહેવા લાગી હું દાદા છે નહીં તો કોને પૂછીશ કે તમે અમારી ઉંમરનાં હતાં ત્યારે કેવો ખોરાક લેતા હતા ?"

મેં કહ્યું, "  દાદી છે ને ? દાદીને પૂછવાનું." 

મેં પૂછ્યું, " તારા દાદા તે જોયા હતા ?" પિનલે હા પાડી. મને તારા દાદા ખૂબ જ ગમતાં હતાં.

મેં કહ્યું, " ઉંમર થાય એટલે બધાંને ભગવાનને ઘરે જવું જ પડે. આ પૃથ્વી પર કોઈ કાયમ નથી રહેવાનું." 

"હવે રડીશ નહીં. દાદા માટે પ્રાર્થના કરજે. જો મેં તો મારા દાદાને જોયા પણ નથી. હું શું કરું ? તું તો નસીબદાર છે તને દાદા જોવા મળ્યાં." મેં કહ્યું.

આ સાંભળી બીજી ઘણી બધી છોકરીઓ બોલી ઊઠી, " એમાં શું રડવાનું ! અમે તો અમારા દાદા જોયા પણ નથી ! મેડમ અમે પણ અમારા દાદા નથી જોયા."

અને, વાત આગળ ચાલી છેક મારા દાદા પૂનમચંદ પંડ્યા. એક સ્વાતંત્ર્ય સેનાની. 

મેં મારી દીકરીઓને મારા દાદાની વાત કરી. મારા દાદાએ દેશને ગુલામીમાંથી મુકત કરવા અને અંગ્રેજોની ગુલામીમાંથી બહાર કાઢવા કેટલાં બધાં સત્યાગ્રહો કર્યાં હતાં. અંગ્રેજોનો જુલમ કેવો હતો !

 મારા દાદાને જેલની સજા કેમ થઈ ? કેવી સજા તેઓ જેલમાં ભોગવતા હતા. જેલમાં કેવું જમવાનું મળતું હતું. અને મારા દાદાનું જેલમાં કેવી રીતે અને કયા કારણોથી મૃત્યુ થયું હતું તે બધી જ વાત દીકરીઓને કરી.

મારા દાદાની સ્વતંત્ર સંગ્રામની, અંગ્રેજોની અને જેલના જીવનની વાતો સાંભળી હવે ફકત પિનલ જ નહી હવે આખો કલાસ રડવા લાગ્યો. "દાદાનું મૃત્યુ જેલમાં આપવામાં આવતા સિમેન્ટ મિશ્રિત રોટલા ખાવાથી અસહ્ય પેટના દુખાવાથી થયું હતું." આટલું બોલતાં બોલતાં તો હું પણ ગળગળી થઈ ગઈ હતી.

મારા દાદા, પિનલના દાદા અને સૌના દાદાને વંદન.

જય હિંદ.


Rate this content
Log in