jagruti zankhana meera

Thriller

4  

jagruti zankhana meera

Thriller

પીગળેલી ચોકલેટ

પીગળેલી ચોકલેટ

4 mins
445


"આવી ગઈ બેટા ? આજે તો તારે ખાસ્સું મોડું થયું ? હું ક્યારની તારી રાહ જોઈ રહી છું. જમી લઈશું ને ? થાળી તૈયાર કરું ?" અક્ષતાએ ક્યારની જોવાયેલી રાહનો અંત આવતાં દીકરી અનાયાને સવાલ ચાલુ કર્યા. 

મોબાઈલમાં ખોડાયેલી નજર અને સડસડાટ ફરતી આંગળીઓથી થતી ચેટમાં વ્યસ્ત અનાયાનાં કાન સુધી અથડાયેલાં અક્ષતાનાં સવાલો નિરુતર જ રહ્યાં. 

"અનુ...બેટા...પ્લીઝ લીવ યોર મોબાઈલ. ભૂખ લાગી છે મને." અક્ષતા અકળાઈ ગઈ. 

"યેસ મોમ..સોરી...તું પ્લેટ રેડી કર. આઈ એમ જસ્ટ કમ બેક." અનાયાએ બોલતાં-બોલતાં જ કૉલેજ બેગનો સોફા પર ઘા કર્યોં. મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો અને પોતે ફ્રેશ થવાં ગઈ. 

જરાક ખુલ્લી રહી ગયેલી ચેઇનમાંથી એક ચોકલેટ સરીને સોફા પર પડી અને બીજી ચોકલેટોએ બહાર નીકળવાં બેગની અંદર ધક્કામુક્કી કરી. અક્ષતાની નજર એ તરફ પડી એટલે તેણે બેગ ખોલી. લગભગ પંદર જેટલી અલગ-અલગ બ્રાન્ડ અને ફ્લેવરની મોટી ચોકલેટોથી આખું બેગનું ખાનું છલકતું હતું. તેની વચ્ચે એક 'બાર વન'ની બધાંથી નાની ચોકલેટે અક્ષતાનું ધ્યાન ખેંચ્યું. તેણે એ ચોકલેટ હાથમાં લીધી અને એક ભૂતકાળ પણ જાણે બેગમાંની ચોકલેટ સાથે હાથમાં આવીને બેસી ગયો. અનાયાનો ગીત ગણગણતાં બહાર આવવાનો અવાજ થયો ને અક્ષતાએ ચોકલેટ ફરી બેગમાં સરકાવી, ચેઈન બંધ કરી દીધી.

"આજ ખાને મેં ક્યા હૈ મા..."કહેતી અનાયાએ ટેબલ પર પડેલ નોનસ્ટિક બાઉલનું ઢાંકણ ખોલ્યું. છોલેની ખુશ્બૂ છેક અંદર સુધી ઉતારવી હોય તેમ તેણે ઊંડો શ્વાસ લીધો ને બોલી, "અમમમમ.... યમ્મી.... ડેલિસિયસ છોલે બાય માય મોમ - ધ ગ્રેટ કુક !"

અક્ષતાએ એનો ગાલ ખેંચ્યા અને કહ્યું, "યસ...બટ નોટ સો યમ્મી એસ ચોકલેટસ... ! રાઈટ ?"

અનાયા હસી પડી અને કહ્યું, "ઓહો..મમા ડુ યુ નો...ધેટ ટુડે ઇઝ ધ ચોકલેટ ડે ? !"

અક્ષતાએ આંખો સુધી ધસી આવવાં મથતી ઉદાસીને અંદર જ ધક્કો મારી સંઘરી દીધી. પછી તેણે ખોટું સ્મિત ચહેરા પર બેસાડી દીધું અને પ્લેટમાં ગરમ છોલે અને પરોઠા તૈયાર કર્યા. સલાડ સર્વ કરી બંને માટે છાશનાં ગ્લાસ ભર્યાં. અનાયાએ માનાં ચહેરા પર બદલતાં ભાવોને નોંધ્યાં પણ ચૂપચાપ જમવા લાગી. બંનેએ પોતપોતાને ઔપચારિક વાતચીતમાં વ્યસ્ત રાખવાનો વ્યર્થ પ્રયત્ન ચાલુ રાખ્યો.

જમી લીધાં પછી અક્ષતા ટેબલ સાફ કરતી હતી. અનાયાએ બેગમાંથી બધી ચોકલેટ કાઢી ફ્રીઝમાં મૂકી. પોતાની ફેવરિટ એક 'ડેરીમિલ્ક સિલ્ક' ચોકલેટ ખોલીને એક બાઇટ લેવાં અક્ષતાને આગ્રહ કર્યો પણ અક્ષતાએ ના પાડી. " અરે ! આ 'બાર વન' તો સાવ મેલ્ટ થઈ ગઈ છે એ તો ફ્રીઝરમાં મૂકવી પડશે."

અક્ષતાએ કહ્યું, "તો પણ એનો આકાર પહેલાં જેવો નહીં રહે બેટા. એકવાર પીગળી જાય પછી જમાવેલ ચોકલેટ પહેલાં જેવી ક્યાં રહે !" બોલતાં ફરી અક્ષતાનો અવાજ આદ્ર બન્યો.

અનાયાએ માને હાથ પકડી પાસે બેસાડી અને પૂછ્યું," મમા, શું થયું ? તું આજે અચાનક કેમ આટલી ઉદાસ છે ? ડેડી યાદ આવે છે ?"

અક્ષતાએ કહ્યું,"એ મને છોડીને જતાં રહ્યાં તેનો મને અફસોસ ન હતો બેટા. તકલીફ એ હતી કે તેણે એકવાર પણ તારું ભવિષ્ય ન વિચાર્યુ ! જ્યારે મેં તને જન્મ આપ્યો ત્યારે હું તારા થકી મા તરીકે જન્મી. પછીથી મારા તમામ સંબંધમાં સૌથી વધુ મહત્ત્વનો આ સંબંધ હતો. મા તરીકેનું પાત્ર ભજવવું એ મારી પહેલી ફરજ હતી. એ જ રીતે આકાશે ત્યારે પિતા બનવાનું ગૌરવ મેળવ્યું હતું પણ અફસોસ કે તે એક પુરુષ બનીને જ રહ્યાં ! તેમનો અગ્રતાક્રમ ન બદલ્યો ને આખરે..."

અનાયા બોલી, "ને આખરે એ આપણને મૂકી રૂહી સાથે રહેવા જતાં રહ્યાં ને તે તેને ડિવોર્સ આપી મારી આસપાસ તારી જિંદગી કેન્દ્રિત કરી દીધી...બટ મમા, મને એમ લાગે છે કે તને ડેડીની કમી બહુ મહેસૂસ થાય છે."

"નહીં બેટા, તું છે ને મારી સાથે ! આ તો વર્ષો પહેલાં ચોકલેટ ડે પર તારા ડેડીએ મારી ફેવરિટ બાર વન આપીને મને પ્રપોઝ કરી હતી તે વાત યાદ આવી ગઈ." અક્ષતાએ ક્ષણભર જાણે કોલેજકાળ જીવ્યો. 

એ જ વખતે દરવાજે બેલ વાગી. અનાયાએ દરવાજો ખોલ્યો તો સામે ઊભેલાં ચાંદી છવાયેલ વાળ અને થોડી આડી-અવળી વધેલી દાઢી સાથેનાં પિતાને ઓળખી ન શકી. તસવીરમાં જોયેલાં હેન્ડસમ ડેડીની મગજમાં અંકિત થયેલી છબી સાથે આમની ફક્ત અણસાર મળતી હતી.

અક્ષતાએ પાછળ ફરી દરવાજે નજર કરી તો આકાશને જોઈ તેની આંખો ચમકીને ફરી આથમી ગઈ. "અંદર આવવાનું નહીં કહે, અક્ષુ ?"

ત્યાં સુધીમાં પિતાને માની આંખોનાં ભાવથી ઓળખી ગયેલ અનાયા દરવાજેથી દૂર ખસી. આકાશ અંદર આવ્યો. તેણે અનાયાની માથે સ્નેહથી હાથ ફેરવ્યો. પોતે કાયમ માટે બંને સાથે જીવવા માંગતો હોવાની વાત કહી. પોતે પંદર વર્ષ પહેલાં કરેલ ભૂલની માફી માંગી. તેણે બોલવાનું પૂરું કર્યું ત્યાં સુધી અક્ષતાએ સ્થિતપ્રજ્ઞ અવસ્થાએ બધું સાંભળી લીધું. આકાશે બેગમાંથી 'બાર વન' ચોકલેટનું બોક્સ કાઢી અક્ષતા તરફ લંબાવ્યું.

"આકાશ, એ હવે તમારી પાસે જ રાખો. જુઓ...તેમાંની ઘણી ખરી ચોકલેટ પીગળી ગઈ છે, કંઈક મારી લાગણીઓની જેમ જ ! એ હવે ફરી ફ્રીઝમાં મૂકીશ તો પણ પહેલાં જેવી નહીં રહે. કેમકે એ એક એવો બળતો સમય જીવી ચૂકી છે જે એને માફક ન હતો, કંઈક મારી લાગણીઓની જેમ જ ! માટે હવે ફરીથી આપણો સંબંધ અક્ષત કરવા હું અક્ષતા, અક્ષુ નહીં થઈ શકું. મને માફ કરજો." અક્ષતા મક્કમ પગલે પોતાનાં રૂમ તરફ ગઈ. આકાશે એક પ્રશ્ન સૂચક નજર અનાયા તરફ કરી પણ તેમાં અક્ષતાની નજરનું પ્રતિબિંબ જ નજરે પડતાં તે ઢસડાતી ચાલે દરવાજાની બહાર નીકળી ગયો. અનાયાએ પીગળેલી 'બાર વન' ચોકલેટ બારીની બહાર ફેંકી દીધી !


Rate this content
Log in

Similar gujarati story from Thriller