પહેલી રસોઈમાં પરખાયા પોતાનાં
પહેલી રસોઈમાં પરખાયા પોતાનાં
નેહા પોતાનાં પ્રેમી નિલેષ સાથે પ્રેમ બંધનથી જોડાઈને પરણીને અરમાનો સાથે સાસરે આવી હતી. નેહા સુખી ઘરની હોવાથી ઘરકામમાં વધુ માહિર ન હતી.
લગ્ન બાદ સાસુમાના કહેવાથી પહેલી રસોઈ બનાવીને ટેબલ પર બેઠેલા સાસુ સસરા અને પતિને પીરસી રહી હતી.
દૂધપાક પીતા જ સસરા બોલ્યાં, "વાહ વહુ બેટા ખુબ જ સરસ રસોઈ બનાવી છે. વધુ સારી બનાવતા સદાય શીખતાં રહેજો." કહીને પાંચસો રૂપિયા ખુશી ભેટ આપી.
સાસુમા ભજીયા ખાઈને તરત પાણી પીને બોલ્યાં, "વાહ મારી વહુની તો વાત જ ન થાય કેવા સરસ ભજીયા બનાવ્યા છે હવે તો આપણે સાથે રહીને ભજીયા બનાવીશું."
નેહાએ પતિ તરફ નજર કરતાં પતિ બધી જ વાનગી ચાખી રહ્યો હતો પણ કાંઈ બોલ્યો ન હતો. નેહાએ વધુ પ્રેમથી મીટ માંડતા તેને પિતાજી સામું જોયું તો પિતાજી માથું હલાવી બોલ્યાં,
"બેટા પહેલી રસોઈના તો વખાણ કરવા જ પડે હો. વહુને પોતાની બનાવીને હવે રાખવાની છે."
પિતાજીની વાત માની જબરજસ્તી બોલતો હોય તેમ નિલેષ બોલ્યો, "હા હા નેહા રસોઈ સારી બનાવી છે."
પતિના દિલ ખોલીને વખાણ સાંભળવા ન મળતાં નેહાને થોડું અજુગતું લાગ્યું.
બધાને જમાડ્યા બાદ પોતે હરખથી જમવા બેઠી પણ જોયું તો દૂધપાકમાં ખાંડ નાખવાનું ભૂલી ગઈ હતી વળી ભજિયાંમાં તો ખુબ મીઠું નાખતાં ખારું બની ગયું હતું. સહુથી વધુ નવાઈ તેની રસોઈના વખાણ સાસુ સસરા કરતાં હતાં તે લાગી. નેહાને પોતાની ભૂલ હવે સમજાઈ.
બહાર જઈને સાસુ સસરાનાં પગમાં પડીને બોલી,
"મને માફ કરી દયો મારી ભૂલ થઈ ગઈ તોય તમે મારા વખાણ કરીને મહાનતા બતાવી છે."
"અરે દીકરી ઊભી થા..!" વહુને પકડીને ઊભી કરી સાસુમા બોલ્યાં,
"બેટા તે કાંઈ જાણીજોઈને ભૂલ નથી કરી અને ભૂલ તો દરેક માણસથી થાય છે હવે તારે રસોઈ શીખવી હશે તો હું તને શીખવી દઈશ નહિતર હું તને ભોજન બનાવી દઈશ બસ. જરાય ચિંતા ન કરતી હવે."
"બિલકુલ સાચી વાત..!" સસરા બોલ્યાં,
"વહુને પોતાની બનાવીને ઘરમાં રાખવી હોય તો નાની નાની ભૂલો જોવાય જ નહીં. પ્રેમથી સાચી સમજણ આપી શીખવી શકાય તો જ પરિવાર ખુશીથી સાથ
ે રહી શકે."
નેહાએ દૂર બેસી જોઈ રહેલા પતિ સામું જોઈ હાથ જોડતા નિલેષ બોલ્યો,
"મારા માતાપિતા તારી ભૂલ નથી જોતાં તો હું કેવીરીતે તારી ભૂલ શોધી શકું ? હું તો ધરાઈને દૂધપાક અને ખારા ભજીયા બધું જ ખાઈ ગયો."
નેહા રડતા રડતા બોલી,...
"હું કેટલી નસીબદાર છું કે આવા મહાન લોકો મળ્યા. મેં રસોઈ બહુ બનાવી જ નથી એટલે ઓછી ફાવે છે પણ હું હવે સાસુમા પાસે રહીને રસોઈ બનાવતા શીખી લઈશ. હવે ફરી ભૂલ ન થાય તે માટે નીલેશને ચખાડીને જ પછી આપને ભોજન આપીશ."
"ઓ બાપરે...તું રોજ પહેલી રસોઈ મારા પર ટ્રાય કરવાની ?" કહીને નીલેશને હસતો જોઈ સાસુમા બોલ્યાં, "ઓયે નીલિયા મારી વહુની મજાક ન ઉડાવ.. ! પરણીને તું લાવ્યો તો પહેલી રસોઈ પણ તારે જ ચાખવી પડે ને."
નેહા બોલી, "અરે રીયલી સોરી હવે હું ખુબ જ કાળજી રાખીશ."
"અરે ન રાખે તોય શું થઈ ગયું ?" સાસુમા બોલ્યાં, "એકાદ દિવસ મોરૂ કે ખારું ખાવાથી કાંઈ દુબળા નહીં થઈ જઈએ. બેટા તારી સમજણ સારી છે એ જોઈને અમને ખુબ ખુશી થાય છે."
નેહા શરમાઈને અંદર જઈને પોતે પણ પોતાની બનાવેલી ખારી અને મોરી રસોઈ સાસુ સસરાની જેમ જમવા લાગી.
જમ્યા બાદ રૂમમાં જતા પતિ બોલ્યો," વાહ મારી વ્હાલી પહેલી રસોઈમાં જ બધાના દિલ જીતી લીધા,"
નેહા શરમાઈને નીલેશને બાહોમાં ભેટીને બોલી,
" દિલ તો તે અને તારા માતાપિતાએ મારુ જીતી લીધું પાગલ તું આટલો બધો સારો બની ગયો એ જોઈ નવાઈ લાગી મને."
"અરે આ બધી મારા માતાપિતાની કૃપા છે." કહેતા નિલેષ બોલ્યો,
"પિતાજીએ ના પાડી નહિતર હું તો તને કેટલુંય સંભળાવી દેત અને અત્યારે તું રિસાઈને બેઠી હોત અને હું મનાવવા મથી રહ્યો હોત."
"હજીય તું જરી પણ સુધર્યો નથી...!" કહીને વ્હાલથી છાતીમાં મુક્કો મારતી વ્હાલી પત્નીને છાતીએ ચોંટાડીને નિલેષ બોલ્યો,
"તને પોતાની બનાવી રાખવાની છે અને તારી ખુશી જોઈને જ હવે ખુશ થવાનું છે મારે."
પોતાની જાતને સહુથી સુખી માની રહેલી નેહાએ આટલો સુંદર પરિવાર આપવા બદલ ભગવાનનો ખુબ જ આભાર માન્યો.