mariyam dhupli

Action Inspirational Thriller

4.5  

mariyam dhupli

Action Inspirational Thriller

પેસેન્જર

પેસેન્જર

6 mins
363


રિક્ષાની ડ્રાઈવિંગ સીટ પર ખાખી વર્દી ધરાવતું શરીર બેઠું હતું. એની નજર તડકાવાળી બપોરથી લૂના ભયે સૂમસામ થયેલા રસ્તા પર અહીંથી ત્યાં ફરી રહી હતી. એક હાથ વડે કાન પર મોબાઈલ ગોઠવાયેલો હતો. જેમાંથી અંતિમ દસ મિનિટથી ધીમા ધીમા ડૂસકાંઓ સંભળાઈ રહ્યા હતા. એ ડૂસકાંઓનો જવાબ જાણે એના ચુસ્ત બીડાયેલા મક્કમ હોઠ જ હતા. 

અચાનકથી માર્ગના સન્નાટાને ચીરતું એક શરીર સળવળાટ જોડે રિક્ષાની પાછળની બેઠક પર કૂદકો ભરતું લપાઈ બેઠું. એ સળવળાટે એને ચોંકાવી મૂક્યો. અણધારી ક્રિયાની પ્રતિક્રિયામાં મોબાઈલનો કોલ એક ઝાટકે એણે કાપી મૂક્યો. વર્દીના ઉપલા ખિસ્સામાં મોબાઈલ ગોઠવતા એણે એક તીણી નજર બેકમીરરમાં નાખી. દઝાડતી આગ જેવી ગરમીમાં પાછળ આવી ગોઠવાયેલું શરીર આખેઆખું કાળા બુરખામાં લપેટાયેલું હતું. શરીરના અંગોમાંથી ફક્ત બે મોટી મોટી હરણ જેવી સુંદર કાજલધારી આંખો દ્રષ્ટિગોચર થઈ રહી હતી. એ શરીર વિચિત્ર રીતે વર્તન કરી રહ્યું હતું. રિક્ષાના બંને પડખે વારેઘડીએ અહીંથી ત્યાં બહાર તરફ ડોકાઈ એ વાતની નિશ્ચિતતા ચકાસવામાં આવી રહી હતી કે કોઈ પીછો કરનાર રિક્ષા સુધી પહોંચી તો નથી ગયું ? ડ્રાઈવરની અનુભવી છઠ્ઠી ઈન્દ્રિયએ તરત જ દાળમાં કશુંક કાળું હોવાની સંભાવના એના ચહેરાના તણાયેલા હાવભાવોમાં પ્રસરાવી મૂકી. 

" સ્ટેશન. જરા જલ્દી કરજો. "

પાછળની સીટ તરફથી પડઘાયેલા અવાજમાં આદેશ તો હતો. પણ એ આજીજીના લહેકા વડે સંતુલિત થયેલો હતો. લાંબા સમયથી ઉજ્જડ માર્ગ પર ગ્રાહકની ઝલક પામવા અધીરી બનેલી નજરે વેગ આપ્યો હોય એમ તરત જ હાથ વડે મીટર ડાઉન થયું અને બીજી જ ક્ષણે રિક્ષાનું એક્સિલેટર હણહણી ઉઠ્યું. 

સુરક્ષાના નિયમોનું પાલન રોજિંદી ટેવ સમાન થઈ રહ્યું હતું, રિક્ષાના પાછળ લખાયેલા શબ્દો વ્યવહારુ જગતમાં અનુસરાઈ રહ્યા હતા.

 ' ઝડપની મજા, મોતની સજા. '

રિક્ષાની ઝડપ મુસાફરની જિંદગીની પુરેપુરી કદર કરી રહી હતી. 

" જરા ઝડપ વધારોને. "

પાછળ તરફથી બુરખાના કાપડનો સળવળાટ વધુ ઉગ્ર થયો. આ વખતે અવાજમાં ગુંજી રહેલો આદેશ આજીજી પર હાવી થવા માંડ્યો. ધ્યાનબદ્ધ શહેરના રસ્તા પર ચોંટેલી નજર એ બદલાવથી અસરગ્રસ્ત થઈ હોય એમ બેકમીરરમાં શંકાના બીજ જોડે પરત થઈ. પાછળ બેઠું શરીર હજી પણ બંને તરફ નજર ડોકાવતું પાછળ છૂટી રહેલા માર્ગને ચિંતા અને તાણ જોડે ચકાસી રહ્યું હતું. ક્ષણભરના મનોમંથન બાદ એણે રીક્ષા થોડી વધુ ઝડપ જોડે હંકારી. એ જ સમયે બુરખાના આવરણોમાં છૂપાયેલ મોબાઈલ રણકી ઊઠયો. બેકમીરર થકી પાછળની સીટ પરની પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ થઈ રહ્યું. બુરખાના આવરણોમાંથી બહાર નીકળી આવેલો મોબાઈલ સતત એકધારો ગુંજી રહ્યો હતો. એના પડદા પર જડાયેલી મોટી મોટી હરણ જેવી આંખોની કાજલમાં ભય છલોછલ રેડાઈ ગયો હતો. જોતજોતામાં મોબાઈલ રિક્ષાની બહાર ફેંકાઈ ગયો. રિક્ષાને એ જ ઘડીએ બ્રેક લગાડવામાં આવી. 

" જુઓ, મેડમ. મારે કોઈ સમસ્યામાં પડવું નથી. પોલીસના લફરાંઓ મારાથી ન પોસાય. આપ મહેરબાની કરીને અહીં જ ઉતરી જાઓ. "

મક્કમ શબ્દોના પ્રતિઉત્તરમાં પાછળની સીટ પરથી જાણે દાવાનળ ફાટ્યો. 

" આમ અર્ધા માર્ગે તમે મને કઈ રીતે... જો એ અહીં પહોંચી ગયો તો મને અને મારા બાળકને..."

હમણાં સુધી બેકમીરરના આડમાં છૂપાયેલ નજર ગરદન જોડે સીધી પાછળ તરફ ડોકાઈ. રિક્ષામાં ક્યાં કોઈ બાળક હતું ? એ પ્રશ્ન એની મૌન વિફરેલી કીકીઓમાં પડઘાઈ ઉઠ્યો. ડાબી જમણી દિશામાં ફરી વળેલી કીકીઓ આખરે બુરખાના ઢીલા આવરણમાંથી ચૂપચાપ ડોકિયું કરી રહેલા ગર્ભ ઉપર હેરતથી આવી ઠરી અને જાણે એ વણકહી હકીકતના તાણાવાણા મનમાં કોયડા જેમ એક પછી એક ગોઠવાઈ જવા મથી રહ્યા. 

" એને લાગ્યું કે મારા ગર્ભમાં ...આજે જયારે સચ્ચાઈ સામે આવી ત્યારે ... કંઈ પણ થઈ જાય હું મારા બાળકની રક્ષા કરીશ. "

બુરખાની આડમાંથી નીકળી આવેલી છરીની ધાર વર્દીના કોલર નજીક અડોઅડ ગોઠવાઈ ગઈ. હરણ જેવી મોટી મોટી કાજલધારી આંખોમાંથી ફાટી પડેલ ક્રોધાગ્નિથી એ નખશીખ દાઝી ઊઠ્યો. પરિસ્થિતિને સંભાળીને સાચવતા એણે ગરદન ધીમે રહી આગળની દિશામાં ફેરવી લીધી. બેકમીરરની આડ ફરી સુરક્ષીત બની. 

" તમારા આદમીને દીકરો જોઈએ છે તો એમાં..."

હજી વાક્ય આગળ વધે એ પહેલા બુરખાનો સળવળાટ વધુ આગળ ધસી આવેલી છરી જોડે રિક્ષામાં આક્રમક રીતે ગુંજ્યો. ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયેલું શરીર ઠંડુ બરફ અને એની અંદર બહાર થઈ રહેલા શ્વાચ્છોશ્વાસ ઉષ્ણ થઈ ઉઠ્યા.

" આદમી નથી એ મારો. જો આદમી હોત તો..." આગળ વાક્ય વધારવા માટે અનુભૂતિ જગતની ખામી નડી હોય એમ વાક્ય બેદરકારી સાથે અર્ધું જ તરછોડી દેવામાં આવ્યું. 

" એ સાલો ભડવો છે. હરામી દલાલ. "

પાછળની સીટ પરથી ધસેલી અપશબ્દો મઢેલી ભાષાના લહેકા અને ઉચ્ચારણથી આગળની સીટ પર કપાળની કરચલીઓ તંગ થઈ ઊઠી.

" એ હરામીને લાગણીઓ જોડે શી લેવાદેવા ? એને તો ફક્ત પોતાના ફાયદા અને ખોટ સમજાય છે. મારા પેટમાં જો બાળકી હોત તો એ લાળ ટપકાવતો મારી આગળ પાછળ જતન કરતો ફરતો હોત. પણ મારા પેટમાં તો દીકરો છે. એની એને કોઈ જરૂર નથી. એના માટે તો એ નકામા ખર્ચાઓ સિવાય કશું નથી. ફક્ત એક ગોશતનો લોઠડો જેને એ મારા શરીરમાંથી કાઢી નાખવા ઈચ્છે છે. જાનવર સાલો. ખુદને ખુદા સમજે છે. હું વેશ્યા છું. શરીર વેચું છું. આત્મા નહીં. "

બેકમીરરમાંથી ડોકાઈ રહેલી બે આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. એ લોહીની ઝલક ન જીરવાતા ઢળી પડેલી નજર આગળની તરફ ગોઠવાયેલી માં કાળીની નાનકડી મૂર્તિ પર પડી. શરીરના રુંવાડા ઊભાં થઈ ગયા. રોમેરોમ થરથરી ઊઠ્યું. ધ્રુજતા, થરથરતા હાથમાં રીક્ષાનું એક્સિલેટર પકડાયું જ કે પાછળ તરફના માર્ગ પરથી ફટફટી જેવી મોટરસાઈક્લનો ચીંધો અવાજ વાતાવરણને ભેદી રહ્યો. બુરખાનો સળવળાટ ચરમસીમાએ પહોંચ્યો. પાછળ તરફની દિશામાં ડોકાઈ રહેલું શરીર એક ક્ષણ માટે સ્તબ્ધ થયું અને બીજી જ ક્ષણે રિક્ષામાંથી નીચે ઉતરી સામે તરફના માર્ગ ઉપર વાહનવ્યવહાર વચ્ચે માર્ગ બનાવતું દોડી ગયું. પાછળ તરફથી આવેલી મોટરસાયકલ એ જ દિશામાં વળી ગઈ. એ મોટરસાયલકને ચકમો આપતો બુરખો તરત જ માનવ મહેરામણ વચ્ચે આંટીઘૂંટી કરતો દ્રશ્યમાંથી ઓઝલ થઈ ગયો. 

રિક્ષામાં સ્તબ્ધ છૂટેલું શરીર એ દિશામાં અચંભા અને શોકના હાવભાવો જોડે તાકતું જ રહી ગયું. 

એ રાત્રે એક નાનકડી ઓરડીમાં વીજળીના પ્રવાહના અભાવે અંધકાર છવાયેલું હતું. એક ખૂણામાં આખા દિવસના થાકથી નિધાળ થયેલી ખાખી વર્દી ખીંટીંમાં લટકતી પોતાનો થાક ઉતારી રહી હતી. હાથમાં થમાયેલા પંખા વડે વૃદ્ધ હાથ હવાને અહીંથી ત્યાં ફંગોળી જમી રહેલા શરીરને હવાની લહેરખી પહોંચાડવાનો યંત્રગત પ્રયાસ આદરી રહ્યો હતો. ગંજીમાંથી ડોકાઈ રહેલા સુડોળ બાવડાં જમવાની પ્રક્રિયા જોડે ઉપરનીચે કસરત કરી રહ્યા હતા. પાછળ રસોડાના વિસ્તારમાંથી એવા જ હળવાં હળવાં ડૂસકાંઓ સંભળાઈ રહ્યા હતા જેવા બપોરે રિક્ષામાં મોબાઈલમાંથી સંભળાઈ રહ્યા હતા. 

" સવારથી માંડ્યું છે. આવતી કાલે તારા કામ પર જવા પહેલા લઈ જઈશું એને. જાણે નવાઈની આવી છે. એને શું લાગે છે ? મારો એકનો એક દીકરો છે ? તારા પહેલા પણ બબ્બે દીકરીઓ... વડીલો સામે મજાલ કે અમારા કદી ડૂસકાંઓ નીકળ્યા હોય..." વૃદ્ધ હાથમાંનો પંખો હવાને વધુ જોશ વડે ફંગોળવા લાગ્યો. દાંત ભીંસતો વૃદ્ધ ચહેરો રસોડાની દિશામાં ફર્યો અને રસોડામાંથી સંભળાઈ રહેલા ડૂસકાંઓએ વેગ પકડ્યો. 

" એ કશે નહીં જાય."

વૃદ્ધ અવસ્થામાં શ્રવણ ઈન્દ્રિય બરાબર કામ કરી રહી ન હતી એવી શંકાનો સ્પષ્ટ રણકો વૃદ્ધ અવાજમાં ગુંજ્યો. 

" શું ? "

જમવાની પ્રક્રિયા યથાવત રહી. જમણને નીરખી રહેલી યુવાન આંખોમાં દ્રઢતા અને મક્કમતા હતી. એ દ્રઢતા અને મક્કમતાને નિશ્ચિત કરતું ફરીથી એ જ વાક્ય અંધારા ઓરડામાં પુનરાવર્તિત થયું. 

" એ કશે નહીં જાય."

વૃદ્ધ હાથમાંનો પંખો ઝટકા જોડે સ્થગિત થઈ ગયો. 

" તું મરદ થઈ ને ..."

વૃદ્ધ અવાજમાં પ્રવેશેલી તુમાખી જોડે ઉચ્ચારાયેલ 'મરદ' શબ્દ કાનમાં પડતા જ જમવાની ક્રિયા અવરોધાય ગઈ. છંછેડાયેલ અવાજથી આખી ઓરડી ધ્રુજી ઊઠી.  

" હા, મરદ છું એનો. દલાલ નથી. "

વીજળીનો પ્રવાહ અચાનકથી ઓરડીમાં પરત થયો.

સળગી ઉઠેલા બલ્બના પીળા ચકાચોંધ પ્રકાશમાં યુવાનની આંખોમાં ઉતરી આવેલું લોહી વૃદ્વ નજરથી જીરવાયું નહીં. હાથમાંનો પંખો ભોંય પર પટકાયો. પાણીનો લોટો હાથમાં લઈ યુવાન શરીર ઓરડીમાંથી બહાર નીકળી ગયું. પાછળ રસોડામાં ડૂસકાંઓ શીઘ્ર અટકી ગયા. હોઠ પર મીઠા સ્મિત જોડે યુવાન સ્ત્રીનો હાથ પોતાના ગર્ભ ઉપર પ્રેમથી ફરી વળ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Action