Prashant Subhashchandra Salunke

Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Inspirational

પાંચમો આશ્રમ

પાંચમો આશ્રમ

8 mins
147


નિસંતાન એવા દંપતી ધનજીભાઈ અને જસુમાસી ઘરના ઉંબરા પર બેસેલા ત્યાંજ બાજુવાળો કાનજીનો છોકરો મગન આવ્યો. “દાદા અમો ગણપતિનો ફાળો લેવા આવ્યાં છીએ, ફટાફટ ફાળો આપો.”

ધનજીભાઈનો ગુસ્સો સાતમાં આસમાને ગયો “કેટલો ફાળો આપવાનો છે ?”

મગન બોલ્યો “૧૦૦ રૂપિયા”

ધનજીભાઈ બોલ્યા “હટ..... ૧૦૦ રૂપિયા હોતા હોય.. ભાગો અહીંથી”

૭૫ વર્ષના જસુમાસી ધનજીભાઈને બોલ્યા “તમે તો હાવ, ગગુભા જેવા છો... તમારામાં અને એમનામાં પાઈનોય ફેર નહિ ! જસુમાસી એ જાણે ધનજીભાઈની દુખતી નસ દબાવી હોય તેમ એ ગુસ્સે થઈ બોલ્યા “શું કહ્યું.. મારી સરખામણી એ લુચ્ચા, દોઢ ડાહ્યા, ડોહા ગગુભા જોડે કરે છે ? બે રૂપિયા આપવામાં પણ જેનો જીવ બળી જતો એ ડોહા ગગુભા જોડે મારી સરખામણી કરે છે ? ધનજીભાઈ બરાબરના ગિન્નાયેલા હતા એમાં પાછું જસુમાંસીએ બળતામાં ઘી નાખ્યું “તે તમે પણ ૭૮ના ડોહા જ છોને ?”

ધનજીભાઈ બોલ્યા : “બસ બસ હવે બહુ બોલી........

જસુમાસી શાંતિથી બોલ્યા : “ગામના છોકરા તમને ચીડવે છે. જાણો છો શું કહે છે ?

ધનજીભાઈ : એ વાહિયાત છોકરડાઓની વાત મારી સામે ન કર જરાય શિસ્ત એમના મા-બાપે લગાડી નથી. ભૂલો ભલે બીજુબધું મા-બાપને ભૂલશો નહી….આવું દિલથી ગાનાર કોઈ બાળક આ દુનિયામાં કોઈ દેખાશે ? કઈ કહેવા જઈએ તો સામા જવાબો આપે છે.

જસુમાસી : “તે આપે જ ને !”

ધનજીભાઈ : “કેમ ?......કેમ આપે ?”

જસુમાસી : “જુઓ આજના બાળકોને વણમાગી સલાહો ગમતી નથી તો તમે શું કામ આપો છો ?”

ધનજીભાઈ : “તને ખબર છે કાલે પાડોશનો પંકજ ભણવાને બદલે મોબાઈલમાં માથું નાખી બેઠેલો ! આટલો હોશિયાર છે ભણવામાં અવ્વલ આવે છે તે છોકરો આવા વાહિયાત રવાડે ચઢેલો જોઈ મારૂ તો જીવ બળી ગયો મેં કહ્યું બેટા પુસ્તક ખોલી વાંચ તો મને કહે દાદા તમને ખબર ન પડે ! આમ બોલી પાછો મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો જાણે મારી વાતની એના પર કોઈ અસર જ ના થઈ હોય !”

જસુમાસી હસ્યા એથી ધનજીભાઈ અકળાયા અને બોલ્યા “તને તો હસવું આવે જ ને ? ગામના છોકરા તારી આગળ પાછળ જસુમાસી જસુમાસી કરતા ફરે છે તો તું કેમ એમના માટે ભૂંડું બોલે ? આપણા ગામના છોકરાઓ એટલા વાહિયાત છે કે કાલે પેલો હરીશનો છોકરો મને કહે દાદા આ બુટ પહેર્યા છે તે સારા નથી લાગતા. જાઓ જઈને ચંપલ પહેરી આવો. મેં તો ચોપડાવી દીધું કે બેટા તારું કામ કર ભણવામાં ધ્યાન આપ તો એ મારી સામે બબડતો ગયો દાદાને કંઈપણ સમજાવવું મુશ્કેલ છે. બોલ. જસુ કાલના ઈંડામાંથી બહારે નહિ નીકળેલા છોકરા આ ધનજીને શીખવાડશે કે એણે શું પહેરવું અને શું નહિ પહેરવું તે ! એમણે જેટલી પુનમ નથી જોઈ એટલીમે દિવાળી જોઈ છે ! અને આ લોકો મને શીખવાડે છે !” જસુમાસી મુસ્કુરાતા બોલ્યા “એકદમ ગગુભા જેવી વાતો કરો છો ?”

ધનજી : “તને હજી લાગે છે કે હું જ દોષી છું ? સારું કાલે જો આપણો પેલો વિનોદ છે ને ? એના ટેણીયાને મેં કહ્યું કે તારા પપ્પા ક્યાં છે ? તો એ કહે કે પપ્પા મંદિરે ગયા છે. મેં કહ્યું એક જરૂરી કામ છે તારા પપ્પાને મંદિરેથી બોલાવી લાવ તો એને કહ્યું હમણા બોલાવી લાઉં દાદા અને એમ બોલી ઘરમાં ભાગી ગયો ! પછી બહાર આવ્યો નહિ એ તો સારું થયું કે સામેથી વિનોદ આવ્યો અને આવતા જ બોલ્યો શું કામ હતું દાદા ? મેં તો એણે કહી દીધું બેટા તું જે નમ્રતાથી બોલી રહ્યો છે તે અમે તમને આપેલા સંસ્કાર છે. એવા સંસ્કારો બાળકોને આપો તો સારું !”

જસુમાસી : “એમ ? પછી... ?”

ધનજી : “પછી શું ? એકદમ વાહિયાત આજકાલની પેઢી થઈ ગઈ છે જસુ મારૂ તો આ બધું જોઈ લોહી ઉકળી ઉઠે છે ? એ દિવસ મેં બાળકોને કેટલી સરસ વાર્તા કહી તો કહે દાદા તમને વાર્તા કહેતા નથી આવડતી.. બોલો ? મનમાં આવે છે આ લોકોથી દુર પેલા વૃધ્ધાશ્રમાં રહેવા જતો રહું, હવે આપણો વૃદ્ધાશ્રમમાં જવાનો સમય પાકી ગયો છે, પણ તું માનતી નથી અને મારો સાથ કેમ આપે ?

તારી આગળ પાછળ જે બધા દાદી દાદી કરતાં ફરે છે !”

જસુમાસી હસી બોલ્યા “મેં તો બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ -એમ ચાર આશ્રમની જ વાત સાંભળી છે, તેમાં આ પાંચમો વૃદ્ધાશ્રમ કયાંથી આવ્યો ? ચલો છોડો એ વાત... એ કહો તમે વાર્તા કંઈ કહેલી ?”

ધનજી “વાર્તા સારી જ હતી ધીરુભાઈ અંબાણી એ કેવી રીતે ઔધોગિક ક્રાંતિ ભારતમાં લાવી એની વાર્તા કહેતો હતો પણ બાળકો એ શેર બજારનો કિસ્સો સંભાળવું તે પેહેલા જ ઉઠીને જતાં રહ્યા. જસુ ચાલને વૃદ્ધાશ્રમમાં રહેવા જઈએ. ત્યાં બધી જ સુખ-સગવડો હોય છે.”

જસુમાસી હસ્યા અને બોલ્યા “હજી એ ભૂત મનમાં ધૂણે છે નહિ અરે ! પહેલા વૃદ્ધાશ્રમો આપણા જેવા નિ:સહાય લોકો માટે જ બનાવેલા હતાં. પણ આજકાલ ત્યાં પુત્રોથી લાચાર થઈ ત્યાં રહેતા લોકોની સંખ્યામાં વધારો થઈ ગયો છે. એકવખત આપણે તમારા મિત્ર હરજીવનને મળવા ગયા હતા ને જોયેલું ત્યારે, બાપ કરતાં બેટો ચડે અને ગુરુ કરતાં ચેલો ચડે એ કહેવતો તો હવે બહુ જૂની થઈ ગઈ કહેવાય. હવે નવી કહેવત બની ગઈ છે. “સાસુ કરતાં વહુ ચડે અને પુત્ર કરતાં પુત્રવધૂ ચડે.” એક વખતની કોઈની લાડકોડથી ઉછરેલી લાડકવાયી દીકરી પિયરમાંથી પુત્રવધૂ બની સાસરિયામાં પગ મૂકતાંની સાથે જ તેના પતિની અંગત સલાહકાર બની જાય છે. સાસુ-સસરાને આવતાંની સાથે જ ડોસા-ડોસીનાં લેબલ લાગી જાય ભલે માં-બાપ છોકરાઓને સુખી જોવા માંગતા હોય એટલે કશું બોલતા ના હોય પણ તેમના દિલમાં કેટલું દુ:ખ થતું હશે તેની પુત્ર કે પુત્રવધુને શું ખબર. એકવાત કહું ? જુવાનીમાં બીજાના હાથમાં બાળક જોતી ત્યારે મન બહું કચવાતો આત્મા દુખાતી, અંતરાત્મા પોકારી પોકારી કહેતી હે ભગવાન અમે શું પાપ કર્યા છે તે આ દિવસ દેખાડે છે ? હરજીવન જેવા તમારા મિત્રો પણ બાળકો ન હોવાનો જાણે-અજાણે આપણને ટોણો મારતાં પણ એ દિવસે એ જ હરજીવનની હાલત જોઈ મનમાં થયું ભગવાન તારો લાખ લાખ ઉપકાર કે તે અમને આવા દિવસો ન દેખાડવા મને સારા દિવસો ન દેખાડ્યા ! વૃદ્ધાશ્રમમાં રહેતા બીમાર મા-બાપની ખબર પૂછવા માટે પત્નીની રજા લેવી પડે તે પુત્ર શું કામનો ?”

ત્યાંજ બાજુવાળાની ૮ વર્ષની દીકરી મીના આવી બા... બા... મને વાર્તા કહોને ? જસુબેને મીનાને ઉચકી લીધી મારી દીકરીને વાર્તા સાંભળવાની છે ? તો સાંભળ એક શહેરમાંથી ભાગી આવેલ એક પોઓમેરિયન કુતરો બોડ બહાર બેઠો બેઠો નોટબુકમાં કશું લખતો હતો. ત્યાંથી પસાર થતા એક ઊંટે પૂછ્યું, “શું કરો છો ?”

કૂતરાએ જવાબ આપ્યો, “કૂતરાએ ઉંટને કઈ રીતે મારી પાડવો તે અંગે લખું છું.”

ઊંટે કહ્યું, “તારા જેવો કુતરો તે કદી ઉંટને મારી શકે ?”

“વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં” કૂતરાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં કુતરો ઉંટના હાડકાંનો ટુકડો ચાટતો બહાર આવ્યો. થોડી વાર પછી ત્યાંથી વરુ પસાર થયો. કુતરો નોટબુકમાં લખતો હતો. વરુએ પૂછ્યું, “શું કરો છો ?”

કૂતરાએ જવાબ આપ્યો, “કૂતરાએ વરુને કઈ રીતે ખતમ કરવો તે અંગે લખું છું.”

વરુએ કહ્યું, “કુતરો તે કદી વરુને મારી શકે ?”

“વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.” કૂતરાએ આમંત્રણ

આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં કુતરો વરુના હાડકાંનો ટુકડો ચાટતાં બહાર આવ્યો. છેલ્લે એક રીંછ આવ્યું. નોટબુકમાં લખતા કૂતરાને પૂછ્યું, “શું કરો છો ?”

કૂતરાએ જવાબ આપ્યો, “કૂતરાએ રીંછને કઈ રીતે પતાવી દેવો તે અંગે લખું છું.”

રીંછે કહ્યું, “કૂતરાની શી મજાલ કે તે રીંછને પતાવી દઈ શકે ?”

“વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.” કૂતરાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. અંદર એક ડાલામથ્થો સિંહ પંજા ચાટતો બેઠો હતો…. ! ! ખબર પડી બેટા, તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે…. ! !

મીના બોલી “બા મજા આવી ગઈ તમે બહું સરસ વાર્તાઓ કહો છો”

ધનજી અકળાઈને બોલ્યા “આ ધડમાથા વગરની વાર્તામાં તને મજા આવી ? અને એ દિવસે હું તને ધીરુભાઈ અંબાણીની વાર્તા કહેતો હતો તે....”

મીના બોલી “બા.... હું જાઉં છું સ્કુલમાં બધાને આ વાર્તા કહીશ....”

જસુબેન હસતાં હસતાં બોલ્યા “તમારી આ વાતને લીધે જ તમે દુઃખી

દુઃખી થાઓ છો. બાળક જોડે બાળક બનતા શીખો. પરિસ્થિતિ અનુરૂપ બદલતા શીખો જુઓ બધા તમને પ્રેમ કરશે ! યુવાનો ભૂલો કરે છે પણ ક્યારેક કયારેક આપણે વૃદ્ધો પણ આપણું વડપણવાળી કરી એ છીએ.”

ધનજીભાઈ બોલ્યા “એમ તો મેં શું વડપણવાળી કરી ?”

જસુબેન “જુઓને એ દિવસે પંકજ મોબાઈલમાં ભણતો જ હતો. સ્કુલમાંથી પ્રોજેક્ટ આપેલો તે નેટ પર સર્ચ કરીને લખતો હતો. પણ તમે તો એ શું કરે છે એ જાણ્યા સમજ્યા વગર જ એણી ઝાટકણી કરવાની શુરૂઆત કરી તો એ બિચારો કેમ સાંભળી લે ? ધોતી પર કેનવાસના બુટ પહેરો તો ગામડિયા લાગો એટલે હરીશનો છોકરો તમને બુટ ન પહેરવા માટે સલાહ આપતો હતો પણ તમે તો સમજ્યા વિચાર્યા વગર બસ એ મને ક્યાંથી સલાહ આપે ? એ ઘમંડમાં ગરમ થઈ ગયાં. વિનોદનો ટેણીયો તો બિચારો એકદમ ડાહ્યો ડમરો છે એ દિવસે બાપા મંદિરમાં ગયાં છે હમણાં બોલાવી લાઉં એમ કહી એ ઘરમાં પિતાજીને ફોન કરવા એ ઘરમાં ભાગ્યો ! તમારા વખતે ફોન નહોતો એટલે તમે મંદિરમાં બોલાવવા ભાગ્યા હોત ! એટલે જ તરત વિનોદ આવ્યોને ? અને આ નાના નાના બાળકોને તમે ધીરુભાઈની વાતો સાંભળવો તો એને ક્યાંથી ગમે ? તમને ચકા-ચકીની વાર્તા સાંભળવાની ગમેં ? તમે નોકરીમાંથી નિવૃત્ત થયા છો, જિંદગીમાંથી નહિ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ માણો અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ માણો. આનંદમાં રહો. એકાદ મનગમતો શોખ કેળવો. લેખન, વાચન, સંગીત, બાગકામ, ધ્યાન વગેરે અત્યારે જે સ્થિતિ છે તે સર્વશ્રેષ્ઠ છે એવું માની જીવો. આપણા સાથે આથી પણ ખરાબ થઈ શક્યું હોત ! જે નથી થયું તે માટે ભગવાનનો આભાર માનો. સાત્ત્વિક ભોજન લો. ભક્તિ સભર ભજન કરો. અને એડજેસ્ટ એવરીવ્હેર હું તમને ગગુભા કહું છું ખબર છે કેમ ? કારણ ગગુભા પણ સમયને ઓળખી શક્યા નહોતા અને તમે પણ સમય પારખી શકતા નથી જેમ ગગુભા એમના સમયમાં પાઈ પાઈ ઉઘરાવી ગણપતિ કરતાં એટલે એમણે વધતી મોંઘવારી ના હિસાબે ૨ રૂપિયા આપવા જીવ ખચકાતો એમ તમે ૨ રૂપિયામાં ગણપતિ કરતાં તેથી આજે ૧૦૦ રૂપિયા આપતા ખચકાઈ જે ભૂલ માટે ગગુભાને ચીઢવતા એ જ ભૂલ તમે કરી રહ્યા છો એટલે જ તો બધા તમને પણ કંજૂસ કહે છે માટે યાદ રાખો વાતે વાતે ઓછું ન લગાવો, બીજા પાસેની અપેક્ષાઓ ઘટાડો. સંતોષી બનો. ક્રોધ ન કરો. ગુસ્સે થઈ બોલવાનું ઓછું કરો. મૌન ભેગું કરે છે, વાણી વહેંચી દે છે. માગ્યા વગર કોઈને સલાહ ના આપશો. આમંત્રણ વગર કોઈના ઘેર જશો નહિ. ભૂતકાળ વાગોળશો નહિ. આટલું કરશો તો જોજો બધા દાદા દાદા કહેતા કેવા તમારી આગળ પાછળ ફરવા લાગશે અને કાયમ માટે બંધ પડી જશે વૃદ્ધાશ્રમ નામનો આધુનિક પાંચમો આશ્રમ !”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational