STORYMIRROR

jagruti zankhana meera

Inspirational Thriller

4  

jagruti zankhana meera

Inspirational Thriller

ઑથ

ઑથ

4 mins
327

"ડોક્ટર સાહેબ, મહેરબાની કરો. હું હાથ જોડી તમારા પગે પડું છું. મારા દીકરાને એક ખાટલાની સગવડ કરી આપો. હું તો અભાગણી છું. મોરબી હોનારતમાં પતિને ગુમાવી ચૂકી છું. આ એક જ દીકરાનાં આધારે જિંદગીભર શ્વાસ લીધાં છે. વહુને તો કોરોના ભરખી ગયો. હવે આની બે દીકરીઓ અને એક વર્ષનાં દીકરા અને આ વિધવાનો એકમાત્ર સહારો મારો દીકરો છે. એને કંઈ થઈ ગયું તો હું અભણ આ ત્રણ જીવને કેમ કરી સાચવીશ ?"

આટલી સામટી તકલીફો સાંભળવાનો સમય પણ ક્યાં હતો ડો.સુકેતુ પાસે ! પણ તે માજી આજુબાજુનાં લોકોને, વૉર્ડબોયની સૂચનાને, નર્સની અણગમાભરી નજરને અવગણતી બસ રાઉન્ડમાં નીકળેલ ડો.સુકેતુની પાછળ તેનું પગલે-પગલું ગણતી ભાગતી હતી. માસ્કમાંથી એની કાકલૂદી સાથે ગળાયને આવેલી પીડાનો ચેપ આખરે ડો.સુકેતુને લાગ્યો હોય તેમ તે થંભ્યા. પેલી સ્ત્રી સામે જોયું. સારું છે કે માસ્ક નાક અને હાસ્યને ઢાંકે છે. ન તે આંખોનાં આંસુ ઢાંકી શકે કે ન કોઈની લાચારી સાંભળવા ઈશ્વરે આપેલ કાનને ઢાંકીને બહેરા બનાવી શકે છે !

એટલે ડો.સુકેતુને એ સ્ત્રીની કાને પડેલી વિનવણીઓ તેની આંખોથી વહેતા આંસુઓની ભીનાશરૂપે સ્પર્શી ગઈ. બાકી એ તો માણસ માણસને સ્પર્શી ન શકે તે સમય હતો ! ડો.સુકેતુએ સ્ટાફને સૂચના આપી,"આ માજીનાં દીકરા માટે બૅડ નંબર 203ની વ્યવસ્થા કરી દો." પછી માજી તરફ ફરીને કહ્યું, "હું હમણાં ત્યાં પહોંચી તેને જરૂરી ઈંજેક્શન અને દવા તથા ઑક્સિજનની જરૂર પડે તો એ વ્યવસ્થા કરું છું. ભગવાન પર ભરોસો રાખો મા !"

માજી કશું બોલ્યા વગર હાથ જોડી આંખોથી આભાર માની રહ્યાં. એટલામાં શહેરનાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ બ્રિજમોહન શેઠ તેમનાં દીકરાને લઈ હોસ્પિટલ આવી પહોંચ્યાં ! રિસેપ્શન પર જ સ્ટાફે તેમને નમ્રતાથી વિનંતી કરી કે તેમને બીજી કોઈ હોસ્પિટલ લઈ જાય કેમકે આ હોસ્પિટલનો છેલ્લો બૅડ થોડીવાર પહેલાં જ કોઈને અપાઈ ચૂકેલ છે.

શેઠ બ્રિજમોહનનો મિજાજ ગયો પણ તેમને હાલ દરેક હોસ્પિટલની પરિસ્થિતિની ખબર હતી. તેમજ તેનાં દીકરાને ત્રણ દિવસથી તાવ ઉતર્યો ન હતો. તેથી તે ખૂબ પરેશાન હતાં. તેથી એમણે શાંત રહી ડો.સુકેતુને મળવાની ઈચ્છા જાહેર કરી.

ડો.સુકેતુ ત્યારે પેલાં માજીનાં દીકરાને તાવ ઉતારવા જરૂરી દવા તથા રેમેડેસેવિર ઈંજેક્શનનો પહેલો ડોઝ આપી રહ્યાં હતાં. જરૂરી તમામ સારવાર આપ્યાં બાદ તે નીચે પોતાની કેબિનમાં આવ્યાં. બ્રિજમોહન શેઠ શહેરનાં નામાંકિત વ્યક્તિ હોવાથી તેમને ઓળખતાં જ હતાં. ડો.સુકેતુ ધારત તો પેલો બૅડ માજીનાં દીકરાને બદલે બ્રિજમોહન શેઠનાં દીકરાને આપી શકત. કેમકે વીસ મિનિટ પહેલાં જ તેનાં એક ડોક્ટર મિત્રનો એ માટે ફોન આવી ગયેલ કે બ્રિજમોહન શેઠ એનાં દવાખાને આવી રહ્યાં છે. એક ખાલી બૅડ માટે મોઢે માંગ્યા પૈસા મળે તેમ હતાં પણ ડો.સુકેતુનાં કાનમાં પદવીદાન સમારંભ વખતે લીધેલી પ્રતિજ્ઞાનાં શબ્દો ગુંજી રહ્યાં હતાં. તેથી તેમણે પોતાના વ્યવસાયને વફાદાર રહેવું પસંદ કરી બ્રિજમોહન શેઠને નમ્રતાથી તેમનાં દીકરાને બીજે લઈ જવા કહ્યું. તે જાણતો હતો કે તેઓ માટે એ કામ એટલું અઘરું નથી જ્યારે માજી માટે પોતાની ના મતલબ દીકરાની જિંદગીથી હાથ ધોઈ બેસવા જેવી વાત હતી. બ્રિજમોહન શેઠ થોડીવાર ઉગ્ર બન્યાં પણ ડો.સુકેતુએ તેમને શિષ્ટ ભાષામાં સાંત્વન આપી સમય ન બગાડવા સલાહ આપી. 

એટલામાં નર્સ દોડતી આવી અને કહ્યું, "સર, 203 નંબરનાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ છે. આપ ઝડપથી આવો. માજી બહુ રડી રહ્યાં છે બહાર. એ જ સમયે ઘરેથી પત્ની પોતાની તેર વર્ષની દીકરીને લઈને આવી. જેને બે દિવસથી કોરોનાની અસર હતી. હોસ્પિટલમાં ઑક્સિજનનો છેલ્લો બાટલો હતો. પછીનો બાટલો ત્રણ કલાક પછી આવવાનો હતો. 

દીકરીનું ઑક્સિજન લેવલ 92 આસપાસ જઈ રહ્યું હતું. તેને ગમે ત્યારે ઑક્સિજન દેવું પડે એવી સ્થિતિ હતી. પોતાની કેબિનમાં જ રૂટિન ચેકઅપનાં ટેબલ પર તેને સુવડાવી. ગ્લુકોઝ ચડાવવાનું શરૂ કર્યું. પછી ઝડપભેર 203 નંબર પર ગયાં.ઑક્સિજન લેવલ 65 આસપાસ પહોંચી ગયું હતું. માજીનો દીકરો શ્વાસ લેવા વલખતો હતો. છેલ્લી ઑક્સિજન બોટલ ડો.સુકેતુની કસોટી કરી રહી હતી. તેનાં કાનમાં ફરી ગૂંજી ઉઠ્યું, આઈ વિલ પ્રેક્ટિસ મેડીસીન વિથ ઈન્ટરગ્રીટી, હ્યુમનીટી, ઓનેસ્ટી એન્ડ કંપેશન. પછી તરત તેમણે માજીનાં દીકરાને ઑક્સિજન ચઢાવવાની વ્યવસ્થા કરી. ઈશ્વરને પોતાનો કસોટીકાળ ત્રણ કલાક સાચવવા પ્રાર્થના કરી. 

ઝડપથી નીચે આવી ફરી દીકરીનું ઑક્સિજન લેવલ ચેક કર્યુ. એક કલાક પછી તે ડો.સુકેતુની કસોટી કરતું 85 થી નીચે જઈ રહ્યું હતું. પત્નીની આંખોનો સવાલ હજારો જિંદગી બચાવનાર ડોક્ટર પાસે ન હતો. ત્રીજી કલાકે દીકરીનું ઑક્સિજન 76 હતું. તે માંડ શ્વાસ ભરી રહી હતી પણ ઈશ્વરે એક માની કાકલૂદી સાંભળનાર ડોક્ટરને એક પિતા તરીકે હારવા ન દીધાં અને ઑક્સિજન બોટલની સપ્લાય મળી ગઈ. એક ઘરનો આધાર માજીનાં દીકરો સરળતાથી શ્વાસ લઈ રહ્યો હતો. એક ડોક્ટરની વ્યવસાયિક માનવતા તેની દીકરીની સુધરતી તબિયત રૂપે ઝગારા મારી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational