STORYMIRROR

Aarti Garval

Horror Tragedy

4  

Aarti Garval

Horror Tragedy

નવવધુ

નવવધુ

3 mins
412

રાત્રિના લગભગ બાર વાગ્યા છે. જમીને અમે બધા ધાબા પર સુવા આવી ગયા. મને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝીણો તાવ આવતો હતો આથી ડોક્ટરને બતાવ્યું અને રિપોર્ટ કરાવ્યો તો માલુમ થયું કે ટાઈફોઈડની અસર છે. શરૂઆત જ‌ હોવાથી ડોક્ટર એ કહ્યું દવાથી કંટ્રોલમાં આવી જશે. પરંતુ ધીમે ધીમે તાવ વધવા લાગ્યો, હું એકદમ બેચેન થઇ ગયો.

"તાવ અત્યંત વધી રહ્યો છેમાં હવે મારાથી નથી રહેવાતું" - અંતેમાંને જગાવીને કહ્યું

"અરે, તારું શરીર તો ઉકળી રહ્યું છે દિકરા" -‌‌માએ મારું શરીર સ્પર્શ ‌કરતા‌ કહ્યું

મને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.બોટલ અને ઇંજેક્શનથી અડધા કલાકમા તાવ કંટ્રોલમાં આવી ગયો. આ બધામાં રાત્રિના બે વાગી ગયા. ઉંઘ ન આવતી હોવાથી હું રૂમની બહાર ગેલેરીમાં આવ્યો. હોસ્પિટલની આજુબાજુ લીલા લીલા ઝાડ, ઠંડો ઠંડો પવન, ચારે તરફ અંધારું અને શાંતિ છવાયેલી હતી. હવે મેં સહેજ હળવાશ અનુભવી અને ગેલેરીમાં મુકેલા બાંકડા પર બેઠો.

આજુબાજુ નજર ફેરવતાં મારું ધ્યાન મારા રૂમની એકદમ‌ સામે આવેલા રૂમ પર ગયું. દુલ્હનના વસ્ત્રમાં કોઈ નવવધૂ ત્યાં ગેલેરીના બાંકડા પર બેઠી હતી. ઘઉંવર્ણો રંગ, ભરાવદાર શરીર, દેખાવમાં સામાન્ય હતી. તેની આંખોમાં ભીનાશ અને ચહેરા પર ચિંતા સ્પષ્ટ વર્તાય રહી હતી. અને તે ચિંતા જ આટલી રાત્રે ત્યાં બેસવાનું કારણ હોવાનું મેં અનુમાન લગાવ્યું. મારા સામે જોઈને તેણે સ્મિત આપ્યું, સામે મેં પણ સ્મિત આપ્યું. થોડીવારમાં તે ઉભી થઇ અને અંદર જતી રહી. હું પણ ઉંઘ આવતા રૂમમાં જઈને સુઈ ગયો. 

સવારમાં નર્સએ બોટલ ચડાવી, ઇંજેક્શન,દવા વગેરેમાં જ સાંજ થઈ ગઈ. હું સહેજ ફ્રેશ થવા બહારનીકળ્યો, સામેના રૂમ પર નજર કરી પરંતુ તે બંધ હતો. થોડીવાર બેસીને હું અંદર જતો રહ્યો. નર્સએ ફરી બોટલ ચડાવી. મારી આંખ લાગી અને હું સુઈ ગયો. આંખ ખુલી ત્યારે લગભગ રાત્રિનો એક વાગ્યો હતો. હું બહાર જઈને બેઠો. આજુબાજુ જોયું અને સામે આવેલા રૂમ પર જઈને મારી નજર સ્થિર થઈ. ત્યાં કોઈ ન હતું. બે વાગ્યે રૂમનો દરવાજો ખુલ્યો તે નવવધૂ ત્યાં જ જઈને બેઠી. તે મને જોઈ રહી અને હું તેને. કંઈક અજાણ્યું થઈ રહ્યું હોવાનો મને અનુભવ થયો. થોડીવારમાં તે ઉભી થઇ અને અંદર જતી રહી. હું દિવસમાં બવવાર માત્ર તેને જોવા બહાર જતો પરંતુ દિવસ દરમિયાન તે રૂમ બંધ જ રહેતો. બપોરની કાળઝાળ ગરમીને મેં આનું કારણ ગણાવ્યું.

આજે મને હોસ્પિટલમાં ચાર દિવસ થઈ ગયા અને દરરોજ તેને જોવાનીકળવું એ મારો નિત્યક્રમ. ડોક્ટર આવ્યા, ચેકઅપ કરી જણાવ્યું કે હવે હું સ્વસ્થ છું અને બપોર સુધીમાં મને ઘરે જવા રજા આપી. મારું મન બેચેન બની ગયું. તે નવવધૂ વિશે જાણવાની મારી ઈચ્છા તીવ્ર બની ગઈ એટલામાં નર્સ મને દવા આપવા આવ્યા, ઉત્સુકતાથી મેં તેમને પૂછી લીધું.

"આ સામેના રૂમમાં કોને દાખલ કર્યા છે ?" 

આ સવાલ સાંભળીને તેઓ‌ જાણે એકદમ સ્તબ્ધ થઈ ગયા. તેમના હાથ ધ્રુજવા લાગ્યા.

"તમે આવો સવાલ કેમ પુછી રહ્યા છો ?"- સ્વસ્થ થતાં તેમણે પુછ્યું

"અરે એ તો બસ જાણકારી માટે." - મેં કહ્યું 

"તે રૂમ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે.આજથી બે વર્ષ પહેલાં ત્યાં એક નવવધૂને સારવાર માટે લાવવામાં આવી હતી. લગ્ન બાદ તેના સાસરિયાઓએ પરિણીતાને દહેજ માટે માર માર્યો હતો. તેને તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવી હતી પરંતુ અહીં પહોંચતા પહેલા જ મૃત્યુ પામી. ત્યારબાદ ઘણા લોકો એ તેને ત્યાં કોઈ નવવધૂને જોઈ હોવાથી અમે તે રૂમ બંધ કરાવી દીધો. પરંતુ તમે આવો સવાલ કેમ પુછ્યો ?" 

"તેના મૃત્યુનો સમય ?"- મારાથી પુછાય ગયું

"બરાબર તો મને યાદ નથી પરંતુ કદાચ રાત્રિના બે વાગ્યે"- નર્સએ‌ કહ્યું

રજાની રાહ જોયા વિના હું બિલ ભરીને રવાના થયો.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati story from Horror