Nayanaben Shah

Drama

4  

Nayanaben Shah

Drama

નેપથ્યનો અવાજ

નેપથ્યનો અવાજ

5 mins
272


"ઉત્સવ, તું કંઈક તો વિચાર કર કે તું શું કરી રહ્યો છું ? સરકાર પણ સાઈઠ વર્ષે નિવૃત્ત કરે છે. તમને સિત્તેર વર્ષ થયા. આ બધી પૈસાની મોહમાયા શા કામની ? આપણો દીકરો અને એની પત્ની પણ કમાય છે. તમને આટલુું બધુ પેન્શન આવે છે. હજી પણ તમે ખાનગી કંપનીમાં નોકરી કરી આવક વધારે જ જાવ છો ?"

"ઉલ્કા, મને શીખામણ આપવાની કોશિશ કરવાની જરૂર નથી. હું તો વીસ વર્ષનો હતો ત્યારથી ભણવાની સાથે સાથે કમાઉ છું. તારા કયા મોજશોખ મેં પૂરા ના કર્યા ? મેં તો તને રાણીની જેમ રાખી છે. લગ્નને પચાસ વર્ષ થવા આવ્યા મેં તને ક્યારેય કોઈ વાતની ના કહી છે ? "

"ઉલ્કા, તું નોકરી છોડવાની વાત કરે છે પણ પછી આખો દિવસ ઘરમાં બેસીને હું શું કરૂ ?"

"ઉત્સવ બધા ય સાઈઠ વર્ષ પછી ઘેર જ હોય છે. તું તારૂ ગમતું કોઈ કામ કર. "

"મારી સરખામણી તારે બધા જોડે કરવાની જરૂર નથી. બધા બુઢ્ઢાઓ જોડે હું બાગમાં બેસી ટોળટપ્પા મારૂ. રાજકારણની વાતો કે પછી કયા નેતાએ શું કરવું જોઈએ. અથવા તો ચીનની નીતિ કે રશિયા યુક્રેનના યુધ્ધની વાતો. મને એવી કોઈ વાત કરવી કે સાંભળવી ગમતી નથી. "

"તમને ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષમાં રસ છે તો એ વિષે વાંચો. વાર્તાની ચોપડીઓ વાંચો. થો઼ડી સમાજસેવા કરો. કરવાના તો જિંદગીમાં ઘણા કામ છે. "

"જો ઉલ્કા, તારે જે કરવું હોય એ કર મેં તને ક્યારેય કોઈ વાતની ના નથી કહી. તેં થોડા વર્ષો પહેલાં ચારધામ યાત્રા કરવાનું કહ્યું તો પણ પંદર દિવસ રજા લઈને તારી સાથે આવીને તારી ઈચ્છા પુરી કરીને !"

"બિલકુલ સાચીવાત. કોઈ વ્યક્તિ શારિરીક રીતે આપણી જોડે રહે અને માનસિક રીતે ઓફિસમાં હોય એને શું કરવાનું ? તારી ઓફિસમાંથી સતત ફોન આવ્યા કરતાં હતાં. ખરેખર મોબાઈલે માણસને માણસથી દૂર કરી દીધો છે. આટલે દૂર પણ નેટ પકડાતું હતું.

મને લાગતું હતું કે તમે મને ખુશ રાખવા ખાતર જ આવ્યા છો નહીં કે શ્રધ્ધાથી. "

"તારે જે સમજવું હોય તે. સાચી વાત તો એ છે કે તને ખુશ રહેતાં આવડતું નથી. અહીં આવીને તારી ઈચ્છા પુરી થઈ એવું કેમ વિચારતી ન હતી ? હું નોકરી કરૂ છું તો દર મહિને પૈસા પણ આવે છે ને !"

"સાચી વાત, પણ હું પૈસાને શું કરૂ ? બે કબાટો મારા કપડાંથી ભરેલા છે. એ કપડાં પહેરીને ક્યાં જવાનું ? દાગીના પણ એટલા છે. પૈસા તરફની તમારી આસક્તિ છોડીને તમે તમારા માટે કંઈક કરો. "

"ઉત્સવ. . . . . ઉત્સવ. . . . "ઉત્સવના નામની બૂમ સાંભળી ઉલ્કાએ બારણું ખોલ્યું. ત્યાં જ આંગેતુક બોલ્યો, "ઉત્સવ નથી ?"

ઉલ્કા આવનાર વ્યક્તિને જોઈ રહી. બોલી,

"એ તો નોકરી એ ગયા છે. "

"ઓ. . હ. . હજી પણ એ એવોને એવો જ રહ્યો. એની દોડ પૈસા પાછળ જ હોય છે. ઠીક છે એને પૈસાની જરૂર હતી ત્યારે દોડધામ કરી પણ હવે શું ? હું એને મળવા આવ્યો હતો. એ આવે તો કહેજો કે સત્વ તને મળવા આવેલો. આ મારૂ કાર્ડ એમાં મારો ફોન નંબર અને સરનામુ પણ છે. "

ઉલ્કા એ કાર્ડ વાંચ્યું એ કોઈ નાટ્ય દિગદર્શક હતા. સાંજે ઉત્સવ ઘેર આવ્યો કે ઉલ્કાએ કાર્ડ આપ્યું, કે તરત એને સત્વને ફોન જોડ્યો. એની સાથે વાત કરવાને બદલે એને એટલું જ કહ્યું, "મારે તારી કોઈ વાત સાંભળવી નથી. બસ તું અહીં આવી જા આપણે જોડે જમીશું. "

"આ સત્વ કોણ છે ?"

"મારી કોલેજનો મિત્ર. એના નાટકોમાં હું કામ કરતો હતો. "

"લગ્નના આટલા વર્ષોમાં તમે મને ક્યારેય એ વાત ના કરી કે તમને નાટકનો શોખ હતો ?"

"ભાભી, એટલું જ નહીં પણ એને કેટલાય ઈનામો મળેલા છે. પણ એની પૈસા પાછળની દોડે એને એની આવડત, શોખ બધુ જ ભૂલાવી દીધું છે. "સત્વ એ ઘરમાં પ્રવેશતાં જ કહ્યું.

"તો તો તમે જ એમને પાછા નાટક બાજુ વાળો અને નોકરી છોડવાની સલાહ આપો. "ઉલ્કા એક જ શ્વાસે બોલી ગઈ. એના બોલવામાં ઉત્સાહ હતો.

"હા ભાભી હું એટલે જ આવ્યો છું. મારા નાટકમાં એક વૃદ્ધ વ્યક્તિની ભુમિકા છે. એના માટે ઉત્સવ બરાબર યોગ્ય છે. હું એને મનાવવા માટે જ આવ્યો છું. તારૂ સરનામુ હું ઘણા વખતથી શોધતો હતો એવામાં આપણો જુનો મિત્ર મળી ગયો એણે જ તારૂ સરનામુ આપ્યું. "

"જો સત્વ તું આટલા વર્ષે મળ્યો છું તો હું તને ના નહીં કહું. પરંતુ હવે પહેલાં જેટલી યાદશક્તિ નથી રહી કે બધા ડાયલોગ યાદ રહે છતાં પણ હું પુરતી કોશિશ કરીશ. મારે નાટક છોડે પણ પચાસવર્ષ જેવું થવા આવ્યું છે જો કંઈ ભૂલ થશે તો તારી આબરૂ જશે".

"ઉત્સવ, વર્ષેમાં અમુક શોખ કે આવડત વર્ષો સુધી સુષુપ્ત રહ્યા હોય તો પણ વખત આવે તમે વફાદારીપૂર્વક એ કામ કરી જ શકો. "

"આવતાં અઠવાડિયે નાટક છે, `તારા વિરહની વેદના´ એમાં તારે વિલન તરીકે કામ કરવાનું છે. ઓફિસથી છૂટીને પ્રેક્ટીસ માટે આવી જજે. મારે મોડું થાય છે. કાલે આપણે મળીશું. "

અઠવાડિયું તો જોતજોતામાં પુરૂ થઈ ગયું. પણ હજી પણ ઉત્સવ કહેતો, "સત્વ, મને જોઈએ એવો આત્મવિશ્વાસ આવતો નથી. મારી સામે પ્રખ્યાત અભિનેત્રી છે એને લાફો મારતાં મારા હાથ ધ્રુજી જાય છે"

"ઉત્સવ, તું ભુલી જા કે તારી સામે જાણીતી અભિનેત્રી છે તું એવું વિચાર કે તારી સામે તારી દીકરી છે અને એ તારી ઈચ્છા વિરૂધ્ધ જઈ રહી છે. બસ, પછી તારૂ બધુ કામ સરળ થઈ જશે. "પરંતુ એને લાફો માર્યા પછી હું મારા ડાયલોગ ભૂલી જઉં છું. "

"ઉત્સવ એવો વખત નહીં આવે. એવું થશે તો નેપથ્યમાંથી ડાયલોગ તને કહેવામાં આવશે"

ધીરે ધીરે એનામાં આત્મવિશ્વાસ આવતો ગયો. જો કે ઉલ્કાને થતું કે પતિએ વિલનનું પાત્ર કરવું ના જોઈએ. એને એ હૈયાવરાળ એના દીકરા પાસે કાઢી ત્યારે દીકરા એ કહ્યું, "મમ્મી પિક્ચરમાં પ્રાણસાહેબ હંમેશ વિલનનું પાત્ર કરતાં છતાંય એ લોકપ્રિયતાના શિખર પર બિરાજમાન થયેલા. તમે તમારૂ પાત્ર નિષ્ઠાપૂર્વક ભજવો એ જ અગત્યનું છે પછી એ નાટકનું પાત્ર હોય કે જિંદગીનું. "

નાટક પુરૂ થતાં સૌથી વધુ વખાણને પાત્ર બનેલું પાત્ર ઉત્સવનું હતું. એની અદાકારી પાછળ લોકો ઓળઘોળ થઈ ગયેલા.

જો કે ઘેર આવીનેે ઉત્સવે કહ્યું, "ઉલુપી, હું એકાદવાર મારા ડાયલોગ ભૂલી ગયેલો પણ નેપથ્યમાંથી મને સહાયતા મળતી રહી. "

"ઉત્સવ, નાટકને કારણે તમને લોકપ્રિયતા મળી. નેપથ્યના અવાજને તમે અનુસર્યા. તેથી તો તમને સફળતા મળી. પૈસા સિવાય ઘણી પ્રવૃત્તિ એવી છે કે જે તમને આનંદ આપે છે. "

એ દિવસે સાંજે ઘેર આવીને ઉત્સવ બોલ્યો, "ઉલ્કા, મેં નોકરીમાં રાજીનામું આપી દીધું. "

ઉલ્કા ખુશ થતાં બોલી, "ખરેખર ? પણ આટલા વખતથી હું તો તમને કહેતી હતી. . . . "

ઉલ્કાની વાત વચ્ચેથી કાપતા ઉત્સવ બોલ્યો 

"હા, ઉલ્કા પણ આજે મને દિલના નેપથ્ય માંથી અવાજ સંભળાયો, "નોકરી છોડી દે. "

અને બંનેના મધુર હાસ્યથી ઘર ગુંજી ઊઠ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama